શબ્દના મલકમાં:પંડિત યુગના વિદ્વાન વિવેચક, ‘ભદ્રંભદ્રં’ના સર્જક : રમણભાઈ નીલકંઠ

મણિલાલ હ. પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીજીએ કહેલું કે : રમણભાઈ નીલકંઠ એટલે ‘સમાજ સુધારો!’ જીવનમાં અને સર્જન-લેખનમાં સમાજ સુધારો અને નવજાગરણની તરફેણ કરનાર રમણભાઈ નીલકંઠનો જન્મ તા. 13-3-1868ના રોજ અમદાવાદ મુકામે થયો હતો. માતા રૂપકુંવરબા. પિતા મહિપતરામ પણ મહાન સમાજ સુધારકોમાંના એક. પહેલવ્હેલા વિલાયત જનાર મહિપતરામને સમાજે ‘ન્યાત બ્હાર’ મૂકેલા. રૂપકુંવરબાએ એમને હિંમત બંધાવેલી. ઈંગ્લેન્ડ પ્રવાસ વિશેનો એમનો ગ્રંથ ઘણો ધ્યાનપાત્ર ઠરેલો. આમ, રમણભાઈને વારસામાં જ સમાજ સુધારો એટલે શું? ને કેમ એ જરૂરી છે? એના પાઠ ભણવા-જાણવા મળેલા! રૂઢિચુસ્ત સમાજે ‘સનાતન ધર્મ’ની જે અવળી ગતિ જોવી કે આચરવી પડી એના મૂળમાં કયાં પરિબળો વિપરિત વલણોને પોષી રહ્યાં હતાં? એના વિચાર અને અભ્યાસે રમણભાઈ પાસે ‘ભદ્રંભદ્રં’ જેવી હાસ્ય-વ્યંગ્ય-કટાક્ષની પ્રથમ અને યદ્યપિ ઉત્તમ ગણાતી-વંચાતી-ચર્ચાતી રહેલી લોકપ્રિય નવલકથા લખાવી હતી! લોકો આજે પણ ‘ભદ્રંભદ્રં’ના પાત્રને (નવલકથાને) જાણે છે, રમણભાઈ ભલે યાદ ના હોય! મહિપતરામ તો નર્મદ-દલપત યુગના/સુધારક યુગના નવલકથાકાર-ચરિત્રકાર-પ્રવાસલેખક અને નિબંધકાર હતા. રમણભાઈ નીલકંઠ પંડિત યુગના સર્જક-વિવેચક લેખે વધારે ધ્યાનપાત્ર અને મોટા લેખક ગણાતા રહ્યા છે. નર્મદ યુગમાં સુધારાવાદી વલણો બહુધા બાહ્ય આચાર-વિચાર અને અંધશ્રદ્ધાની વાતો પૂરતાં મર્યાદિત હતાં. પંડિત યુગમાં ‘સમાજ સુધારા’નાં વલણો વિચાર-ચિંતન, શિક્ષણ, સ્ત્રી કેળવણી, કુરિવાજો-અંધશ્રદ્ધા સામે વિદ્રોહને અમલમાં મૂકે છે. હવે માત્ર વાતો નહીં, પણ આચરણ પણ ધ્યાનમાં રખાય છે. રમણભાઈએ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. મેટ્રિક થઈને ગુજરાત કોલેજ અમદાવાદમાં દાખલ થયા, પણ પછી મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી બી.એ. પૂર્ણ કરેલું. એલ.એલ.