સાંઈ-ફાઈ:2060ની સ્કૂલ

સાંઈરામ દવે13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધર્મ સાથેનું વિજ્ઞાન અને વિજ્ઞાનનો સાચો ધર્મ એ જ 2060ની કેળવણીનું એકમાત્ર લક્ષ્ય રાખવું પડશે

ઈ.સ. 2060માં ગુજરાત રાજ્યને સો વરસ થશે. અત્યારે આ વાંચનારા આમાંથી કેટલા ત્યારે હયાત હશે એ તો રામ જાણે! પરંતુ 2060નું શિક્ષણ કેવું હશે? શિક્ષકો અને શાળાઓ હશે કે કેમ? જો આપણી વેદકાલીન શિક્ષણ પ્રણાલીમાંથી વેદ અને ઉપનિષદોની સાયન્ટિફિક રીતે રજૂઆત આપણે કરી શક્યા તો 2060માં સમગ્ર વિશ્વ ફરી એકવાર ભારતના શિક્ષણને સલામ ભરશે. પરંતુ આપણે તો વિશ્વની શિક્ષણ પદ્ધતિઓથી અંજાઈને આંધળા અનુકરણમાં અટવાયા છીએ. આ ‘જો અને તો’ મને હિમાલય જેવા લાગે છે. 2060માં કદાચ સ્કૂલની બહુ જરૂર નહીં હોય. મેથ્સ હેલ્પલાઇન નંબર, સાયન્સ હેલ્પલાઈન નંબર, આવા દરેક વિષયોના હેલ્પલાઇનનાં કોલ સેન્ટર્સ હશે. જ્યાં શિક્ષકો તમને મૂંઝવતા સવાલોના જવાબ આપશે અને તમારે તેને ગૂગલ પેથી તેનું ભાડું ચૂકવવું પડશે. શ્રીમંતોનાં સંતાનો ઘરે મોંઘાદાટ પર્સનલ ટ્યૂશન રખાવશે. જોકે, ફીમેલ ટીચર્સ ટ્યૂશનમાં ગનવાળા સિક્યુરીટી ગાર્ડ લઈને જ આવશે, કારણ કે સોશિયલ મીડિયાના અતિરેકને લીધે 2060માં કોઈ બાળક જ નહીં હોય. માત્ર ઉંમરથી નાના યુવાનો હશે. સમજી ગયાં ને...! જે પરિવારો પાસે હાઈસ્પીડ ઇન્ટરનેટ નહીં હોય એ પરિવારના બિચાડાં બાળકો સ્કૂલે જતાં હશે. દરેક મમ્મી-પપ્પાને પોતાની પર્સનલ યૂ ટ્યૂબ ચેનલ અથવા O.T.T. પ્લેટફોર્મ હશે, જ્યાં પોતાનાં બાળકને ભણાવનાર પ્રત્યેક શિક્ષકનો વર્ગખંડ લાઈવ કેમેરામાં રેકોર્ડ થતો હશે. વધુ પડતા હોમવર્ક આપવા બદલ શિક્ષકો પર કોર્ટ કેસ દાખલ થતા હશે; અને આવાં બધાં કારણોસર 2060માં શિક્ષક બનવા કોઈ તૈયાર જ નહીં થાય. કેટલીક સ્કૂલોમાંથી પાંચમા-સાતમા ધોરણનાં બાળકો ભાગીને લગ્ન કરી લેશે. જો કોઈ તેને ફોર્સફુલી રોકવાની કોશિશ કરશે તો એ ન્યૂ મેરિડ ચાઈલ્ડ કપલ; યા તો પરિવાર ઉપર પોતાની પર્સનલ ગનથી ગોળીબાર કરશે અથવા તો બંનેનાં માતા-પિતા પર કોર્ટ કેસ કરશે. વિશ્વમાં થતાં અલગ અલગ ફ્રોડ અને ક્રાઈમના કોચિંગ ક્લાસ શરૂ થશે. ઉદાહરણ તરીકે ‘વ્હાઈટ કોલર ક્રાઈમ કોચિંગ’, ‘બેંક સાથે ફ્રોડ શીખવાના ક્લાસ’, ‘સંબંધોમાં છેતરપિંડી કરતા પંદર દિવસમાં શીખો.’ યુનિવર્સિટીથી માન્યતા પ્રાપ્ત ક્લાસીસનો રાફડો ફાટશે. વિશ્વમાં બોલાતા અપશબ્દોની ડિક્શનરી દરેક વિદ્યાર્થી પાસે હશે, જેથી વર્લ્ડના કોઈપણ દેશના ફેસબુક ફ્રેન્ડ સાથે ઝઘડો થાય તો કામ લાગે. