અજવાળાનો ઓટોગ્રાફ:ક્યારેક સંકટ અને સમસ્યાઓ જ આપણી સારવાર હોય છે

ડૉ. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિસ્થિતિ કે ઘટનાક્રમ વિશેની અજ્ઞાનતા જ આપણા માટે સૌથી મોટી રાહત છે. આ અજ્ઞાનતાના અવકાશમાં જ શક્યતાઓ, રાહત અને નિરાંત રહેલી છે

મને સુવિચારો બહુ જ ગમે. નિશાળના દિવસોથી જ મને સુવિચારોનું વ્યસન અને વળગણ રહેલું છે. ભણાવવાનું શરૂ કરતાં પહેલાં ક્લાસ-ટીચર બ્લેકબોર્ડ પર દરરોજ એક સુવિચાર લખતા. એ નાનકડું એવું વિધાન મને સ્પર્શી જતું અને એમાં રહેલી ગહન સમજણ મને રોમાંચિત કરી જતી. ધીમે ધીમે એવું બનવા લાગ્યું કે ક્લાસ શરૂ થતાં પહેલાં લખાતા એ સુવિચાર મારા માટે મુખ્ય આકર્ષણ બનતા ગયા. સવાર પડે ને હું બોર્ડ પરના એ સુવિચારની પ્રતીક્ષા કરતો. એ આદત મેં કોલેજના દિવસોમાં પણ જાળવી રાખી. MBBSના પહેલા વર્ષમાં હું જાતે જ જઈને દરરોજ બોર્ડ પર એક સુવિચાર લખી આવતો. પછી એ આદત છૂટી ગઈ. દરરોજનો માત્ર એક સુવિચાર વાંચવાથી આપણી પ્રજ્ઞા, સમજણ અને શાંતિમાં કેટલો વધારો થાય છે એ હકીકત ભુલાઈ ગઈ. વર્ષોના ‘અજ્ઞાનવાસ’ પછી જ્યારે હું પુસ્તકો તરફ પાછો વળ્યો, ત્યારે ફરીથી આ સુવિચારો મારી મદદે આવ્યા. રોજ વિટામિન કે કેલ્શિયમની ગોળીઓ ખાઈએ, એ રીતે છેલ્લાં થોડાં વર્ષોથી હું દરરોજની એક સુવિચારની ગોળી ખાઉં છું. એનાથી મારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. મને અતિશય ગમી ગયેલો એ સુવિચાર ક્યારેક હું મારા ફેસબુક કે ઇન્સ્ટાની ‘સ્ટોરીઝ’માં પણ શેર કરતો હોઉં છું. આજે એવા જ એક અતિપ્રિય સુવિચારની વાત કરવી છે. અમેરિકન મૂળના તિબેટીયન બુદ્ધિસ્ટ સાધ્વી પેમા ચોડ્રોનનું (Pema Chodron) નામ તો તમે કદાચ સાંભળ્યું જ હશે. જેઓ કોઈ આધ્યાત્મિક, આંતરિક કે ‘હીલિંગ જર્ની’ પર નીકળ્યાં હશે, તેઓ સહુ કોઈ તેમનાં નામ અને કામથી પરિચિત હશે. તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. માનસિક અસ્વસ્થતા, આઘાત કે હતાશામાંથી બહાર આવવા માટે તેમનું એક પુસ્તક હું અવારનવાર સૂચવતો રહું છું જેનું નામ છે ‘When things fall apart’. આખું જીવન વેરવિખેર થઈ ગયું છે એવું લાગે ત્યારે આ પુસ્તક વાંચી લેવું. એ જ પેમા ચોડ્રોને લખેલી એક અણમોલ વાત તમારી સાથે શેર કરું છું. પરિસ્થિતિ કે ઘટનાક્રમ વિશેની અજ્ઞાનતા જ આપણા માટે સૌથી મોટી રાહત છે. જીવનમાં જ્યારે કોઈ મોટી નિરાશા હાથ લાગે ત્યારે યાદ રાખવું કે આપણને એ ખબર જ નથી કે આ અંત છે કે શરૂઆત. કદાચ એવું પણ બની શકે કે એ નિરાશા, નિષ્ફળતા