બી. થઈ અને વકીલાત શરૂ કરેલી. ગોધરામાં જજ પણ રહેલા. વાર્તા-નિબંધ-વિવેચનના લેખો લખવાનું તો કોલેજકાળથી શરૂ કરેલું. તેઓ અમદાવાદ નગરપાલિકા (ત્યારે)ના ઉપપ્રમુખ તથા પ્રમુખ પદે પણ રહેલા. રેડ ક્રોસ સોસાયટીના સ્થાપક (1923માં) બનેલા રમણભાઈ 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ વરાયા હતા! એમનું પ્રથમ લગ્ન હંસવદન સાથે થયેલું. એમનું અવસાન થતાં 1887માં જાણીતાં લેખિકા અને ગુજરાતનાં પ્રથમ નારી ગ્રેજ્યુએટ એવાં વિદ્યાગૌરી સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. વિદ્યાગૌરી પણ સમાજ સુધારક હતાં. આ સુધારાવાદી દંપતીની બંને દીકરીઓ– વિનોદિની નીલકંઠ અને સરોજિની મહેતા લેખિકા તરીકે જાણીતી હતી. રમણભાઈએ સાહિત્ય અને સમાજ સુધારા વિશેના પોતાના તથા અન્યોના વિચારો પ્રગટ કરવા ‘જ્ઞાનસુધા’ નામનું સામયિક બે દાયકા સુધી સરસ રીતે ચલાવેલું. રમણભાઈના રચેલા ગ્રંથો આ પ્રમાણે છે : 1. ભદ્રંભદ્રં (હાસ્ય-વ્યંગ્યની નવલકથા) 2. રાઈનો પર્વત (સુખ્યાત નાટક) 3. હાસ્યમંદિર અને બીજા લેખો (નિબંધ વગેરે). 4. કવિતા અને સાહિત્ય : ભાગ-1થી 4 (વિવેચના) આ ચારેય ગ્રંથો એમને પંડિત યુગના વિદ્વાન સર્જક-વિવેચક તરીકે સ્થાપિત કરે છે. ‘ભદ્રંભદ્રં’ રમણભાઈની કીર્તિદા અને હાસ્ય વ્યંગ્યના સંદર્ભે સદાબહાર નવલકથા છે. ‘રાઈનો પર્વત’ નાટક વડે રમણભાઈએ રાજ્યના સુશાસનની અને નીતિબોધની વાતો પ્રજાને પહોંચાડી હતી. ‘ભદ્રંભદ્રં’ અનેક રીતે નોખી કૃતિ છે. રમણભાઈ ધર્મને નામે ચાલતાં અનેક ખોટાં-અનર્થકારી-હાસ્યાસ્પદ આચરણોને પડકારવા ચાહતા હતા. એ કામ અતિશયોક્તિ પ્રધાન, હાસ્ય-વિનોદની રીતેભાતે નવલકથારૂપે કહીને અસરકારક રીતે કરી શકાશે એવો એમનો ખ્યાલ ‘ભદ્રંભદ્રં’થી સફળ થયો. ‘ભદ્રંભદ્રં’ અતિ રૂઢિચુસ્ત બલકે ધર્માંધ વ્યક્તિ છે. એમની દિનચર્યા અને ધર્માચારોમાં રહેલી દાંભિકતાને લેખક વ્યંગ્યાત્મક રીતિમાં વર્ણવે છે. ‘હાસ્યમંદિર’માંના નિબંધોમાં પણ લેખકનો સુધારકવાદી દૃષ્ટિકોણ રહ્યો છે. ‘ચિઠ્ઠી’ નિબંધ ‘ભલામણ’ કરવાની નીતિ-રીતિને સહજ ભાવે વર્ણવીને પ્રભાવકતા સિદ્ધ કરે છે. વિવેચક તરીકે કવિતા અને સાહિત્ય’માં વ્યક્ત થયેલા એમના અભ્યાસપૂર્ણ વિચારો ગુજરાતી વિવેચન માટે દિશાસૂચક રહ્યા છે. રમણભાઈ નીલકંઠનું તા. 6-3-1928ના રોજ અમદાવાદ મુકામે અવસાન થયું હતું. એમણે સમાજસેવા માટે સ્થાપેલો ‘મહિપતરામ રૂપરામ નીલકંઠ આશ્રમ’ અમદાવાદમાં આજે પણ અનેક સેવાકાર્યોથી ધમધમે છે.⬛ manilalpatel911@yahoo.com

અન્ય સમાચારો પણ છે...