રેડસીર ફર્મના એક રિસર્ચ પ્રમાણે વર્ષ 2024 સુધી વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 18 લાખની આસપાસ હશે. 2020ની સરખામણીમાં 2021માં પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે. બીજી તરફ કેમ્બ્રિજ ઇન્ટરનેશનલના એક સર્વે પ્રમણે 84 ટકા વિદ્યાર્થીઓના પસંદગીનાં ડેસ્ટિનેશન અને યુનિવર્સિટીમાં ફેરફાર થયો છે. કોવિડના નિયમોના કારણે મોટાભાગના દેશોમાં પરિસ્થિતિમાં ફેરફાર થયો છે. કેટલાક દેશોમાં એજ્યુકેશન ફીમાં ઘટાડો થયો છે, તો કેટલાક દેશોની એજ્યુકેશન ફી વધી છે. યુકેમાં હવે વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી બે વર્ષ સુધી નોકરી કરી શકે છે, તો કેટલાક દેશોએ અભ્યાસ પછી નોકરી પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિદ્યાર્થીઓની પસંદ બદલાઇ છે એની પાછળ આર્થિક કારણો પણ જવાબદાર હોઇ શકે છે. જો તમે પણ ફોરેન ભણવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો નવા નિયમોને ધ્યાનમાં રાખીને ફરીથી રિસર્ચ કરી લેવું જોઇએ.
વિદેશમાં અભ્યાસ કરવા માટે વિષયની યોગ્ય પસંદગી બહુ જ મહત્ત્વની છે. યુનિવર્સિટી રેન્કિંગ અને સ્કોલરશિપ સિવાય વિષયની પસંદગી પર પણ ધ્યાન આપો. એઆઇ/એમએલ, ડેટા વિજ્ઞાન જેવા વિષયની ડિમાન્ડ વધી છે. એક્સપર્ટના મત પ્રમાણે સારા વિષયની પસંદગી, યુનિવર્સિટી રેન્કિંગ તેમજ સ્કોલરશિપ જેવા મહત્ત્વના મુદ્દાઓને કારણે કેનેડાની પસંદગી કરવાથી વધારે યોગ્ય વિકલ્પ મળી શકે છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થી આપશે સાચી સલાહ ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સી પાસેથી કોઈ પણ પ્રકારની સલાહ લેવાને બદલે જે દેશ કે યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરવા ઇચ્છતા હો એના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી લિંક્ડઇન જેવાં પ્લેટફોર્મ પર સલાહ લો. ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સી અભ્યાસની ગુણવત્તાના આધારે યુનિવર્સિટીની ભલામણ નથી કરતી પણ એ શિક્ષણ સંસ્થાનો વિકલ્પ આપે છે, જે એને કમિશન આપે છે.
સ્કોલરશિપને ધ્યાનમાં રાખીને કરો પસંદગી એવા અનેક વિદ્યાર્થીઓ છે, જે એકથી વધારે યુનિવર્સિટીની પસંદગી કરે છે. તેમને ક્યારેક તમામ યુનિવર્સિટીમાંથી કોલ પણ આવી જાય છે. આવી પરિસ્થિતિમાં નિષ્ણાતો સલાહ આપે છે કે એવી યુનિવર્સિટીની પસંદગી કરવી જોઇએ જ્યાં સરળતાથી સ્કોલરશિપ મળી રહી હોય, કારણ કે વિદેશી શિક્ષણ ભારતીય યુનિવર્સિટીની સરખામણીમાં પાંચ ગણું જેટલું વધારે મોંઘું હોઇ શકે છે.
અભ્યાસ પછી વિદેશમાં જ નોકરી કરવી હોય તો પસંદ કરો અમેરિકા : ઘણી વખત અભ્યાસ પછી વિદ્યાર્થી એવા જ દેશની પસંદગી કરે છે, જ્યાં તેમને અભ્યાસ પછી નોકરી કરવાની તક મળી શકે. એવામાં અમેરિકા એવો દેશ છે કે અભ્યાસ પછી વિદ્યાર્થીને નોકરી કરવાની મહત્તમ તક આપે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.