અજવાળાનો ઓટોગ્રાફ:સોન્ડર : દરેકની એક વાર્તા હોય છે

ડૉ. નિમિત્ત ઓઝાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પારકી પીડાઓ આપણને કૃતજ્ઞ અને પોતાની પીડાઓ આપણને નમ્ર બનવાનો ચાન્સ આપે છે

સુખી, સમૃદ્ધ અને સુવિધા સંપન્ન ગણાતા શહેરના એક અગ્રણી બિઝનેસમેન થોડા સમય પહેલાં મને મળવા આવ્યા. તેઓ ઉદાસ હતા. પોતાના જીવનથી નાખુશ, અસંતુષ્ટ અને નિરાશ હતા. તેમના યુવાન દીકરાને આલ્કોહોલની લત લાગી ગયેલી અને દીકરીને એક ગંભીર બીમારી. એમના સામાજિક સંઘર્ષો અને એમના શબ્દોમાં કહેવાયેલી એમની તકલીફો, મારા માટે ફક્ત એક વાર્તા હતી અને એમના માટે આપવીતી. જે વાસ્તવિકતા એમના માટે યાતના હતી, એ મારા માટે માત્ર એક ઘટના હતી. એ જ દિવસે સાંજે, અમારા કોમર્શીયલ કોમ્પલેક્સના ચોકીદારે મને એક અલગ વાર્તા કહી. પાલખી બાંધીને રંગકામ કરી રહેલા તેમના ભાઈને, બાજુમાંથી પસાર થતા વીજતારમાંથી ઈલેક્ટ્રિક કરન્ટ લાગ્યો અને તે જમીન પર પટકાયો. ઘરે પાછા ફરતા કાર ડ્રાઈવ કરતી વખતે એક વિચાર સતત મને ઘમરોળતો રહ્યો કે આપણે કેટલી બધી ‘વાર્તાઓ’થી ઘેરાયેલાં છીએ, નહીં? કોઈ મેટ્રો સિટીના ટ્રાફિકની જેમ સતત અવરજવર કરતી કેટલીય પીડાઓ, દુર્ઘટનાઓ અને યાતનાઓ સતત આપણી આસપાસ ફર્યા કરે છે. એન્ડ સી ધ ફન, એમાંની મોટાભાગની આપણને અડતી પણ નથી. રસ્તા પરથી પસાર થઈ રહેલો દરેક માણસ આપણાં જેવું જ જટિલ અને સંઘર્ષમય જીવન જીવી રહ્યો છે. હસતો ચહેરો રાખીને આપણને ‘કેમ છો’ પૂછનારા દરેક વ્યક્તિના થેલામાં પણ એ જ ઈમોશન્સ હોય છે, જે આપણા ભાવ-વિશ્વનું નિર્માણ કરે છે. જેટલી ઘટનાઓ આપણી લાઈફમાં બની છે, એટલા જ બનાવ એના જીવતરમાં પણ બન્યા છે. ભલે આપણે ક્યારેય વાંચ્યું ન હોય પણ એણે લખેલા પુસ્તકની અનુક્રમણિકા, તદ્દન આપણા પુસ્તક જેવી જ છે. ટાઈટલ અને કવર-પેજ અલગ હશે, પણ આપણું કન્ટેન્ટ તો સરખું જ રહેવાનું. આપણી નજર સામેથી પસાર થનારી દરેક વ્યક્તિ, આપણા જેટલું જ ઈવેન્ટફૂલ જીવતર જીવી રહી છે એ રિયલાઈઝેશન એટલે ‘સોન્ડર’. જેમાં સદીઓ સુધીનું વેઈટિંગ લીસ્ટ રહે છે, એવી પરમાત્મા સુધી લઈ જતી કરુણા-એક્સપ્રેસનું કન્ફર્મ બુકિંગ કરાવી આપતો એક અદ્્ભુત શબ્દ એટલે ‘સોન્ડર’. આ શબ્દની ખોજ લેખક જોન કીનીગે કરેલી. આપણાં જીવનમાં એવી કેટલીય લાગણીઓ અને પ્રતીતિઓ હશે, જેનું વર્ણન કરવા માટે આપણી પાસે શબ્દો નથી. ભાષાની સૌથી મોટી મર્યાદા જ એ છે કે જેટલું અનુભવીએ છીએ, એટલું બધું જ વર્ણવી નથી શકાતું. ભાષામાં રહેલા આ ખાલીપાને ભરવાના એક પ્રયત્ન રૂપે લેખક જોન કીનીગે એક આખી નવી ડિક્શનરી બહાર પાડી, જેમાં અસંખ્ય એવા શબ્દો છે જે આપણી અવર્ણનીય અનુભૂતિને