સાંઈ-ફાઈ:સ્માર્ટ શિકારી

સાંઈરામ દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિમાનવની સરખામણીએ આપણે કદાચ ‘સ્માર્ટ શિકારી’ થઈ ગયાં છીએ. શિકાર કરતાં કરતાં આપણે સ્વયં અસંતોષના શિકાર થઈ ગયાં છીએ

શિકાર એ પાષણ યુગથી માનવજાતનો સ્વભાવ છે. સદીઓ પહેલાં આપણા પૂર્વજો જંગલોમાં આદિમાનવની જેમ અલ્પ વસ્ત્રોમાં જીવવા માટે શિકાર કરતા. સમય બદલાયો, ચાર પગો પૂર્વજ બે પગથી હાલતો થયો. અગ્નિ અને પૈડાંની શોધથી તેના જીવનમાં મહત્ત્વની ક્રાંતિ સર્જાઈ પણ શિકારની માનસિકતા માનસપટ પર હજુ અખંડ છે. વિજ્ઞાનની સદીમાં પણ એક પરમાણુ સત્તાવાળું રાષ્ટ્ર નાનાં રાષ્ટ્રોનો શિકાર કરવા તત્પર છે. એક રાજકીય પાર્ટી બીજી પાર્ટીનો શિકાર કરવા તલપાપડ છે. શહેરનો કોઇ શ્રીમંત કંઈ કેટલાંય ગરીબોનો અને તેના અધિકારોનો શિકાર કરવામાં શરમ નથી અનુભવતો. પાષણ યુગથી વાઈ ફાઈ યુગ સુધીમાં શિકારનાં સ્વરૂપો બદલાયાં છે. પહેલાં જે ભાલા અને તીર કામઠાથી વધ કરતો હતો એ હવે મિસાઈલ કે બોંબના એક બટનથી હત્યા કરે છે. વ્હાઈટ કોલર ક્રાઇમમાં તો લોહીનું ટીપું જમીન પર દેખાતું પણ નથી અને માણસ આખેઆખો વેતરાઈ જાય છે. આધુનિક યુગમાં ક્રાઇમનો પ્રકાર બદલાયો છે, પણ વિચાર તો એના એ જ છે. ‘શિ-કાર’ એક એવી કાર છે જેનું ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ કચેરીમાંથી કઢાવવું નથી પડતું. માણસ માત્ર જન્મજાત એ પરવાનો લઈને જ જન્મે છે. ‘મનુષ્ય એક સામાન્ય પ્રાણી છે’ આ વાક્ય ભણાવવામાં ખૂબ આવ્યું છે. કદાચ આ સામાન્યમાંથી અસામાન્ય બનવાની માનવજાતની આપણી દોડ જ આપણા ભૌતિક વિકાસનું કારણ બની છે. હવે એ તો આવનારી સદીઓ જ બતાવશે કે આગામી વર્ષોમાં આ દોડે જ આપણને ડૂબાડ્યાં. દોડવું એ આપણી ફિતરત છે. જંગલમાં હતાં ત્યારે જંગલી પશુઓથી બચવા માટે દોડતાં હતાં. તો અત્યારે કેટલાક સૂટબૂટવાળા ઉદ્યોગપતિઓ કે ખાદીની કોટી કે ટોપીઓથી બચવા દોડી રહ્યાં છીએ. શિકારના નવા નવા નુસખાઓ શોધવામાં આપણને કોઈ પહોંચી શકે તેમ નથી. હવે ટ્વિટર પર ટ્રોલ કરીને પણ આપણે ‘વર્ચ્યુઅલ શિકાર’ કરવા સક્ષમ છીએ. E.V.M.