દીવાન-એ-ખાસ:બળાત્કારના ખોટા કેસ કરનારી સ્ત્રીઓને માફ કરી દેવી જોઈએ?

વિક્રમ વકીલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોટો કેસ કરનાર સામે કઠોર પગલાં લેવામાં નહીં આવે તો સમાજમાં અંધાધૂંધી ફેલાશે

રાજસ્થાન મહિલા આયોગનાં અધ્યક્ષ રેહાના રિયાઝએ હમણાં એક અભૂતપૂર્વ નિર્ણય લીધો. જોકે અપેક્ષિત રીતે જ કેટલાક વેસ્ટેડ ઇન્ટ્રેસ્ટ ધરાવતાં તત્ત્વોએ આ યોગ્ય નિર્ણયનો એટલો વિરોધ કર્યો કે રેહાના રિયાઝે પારોઠનાં પગલાં ભરવા પડ્યાં. રેહાના રિયાઝે રાજસ્થાનમાં ખોટી ફરિયાદોના 60 જેટલા કિસ્સાઓમાં આઇપીસીની કલમ 182 અને 211 હેઠળ ખોટી ફરિયાદ કરનાર મહિલાઓ સામે કામ ચલાવવાની સૂચના આપી હતી. રેહાના રિયાઝના ધ્યાનમાં આવ્યું હતું કે કેટલાક પુરુષોને ફસાવવા માટે કે સાસરિયાઓને બ્લેકમેલ કરવા માટે કેટલાક કિસ્સાઓમાં બળાત્કાર અને દહેજ માગવાની ખોટી ફરિયાદો થઈ રહી છે. આ એક સંવેદનશીલ વિષય છે. સ્ત્રીઓ પર બળાત્કાર થાય કે એમનું શારીરિક કે માનસિક શોષણ થાય તો એમ કરનાર પુરુષને કડકમાં કડક સજા થવી જ જોઈએ. જોકે છેલ્લા કેટલાક સમયથી જોવામાં આવ્યું છે કે કેટલીક સ્ત્રીઓ ફક્ત સ્ત્રી હોવાનો ફાયદો ઊઠાવીને પુરુષો કે ઇવન બીજી સ્ત્રીઓ સામે પણ કેટલીક કલમો હેઠળ ખોટી ફરિયાદો કરે છે. મહિલા આયોગનાં અધ્યક્ષ રેહાનાના ધ્યાન પર આવ્યું હતું કે છેલ્લા નવ મહિનામાં મહિલાઓનાં શોષણના જે 900 કેસ નોંધાયા હતા એમાંથી 450 જેટલા કેસો બોગસ નીકળ્યા હતા. થોડા દિવસો પહેલાં લગભગ દરેક અખબારોમાં પહેલે પાને સમાચાર છપાયા હતા કે ગાઝિયાબાદમાં સામુહિક બળાત્કારની એક ઘટના બની છે. દિલ્હીના નિર્ભયાકાંડ જેટલો જ આ ગંભીર કિસ્સો છે. એક સ્ત્રીને ઊઠાવી જઈ એના પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો અને એના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડના સળિયા પણ નાખવામાં આવ્યા. આ ઘટનાની પોલીસે તપાસ ચાલુ કરી. ગણતરીના કલાકોમાં જ ખબર પડી ગઈ કે ફરિયાદ કરનાર મહિલા પર કોઈ બળાત્કાર થયો નથી અને એ શારીરિક રીતે પણ સંપૂર્ણ સ્વસ્થ છે. છેવટની તપાસમાં એવું તથ્ય સામે આવ્યું કે કહેવાતા આરોપીઓ સાથે મહિલાને મિલકત સંબંધી ઝઘડો ચાલતો હતો. આ વિવાદને કારણે મહિલાએ પુરુષોને ફસાવી દેવા સામુહિક બળાત્કારની ખોટી ફરિયાદ દાખલ કરી હતી. આ તો ઠીક છે કે પોલીસે તટસ્થતાથી તપાસ કરીને સત્ય શોધી નાંખ્યું. આમ છતાં દિવસો સુધી ખોટા કેસમાં ફસાયેલા પુરુષો અને એમના નજીકની મહિલાઓ પર કેવું વીત્યું હશે! નવાઇની વાત એ છે કે બળાત્કારની ખોટી ફરિયાદ કરનાર સામે હજી સુધી કોઈ પગલાં લેવાયાં નથી! થોડાં વર્ષો પહેલાં સુરતમાં પણ કંઈક આવો જ બનાવ બન્યો હતો. એક માનસિક રીતે અસ્વસ્થ પરિણીત મહિલાએ લઘુમતી કોમના કેટલાક યુવાનો સામે એવી ફરિયાદ નોંધાવી હતી કે એ બધાએ એના પર સામુહિક બળાત્કાર કર્યો છે. ચારે તરફ ચકચાર મચી ગઈ. જેમની સામે ફરિયાદ થઈ હતી એ તમામને પોલીસે પકડી લીધા. જોકે, ત્યાર પછી ઊંડી તપાસ કરતા સુરતના તત્કાલીન પોલીસ અધિકારીને લાગ્યું કે દાળમાં કંઈક કાળું છે. એમણે મહિલાને એકલી બેસાડીને પૂછપરછ શરૂ કરી. સુરતના એક મનોચિકિત્સકને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા. છેવટે સ્પષ્ટ થયું કે ફરિયાદ કરનાર મહિલા કોઈક વિચિત્ર માનસિક બીમારીથી પીડાતી હતી અને એણે કરેલી ફરિયાદ ખોટી હતી. પકડાયેલા યુવાનોનો માંડ માંડ છૂટકારો થયો! દરરોજ બળાત્કારના સાચા કિસ્સાઓ બનતા રહે છે. આવા કિસ્સાઓમાં પોક્સો એક્ટ હેઠળ પણ કાર્યવાહી થાય છે અને થવી જ જોઈએ. પરંતુ ફક્ત પુરુષ સાથે અણબનાવ થતા બળાત્કારનો ખોટો કેસ ઊપજાવી કાઢવામાં આવે ત્યારે જો આવો ખોટો કેસ કરનાર સામે કઠોર પગલાં લેવામાં નહીં આવે તો સમાજમાં અંધાધૂંધી વ્યાપી જશે અને સૌથી વધુ નુકસાન બળાત્કારનો ખરેખર ભોગ બનેલી મહિલાઓને જ થશે. વર્ષો સુધી પુરુષ સાથે પોતાની મરજીથી શરીર સંબંધ બાધતી કેટલીક પુખ્ત વયની મહિલાઓ પણ કાયદાનો દુરુપયોગ કરીને જ્યારે કોઈ પુરુષને ફસાવે છે ત્યારે સૌથી વધુ માનસિક અને શારીરિક ત્રાસ એ પુરુષની માતા અને બહેનોને થતો હોય છે. એ વાત પણ ભૂલવી જોઈએ નહીં!⬛ vikramvakil rediffmail.com

અન્ય સમાચારો પણ છે...