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો અને તેની શિક્ષણ પ્રણાલીનો પ્રભાવ જો અગામી 40 વરસમાં યથાવત રહ્યો તો 2060માં માતૃભાષામાં વાત કરવા બદલ ગુનો દાખલ થશે. ગુજરાતી ગીત ગાનારા પર F.I.R. નોંધાશે. ભાષાના શિક્ષકો પર આતંકવાદી હુમલાઓ થશે. લવ જેહાદની જેમ ‘લેંગ્વેજ જેહાદ’ શરૂ થશે. ઓપન સ્કૂલિંગ તરફ વધતો જતો માતા-પિતાનો મોહ અને પ્રવાહથી જુદો પાડીને પોતાનાં સંતાનને ક્લાસીસ દ્વારા ભણાવી દેવાનો ચસ્કો અમુક વાલીઓમાં વધી રહ્યો છે તે 2060માં તો ચરમસીમાએ હશે. મારું બાળક બીજા કરતાં વધુ ઇન્ટેલિજન્ટ છે. તેને કોઈ શાળાની જરૂર નથી આવું ઘરે ઘરે વિચારનારા હશે. શાળાની અંદર માત્ર વિષયોનું શિક્ષણ જ નથી મળતું, પરંતુ અલગ અલગ માનસિકતા અને જ્ઞાતિના મિત્રો મળે છે. સહવાસ અને સહજીવનનો અદ્્ભુત અનુભવ મળે છે તે ક્લાસીસના બાળકને ક્યાંથી મળશે? વળી પોતે સ્પેશ્યલ છે એવું 2022માં જે ફીલ કરતો હશે તે બાળકનો ઈગો 2060માં તો સાતમા આસમાને નહીં હોય? એ શા માટે કોઈ શિક્ષકને 2060માં રિસ્પેક્ટ આપશે? એને કોઈની જરૂર જ નહીં હોય! આ વાંચતી વખતે કદાચ કોઈને કમકમાટી છૂટી હશે. લખતી વખતે મને પણ લખલખું આવી ગયું છે. મેં કાંઈ નોસ્ટ્રાડેમસનું એઠું પાણી નથી પીધું અને આગમવાણી લખનાર દેવાયત પંડિત કાંઈ મારા ફેમિલી મેમ્બર નથી. મને જ્યોતિષની જેમ આગાહીઓ કરવાનો અનુભવ નથી અને શોખ પણ... હું હૃદયથી ઈચ્છું છું કે ઉપર લખેલી તમામ આગાહીઓ ખોટી ઠરે. જો આપણે 2022થી 2030 સુધીમાં ભગવદ્્ગીતાને શિક્ષણનો ભાગ બનાવી શકીશું. જો ઉપનિષદની વાર્તાઓ ઉપરની વિડીયોગેમ અને VFXવાળી Kids Oriented ફિલ્મો બનાવી શકીશું. ‘વેદ વચન’ એ કોઈ પણ ધર્મની વ્યક્તિ માટે ઉત્તમ જીવનશૈલી જીવવાની આચાર સંહિતા સાબિત કરી શકીશું. માહિતી અને જ્ઞાનનો તફાવત જે લાખો વર્ષો પહેલાં ભારતના ઋષિઓએ સાર્થક કર્યો હતો તેનો જગતને સ્પર્શ કરાવી શકીશું. માત્ર ભવ્ય ભૂતકાળના મહિમા જ્ઞાનથી વિશ્વના વિદ્યાર્થીઓને આકર્ષી નહીં શકાય. એક હાથમાં યજ્ઞનું સમિધ અને બીજા હાથમાં લેપટોપનો યૂઝ કરતા અને બંનેનું સન્માન કરતા આપણે શીખવું પડશે. ધર્મ સાથેનું વિજ્ઞાન અને વિજ્ઞાનનો સાચો ધર્મ એ જ 2060ની કેળવણીનું એકમાત્ર લક્ષ્ય રાખવું પડશે. આપણી કેટલીક પરંપરાઓ અને રિવાજોનું લોજિક અને સાયન્સ આપણે સંશોધિત કરવું પડશે. તેમના તરફ સૂગ રાખ્યા વગર તેનું વિશ્વ કક્ષાએ બ્રાન્ડિંગ કરવું પડશે. આપણાં સાહિત્ય અને સંસ્કૃતિની ધરોહરનું વિશ્વની તમામ ભાષાઓમાં ટ્રાન્સલેશન