માં ‘નોટા’નું બટન એ તમામ પોલિટિકલ પાર્ટીઓનો શિકાર જ છે ને! જંગલી પશુઓ જંગલમાં સદીઓ પહેલાં કરતાં હતાં એમ જ શિકાર કરી રહ્યાં છે. જ્યારે આપણે બૌદ્ધિક રીતે વિકસ્યાં એટલે ‘શિકારની અવનવી સિસ્ટમ’ ડેવલપ કરી છે. આ તો સિંહ-દીપડા કે ચિત્તાઓની ભાષા આપણને સમજાતી નથી. બાકી જો પ્રાણીઓની ન્યૂઝચેનલ ચાલતી હોત તો એ લોકો અવશ્ય આખી માનવજાતની ખીલ્લી ઉડાવતાં હોત! સિંહ ધરાણા પછી મારણ કરતો નથી. જ્યારે એક માણસ જ કેવો છે જે ધરાતો નથી! નાના નાના શિકાર પર વિજય મેળવીને આખી માનવજાત જાણે અજંપાનો સ્વયં શિકાર થઈ ગઈ છે. અજંપા અને અસંતોષનો અંત કેવી રીતે લાવવો? કરોળિયાની જેમ આપણે જ બનાવેલી રમતના જાળામાં આપણે ફસાઈ ગયાં છીએ. વળી કરુણતા એ છે કે આપણે અટવાયાં છીએ એ પણ 98% લોકોને એ ખ્યાલ નથી. મેં નક્કી કરેલા લક્ષ્ય સુધી પહોંચવામાં મને જે નડે તે તમામ મારા શત્રુ છે. મારી લક્ષ્યપ્રાપ્તિ માટે હું જે કંઈ કાવા-દાવા કરું એ મારો ધર્મ છે. દરેક વ્યક્તિ પાસે પોતે બનાવેલી આવી એકાદ આચાર સંહિતા (અથવા લાચાર સંહિતા) છે. પ્રત્યેક વ્યક્તિની અંદર એક સુપ્રીમ કોર્ટના લેવલનો વકીલ જીવંત હોય છે જે હંમેશાં તેને કોઈપણ કાર્ય પછી સાચો જ સાબિત કરે છે. આ રીતે તો જો ટાઈમ ટ્રાવેલ ટૂલથી કોઈ પત્રકાર ભૂતકાળમાં જઈ આવે અને રાવણ, હિરણાકંસ, લાદેન કે સદ્દામનો ઈન્ટરવ્યૂ કરી આવે તો એ બધાં પોતાની જાતને સાચી જ સાબિત કરી દેશે, કારણ કે ‘હું કદી ખોટો ન હોઉં!’ કારણ કે ‘હું છું ને! એટલે...!’ કેટલાંકને આજીવન દોડ્યા પછી અંતકાળે સમજાઈ પણ જાય છે કે પોતે ખોટું દોડ્યાં છે. અસંતોષ અને અજંપાનો શિકાર થઈ ગયેલી આખી માનવજાતની દવા શું? શરીર પર દેખાય એ રોગની દવા કે વેક્સિન બની શકે પણ દેખાય જ નહીં એ રોગ મટાડે કોણ? વળી, આ રોગના મહત્તમ દર્દીઓને તો ‘આ રોગ છે’ એવું પણ જ્ઞાત નથી. શું કરશો? ક્યાં અટકવું? એ સમજણ નથી માટે આખી દુનિયા ગોટે ચડી ગઈ છે. ત્યારે લોકસાહિત્ય ક્યાંક રસ્તો બતાવે છે. એક નાનકડી વાર્તા અને સવૈયો કદાચ માર્ગદર્શક બને એ હેતુથી અત્રે ટાંકું છું. ‘દસ-બીસ-પચાસ ભયે, શત હોય હજાર યદુ લાખ માગેગી, કોટી અરબ ખરબ મિલે, તૃષ્ના અધકી અતિ આગ લગેગી, સ્વર્ગ પાતાલ કો રાજ મિલે તો ધરાપતિ હોને કી આશ જગેગી, ‘સુંદર’ એક સંતોષ બિના શઠ તેરી તો ભૂખ કબૂ ન ભગેગી.’ પ્રાચીન કવિ સુંદરદાસજીનો આ સવૈયો છે. એક ભિખારી પર ઈશ્વર પ્રસન્ન થયા. પ્રભુ અને ભિખારી વચ્ચે નાનકડો સંવાદ થયો. ‘વત્સ! આજે તું જે માંગે તે હું આપીશ. બોલ’ ‘પ્રભુ! દસ રૂપિયા આપો!’ ‘બસ! માત્ર દસ! હજુ વધુ જોઈએ છે વત્સ?’ ‘હા! પ્રભુ તો વીસ આપો!’ ‘હજુ કાંઈ વધુ? આજે તું માંગે એટલા આપીશ.’ ‘હા, પ્રભુ તો પચાસ, ના...ના...સો...ના...ના... લાખ રૂપિયા આપો.’ ‘વત્સ, લાખ આપ્યા બોલ હવે કાંઈ?’ ‘પ્રભુ, કરોડ આપો...!’ ‘કરોડ આપ્યા. બોલ હજુ કાંઈ જોઈએ?’ ‘પ્રભુ, સ્વર્ગનું રાજ આપો..!’ ‘બસ... એટલું જ...આપ્યુ હવે?’ ‘પ્રભુ, પાતાળનું રાજ આપો..!’ ‘ચલ બેટા...! એ પણ આપ્યું હજુ કોઈ આશા?’ ‘પ્રભુ, સમગ્ર ધરતીનું રાજ આપો...!’ આટલું સાંભળ્યા પછી પ્રભુ ખડખડાટ હસ્યા અને પેલા ભિખારીને કહ્યું કે ‘બેટા, તારી પાસે એક દસની નોટ નહોતી અને તું હવે ધરાપતિ થવાની માંગણી કરે છે. તું દરિદ્રતાને જ લાયક છે. સંતોષ જેવી કોઈ ચીજ તારી પાસે નથી માટે તું ભિખારી હતો એ જ બરાબર છે! તથાસ્તુ પુનઃ ભિખારી ભવ:!’ તમને નથી લાગતું આપણાં સૌની હાલત પણ આ ભિખારી જેવી જ થઈ ગઈ છે. આપણાંમાં સંતોષ નથી એટલે આપણે બસ જન્મોજન્મથી દોડ્યાં જ કરીએ છીએ. કીડી બન્યાં ત્યારે ખાંડ પાછળ, શ્વાન બન્યાં ત્યારે બિલ્લી પાછળ, સિંહ બન્યાં ત્યારે હરણાં પાછળ દોડ્યાં અને માણસ બન્યાં ત્યારે આ બધાં પાછળ...! આદિમાનવની સરખામણીએ આપણે કદાચ ‘સ્માર્ટ શિકારી’ થઈ ગયાં છીએ. શિકાર કરતાં કરતાં આપણે સ્વયં અસંતોષના શિકાર થઈ ગયાં છીએ. સંતોષરૂપી ચાવી તો સદ્્ગ્રંથ કે સદ્્ગુરુની કૃપા થાય તો મળે બાકી તો એક ગીત આપણે સાકાર અને સાર્થક કર્યું છે કે ‘જવાની જાનેમન હસીન દિલરૂબા, મિલે દો દિલ જવાં નિસાર હો ગયા, શિકારી ખુદ યહાં શિકાર હો ગયા, યે ક્યા સિતમ હુઆ, યે ક્યા જુલમ હુઆ, યે ક્યા ગજબ હુઆ, યે કૈસે કબ હુઆ, ન જાનૂઁ મૈં ન જાને વો, આહા!’ ગીતના શબ્દો કેટલા સચોટ? પરિસ્થિતિને કેટલા અનુરૂપ? મૂકો હવે! સૌ સૌના શિકારે ચડવાનું ટાણુ થઈ ગયું છે. વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.{ sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...