લાઈટ હાઉસ:જોવું, જાણવું, સમજવું ને શીખવું

12 દિવસ પહેલાલેખક: રાજુ અંધારિયા
  • કૉપી લિંક
  • અવલોકન આપણને માહિતીનો વપરાશ કરવામાં કે સ્પષ્ટતા કેળવવામાં મદદ કરે છે

અવલોકનશક્તિનું જોવા, જાણવા, સમજવા અને શીખવા માટે કેટલું મહત્ત્વ છે એ દર્શાવતો બિરબલના નામે પ્રચલિત થયેલો આ કિસ્સો વાંચો. બિરબલને એકવાર કોઈ બીજા રાજ્યમાં દૂતની કામગીરી માટે મોકલવામાં આવ્યો. એ રાજ્યના રાજાએ બિરબલની ચતુરાઈના વખાણ સાંભળેલા. આથી એણે બિરબલની કસોટી કરવાનું નક્કી કર્યું. પોતાના મંત્રીઓ સહિત એ પોતે પણ એકસરખો પોશાક પહેરીને એકસરખા સિંહાસન પર બેઠા હતા. બિરબલ દરબારમાં દાખલ થયો તો આ દૃશ્ય જોઈને ગૂંચવાઈ ગયો કે કોને રાજા ગણીને અભિવાદન કરવું. જોકે, થોડી ક્ષણો બધાને નિહાળીને એક વ્યક્તિ પાસે જઈને એણે નમન કરી અભિવાદન કર્યું.

ખરા રાજાને ઓળખી લેવાના બિરબલના આ ચાતુર્યના વખાણ કરી રાજાએ થોડી જ ક્ષણોમાં અસલ રાજાને કેમ ઓળખી લીધો એનું કારણ પૂછ્યું. બિરબલ કહે: ‘મહારાજ, બીજા બધાની સરખામણીમાં તમે આત્મવિશ્વાસથી છલોછલ દેખાતા હતા. આ ઉપરાંત બાકીના બધા તમારા તરફથી કોઈ અનુમોદન મળે એવી અપેક્ષાથી તમારા તરફ જોઈ રહ્યા હતા. અને એના પરથી જ મને સંકેત મળી ગયો કે તમે જ અસલમાં રાજા છો.’

અવલોકનશક્તિ એટલે ફક્ત આંખોથી જ નહીં, પરંતુ મનની આંખો વડે પણ જોવું. અલબત્ત, અવલોકન કરવું એટલે કોઈની તરફ સતત તાકી રહેવું એમ નહીં. અવલોકન એટલે આસપાસનાં લોકો અને વસ્તુઓની નોંધ લઈને એના પર નજીકથી ધ્યાન આપવું. અવલોકનશક્તિ સર્જનશીલતાનો એક મહત્ત્વનો ભાગ છે. નિરીક્ષણ કરવું એ શીખવાનો એક સૌથી બળકટ રસ્તો છે ને સર્જનશીલતા જે શીખ્યા હોઈએ એમાંથી અર્થ તારવવાનો સૌથી અસરકારક માર્ગ પણ છે.

કેમેરાની આંખ-લેન્સથી ઝીલાયેલી એક તસવીર જો ઘણુંબધું કહી દેતી હોય તો વિચારો કે કેમેરાની આંખના નિર્માણની પ્રેરણાસ્ત્રોત એવી કુદરતે આપણને આપેલી આંખથી આપણે અવલોકનશક્તિ વિકસાવીએ તો એનાથી આપણે કેટલું વિશાળ પ્રમાણમાં જાણી, સમજી ને શીખી શકીએ? નિરીક્ષણશક્તિ આપણને બહેતર રીતે સમજવા ને કોમ્યુનિકેટ કરવા માટે પણ મદદરૂપ થાય છે, કારણ કે બીજા સાથે વિચારોની આપ-લે કરવાની આપની ક્ષમતામાં પણ એ વધારો કરે છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા પર ઘણુંબધું જોવા મળે છે. શું આ બધું આપણે ખરા અર્થમાં જોઈએ છીએ? ધારો કે કોઈ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળી તો એને લાઈક, ફોરવર્ડ કે એના પર કોમેન્ટ કરતાં પહેલાં એને બરાબર જોઈ ખરી, એ જાણવાની કોશિશ કરી કે જે તે વ્યક્તિએ આ પોસ્ટ શા માટે લખી છે? એ સમજવાનો પ્રયાસ કર્યો કે આ પોસ્ટ લખવાનો ઈરાદો શું હોઈ શકે છે? જોકે, વાસ્તવમાં આવું નથી થતું એટલે અસંખ્ય લોકો જાણે-અજાણે અનેક એવી નકામી, કોઈ વ્યક્તિ કે જૂથનું સ્થાપિત હિત ધરાવતી, બનાવટી ને આપસમાં બિનજરૂરી વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ ફોરવર્ડ કરતા રહે છે. લોકોની આવી માનસિકતાનો ગેરલાભ લઈને ઘણા લોકો પોતાનો નાણાકીય, સામાજિક, રાજકીય, ભાવનાત્મક કે ધાર્મિક ફાયદો અંકે કરી લેતા હોય છે.

બીજી બાજુ, આપણી નિરીક્ષણશક્તિનો ઉપયોગ કરીએ તો જિંદગીમાં ખરા અર્થમાં ઊભી થતી સમસ્યાને કેમ હાથ ધરવી એની સમજ વિકસે છે. એ આપણને એક જ પરિસ્થિતિને અલગ અલગ દૃષ્ટિકોણથી વિચારવામાં મદદરૂપ થાય છે, જે છેવટે જુદા જુદા વિકલ્પો અજમાવીને શ્રેષ્ઠ રીતે જે તે સમસ્યાને ઉકેલવા માટેની સૂઝ વિકસાવે છે. આનો મોટો ફાયદો તો એ થાય કે એ આપણામાં સ્વ-જાગૃતિ વિકસાવે છે. સર્જનાત્મક રીતે વિચારવા વ્યક્તિ પાસે સમજણશક્તિની ઊંડી ભાવના હોવી જરૂરી છે ને આ સમજણશક્તિનો જન્મ થાય છે અવલોકનશક્તિમાંથી. અવલોકન આપણને માહિતીનો વપરાશ કરવામાં કે સ્પષ્ટતા કેળવવામાં તો મદદ કરે જ છે, પણ પછી એ માહિતીને વિવિધ રીતે પચાવીને, કહો કે ઊંડી સમજ કેળવીને કંઈક અસાધારણ-અનોખો નિર્ણય, રજૂઆત કે દૃષ્ટિકોણ કરવામાં પણ મદદ કરે છે. આનાથી એક મહત્ત્વની બાબત એ બનશે કે આપણે મનઘડત ધારણા બાંધી લેવામાંથી, આડેધડ નિર્ણય કરવામાંથી ને કોઈના પ્રત્યે બિનજરૂરી પક્ષપાત કરવામાંથી છૂટકારો પામી શકીશું.

સ્કૂલ-કૉલેજમાં અભ્યાસ કરવાથી આપણે જ્ઞાન જરૂર પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ જિંદગીની યુનિવર્સિટીમાં અવલોકનશક્તિ વિકસાવવાથી મેળવેલા જ્ઞાનનું ડહાપણ-શાણપણમાં રૂપાંતર કરી શકીએ છીએ, બિરબલની જેમ!

અન્ય સમાચારો પણ છે...