મેનેજમેન્ટની abcd:સુસેક્રેટરી ભવતિ વા નવા

બી.એન. દસ્તૂર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સારી સેક્રેટરી ભાગ્યે જ કોઈ થાય કે ન થાય. બે’રામજી બાવા કૃત ‘બિઝનેસ સારમેત’માં આપવામા આવેલા શ્લોકોમાંના એક શ્લોકમાં આ કહેવાયું છે. એવું પણ કહ્યું છે કે ‘કુસેક્રેટરી બિઝનેસ નષ્ટમ્.’અનિશ્ચિતતા, ભાંગફોડ અને પરિવર્તનોથી છલકાતી એકવીસમી સદીમાં એક અસરકારક પર્સનલ સેક્રેટરી ખૂબ જ અગત્યનો રિસોર્સ છે. જે સેક્રેટરી કે એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ છે એનામાં ઘણી બધી આવડતોની જરૂર છે. જેમકે, બોસની અપેક્ષાઓનું જ્ઞાન, કંપનીનાં વિઝન અને મિશનનુ જ્ઞાન, સમસ્યાઓનાં સમાધાનો શોધવાની આવડત, ફ્લેક્સિબિલિટી, અસહ્ય પ્રેશર પચાવવાની આવડત, સમયના ઉત્તમ મેનેજમેન્ટનું જ્ઞાન, ઈન્ફર્મેશન ટેક્નોલોજીનું જ્ઞાન, સંબંધો મજબૂત કરવાની, દોસ્તો બનાવવાની, નિભાવવાની આવડત. સેક્રેટરીએ કાન, આંખ, દિમાગનો ઉપયોગ કરી કંપનીમાં જે કંઈ ચાલી રહ્યું છે તેના ઉપર બાજ નજર રાખવાની છે. ‘બિઝનેસ સારમેત’ના એક શ્લોક મુજબ સેક્રેટરી બિઝનેસનું રત્ન છે. કંપનીના હિસાબે અને ખર્ચે તાગડધિન્ના કરતા મોટા સાહેબો માટે કહ્યું છે: અસાર ખલુ બિઝનેસે સારમેતશ્વતુષ્ટતમ્, પંચતારક હોટેલો વાસ, સાકારો સેક્રેટરી સગો વોડકામ્નિ સ્કોચ સેવનમ્. આ અસાર બિઝનેસમાં ચાર બાબતો સાર રૂપ છે- ફાઈવ સ્ટાર હોટલમાં વાસ, સુડોળ સેક્રેટરીનો સંગ, વોડકા તથા સ્કોચનું સેવન. અને સેક્રેટરી, બેકાર હોય તો શું થાય? કરોતિ નામ નીતિજ્ઞાં વ્યવસાયમિતસ્તત સેક્રેટરી, યસ્ય ફ્લાન્વેષિ કરોતિ વિફલા બિસેનેસા: કાર્યની પદ્ધતિ જાણનાર માનવી માથાં મારી ગમે એટલા ધંધા કરે, પણ ફળ શોધી આપનાર સેક્રેટરી જ એના ધંધાને નિષ્ફળ બનાવતી હોય તો એ શું કરે? અને: સેક્રેટરી વિમુખ્તા યાતે ન કોપ્યસ્તિ સહાયવાન, બેન્ક, કસ્ટમર, શેરહોલ્ડર તથા ભાર્યા ભાતા વાથ સહોદર… બેન્ક, ગ્રાહકો, શેરહોલ્ડરો તથા સ્ત્રી, કુટુંબીજન કે ભાઈ હોવા છતાં સેક્રેટરી અવળી હોય તો કોઈ સહાયક નથી. જોકે, એ પણ સાચું છે કે દરેક બોસને સેક્રેટરીના સારા અનુભવ થતા નથી. દાખલો લો અરદશીર ઓવરડ્યૂનો. એમનું હુલામણું નામ ‘ઓવરડ્યૂ’ માટે પડી ગયું કે એક જ દિવસે એમને ત્રણ નોટિસો મળી- પત્ની તરફથી, બેન્કના મેનેજર અને સેક્રેટરી તરફથી. દરેકે ઓવરડ્યૂ હોવાની ફરિયાદ કરી. આ બધાંની બાવજુદ, બેરામજી બાવા કહે છે કે- સતેષુ જાય તે જનરલ મેનેજર, સહસ્ત્રેશુ વાઈસપ્રેસિડન્ટ: પ્રેસિડન્ટ દશસહત્રેશુ, સુસેક્રેટરી ભવતિ વા ન વા. સો જણમાં એક જનરલ મેનેજર થાય, હજારમાં એક વાઈસ પ્રેસિડન્ટ થાય, દસ હજારમાં એક પ્રેસિડન્ટ થાય, પણ સારી સેક્રેટરી ભાગ્યે જ કોઈ થાય કે ન થાય, પ્રતિભાવોનું સ્વાગત. ⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...