ક્રાઈમ ઝોન:બેડરૂમ ખોદતા મળી આવ્યાં મમ્મી અને દીકરીનાં હાડપિંજર

પ્રફુલ શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2015માં બંનેએ મંદિરમાં લગ્ન કર્યાં. બહુ જલદી અમિતનું અસલી સ્વરૂપ સામે આવ્યું. એ અમિતનું સાચું નામ શમશાદ હતું

પરોઢિયે ચાર વાગ્યે નીકળી પોલીસ ટીમ. મોટા મકાનના બેડરૂમની ફર્શ પર કોદાળી ઝીંકાવા માંડી. માહિતી અને ધારણા છતાં ખોદકામમાં જે મળ્યું એ જોઈને આંખ પહોળી થઈ ગઈ. બે હાડપિંજરના ટુકડા વેરવિખેર પડ્યા હતા. બંનેનો સંબંધ મા-દીકરીનો. પ્રિયા અને કશિશ. ઉત્તર પ્રદેશના મેરઠ સ્થિત પરતાપુરના ગામ ભૂડબરાલમાં મળેલાં હાડપિંજર બોલી શકતાં હોત તો આપવીતી સાંભળીને માનવતાને ડૂસકું આવી ગયું હોત. * * * 2012માં છૂટાછેડા બાદ પ્રિયા ગાઝિયાબાદના મોદીનગરમાં રહે. જીવનનું સર્વસ્વ બની વ્હાલસોયી કશિશ. પોતાનાથી વધુ ફિકર કશિશની. બ્યુટીપાર્લરમાં નોકરીથી ગુજરાન ચલાવે. નવીસવી ફ્રેન્ડ ચંચલ ચૌધરી એકમાત્ર સપોર્ટ. નોકરીએ જાય ત્યારે કશિશને ચંચલને ઘરે મૂકી દે. પરાણે વ્હાલી લાગે એવી કશિશે નામના અર્થ પ્રમાણે સૌને પોતાના ભણી આકર્ષી લીધાં અને ચંચલ સાથે પ્રિયા બધું એટલે બધું જ શેર કરે. 2012માં અમિત ગુર્જર સાથે ફેસબુક પર દોસ્તી થઈ. અમિત વિશ્વાસ જીતતો ગયો. પોતાનાં સપનાંની વાતો કહેવા માંડ્યો. પ્રિયાને પ્રેમમાં પડતા વાર ન લાગી. અમિતે પ્રિયાને વચન આપ્યું કે નોકરી છોડીને તને પોતાનું પાર્લર શરૂ કરાવી દઈશ. અમિત પ્રિયા સાથે મંદિર જાય. કડવા ચોથનો ઉપવાસ કરે. શોપિંગ કરવા લઈ જાય ને રેસ્ટોરાંમાં પણ. 2015માં બંનેએ મંદિરમાં લગ્ન કર્યાં. બહુ જલદી અમિતનું અસલી સ્વરૂપ સામે આવ્યું. એ અમિતનું સાચું નામ શમશાદ હતું. પ્રેમનો વરખ ઝડપભેર ઉતરવા માંડ્યો. મારપીટ, શોષણ અને અત્યાચાર શરૂ. નાની વાત પર રોકટોક. નોકરી કરનારી તો પ્રોસ્ટિટ્યૂટ ગણાય. દોજખમાં કળણમાં ઉતરવા છતાં પ્રિયાને આશા કે સંબધ સુધરશે. બીજી તરફ શમશાદની ફતવાબાજી વધી. ઘરમાં મંદિર ન જોઈએ, સાંઈબાબાની ભક્તિ છોડ, નમાજ શીખ, કશિશનું નામ બદલી નાખ. ધર્માંતર કરી લે. પ્રિયા એક એક ઘટના ચંચલને કહે. ન રહેવાયું ત્યારે ચંચલે શમશાદને સમજાવ્યો. શરૂઆતમાં રડીને માફી માગે ને ફરી એવું ન કરવાનું વચન. પછી અભી બોલા અભી ફોક કરીને વધુ દમન. ચંચલ પ્રિયાને ઉશ્કેરતી હોય એવું લાગવા માંડ્યું. ઓળખ છુપાવવા શમશાદ ભાડાના ઘર બદલતો રહે. આથી પ્રિયા-કશિશને પારાવાર તકલીફ. અંતે શમશાદ પોતાના વતન ભૂડબરાલ ગયો. જૂનું પણ મોટી હવેલી જેવું મકાન. એ રોજ ફ્રેન્ડ્સને બોલાવે, જેનાથી પ્રિયાની કનડગત વધે. પ્રિયાને અસલામતી લાગે તો મોઢું તોડી લે: મારું ઘર છે જેને બોલાવવા હોય એને