તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સેંકડોની સંખ્યામાં અખબારો, ટી.વી. ચેનલો અને સોશિયલ મીડિયા મારફતે આપણા ચેતાતંત્ર પર દરરોજ માહિતી-સમાચારોનો મારો થયે રાખે છે. સામાન્ય માનવીને ઘણા પ્રશ્નો ઊભા થતા રહે છે. જેના જવાબો એમને મળતા નથી. રાજકારણથી માંડીને ક્રિકેટ અને બ્યુરોક્રસીથી માંડીને મેડિકલ સાયન્સ... સુધીના વિષયો પર મળતી માહિતીમાંથી ઉદ્્ભવતા કેટલાક સવાલો હંમેશાં મૂંઝવનારા હોય છે. ‘જવાબની રાહ જોતા’ આવા કેટલાક ‘અઘરા’ સવાલો જોઈએ. સીએએ આંદોલનથી માંડીને કૃષિ કાયદા વિરોધના આંદોલન મહિનાઓ સુધી રાજધાની દિલ્હીમાં ચાલુ રહ્યાં. આ લખાય છે ત્યારે દિલ્હીનું કહેવાતું કૃષિ વિધેયક આંદોલન પણ છેવટે હિંસક થયું જ છે. સીએએના વિરોધ પછી તો દિલ્હીમાં કોમી હુલ્લડો પણ ફાટી નિકળ્યાં હતાં. પરિસ્થિતિ આ હદે વણસી હોવા છતાં દેશના ગૃહ મંત્રાલયને એની આગતોરી ખબર શા માટે નહીં પડી? શું પોલીસ ડિપાર્ટમેન્ટનું ઇન્ટેલિજન્સ ખાતું એટલું બધુ નબળું છે? અને જો સરકારને ખબર હતી તો તાત્કાલિક કડક પગલાં શા માટે નહીં લીધા? સરકાર કહી રહી છે કે હવે 8 વર્ષથી જૂનાં વાહનો જેમની પાસે હશે એમના પર ગ્રીન ટેક્સ નાખવામાં આવશે. તો પછી પીયુસીનું નાટક શા માટે? વાહન ધારકો જો પીયુસી નહીં ધરાવતા હોય તો એમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. જો પીયુસી હોય તો એનો મતલબ એમ થાય કે વાહન પ્રદૂષણ કરતું નથી. જો વાહન પ્રદૂષણ ન કરતું હોય અને આઠ વર્ષથી જૂનું હોય તો ગ્રીન ટેક્સ શા માટે? એ જ રીતે ખરેખર તો પીયુસી એક મોટુ તિકડમ્ છે. જો વાહનમાંથી પ્રદૂષિત ધુમાડો નીકળે તો એની જવાબદારી વાહન બનાવનાર કંપનીની ગણાય. જો ઇંધણમાં ગોલમાલ હોય ને પ્રદૂષિત ધુમાડો નીકળે તો જવાબદારી ઇંધણ સપ્લાય કરતી કંપનીની હોય. આમાં વાહન ચાલકનો શું વાંક? આજથી લગભગ ત્રણ દાયકા પહેલાં ક્રિકેટની રમતમાં એક એવો વણલખ્યો નિયમ હતો કે ઓપનિંગ બેટ્સમેન હોય તો એણે ધીમી જ બેટીંગ કરવી જોઇએ. 120 મિનિટમાં 20 રન કરનાર શ્રેષ્ઠ બેટ્સમેન ગણાતો. વિરેન્દ્ર સહેવાગ અને ત્યાર પછી આવનારા આક્રમક ક્રિકેટરોએ આ ખોટો ખ્યાલ બદલી નાખ્યો. વધુ અને ઝડપથી રન કરવા ઓપનર માટે અશક્ય વાત નથી, એ સહેવાગ કે રોહીત શર્મા જેવા બેટ્સમેનોએ પુરવાર કર્યું. આમ છતાં જો કોઈ ઓપનિંગ બેટ્સમેન ઝડપથી રમવા જતા આઉટ થાય તો સુનિલ ગાવસ્કર જેવા વિવચકો એમની ટીકા શા માટે કરતા હશે? ઓટીટી પ્લેટફોર્મ પર આવતી ફિલ્મો કે સીરિયલોમાં ફક્ત હિંદુ દેવી-દેવતાઓની જ મજાક શા માટે ઉડાવવામાં આવે છે? શું એનાથી આવી સીરિયલો કે ફિલ્મોની વ્યૂઅરશિપમાં વધારો થતો હશે? કે પછી ‘નબળો ધણી પત્ની પર સુરો’ની જેમ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાની દાનત હશે? એમ એફ હુસૈન જેવા રંગારાએ સરસ્વતી માતાના નગ્ન ચિત્રો બનાવ્યાં હતાં. બીજા કોઈ ધર્મના શ્રદ્ધાળુઓને દુઃખી નહીં કરવાનો વિચાર જો એમ. એફ. હુસૈનને આવતો હોય તો સરસ્વતી માતાનું નગ્ન ચિત્ર દોર્યું ત્યારે એવો વિચાર