મેનેજમેન્ટની abcd:બે અક્ષરોનો ડરામણો શબ્દ

15 દિવસ પહેલાલેખક: બી.એન. દસ્તૂર
  • કૉપી લિંક

તમારી પાસે જે છે અને તમને જે જોઈએ છે, તમે જ્યાં છો અને તમારે જ્યાં જવું છે એમાં બાધા નાખનાર દુશ્મનનું નામ છે ‘ઈગો.’ ફક્ત બે અક્ષરનો બનેલો આ શબ્દ તમને દોસ્તી શોધવામાં, સાચવવામાં, નિખારવામાં કોઈ મદદ નહીં કરે. સફળતા મેળવતાં અને પચાવતાં રોકશે. દરેક સફળતા અને નિષ્ફળતામાં છુપાયેલી તકોને શોધતાં અટકાવશે. દુશ્મનાવટને કંકોત્રી મોકલશે. ભૂલોની ભરમારમાં ભટકાવશે. આજની અનિશ્ચિતતા અને ઊથલપાથલથી છલકાતી દુનિયામાં કંઈ સ્થિર હોય તો તે છે પરિવર્તન, આજની સફળતા, આવતી કાલની સફળતાની ગેરંટી નથી. આજની આવડત, આજનું જ્ઞાન આવતી કાલે નકામું સાબિત થશે. બિહેવિયરલ સાયન્સમાં એક શબ્દપ્રયોગ છે ‘સેલ્ફ એફિકસિ.’ જેની સેલ્ફ એફિકસિ ઊંચી છે તે એવું માને છે કે જે કંઈ કરવા જેવું કરવાનું છે તે કરવા માટે એની પાસે જરૂરી જ્ઞાન છે, આવડત, અનુભવ અને પ્રતિભા છે. ઈગો તમને પ્રગતિ કરવામાં, નિષ્ફળતા પચાવવામાં, સેલ્ફ એફિકસિ ઊંચી કરવામાં કોઈ મદદ નહીં કરે. ઈગો છાપરે ચડીને પોકારે છે: ‘મને જુઓ, હું શું કરી રહ્યો છું તેની વાહ વાહ કરો, મારી પાસે શું છે તેની નોંધ લો.’ ઈગોને બીજાં બધાંનાં સર્ટિફિકેટની જરૂર છે. વાહ વાહ ન મળે તો એ ફ્રસ્ટ્રેટ કરે છે, ડિપ્રેશનને આમંત્રણ આપે છે. સેલ્ફ એસ્ટિમ એવી લાગણી છે કે જે કંઈ કરવાનું છે તે કરવાની મારામાં ઈચ્છા અને આવડત છે, પણ મારાથી ઘણી વધારે હોશિયાર વ્યક્તિઓ હજારોની સંખ્યામાં છે. હોશિયારી અને આવડત ઉપર મારો કોઈ કોપીરાઈટ નથી. સફળતાનો આનંદ લેવા માટે મને વાહ વાહની જરૂર નથી, બણગા ફૂંકવાની, ઢોલ પીટાવવાની જરૂર નથી. ઈગોનું ભૂત ધૂણવા માંડે ત્યારે જાણકારોની, દોસ્તોની મદદ માગવામાં નાનમ લાગે છે અને આ કારણથી સફળતા સીમિત રહે છે. મરી પરવારેલા ધંધા-ઉદ્યોગોના કબ્રસ્તાનના પાળિયા ઉપર ‘ઈગો’ કોતરી મારો તો સાચા અર્થમાં થોરામાં ઘનું સમજાઈ જશે. તમારાથી વધારે સ્માર્ટ વ્યક્તિઓથી ઘેરાયેલાં રહો. એ તમને શીખવશે, સાચવશે, તમારો ઉત્સાહ વધારશે, સ્ટ્રેસ ઘટાડશે. તમારા જેટલી આવડત ધરાવનાર વ્યક્તિઓની દોસ્તી શોધો, સાચવો, નિખારો. તમે જેવા છો તેવા એમને પસંદ હશે. સાથ, સહકાર અને મદદની આપ-લે આરામથી થતી રહેશે. તમારી જાતનું મૂલ્યાંકન કરવાનું કામ અરીસાને સોંપી દો, બીજાં બધાં જાય ભાડમાં. થોરામાં ઘનું સમજવું હોય તો પેલી પ્રસિદ્ધ સૂફી કહેવત યાદ કરતા રહો: ‘કસ્તૂરીની સુગંધ જ એનો પુરાવો છે નહીં કે અત્તર વેચનારનો અભિપ્રાય.’⬛ baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...