આપણી વાત:મેરી ક્રિસમસ કહેવાથી તમારો ધર્મ અભડાઈ જવાનો?

2 વર્ષ પહેલાલેખક: વર્ષા પાઠક
  • કૉપી લિંક
  • તહેવારોને પણ તકરારનો વિષય બનાવી દેતાં લોકોને કદાચ જીવનની નાનીનાની ખુશીઓ સામે વાંધો હશે

સમય પસાર કરવા માટે લોકો જાતજાતની પ્રવૃત્તિઓ શોધી કાઢે છે. થોડા લોકોની મનગમતી પ્રવૃત્તિ હોય છે, ક્યાંકથી ને ક્યાંકથી પાણીમાંથી પોરા કાઢીને વિરોધ કરવો. સૂક્ષ્મદર્શક કાચ લઈને નીકળી પડે અને શોધો તો ભગવાન પણ મળી જાય, એ ન્યાયે આવા લોકોને વાંકું પાડવા કે વિરોધ કરવા માટે કંઇક તો જરૂર મળી જ જાય. બસ, પછી તો દેકારા ને હોકારાપડકારા અને વધારામાં સોશિયલ મીડિયા જેવું જબરદસ્ત પ્લેટફોર્મ. બસ, મંડી પડો. દર વર્ષની જેમ ફરીથી આ વાંકોત્સાહી લોકોના હાથમાં 25 ડિસેમ્બરે ક્રિસમસ આવી ગઈ. આગલા દિવસથી મેસેજીસ વહેતા મૂક્યા કે હિંદુઓ, ખબરદાર કોઈને મેરી ક્રિસમસ કહ્યું છે તો. આ વિધર્મીઓનો, વિદેશમાંથી આયાત થયેલો તહેવાર છે. વધારામાં કોઈ વિદ્વાને યાદ કરાવ્યું કે આ દિવસે ગીતા જયંતિ છે. એટલે વળી અત્યાર સુધીના જીવનમાં મારાં જેવાએ ક્યારેય નહોતાં જોયાં એવા ‘હેપી ગીતા જયંતિ’ના વોટ્સએપ મેસેજ પણ પ્રાપ્ત થયા.

હવે કોઈ ભગવદ્્ ગીતાને યાદ કરે, વાંચે, સાંભળે, એમાંથી મળતા જ્ઞાનનો પ્રસાર કરે એ સારી વાત છે, પણ બીજી તરફ કોઈને મેરી ક્રિસમસ કહેવામાં ગીતાનું કે હિંદુ ધર્મનું શું અપમાન થઇ જવાનું, એ નથી સમજાતું. મારા ખ્રિસ્તી અને મુસ્લિમ મિત્રો મને દર વર્ષે હેપી દિવાલીની શુભેચ્છા પાઠવે છે, એમાંથી બેંગલોરમાં રહેતા પરંપરાગત મુસ્લિમ મિત્રપરિવારો તો દિવાળી ઉપરાંત હોળી, દશેરા, જન્માષ્ટમી, ગણેશોત્સવ વગેરે તહેવારો પણ યાદ રાખે છે. અમારા ઘરમાં મજાક થાય કે આ લોકો તરફથી વર્ષમાં મળતી દસ-બાર શુભેચ્છાઓની સામે આપણને તો વર્ષમાં એક જ વાર ચાન્સ મળે, ઈદ મુબારકવાળો. એટલે ખોટ સરભર કરવા માટે ઈદના દિવસે અમે એ પરિવારના નાનામોટા દરેક સભ્યને અલગ અલગ ફોન કરીએ. ખ્રિસ્તી મિત્રોનું પણ અમુક અંશે એવું છે. એમને આપણે ક્રિસમસ સિવાય ક્યારે હેપીવાળો મેસેજ મોકલીએ? અરે, સારા મૂડમાં હોઈએ એટલે મેરી ક્રિસમસવાળો મેસેજ તો બધાં ધર્મનાં લોકો એકમેકને મોકલે(પેલા બેંગ્લોરવાસી મુસ્લિમ ફેમિલી સહિત). આને કહેવાય નિર્દોષ આનંદની વહેંચણી. એમાં કોઈનું શું બગડી જાય કે વિરોધ કરવાનો? પણ હકીકત છે કે વિરોધ કરનારાં છે.