નહીં આવ્યો હોય? કોરોનાને કારણે છેલ્લા લગભગ 10 મહિનાથી મુંબઈની લોકલ ટ્રેનો બંધ છે. આખું મુંબઈ ખુલ્લું છે, નોકરી-ધંધા કરનારા લોકોએ બસમાં ક્યાં તો પોતાના વાહનમાં જવું પડે છે, જેને કારણે ભારે ટ્રાફીક જામ થઈ જાય છે. બસમાં ઠસોઠસ પ્રવાસીઓ ભર્યા હોય તો કોરોના નહીં થાય, પરંતુ ટ્રેનમાં વધુ લોકો ભરાતા હોવાથી કોરોનાનો ફેલાવો થાય એવી માન્યતા પાછળનું કોઈ કારણ ખરું? ઉત્તરપ્રદેશમાં દારુબંધી નંખાશે કે નહીં એ બાબતે પૂછવામાં આવતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે લોકોએ શું પીવું એ નક્કી કરવાનો અધિકાર લોકોને છે. ઉત્તરપ્રદેશના લોકો પર આવો કોઈ કાયદો થોપવામાં નહીં આવે. બીજી તરફ એ જ અરસામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી કોઈ પણ સંજોગોમાં હળવી નહીં થાય. આ બંને મુખ્યપ્રધાનો ભારતીય જનતા પક્ષના જ છે. ભાજપના સિદ્ધાંતોને જ વરેલા છે. આમ છતા આટલો મોટો વિચારભેદ શા માટે? એક મીડિયા હાઉસ મારફતે થયેલા સર્વેમાં દેશના શ્રેષ્ઠ મુખ્યપ્રધાન તરીકે યોગી આદિત્યનાથની પસંદગી થઈ છે. આપણા વિજય રૂપાણીને 1થી 10માં પણ સ્થાન નથી મળ્યું. યોગી આદિત્યનાથમાં એવું શું છે જે વિજય રૂપાણીમાં નથી? 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાયેલી કિસાન રેલી દરમિયાન કેટલાકે ટ્રેક્ટરનો ઉપયોગ હથિયાર તરીકે કર્યો હતો. શું ભવિષ્યમાં બીજા આંદોલનકારીઓ પણ પોલીસ પર હુમલો કરવા માટે ટ્રેક્ટર રેલી કાઢીને ટ્રેક્ટરનો હથિયાર તરીકે ઉપયોગ કરશે તો સરકાર એ માટે પરવાનગી આપશે? સૌરવ ગાંગુલી, કપીલ દેવ કે મેરોડોના જેવા રમતવીરો દરરોજ કસરત કરી, ફિટનેસ પર પૂરેપૂરું ધ્યાન આપવા છતાં એમને હાર્ટ એટેક આવ્યા. આ ત્રણેનો શારીરીક બાંધો પણ એક સરખો હતો. આપણે ત્યાં સામાન્ય રીતે એવી છાપ છે કે જેમને શરીરમાં ચરબીનું પ્રમાણ વધુ હોય એ લોકોને જ હૃદયરોગની તકલીફ થાય છે. તો શું આ માન્યતા ખોટી છે? થોડા દિવસો પહેલાં પદ્મ એવોર્ડ વિજેતાઓની યાદી જાહેર થઈ ત્યારે એમાં એકપણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વ્યક્તિને એવોર્ડ આપવામાં આવ્યો નહોતો. આ જાણીને કેટલાકના મનમાં વિચાર આવ્યો કે લતા મંગેશકર કે અમિતાભ બચ્ચન જેવી વ્યક્તિને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય એ સમજી શકાય એવી વાત છે, પરંતુ અભિનય અને લોકપ્રિયતામાં ઝીરો એવા સૈફઅલી ખાનને પદ્મશ્રી એવોર્ડ કઈ રીતે આપવામાં આવ્યો હશે? અને એ કોણે નક્કી કર્યું હશે? ‘તહેલકા’ મેગેઝિનના માલિક તરૂણ તેજપાલ સામે બળાત્કારની ફરિયાદ થઈ ત્યારે થોડા મહિના જેલમાં રહ્યા બાદ માની બીમારીને બહાને બહાર આવી ગયા છે. વર્ષોથી તેઓ જેલની બહાર છે. એમની સામેના બળાત્કારના કેસનું શું થયું એ પણ કોઈને ખબર નથી. એક તરફ આપણે ત્યાં બળાત્કારના કેસો ઝડપથી ચલાવવાની વાત થાય છે, ત્યારે તેજપાલ સામેનો બળાત્કારનો કેસ શા માટે ઝડપથી ચલાવવામાં નથી આવતો? vikramvakil@rediffmail.com
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.