મેનેજમેન્ટની abcd:આંધળાને દેખતો, બહેરાને સાંભળતો કરો

બી.એન. દસ્તૂર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં લગભગ રોજ એક યુવાન, યુવતી ફેકલ્ટી બનાવવાની વિનંતી લઈને આવે. શિક્ષક બનવું, ગુરુ બનવું ખૂબ જ અઘરું છે એની મોટાભાગનાને ખબર હોય નહીં. બે રૂપિયાની કિલો મળતી કોઈ થર્ડ રેટ એમબીએ વેચતી સંસ્થામાં બે-ચાર વર્ષની બરબાદી કરી હોય, પાંચ-દસ કિતાબો વાંચી હોય. વેદમાં ગુરુ, ઉપદેશક, જ્ઞાની બનવા માટેની ઉત્તમ રેસિપી છે, જેના ઉપર એક નજર નાખી લઈએ… ઋગ્વેદ (4/2/12)માં ખૂબ અગત્યની વાત એ કરી છે કે એકલા ઉસ્તાદમાં જ અક્કલનો ભંડાર નથી. શાગિર્દમાં, ચેલામાં પણ બુદ્ધિ છે. ‘કવિં શશાસુ કવય:’- બુદ્ધિમાન માનવી અન્ય બુદ્ધિમાન માનવીને શિક્ષણ આપે છે. પૂરી તૈયારી અને હોમવર્ક કર્યા વિના શિક્ષણ આપવાની ભૂલ કરવા જેવી નથી. ઋગ્વેદના આ મંત્રમાં ગુરુ ‘દશ્યાન’ અને ‘અદ્્ભુતાન’ હોવો જોઈએ. ગીતા (3/21)માં કહ્યું છે ‘યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ’- શ્રેષ્ઠ માનવી જેવું વર્તન કરે છે તેવું જ વર્તન અન્ય માનવીઓ કરે છે. ઋગ્વેદ (10/137/1) અને અથર્વવેદ (4/13/1)માં કહ્યું છે ‘અવહિતમ્ પુન: અન્યથા’ નીચે પડેલાને ફરીથી ઊઠાવી ઉન્નત કરો અને ‘ચકુષમ પુન: જીવયથા’- અપરાધ કરનારાઓને ફરીથી જીવાડો. વેદો એવી વ્યક્તિને ‘દેવ’નો ખિતાબ આપે છે, જે પડેલાને ભરી ઊભો કરે છે. ઋગ્વેદ (6/15/10)માં જ્ઞાની માટે ચાર વિશેષણો છે. ‘સુપ્રતીકમ્’- સુડોળ, ‘સુદૃશમ્’- શાસ્ત્રોનો જાણકાર અને સૂક્ષ્મ અવલોકન કરનાર, ‘સ્પશ્ચમ્’- વર્તન અને વ્યવહારમાં ઉત્તમ, ‘વિદુષ્ટરમ્’- ચેલા કરતાં વધારે વિદ્યાવાન. વેદમાં વર્તનને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ‘આચારહિનં ન પુન્નતિ વેદા:’- આચાર વિનાના માનવીને વેદ પણ પવિત્ર કરતા નથી. આ બાબતમાં સૂફીઓ વધારે પ્રેક્ટિકલ છે. એવું માને છે કે ઉપદેશક કાપડનો વેપારી છે. એ તમને ઉત્તમ કાપડ આપવા છતાં પોતે નગ્ન ફરે એની ચિંતા તમારે કરવાની નથી. જ્ઞાનીએ જ્ઞાન એવી રીતે આપવું જોઈએ કે સાંભળનાર ઈમ્પ્રેસ થઈ જાય. ઋગ્વેદ (1/106/3)માં કહ્યું છે ‘અવન્તુ ન: પિતર: સુપ્રવાચના’- ઉત્તમ પ્રવચન કરનાર જ્ઞાની, અમારું રક્ષણ કરો અને ‘દુર્ગાત્ રથંન વિશ્વસ્માત્ અંહસ: ન: નિ: પિપર્તન’- ખરાબ માર્ગથી રથને જેમ બચાવો છો તેમ સંપૂર્ણ પાપથી અમને સર્વથા બચાવો.’ ઋગ્વેદ (2/13/12)માં કહ્યું છે કે જ્ઞાની ગુરુ ‘નીચા સન્તમ્ ઉદ્્ અનય: પરાવૃજમ, અન્ધમ્ પ્ર શ્રોણમ્ શ્રાવયન્’- નીચે પડેલાને ઊંચો ઊઠાવે છે, આંધળાને દેખતો અને બહેરાને સાંભળતો કરે છે. જરૂરી અનુભવો મેળવ્યા વિના પોતાની જાતને ‘મોટિવેશનલ સ્પીકર’ અને ‘લાઈફ કોચ (ઉંમર વર્ષ 25)થી ઓળખાવતા ઉપદેશકો એક શોધો તો હજાર મળે છે. શાગિર્દમાં તમારા જેટલી જ અક્કલ છે એ યાદ રાખો. ખાબડખૂબડ રસ્તા ઉપરથી જિંદગીના રથને દોડાવવામાં મદદ કરવી, આંધળાને દેખતો કરવો અને બહેરાને સાંભળતો કરવો આસાન નથી. અશક્ય પણ નથી. ⬛baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...