બોલાવું. પ્રિયા પર નવી સુનામી ત્રાટકી. શમશાદ પરણેલો છે અને ત્રણ સંતાન છે. બહુ જલદી બિહારથી આયેશા ઉર્ફે સોની આવી. પતિનું પોતીકું ઘર હોવા છતાં એ ભાડાના મકાનમાં રહે એ વાત ગળે ઉતરતી નહોતી. હવે પ્રિયા અને આયેશા વચ્ચે કકળાટ શરૂ. કામકાજ, રોકડાં અને પ્રોપર્ટી સહિતનો મુદ્દો ગમે તે હોય પણ પરિણામ ઘર્ષણ. લોકડાઉન બાદ તો શમશાદે કાળો કેર વર્તાવ્યો. 2020ની 28મી માર્ચથી ચંચલનું ટેન્શન વધવા માંડ્યું. પ્રિયાનો ફોન જ ન લાગે, સતત સ્વીચ ઓફ મળે. નાછૂટકે ચંચલે શમશાદને ફોન કર્યો, તો જવાબ મળ્યો કે બહારગામ છું, પછી ફોન કરીશ, પણ એવું ન બન્યું. ફરી ચંચલે શમશાદને ફોન કર્યો તો સાંભળવા મળ્યું કે પ્રિયા ભયંકર ગુસ્સામાં છે, કોઈ સાથે વાત કરવી નથી. ઈમર્જન્સી માટે પ્રિયાએ પાડોશીના ફોન નંબર ચંચલને આપી રાખ્યા હતા. આવા પાડોશીમિત્ર ફોન લઈને શમશાદ પાસે પહોંચ્યા તો એ સ્તબ્ધ થઈ ગયો. માંડ જાતને સંભાળીને તેણે ચંચલને આંચકો આપ્યો: ‘મને છરી મારીને પ્રિયા બધા રૂપિયા લઈને ભાગી ગઈ છે.’ ચંચલે વળતો સવાલ કર્યો, ‘તેણે આટલું બધું કર્યું છતાં તું શાંત, સ્વસ્થ છે?’ આ સાંભળીને શમશાદ વિફર્યો : ‘તારા કરતૂત છે બધા. તું એને ચાવી મારે છે. હું તને ઉઘાડી પાડ્યા વગર નહીં રહું.’ શમશાદે ફોન કટ કરીને ચંચલને ખાતરી કરાવી દીધી કે પ્રિયા સાથે કંઈક અજુગતું થયું છે. ચંચલે 15મી એપ્રિલે પોલીસમાં ફરિયાદ નોંધાવી પણ કંઈ ન ઉપજ્યું. તેણે યથાસંભવ બધા રસ્તા અજમાવ્યા. પોલીસે હરકતમાં આવવું પડ્યું. શમશાદને પૂછપરછ થઈ તો ઉડાઉ જવાબ આપવા માંડ્યો. પોલીસની આંખનો લાલ રંગ એના શરીર ઉપર ટ્રાન્સફર થયો એટલે જીભ ચાલવા માંડી. 28મી માર્ચે રાત્રે ત્રણ લાખ રૂપિયા વિશે વિવાદ જામ્યો. મકાન દીકરીના નામે કરવાનો પ્રિયાનો આગ્રહ. દશેક વાગ્યે પ્રિયા શાક સમારતી હતી, ત્યારે શમશાદે એના પર હુમલો કર્યો. આમાં શમશાદના હાથ પર છરી વાગી ગઈ. આવેશમાં શમશાદે એનું ગળું દબાવી દીધું. એ ગૂંગળામણથી મરી ગઈ પછી પણ છરીના ઘા મારતો રહ્યો. શબને બેડરૂમમાં રાખીને હાથ પર ટાંકા મરાવી લીધા. પાછા આવીને તકિયાથી કશિશને પતાવી નાખી. બેડરૂમમાં આઠ ફૂટ ઊંચો ખાડો ખોદીને બંનેની લાશ ફગાવી. લાશ જલદી સુકાઈ જાય એટલે મીઠાના વીસ પેકેટ ખાલી કરીને ઉપર પ્લાસ્ટર કર્યું. જે ઢીંગલી ડેડી ડેડી કરતી હતી એની હત્યા કરવામાં જરાય સંકોચ ન થયો. માર્ચ 2020માં કમોતે માર્યા ગયેલાં પ્રિયા-ચંચલની દર્દનાક દાસ્તાં કાયમ માટે સમય-સંદૂકમાં દફન થઈ ગઈ હોત જો ચંચલ ચૌધરીએ સત્ય સુધી પહોંચીને દોસ્તી નિભાવવાની જીદ ન કરી હોત. આ મર્ડર કેસે લવ-જિહાદ તરીકે ખૂબ ચકચાર જગાવી. {prafulshah1@gmail.com

અન્ય સમાચારો પણ છે...