કરવું પડશે. આપણી ‘ચારણકન્યા’ કે ‘ઝાંસી’નું અંગ્રેજી ટ્રાન્સલેશન કે અરેબિક ટ્રાન્સલેશન આપણે વિશ્વના શ્રોતાઓ સુધી પહોંચાડી નથી શક્યા. નહીંતર આજે ઈરાનથી લઈ નાઈરોબી સુધી કોઈપણ દેશની સ્ત્રીઓની યૂથ આઈકન એ ચારણકન્યા હીરબાઈ કે લક્ષ્મીબાઈ હોત...! ‘સૌરાષ્ટ્રની રસધાર’ની વાર્તાઓ આપણાં માટે કોઈ એકાદ બે જ્ઞાતિની વિરાસત થઈને રહી ગઈ. જોગીદાસ ખુમાણની ‘દુશ્મનો માટેની ખાનદાની’ એ તેની લડત કરતાં મોટી મોરલ વેલ્યૂ હતી. પરબના દેવીદાસ બાપુ ને અમરમાની સમાધિને આસ્થાપૂર્વક નમન કરનારી પ્રજા એ કેમ નથી વિચારતી કે ગામડાંનાં આ અભણ સંતોએ 18મી સદીમાં રક્તપિત્ત જેવા રોગ સામે આયુર્વેદના ઘરેલુ ઉપાયોથી લોકોની સેવા કરી. મેડિકલ ટર્મિનોલોજીથી જુઓ તો આ કેવડી મોટી ઘટના હતી! પરંતુ આપણી આસ્થા અને શ્રદ્ધાનાં સ્થાનોને વૈજ્ઞાનિક ચશ્માંથી જોવાની આપણને ટેવ નથી. એટલે જ કદાચ આપણી વાર્તાઓ અને પરંપરાઓમાં રહેલાં સાયન્સ તરફ આપણી દૃષ્ટિ જ નથી ગઈ. બાકી જે પ્રજા પાસે આદિકાળથી વેદ અને ઉપનિષદના પ્રેક્ટિકલ જીવનસૂત્રો હોય. એ પ્રજાને મોટિવેશન માટે વિદેશના મોટિવેશનલ સ્પીકરોનાં ક્વોટ કોપી મારવા પડે આ વાતમાં માલ નથી. 2022માં જાગીશું તો જ 2060માં ભારતને ભારત રાખી શકીશું. બાકી વિદેશ તરફ મીટ માંડીને વિઝાની રાહ જોનારાં એક્સપર્ટ લોકો જ દેશમાં વધશે. માત્ર ચામડીથી ભારતીય હોઈશું બાકી આપણાં વિચાર-વાણી અને વર્તનમાં ક્યાંય ભારત પડઘાશે નહીં! યાદ રાખજો સમાજમાં શિક્ષણ દ્વારા જ ક્રાંતિ આવશે. સરકારો ચલિત છે જ્યારે શિક્ષણ અને સંવેદના અચલ છે. ભારતના વર્ગખંડમાં 2022માં શીખવવામાં આવે છે તેના પર નિર્ભર છે કે 2060માં ભારત ક્યાં હશે? કેળવણી ધારે તો પ્રજામાં મહાસત્તા બનવાનો પવન પણ ફૂંકી શકે! અને એ જ કેળવણીપંગુ બને તો પ્રજાને ‘મહાગુલામ’ પણ બનાવી શકે. અંગ્રેજીને ભાષા તરીકે શીખવી જ પડે. પરંતુ અંગ્રેજીને જો ભગવાન બનાવી દેશો તો ભારતના અન્ય કોઈ ભગવાન માટેની વિદ્યાર્થીઓને શ્રદ્ધા નહીં રહે. મા ભારતીને પરમવૈભવના શિખર પર જોવાનું જે કોઈને પણ સ્વપ્ન આવતું હોય એ તમામે રાષ્ટ્રની બે ધરોહરને સલામત રાખવાની છે. એક સર્જનશીલ શિક્ષક અને બીજો પરસેવે નિતરતો કિસાન. કેળવણીના ઋષિને અને કિસાનની કૃષિને સાચવી લ્યો. બચાવી લ્યો. તેને રક્ષણ સાથે સન્માન આપો તો જ 2060માં ભારત હશે, બાકી માત્ર નકશો હશે અને એ પણ લોહીલુહાણ...! વાઈ-ફાઈ નહીં, સાંઈ-ફાઈ આવે તો વિચારજો.{ sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...