કે આઘાત આપણી કોઈ અદ્વિતીય અને અદ્્ભુત મુસાફરી માટેની લીલી ઝંડી હોય. એક મહાન સાહસની શરૂઆત હોય. આપણને ક્યાં ખબર છે? આપણે કશું જ જાણતા નથી. કેટલીક પરિસ્થિતિઓને આપણે સારી કહીએ છીએ, કેટલીકને ખરાબ, પણ હકીકત એ છે કે આપણે જાણતા જ નથી હોતા કે શું સારું છે ને શું ખરાબ. જીવનમાં જ્યારે પણ કશુંક અણધાર્યું, અચાનક કે આઘાતજનક બની જાય ત્યારે આપણી આસપાસ હંમેશાં આ ‘ખબર નથી’ની મોકળાશ રાખવી. ‘Letting there be room for not knowing is the most important thing.’ આ તમે વાંચતા રહો, વાંચતા રહો અને ધીમે ધીમે તમને સમજાશે કે આ વાત કેટલી સત્ય, આરામદાયક અને મુક્તિદાયી છે. કોઈ પરિસ્થિતિ વિશેના આપણા પૂર્વગ્રહો, જજમેન્ટ્સ કે અભિપ્રાય બાંધતી વખતે આપણે એ ભૂલી જ જઈએ છીએ કે આપણે કશું જ નથી જાણતા. એ દરેક વખતે આપણી આસપાસ એક અજ્ઞાનતાનો અવકાશ રાખવો જરૂરી છે. આ અજ્ઞાનતાના અવકાશમાં જ શક્યતાઓ, રાહત અને નિરાંત રહેલી છે. આ જ એ જગ્યા છે જ્યાં આપણું હીલિંગ થાય છે. જીવનની અદ્્ભુત વાસ્તવિકતા સમજાવતા તેઓ કહે છે સમસ્યાના ઉકેલ જેવું કશું જ નથી હોતું. જીવતર ટુકડાઓમાં વિભાજીત થાય છે અને થોડા સમય પછી આપોઆપ એ ટુકડા એકત્ર થઈ જાય છે. જાત અને જીવન વેરવિખેર થતું રહે છે અને પછી આપમેળે ગોઠવાતું રહે છે. વેરવિખેર થયા પછી જીવન આપમેળે ગોઠવાઈ શકે એને એટલી મોકળાશ, અવકાશ અને આઝાદી આપવી એ જ આપણું મુખ્ય કામ છે. ક્યારેક સંકટ અને સમસ્યાઓમાંથી જ આપણું હીલિંગ શરૂ થતું હોય છે. યાતના કે પીડાના આગમનનો અર્થ એ નથી કે આપણે કશુંક અયોગ્ય કર્યું છે અથવા તો આપણને કોઈ સજા મળી રહી છે. એ સંકટ, સમસ્યા, યાતના કે મુશ્કેલી આપણી સારવાર માટેની એક એવી કડવી દવા છે જે લીધા પછી જ આપણે સ્વસ્થ અને ઉન્નત બની શકીએ છીએ. જે પીડા કે સમસ્યા આપણને ‘એન્ડ પોઈન્ટ’ લાગે છે હકીકતમાં એ જ મુકામથી આપણી હીલિંગ-જર્ની શરૂ થતી હોય છે. જો કોઈ ફ્લાઈટમાંથી અચાનક ઉતરી જવું પડે તો એનો અર્થ એટલો જ છે કે બીજી ફ્લાઈટના બોર્ડિંગ એનાઉન્સમેન્ટ સુધી યાતનાનું ‘lay over’ આપણે ભોગવવું પડશે. જીવન-પુસ્તકનું કયું પ્રકરણ સારું છે, કયું ખરાબ છે, કયું પહેલું છે, કયું છેલ્લું છે? આપણે કશું જ નથી જાણતા અને આગળની મુસાફરી વિશેની એ અજ્ઞાનતા જ આપણા માટે આશીર્વાદ છે. આપણે એટલું જ જાણીએ છીએ કે આપણે કશું જ નથી જાણતા. પરિસ્થિતિ વિશે કોઈ નિષ્કર્ષ કે નિર્ણય પર આવતા પહેલાં જીવનના દરેક તબક્કે આ અજ્ઞાનતા યાદ રાખવી.⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...