અનાવૃત કરે છે. એ ડિક્શનરીનું નામ છે, ‘The Dictionary of Obscure Sorrows’. એમાંનો એક શબ્દ એટલે સોન્ડર. આપણાં જીવન-નાટકમાં જે કેરેક્ટર રોલ કે cameo ભજવે છે, એ દરેક માણસ પોતાની વાર્તાનો હીરો છે એ વાત આપણને બહુ મોડી સમજાય છે. આપણાં જીવનમાં જે સૂક્ષ્મ પાત્ર ભજવતો હોય, એ માણસ પોતાના જીવનની બ્લોક-બસ્ટર મૂવીનો સુપરસ્ટાર હોય છે. એના જીવનમાં પણ હાસ્ય, રુદન, ઉદાસી, પ્રસન્નતા, અકળામણ, ગુસ્સો અને અસલામતી જેવા અઢળક ઈમોશન્સ પડેલા હોય છે. બસ, એ આપણી સામે અભિવ્યક્ત નથી થતો. એટલે એના ભાવ-વિશ્વથી આપણે અજાણ અને અલુપ્ત રહી જઈએ છીએ. ‘સોન્ડર’ શબ્દમાં આપણા પરિવારજનો, મિત્રો કે સ્નેહીઓનો સમાવેશ નથી થતો. આ તો એ લોકોના ભાવવિશ્વમાં ડોકિયું કરવાનો વિચાર છે, જે લોકો આપણી બાલ્કનીમાંથી ગૌણ, સૂક્ષ્મ કે ઈનસિગ્નિફિકન્ટ લાગતા હોય છે. આપણા ઘરમાં છાપું કે દૂધ આપવા આવતા પેલા જાણીતા છતાં પણ અજાણ્યા રહી ગયેલા ભાઈ, સફાઈ કર્મચારી, ઘરકામમાં મદદ કરતા બહેન, પેલો શાકવાળો, ધોબી, કેબલ કે ડીશ ટીવી ઓપરેટર, પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન અને આવા તો કેટલાંય લોકો જેમનાં થકી આપણો શો હાઉસફૂલ જાય છે. જેમના સપોર્ટિંગ રોલને કારણે આપણું પરફોર્મન્સ જળવાઈ રહે છે, એમની ‘લાર્જર ધેન લાઈફ’ લાગણીઓ એમની સાથે બેસીને નિહાળવાનો એક વિનમ્ર અને વામણો પ્રયાસ એટલે ‘સોન્ડર’. ‘સોન્ડર’થી એ વાતનો ખ્યાલ આવે છે કે શોક, અફસોસ કે દુઃખ જેવી લાગણીઓ ફક્ત આપણાં જ જીવનમાં નથી. સોશિયલ મીડિયા કે જાહેર જીવનમાં રહેલા દરેક હસતા ચહેરા પાછળ અસંખ્ય યાતનાઓ છુપાયેલી હોય છે. દરેક રહસ્યમય સ્મિતની પાછળ અગણિત અવ્યક્ત લાગણીઓનો ખજાનો હોય છે. એ રહસ્યના પડદા ઊંચકવાની અને માનવસહજ લાગણીઓના સમંદરમાં ડૂબકી લગાવવાની મથામણ એટલે ‘સોન્ડર’. પારકી પીડાઓ આપણને કૃતજ્ઞ અને પોતાની પીડાઓ આપણને નમ્ર બનવાનો ચાન્સ આપે છે. એ મિલિયન ફેન ફોલોઈંગ ધરાવતી કોઈ સેલિબ્રિટી હોય કે શેરીના નાકે બેસનારો કોઈ શાકભાજી વિક્રેતા, દરેકનું જીવન એક જ સરખા ઉબડખાબડ રસ્તેથી પસાર થાય છે. કોઈની લાઈફ પરફેક્ટ નથી. દરેકને પોતાની મુશ્કેલીઓ છે, અંગત જીવનના પ્રશ્નો છે. એની તીવ્રતા અલગ અલગ હોઈ શકે પણ દરેકને અનુભવાતા ભાવનાત્મક ધરતીકંપના આંચકા લગભગ સરખા જ હોય છે. કોઈની પીડા નાની નથી હોતી. ફક્ત આપણને એવો ભ્રમ હોય છે કે જીવન સંઘર્ષના ડુંગરા હેઠળ દટાયેલા આપણે ફક્ત એકલા જ છીએ. ઘરની બારીઓ ખોલીએ તો ખ્યાલ આવશે કે જે વરસાદ ફક્ત આપણું ફળિયું કે અગાસી પલાળે છે, એ જ વરસાદ કેટલાંયનાં ઘર ડુબાડે છે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...