સમયના હસ્તાક્ષર:સરદાર, તમે બહુ યાદ આવો છો!

વિષ્ણુ પંડ્યાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરદારનું હોવું પોતે જ એક સ્મરણીય ઇતિહાસનો અદ્્ભુત અધ્યાય છે. કરમસદમાં પિતૃભૂમિ, નડિયાદમાં મોસાળમાં જન્મ્યા, (31 ઓક્ટો. 1875) પિતા ઝવેરભાઇ, માતા લાડબા, પેટલાદમાં પણ ભણ્યા. અઢારમા વર્ષે ઝવેરબા સાથે લગ્ન થયાં. ગોધરામાં ‘પ્લીડર’ બન્યા, પછી બોરસદ સ્થળાંતર કર્યું. વિઠ્ઠલભાઇ પહેલાં ઇંગ્લેન્ડ ગયા, પછી વલ્લભભાઇ. (1910) 1909માં પત્નીનું મૃત્યુ. લંડનમાં મિડલ ટેમ્પલમાં 1912 સુધીમાં અભ્યાસ પૂરો કર્યો. ભારત પાછા ફર્યા. 1913માં ગુજરાત સભા કે જે ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિમાં ફેરવાઇ તેના સભ્ય થયા અને મૃત્યુ (1950) પર્યંત કોંગ્રેસમાં રહ્યા! 1917માં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન, કોંગ્રેસમાં મંત્રી, પ્લેગ અને દુકાળ, પાણીના પૂરમાં સેવાકાર્ય, આ પણ તેમનાં કામો. ઓછું જાણીતું કામ તે ગાંધીજીની સાથે બ્રિટિશ લશ્કરમાં ભરતી અભિયાન (1918)માં ગાંધીજીને સહયોગ આપ્યો. વાડીલાલ હોસ્પિટલ (1924) તેમના કારણે ઊભી થઇ. ગુજરાત વિદ્યાપીઠની રચના માટે છેક બર્મા જઇને ફાળો ઉઘરાવી આવ્યા. સત્યાગ્રહોનો દોર ચાલ્યો. બારડોલીમાં તેમનું લોક-પદ ‘સરદાર’ પ્રાપ્ત થયું. 1929માં લાહોર અધિવેશનના પ્રમુખ થવાના હતા, એ ભારતીય સ્વરાજ-ઘોષણાનું અધિવેશન હતું, પણ મોતીલાલની ઇચ્છા જવાહરલાલની. ગાંધીજીનો ટેકો મળ્યો. સરદારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી. 1947માં વડાપ્રધાન બનવાના પ્રસંગે પણ ‘ત્યાગી’ રહ્યા. દાંડીકૂચ પૂર્વે અને 1941માં જેલવાસી થયા, 1942માં વળી ઓગસ્ટ-42થી જૂન 1945 યરવડા જેલમાં રહ્યા. સ્વતંત્રતા પૂર્વેની રાજરમતમાં અડગ રહ્યા. તમામ રાજરજવાડાં અને અલગ થતા મથતા હૈદ્રાબાદ-જૂનાગઢને પણ વિલીનીકરણના પ્રચંડ પુરુષાર્થથી ‘ભારત’ની એકતાના માર્ગે લઇ ગયા. તિબેટ વિશે નેહરુને ચેતવ્યા. થોડાક સમય પછી બીમાર પડ્યા. 15 ડિસેમ્બર, 1950 મુંબઇમાં તેમણે આંખો મીંચી. એક પ્રશ્નાર્થથી શરૂઆત કરીએ- સરદારના મૂલ્યાંકનની આધારશિલા કઇ હોઇ શકે? ભારતના સાર્વજનિક જીવનમાં જ તેનો પ્રત્યુત્તર મળે છે. 1947ની પૂર્વે લાંબા સમય સુધી સ્વતંત્રતા સંઘર્ષ કરીને જેમણે સ્વાધીન ભારતનાં પ્રારંભિક વર્ષોમાં એક યા બીજી રીતે સક્રિયતા દાખવી, તેમની પ્રતિભાના ઘડતરમાં સૌથી મહત્ત્વની વાત એ રહી કે તેઓ વ્યાપક સંઘર્ષમાંથી સોંસરવા પસાર થયા હતા. એ સંઘર્ષોએ તેમને અનેક દિશાના અનુભવો કરાવ્યા. જનાંદોલનો, સત્યાગ્રહો, સશસ્ત્ર સંઘર્ષ, જેલ, લાઠીમાર, જનમટીપ સુધીની સજાઓ અને તેની સાથોસાથ જે મૂલ્યવાન નિરીક્ષણ તેમણે કર્યું તે હતું રાજકીય સ્વતંત્રતા કે સત્તાના હસ્તાંતરણ પછી સંસદીય લોકતંત્રની પાયાની શરતો સાથે નેતૃત્વ અને પ્રજાને કઇ રીતે પળોટવાં. બસ, આ બે મુખ્ય કસોટીઓમાંથી તત્કાલીન રાજપુરુષો, મહાપુરુષો કેવા કેટલા પાર થયા તે તેમના મૂલ્યાંકનનો માપદંડ હોઇ શકે. સરદાર વલ્લભભાઇ કે જેમની યુવાનીનાં 47 વર્ષો બ્રિટિશ સામ્રાજ્યવાદની ઘનઘોર ગુલામી હેઠળ વીત્યાં અને માંડ 3 વર્ષ તેમજ થોડાક મહિના સ્વતંત્ર ભારતમાં અનુભવાયા. તેમણે