જેઠ મહિનામાં કાંકીડાની ફાટ્ય બહુ વધે. આવો જ એક કાંકીડો ફાટીને ધૂમાડે ગ્યો છે. કોઈને જવાબ દેતો નથી. આ માથાભારે કાંકીડાની ઘરવાળી કાંકીડીય લટકમટક લટકાં કરતી ફરવા નીકળી છે. નદીના કેડાની વચમાં જઈને બેઠી. થોડીક વાર થઈ. જંગલ કોર્યથી એક હાથી હાલ્યો આવે છે. રસ્તામાં કાંકીડીને જોઈ. કાંકીડીએ હાથીને જોયો, પણ મારગમાંથી હટી નહીં. ‘એય, કાંકીડી! આઘી ખસ્ય, નકર મારો પગ પડશે તો ચેપાઈ જાશ!’ ‘એલા એય, હાથીડા! મને ધમકી આપ છ? મને ઓળખ છ?’ ‘હા, ઓળખું. તું કાંકીડી!’ ‘તું મારા ધણીની ઝપટે કોઈ દી ચડ્યો નથી લાગતો! ઈ આવશે તો તને ભાગવું ભારે થઈ પડશે!’ ‘એમ?તો બોલાવ્ય તારા ધણીને!’ ‘ઊભો રે’જે હો! ભાગતો નહીં!’ કાંકીડી તો ઊપડી. સાદ કર્યો, ‘ઊઠો ઊઠો, મારા દેવંગી રાજા!’ ‘બોલો બોલો, મારાં ગોરાંદે પાતળાં!’ ‘હાથીડાએ અમને કવેણ કીધાં, એનો સંહાર કરો, સ્વામીનાથ!’ કરોધમાં બંબોળ થઈને કાંકીડાએ દોટ દીધી. હાથીની સામે જઈને પડકાર કર્યો: ‘એય હાથિયા! તેં મારી પટરાણીનું અપમાન કર્યું છે, હું તને નહીં મેલું! આ જ તો લડી જ લેવું છે...સાવધાન!’ હાથી વિચાર કરે છે કે આ જેઠ મહિનાનું ફાટેલું કાંકીડું મારી સામું થાય છે. હમણાં મસળી નાખું. યુદ્ધ મંડાણું. ધીંગાણાના ઢોલ વાગ્યા. હાથીએ સૂંઢ પછાડી. કાંકીડે ‘આક્રમણ’ના નાદ સાથે ગડગડતી દોટ મૂકી. ભોંયને અડતી હાથીની સૂંઢમાં કાંકીડો ઘૂસી ગ્યો. મંડ્યો બટકાં ભરવા. હાથીને પારાવાર પીડા થાય છે. ચીસો નાખે છે. ‘કાંકીડા! ભાઈ, મને માફ કર. બહાર નીકળ!’ કાંકીડો માનતો નથી. હાથી લાચાર પડ્યો છે. એટલામાં ત્યાંથી એક કીડી નીકળી. હાથીની આંખમાં આંસુ જોયાં. ‘કીડીબેન! મને બચાવ!’ કીડીને દયા આવી. કીડીઓની આખી સેના હાથીની સૂંઢમાં થઈને ભેજામાં ગઈ ને કાંકીડાને ચોંટી પડી. થોડીક વારમાં તો શેરડીના છોતા જેવો કરીને ઢસડીને બહાર ખેંચી લાવી. ક્યાં કીડી ને ક્યાં હાથી! પણ હાથીનો જીવ કીડીએ બચાવ્યો!⬛
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.