તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૉક્ટરની ડાયરી:સોચા નહીં થા કભી એસે ભી જમાને હોંગે, રોના ભી જરૂરી હોગા ઔર આંસૂ ભી છુપાને હોંગે

ડૉ. શરદ ઠાકર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં એક-દોઢ વર્ષથી વિશ્વભરમાં મહામારીએ આતંક મચાવ્યો છે. મારા એક ગરમ લોહીવાળા મિત્રના માનવા પ્રમાણે આ કોઈ પ્રકૃતિજન્ય મહામારી નથી, પણ ચીન દ્વારા ફેલાવવામાં આવેલું જૈવિક હથિયાર જ છે. ત્રીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે. બાયોલોજિકલ વેપન દ્વારા ચીને જગત આખાની પથારી ફેરવી દીધી છે. મિત્ર તો ત્યાં સુધી કહે છે, ‘આ વાઈરસની દવા કે વેક્સિન શોધવાની જરૂર જ નથી. ચીન બધું જાણે છે. જગતના તમામ દેશોએ ચીન પર હુમલો કરી દેવો જોઈએ અને શી જીન પિંગના લમણા ઉપર રિવોલ્વર મૂકી દઈને કહેવું જોઈએ કે તેં ફેલાવેલા વાઈરસમાંથી બચવાનો ઉપાય બતાવી દે, નહીંતર... યે ઘોડા તેરે ભેજે મેં...’ હાલત એટલી ખરાબ છે કે ગમે તે માણસ ગમે તે રસ્તો સુઝાડે તે સ્વીકારવાનું મન થઈ જાય છે. સૂરતથી મારા ભાઈ ડો. દક્ષેશ ઠાકરનો ફોન આવ્યો. એણે નવી દિશા ઊઘાડી આપી જે ચિંતા ઊપજાવનારી છે. એણે કહ્યું, ‘મોટાભાઈ, વિશ્વભરમાં અત્યારે કોવિડ-19ની બીમારી, ચિહ્નો અને એની કોમ્પ્લિકેશન્સ વિશે ચર્ચા ચાલી રહી છે, પણ કોરોનાની મેડિકલ કોમ્પ્લિકેશન્સ કરતાં વધારે ગંભીર તો એની સામાજિક કોમ્પ્લિકેશન્સ સાબિત થવાની છે.’ દક્ષેશે ઘણી બધી ઘટનાઓ જણાવી, હું એકાદ-બે જ રજૂ કરું છું. એક જાણીતા મોટા શહેરની પ્રાઈવેટ હોસ્પિટલમાં પતિ-પત્ની બંને કોરોનાની ટ્રીટમેન્ટ માટે દાખલ થયાં હતાં. ફાઈવસ્ટાર હોસ્પિટલ હતી, આઈ. સી. યુ.ના ખર્ચાનું મીટર સુપરસોનિક સ્પીડથી ફરતું હતું. બંનેની સ્થિતિ બગડતી ચાલી. વેન્ટિલેટર પર રાખવાં પડ્યાં. બે નાનાં બાળકો ઘરે એકલાં હતાં. ત્રણેક અઠવાડિયાંના જંગ પછી પરાજિત થઈને પહેલાં પતિ અને બે દિવસ બાદ પત્ની મૃત્યુ પામ્યાં. હોસ્પિટલે અઠ્ઠાવીસ લાખનું બિલ માગ્યું. સગાંઓ હતાં, પણ દૂરના હતાં અને પૈસેટકે નબળી સ્થિતિમાં હતાં. કલાકોની મસલતના અંતે હોસ્પિટલના સંચાલકોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો, ‘પૂરું બિલ એકસાથે ચૂકવવાની જરૂર નથી. દર મહિને પચાસ-પચાસ હજારના હપ્તાઓ...’ આ પ્રસ્તાવ કબૂલ કર્યા પછી જ બંનેનાં મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે રજા આપવામાં આવી. મેડિકલ કોમ્પ્લિકેશન પૂરી થઈ, સોશિયલ કોમ્પ્લિકેશન શરૂ થઈ. બે નિર્દોષ ભૂલકાં રાતોરાત અનાથ પણ બની ગયાં અને દેવાદાર પણ. ફ્લેટ, ગાડી, દાગીના વગેરે વેચીને હપ્તાઓ ભરતા રહેશે, પણ એમનાં ખાવા-પીવાનું, ભણતર અને ઉછેરનું શું? આ સ્થિતિમાં કોણ કોને મદદ કરે? બે બાળકોમાં એક તો દીકરી છે. એનું શું થશે એ વિશે તો કલ્પના કરતાં પણ ધ્રૂજી જવાય છે. રાજકોટમાં એક યુવાન, સુખી યુગલ રહેતું હતું. બત્રીસ વર્ષનો પતિ, ત્રીસની પત્ની અને આઠ મહિનાનો દીકરો. પ્રેમલગ્ન હતાં. પુરુષ કોરોનાની ઝપટમાં આવી ગયો. માત્ર પાંચ જ દિવસમાં હટ્ટોકટ્ટો જુવાન ઊડી ગયો. પત્ની અત્યારે તો એના પતિના મૃત્યુ પર રડી રહી છે, પણ એ ક્યાં સુધી રડતી રહેશે? ગ્રેજ્યુએટ થયેલી પણ અત્યાર સુધી હાઉસવાઈફ તરીકે જવાબદારી નિભાવતી રહેલી યુવતી પોતાનાં બાળકને સંભાળે કે અર્થ-ઉપાર્જન માટે બહાર નીકળે? અને પુરુષપ્રધાન સમાજમાં એના જેવી ખૂબસુરત યુવાન, એકલી સ્ત્રી માટે તીર જેવી નજરોથી બચવંુ ક્યાં સુધી શક્ય બનશે? સૌથી સારો અને સલામત રસ્તો પુન:લગ્ન કરી લેવાનો ગણાય. જે યુવતીએ પ્રેમલગ્ન કર્યાં પછી પતિને ગુમાવવો પડ્યો હોય, એના માટે બીજા પુરુષનો સ્વીકાર કરવો એ કેટલું કપરું કામ છે એની જાણ કોરોનાના વાઈરસને હશે ખરી? હતાશાના રણ વચ્ચે પણ ક્યાંક લીલીછમ ઘટના જોવા મળી જાય છે. કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. પ્રફુલ્લ નાયક આવી જ એક ઘટના જણાવે છે. એ જ્યાં સેવા આપે છે તે હોસ્પિટલમાં એક માજીને દાખલ કર્યાં હતાં. પાંસઠ વર્ષનાં દાદીમા બે-ત્રણ કારણોથી દુ:ખી હતાં. એક તો પરિવારનો વિયોગ, ઉપરાંત પોતે કોરોના પોઝિટિવ બન્યાં એ વાતનો અપરાધભાવ અને ત્રીજું મહત્ત્વનું કારણ એ કે ઘરેથી કોઈ ફોન કરીને એમનાં ખબર-અંતર પણ ન પૂછે. માજી હિજરાયાં કરે. જમવાનું પણ લગભગ છોડી દીધું. રાઉન્ડ પર આવેલા ડોક્ટરે પૂછ્યું, ‘બા, કેમ આટલાં ઉદાસ છો?’ દાદીમાએ જવાબ ઊડાવી દીધો- સામે સવાલ કર્યો, ‘સાહેબ, એક વાતનો જવાબ આપો. દરદીને ફોન કરવાથી કોરોનાનો ચેપ લાગે ખરો?’ ડોક્ટર સમજી ગયા. માજીના પતિને કહ્યું, ‘તમે રોજ એક વાર ફોન કરવાનું રાખો.’ દાદાજીએ એ દિવસથી દીકરાનો મોબાઈલ માગીને માજીને ફોન કરવાનું શરૂ કરી દીધું. માજીની સ્થિતિમાં ઝડપથી સુધારો વરતાવા માંડ્યો. ભોજનની થાળી જે અત્યાર સુધી ભરેલી પાછી જતી હતી, એ હવે સફાચટ થવા લાગી. ચહેરા પર નૂર આવી ગયું. તાવ અદૃશ્ય થઈ ગયો. રાઉન્ડના સમયે ડોક્ટરે પૂછ્યું, ‘દાદીમા, સાચું કહો. તમારી ખુશીનું રહસ્ય શું છે? દાદાજીનો ફોન આવ્યો હતો?’ દાદીમા આ ઉંમરે પણ નવોઢાની જેમ શરમાઈ ગયાં. આવી જ એક કોવિડની સારવાર આપતી હોસ્પિટલમાં એક તદ્દન જુદાં જ પ્રકારની ઘટના જાણવા મળી. સતત દિવસ-રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ફરજ બજાવતાં માલતીસિસ્ટર અચાનક આંખોમાં આંસુ સાથે જોવા મળ્યાં. ડોક્ટર નાયક સવારના રાઉન્ડ ઉપર નીકળ્યા હતા. એમને આ જોઈને આશ્ચર્ય થયું. તેઓ જાણતા હતા કે માલતીસિસ્ટર ક્યારેય કોઈ ફરજથી કંટાળતાં ન હતાં. ક્યારેય ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હારતાં ન હતાં. ક્યારેય એમણે પોતાની ફરજમાં કોઈ રાહત માગી ન હતી કે ખોટાં બહાનાં કાઢીને ક્યારેય રજા લીધી ન હતી. એમને એવું તે શું દુ:ખ આવી પડ્યું કે તેમની આંખમાં આંસુ આવી ગયાં. ‘સિસ્ટર, શા માટે રડો છો?’ ડોક્ટરે પૂછ્યું. માલતીસિસ્ટરે પર્સમાંથી ઝડપથી રૂમાલ કાઢીને આંસુ લૂછી કાઢ્યાં. પછી બનાવટી સ્મિત કરીને કહ્યું, ‘નથિંગ સર.’ ડોક્ટરે જ્યારે બહુ જિદ્દ કરી ત્યારે માલતીસિસ્ટરે ખુલાસો કર્યો કે ‘સર, મારા ઘરમાં મારાં પેરેન્ટ્સ છે, ભાઈ-ભાભી છે. એ બધાંને મારી ખૂબ જ ચિંતા થાય છે. તેઓ બધાં મને પહેલા દિવસથી જ ના પાડતાં હતાં કે આવી ભયંકર મહામારીના સમયમાં હોસ્પિટલમાં કામ કરાય નહીં. તું રાજીનામું મૂકી દે. છ મહિના-બાર મહિના ઘરમાં જ રહે પછી ભવિષ્યમાં પાછી નોકરીમાં લાગી જઈશ. હું એમનું કહેવંુ માની નહીં. મેં મારાં બાને સમજાવ્યાં. વધારે જિદ્દ મારાં બા કરતાં હતાં માટે મેં મારાં બાને સમજાવ્યાં કે જેટલી વહાલી હું તમને છું એટલાં જ વહાલાં આ બધા દર્દીઓ તેમના પરિવારજનોને પણ હશે જ. પથારી ઉપર તરફડતાં દર્દીઓને હું રેઢા મૂકીને કેવી રીતે ઘરે રહી શકું?’ આટલું કહીને હું ફરજ ઉપર આવી ગઈ. તે દિવસથી ઘરના તમામ સભ્યોએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. કોઈ મને ફોન પણ કરતા નથી. હું પણ દિવસ-રાત ફરજ બજાવતી હોવાને કારણે વચ્ચેના સમયમાં થોડો સમય રિલેક્સ થવા, ચા-પાણી-નાસ્તો કરવા અને બે ટંક ભોજન માટે હું અહીંયા જ બાજુની હોટલમાં ફાળવેલા એક રૂમમાં રહું છું. એટલે હું ઘરે જતી નથી. મેં કેટલા બધા દિવસોથી મારાં બા, મારા પિતાશ્રી અને બાકીના પરિવારના સભ્યોના ચહેરા જોયા નથી અને એ લોકોને હું ફોન કરું છું તો એ લોકો મારો ફોન રિસિવ પણ કરતા નથી. એટલે આજે મને રડવું આવી ગયું. ડો. નાયકે કહ્યું કે, ‘એમાં શું? લાવો, હું મારા મોબાઈલ ઉપરથી તમારાં બાને ફોન કરું. મને નંબર આપો.’ સિસ્ટર પાસેથી નંબર લઈને ડો. નાયકે માલતીસિસ્ટરનાં બાને ફોન કર્યો. બાએ ફોન રિસિવ કર્યો. તરત જ ડોક્ટરે કહ્યું, ‘ફોન મૂકી ન દેતાં, કાપી ન દેતાં, હું ડો. નાયક બોલું છું. તમારી દીકરી માલતી જ્યાં જોબ કરે છે એ જ હોસ્પિટલમાં હું ડોક્ટર તરીકે ફરજ બજાવું છું.’ પોતાનો પરિચય આપ્યા પછી ડો. નાયકે શાંતિથી, ધીમે-ધીમે સિસ્ટરનાં બાને લાગણીમાં પલાળવાનું શરૂ કર્યું. કોરોનાની મહામારી વિશે સમજ આપી, એનાથી સાવધ રહેવાની જરૂર છે, પણ ડરી જઈને ભાગી જવાની જરૂર નથી એવું કહ્યું. ‘જો બધાં જ ડોક્ટરો અને બધી જ નર્સબહેનો પોતાનો જીવ વહાલો કરીને જો આ રીતે દર્દીઓને છોડીને ચાલ્યાં જાય તો આ દુનિયાનું શું થશે? માનવતા કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? આ બધું શાંતિથી સમજાવ્યું અને પછી કહ્યું, બા, માલતીસિસ્ટરને ક્યારેય ઢીલાં પડેલાં નથી જોયાં, પણ આજે મેં પહેલી વાર એમને રડતાં જોયાં છે. તમારી દીકરી સાથે તમે વાત નહીં કરો?’ આટલું કહી અને ડો. નાયકે મોબાઈલફોન સિસ્ટરના હાથમાં મૂકી દીધો. માલતીસિસ્ટર ફોન ઉપર માત્ર આટલું જ બોલ્યાં, ‘બા...’ અને પછી તો સામસામેના બંને મોબાઈલમાં આંસુઓનું ધોધમાર ચોમાસું વરસી પડ્યું. સુલેહ-શાંતિ થઈ ગઈ. માલતીસિસ્ટરનાં આંસુઓ વરાળ બનીને ઊડી ગયાં અને બમણા ઉત્સાહથી તેમણે કામ શરૂ કરી દીધું. બધે જ આનંદ છવાઈ ગયો. એ મહિનો પૂરો થયો પછી હોસ્પિટલના તમામ ડોક્ટરો અને ક્લાસ-ટુ, થ્રી, ફોરના કર્મચારીઓ આ બધાંની મીટિંગ મળી. દર મહિનાની જેમ આ મહિને પણ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને સન્માનિત કરવાના હતા. આ મહિનાનો એવોર્ડ માલતીસિસ્ટરને આપવામાં આવ્યો. ફ્રન્ટલાઈન વોરિયર્સને જો તેમના પરિવારના સભ્યોનો સહકાર અને હૂંફ મળી રહે તો કેટલું સુંદર કામ થઈ શકે એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. કોરોના તો ગમે ત્યારે જતો રહેશે, પણ આવી કડવી-મીઠી અસંખ્ય ઘટનાઓ છોડી જશે. થોડાંક સ્મિત અને ઘણા બધા ઉઝરડાઓ રહી જશે.⬛ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...