હવે એમાંથી ખરેખર કેટલાં લોકોએ ગીતા વાંચી કે સમજી છે, એની ચર્ચામાં પડવું નથી. ઘરમાં કોઈનું મરણ થાય ત્યારે પંદરમો અધ્યાય વંચાય અને હોશિયાર લોકો સડસડાટ શ્લોકો બોલી જાય, એમાંથી કેટલાને એનો અર્થ સમજાય છે, એ પણ પૂછવું નથી. પ્રથા છે અને કોઈનું નુકસાન કરતી નથી. મનને સારું લાગે કે ગીતાપાઠ કરવાથી મરનારના આત્માને શાંતિ મળે, પણ પછી એ જ ગીતાને ધર્મના ઝઘડામાં હથિયાર બનાવવાથી શું મળવાનું? પોતાની પાસે ગીતા વિશે જે થોડુંઘણું પણ જ્ઞાન છે, એમાંથી પરિવારનાં બાળકોને કેટલું આપ્યું છે? માત્ર શ્લોકો ગોખાવી દઈએ, હોશિયાર બાળક પોપટની જેમ બોલી જાય એટલે પત્યું? બસ, ‘હમારી ગીતાજી મહાન’ એવા રાગડા તાણવાનાં. બહુબહુ તો કોઈ વાતે ગુસ્સો આવે ત્યારે ‘કૃષ્ણે ગીતામાં પણ કહ્યું છે કે હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ એમ બોલી દેવાનું. ચાલો, તમારું અજ્ઞાન તમને મુબારક પણ એવો ભય શું કામ ઊભો કરવાનો કે મેરી ક્રિસમસ બોલવાથી આપણો એટલે કે હિંદુ, મુસ્લિમ, જૈન ધર્મ અભડાઈ જાય? હિંદુ કે બીજો કોઈપણ ધર્મ એટલો નબળો હોય છે કે બીજા ધર્મની ઉજવણીમાત્રથી પડી ભાંગે? ક્રિસમસ ઊજવનારાં બધાં લોકો ધર્મપરિવર્તન કરી નાખશે? આ હિસાબે તો ખ્રિસ્તીઓને પણ ગુસ્સો આવવો જોઈએ કે ભરતનાટ્યમ નૃત્ય કરીને ઇન્ડિયન સ્ટાઈલમાં મેરી ક્રિસમસ કહી રહેલા સાન્તાકલોઝવાળો મેસેજ જોઈને એમની ધાર્મિક લાગણી દુભાય છે, પણ એવું કોઈને નથી લાગ્યું કારણ કે આનંદનો તહેવાર છે.

અરે યાર, ચારે તરફ અત્યારે તકલીફો, દુઃખોનો પાર નથી ત્યારે જે થોડીઘણી ખુશી મેળવવાનો ચાન્સ મળે તો લઇ લ્યો ને અને તમારે ન લેવી હોય તમારી મરજી, પણ બીજાની ખુશીના ફુગ્ગામાં શું કામ ટાંકણી ભોંકો છો? અને એથીયે ખરાબ કહો તો, નિર્દોષ નવી પેઢીના દિમાગમાં શું કામ ફાલતુ તકરારના બીજ વાવો છો? આ લખું છું ત્યારે વળી એક વધુ મેસેજ મળ્યો છે કે ‘પ્લાસ્ટિકનું ઝાડ ઓક્સિજન આપે તો ક્રિસમસ મનાવજો, નહીંતર પીપળા કે તુલસીની નીચે દીવો પ્રગટાવી લેજો.’ હવે આવું કહીને શું મળ્યું? તુલસીક્યારે દીવો કરવાની આપણી જૂની પ્રથા છે, પણ એમાં વર્ષે એક વાર દેખા દેતા પ્લાસ્ટિકના ક્રિસમસ ટ્રીને આટલું કેમ ધિક્કારવાનું?

મજા કરો ને ભૈ. થોડા સમય પહેલા ઈન્ડિયાથી યુએસ શિફ્ટ થયેલી મારી ગુજરાતી મિત્ર ભાર્ગવીએ એની નાનકડી દીકરી સાથે મળીને ત્યાંના એના ઘરમાં મસ્તમજાનું ક્રિસમસ ટ્રી લાવીને સજાવ્યું છે. ટ્રી પર બીજા ડેકોરેશન્સની સાથે વર્ષો પહેલાંની ન્યૂઝીલેન્ડની ટ્રિપ વખતનો અમારો એક ખુશખુશાલ ફોટો લટકાવ્યો છે. એ ફોટાની સાથે એણે મને મેસેજ મોકલ્યો કે, યુ આર ઓન માય ટ્રી, મેરી ક્રિસમસ. આ જોઈને મળેલી ખુશી પેલા ક્રિસમસ વિરોધીઓને સમજાશે? viji@msn.com

અન્ય સમાચારો પણ છે...