ગુલામ તેમજ સ્વતંત્ર ભારતની જે સમસ્યાઓનો સામનો કર્યો તેને પણ અર્ધશતાબ્દી વીતી ગઇ! આજે સરદાર હોત તો વૈશ્વિકરણથી માંડીને બજારવાદ સુધી કે કાશ્મીર-પૂર્વોત્તર ભારતથી ચીન-પાકિસ્તાન સુધીના પ્રશ્નોને કઇ રીતે મૂલવ્યા હોત એ ‘જો’ અને ‘તો’નું અનુમાન માત્ર મનોરંજક નથી, બદલાતા સમયના ધસમસાટના પ્રશ્નોના ઉકેલનો અંદાજ પણ આપે છે. સરદાર વલ્લભભાઇએ આ જટાજૂટ પડકારોને કઇ રીતે ઝીલ્યા હશે, કેવી, કેટલી શક્તિ, વ્યૂહરચનાઓ ગોઠવવા પડ્યાં હશે, કેવા કેવા નિર્ણયો અને વ્યવહારોની કુશળતા દાખવવી પડી હશે, તેનાં પ્રત્યક્ષ પરિણામ માટેનાં કેવાં આયોજન હશે… આ વિચારતાં આજે તો આશ્ચર્યસ્તબ્ધ થઇ જવાય છે : એક જ વ્યક્તિમાં આટલી ઊર્જાનો પ્રચંડ ધોધ! આજની ઘડીએ આપણાં નેતૃત્વ અને કર્તૃત્વ બંને માટે અનિવાર્ય થઇ રહે તેવી તેમની ભૂમિકા હતી. તેમણે નેતૃત્વને નીતિમત્તાની સાથે જોડ્યું અને આ તમામ પડકારો માટેનું સામર્થ્ય તેમણે સાંસ્કૃતિક ભૂમિકાના આધારે સર્જ્યું. ભારતના સ્વતંત્રતા જંગ દરમિયાન સરદારે ચાર પરિમાણોની સાથે જ કામ કર્યું. પરિણામે સેવા, સંગઠન અને સામૂહિક જનઆંદોલન – ત્રણ ‘સ’ સરદારના ‘સ’ બની ગયાં! કોર્પોરેશનમાં સરદારની કામગીરી કોર્પોરેશનમાં તેમની કામગીરીથી એવું કહેવાનું મન થાય કે વલ્લભભાઇ આરોગ્ય અને આયોજન પ્રધાન બન્યા હોત તો આજે અવરોધક ઘણા બધા સવાલો ઉકેલાયા હોત! વલ્લભભાઇના સાર્વજનિક જીવનની આ દીર્ઘ અને કઠિન યાત્રામાં તેમણે રાષ્ટ્રીય સ્તરની રાજનીતિનું બહુ જલદીથી નજરે ન જોઇ શકાય એવું વાવેતર કર્યું. સ્વતંત્રતા પૂર્વે કે પછી તેમણે કોઇ લોકરંજની (પોપ્યુલિસ્ટ) પગલાં ભરીને વાહ વાહ મેળવી નથી. બલકે, લોકોને કઠોર સચ્ચાઇ દર્શાવતા ગયા અને સજ્જ કરતા ગયા. એ એક દીર્ઘકાલીન રાજનીતિનો અધ્યાય હતો. સત્યાગ્રહ અને સરદાર કઠલાલથી સત્યાગ્રહની શરૂઆત થઇ. ખેડા-સત્યાગ્રહમાં તેમણે સંપૂર્ણપણે ઝુકાવ્યું ને પછી એક પછી એક, નાના અને મોટા સત્યાગ્રહોથી ગુજરાત ગરજી ઊઠ્યું. બારડોલીના સત્યાગ્રહે બેરિસ્ટર વલ્લભભાઇને સરદારમાં બદલી નાખ્યા. તેમણે દાંડીકૂચની પૂર્વે દાંડી માર્ગે જનસભાઓ લીધી, જેલ ગયા. વળી છૂટ્યા અને જેલવાસી થયા. નાગપુર સત્યાગ્રહમાં તો તેમને ગાંધીજીએ પસંદ કરીને મોકલ્યા હતા. નાગરિક અસહકારથી ભારત છોડો ચળવળ સુધીમાં સરદાર અગ્રેસરોમાંના એક હતા અને એ જ રીતે 1931માં કરાચી રાષ્ટ્રીય મહાસભાના સભાપતિનું સ્થાન શોભાવ્યું. આ પદ તેમને વહેલું મળ્યું હોત પણ એક વાર મોતીલાલ નહેરુ અને બીજી વાર જવાહરલાલ પર ગાંધીજીની પસંદગી ઊતરી. ભવિષ્યે સ્વતંત્ર ભારતનું વડાપ્રધાન પદ પણ છોડવા તૈયાર વલ્લભભાઇ માટે આ અધ્યક્ષપદમાંયે વહેલામોડું થવાનો રંજ નહોતો. સરદાર લાક્ષણિક સંગઠનનો જીવ હતા. જમીન પરની સચ્ચાઇના પણ જાણકાર એટલે સત્યાગ્રહો, આંદોલનો, પક્ષ અને પક્ષના કાર્યકર્તાને એક તંતુએ કેમ બાંધવા, ક્યાં કેટલી નમ્રતા અને કેટલી કડકાઇ દાખવવી તેનો પૂરો અંદાજ હતો. આજે તેમની સર્વોન્નત પ્રતિમા ગુજરાતનાં ઘરઆંગણે ઊભી છે. કહી રહી છે : રાષ્ટ્રે જાગૃયામ વયમ્! દસ દિવસ પછી 31 ઓક્ટોબરે આનાથી વધુ શ્રેષ્ઠ અંજલિ બીજી શી હોઇ શકે? { vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...