મરુ, મેરુ અને મેરામણ કચ્છની ત્રિવિધ વિશિષ્ટ ભૌગોલિકતા. એમાંથી મેરામણ એટલે કે સાગરની વાત કરીએ તો ગુજરાતને પ્રકૃતિની ભેટ સમા ૧૬૬૩ કિ.મી.ના દરિયાકિનારામાંથી લગભગ ૨૭% કચ્છમાં છે, પણ એટલા પ્રમાણમાં આપણને સાગરકાંઠાનું સાહિત્ય સાંપડતું નથી. સર્જક ડૉ. જયંત ખત્રી સાગરકથાઓને માત્ર સાહસ કથાઓ નહીં, પણ સાગરખેડુની નાડીના અહર્નિશ ધબકારામાં હરપળે ક્ષણભંગુરતાનો ખ્યાલ આપતાં એનાં જીવનકારુણ્યની વાસ્તવિકતા કહે છે. કચ્છના સાગરકથા લેખકોમાં સુકાની, ડૉ. જયંત ખત્રી, વનુભાઈ પાંધી, મનુભાઈ પાંધી, રામજી કરસન જેઠવા, વીનેશ અંતાણી અને વર્તમાનમાં યુવા અભ્યાસુ સર્જક હસમુખ અબોટી ‘ચંદન’ સાથે એક વિશિષ્ટ સર્જક નારાણ દામજી ખારવાનું નામ પણ ઉમેરવું પડે. સાગરખેડુ તરીકે આફ્રિકન અને અખાતી દેશો સહિત વિશ્વના અનેક દરિયાકિનારાઓ ડહોળી, બીજા વિશ્વયુદ્ધ સમયની વિભીષિકાઓમાંથી પણ પસાર થયા. હોડી હલેસાં સાથે ઘરોબો ધરાવતા આ ખલાસી સાગરખેડુ પછી વિવિધ રીતે સાગરખેડુઓની સમસ્યાઓ માટે ઝઝુમતા રહ્યા. આ જ સંવેદનાએ એમને સાહિત્ય સર્જન માટે પ્રેર્યા. ‘સુકાની’ અને ડૉ. ખત્રીએ ખારવાઓ સાથે યોજેલી એક મિટિંગમાં ખારવાઓની મુશ્કેલી, વેદનાઓ કોણ સમજશે એવો ધારદાર પ્રશ્ન કર્યો. તે પળથી મિત્રભાવે નારાણભાઈની સંવેદના પારખી, ડૉ. ખત્રીએ તેમને સર્જન માટે પ્રેર્યા. એનાં ફળસ્વરૂપ તેમણે લખેલી નવલિકાઓ તે સમયના પ્રતિષ્ઠિત સામયિકોમાં આવતી રહી. જે ‘દરિયાકિનારા’ નામથી સંગ્રહરૂપે પણ પ્રસિદ્ધ થઈ. એની પ્રસ્તાવનામાં જાણીતા સર્જક જટુભાઈ પનિયા લખે છે, ‘વાર્તાઓનું વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. મધદરિયાની વાર્તાઓ, દરિયાકિનારા પરની વાર્તાઓ, અને સામાજિક વાર્તાઓ એમ ત્રિવિધ સ્વરૂપની વાર્તાઓ પ્રસ્તુત થઇ છે.’ ડૉ.ખત્રી સાથેના ગાઢ થતા પરિચય દરમિયાન તેમણે ડૉ. ખત્રીને પોતાના મિત્રો સાથે સામ્યવાદ અને માર્ક્સ વિષે ચર્ચા કરતા સાંભળી, એક વખત પોતે પણ એ બધું સમજવા માંગે છે એવી વાત કરી. ત્યારે ડૉ. ખત્રીએ કહ્યું કે, ‘તારે એની જરૂર નથી. તું પોતે જ સામ્યવાદ છો. તારા જેવા શ્રમજીવીઓનાં જીવન પરથી જ કાર્લ માર્ક્સે સામ્યવાદ પ્રસ્થાપિત કર્યો છે.’ આ પ્રોત્સાહનથી સંવેદનશીલતા અને આક્રોશ સમન્વિત થઈને વાર્તા-સર્જનરૂપે પ્રગટ થયાં. ‘ખત્રી ઘરાના’ના અન્ય સર્જકોની કૃતિઓમાં જણાતાં સામાન્ય લક્ષણોમાંથી, નારાણ દામજીની વાર્તાઓમાં વ્યક્ત થતાં પીડિત, શોષિતજનોનાં કષ્ટ, વેદના તેમને પણ આ ઘરાનામાં મૂકે છે. પહેલી વાર્તા ‘ખામોશી’માં દરિયાખેડુ તરીકે પોતે અનુભવેલી અને સતત કોરી ખાતી એક ઘટના વિષયવસ્તુ બની. ખલાસી ગોવિંદો દરિયાની ખેડમાં પરિશ્રમથી નિચોવાઈ જાય છે, પણ તોય દારિદ્રયમાં જ રહે છે. બીજી બાજુ, શેઠ કોઈ પ્રકારનાં જોખમો લીધા વિના લીલાલહેર કરે છે. આ જોઇને કકળતી આંતરડીએ દરિયા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કરે છે. લાંબો સંવાદ ચાલે છે. છેવટે ગોવિંદો કશોક નિર્ધાર કરે છે. સર્જક એ ગોપિત રાખે છે. અને અંતે પ્રતિકાત્મક રીતે રહસ્ય ખૂલે છે. ગોવિંદો જાકીટમાં સંતાડેલાં સોનાનાં બિસ્કિટ સાથે પકડાય છે. એ દાણચોરી કરતો હોય છે. આક્રોશ છે, પીડા છે, પણ સર્જક ગુન્હાહિત કૃત્યનું સમર્થન નથી કરતા. અંતરમાં ગરીબ તવંગરના વર્ગભેદ સામે બળવો છે પણ સર્જકને મન સર્વોપરિ તો મૂલ્યો જ છે. એવી જ બીજી વાર્તા ‘બેઈમાન કનૈયો’માં ધનવાન બનવા નાયક અવળા રસ્તા અપનાવે છે. અને ગેબી અવાજરૂપે દરિયો એને સાગરપટ પરથી તડીપાર કરે છે. ખારવા માટે દરિયામાં ખેડ ન કરવા મળે એનાથી વધારે બીજી સજા કઈ હોય એવું દર્શાવી સર્જક એક અનોખાં જીવનમૂલ્યની મહત્તા સ્થાપિત કરે છે. વહાણ માટેના પુત્રવત પ્રેમની વાત કરતી વાર્તા ‘પાટિયાની બાદશાહત’, માનસશાસ્ત્રીય વાર્તા ‘દિવસનું મૃત્યુ’, ડૉ. ખત્રી સાથેના અલૌકિક સંબંધને આકારતી ‘યાદનું મૃત્યુ’ અને બીજી વિવિધ વિષયવસ્તુને તાકતી વાર્તાઓ સર્જકકૌશલ્યની પરિચાયક બને છે. નવલિકા ઉપરાંત આ સર્જકે એક નવલકથા ‘અમાનત’ પણ આપી છે. લાલો, નવીન, ભરાડ, મનિકો, અભરામ, દામો દેવો અને જેનો પતિ દરિયે ગયા પછી ડૂબી ગયાના સમાચાર છતાં આશા ન ખોઈ બેઠેલી પત્ની કુલસુમ અને ઝુબેદા, આયેશા અને અન્ય પાત્રોની આસપાસ ગૂંથાયેલી કથા છે. પુરુષ અને સ્ત્રીના અરસપરસના સૂક્ષ્મ મનોભાવોને પણ સર્જકે નવલકથામાં ઉપસાવ્યા છે. કામાંધતા, સ્ત્રીના પ્રેમ માટેનો તલસાટ અને સ્ત્રીનાં સમર્પણ છતાં પોતાનાં પ્રણ માટે દૃઢ એવા પુરુષના વિવિધ રૂપ કુલસુમ જુએ છે. આ નવલકથા કુલસુમ અને અભરામનાં દામ્પત્યની છે. અભરામનું પાછાં ન આવવું અને એની શોધની ઘટના તેને રહસ્યકથા પ્રકારમાં મૂકે છે. તો આ બધાંના કેન્દ્રમાં દરિયો અને તેમાં ખેડ તેને વિશિષ્ટ સાગરકથા પણ સિદ્ધ કરે છે. કથાનો સમય બીજા વિશ્વયુદ્ધ અને તેની આસપાસનો છે. કથાની ભૂમિ વિશાળ અને વિસ્તૃત છે. માલદીવ, તેનો દરિયાકિનારો, દરિયામાં ખેડ, પંજિમનો કિનારો પસાર કરી છેક માંડવીમાં વિરામ પામે છે. દરિયામાં વહાણ ચાલતું હોય ત્યારના અને પ્રાકૃતિક આપદાની ઓળખ, તેનો સામનો વગેરેનાં કૌશલ્યો, તેનાં વર્ણનો દ્વારા નવલકથા ગતિમય અને દૃશ્યાત્મક બને છે. પવનના વિશિષ્ટ પ્રકારો પણ સર્જક દર્શાવે છે. વિવિધ સ્થળ અને સમયના પ્રકૃતિનાં વર્ણનોની રંગપૂરણીથી સર્જક એક મનહર આકૃતિ સર્જે છે. કથામાં વણાયેલા માલદીવના ઐતિહાસિક, ભૌગોલિક સામાજિક ચિતાર નવલકથાને સમૃદ્ધ બનાવે છે. બૌદ્ધ ધર્મ પછી મુસ્લિમ ધર્મના પ્રભાવ છતાં ખાનગીમાં બુદ્ધની પૂજા થતી હોય છે. કુલસુમ અને અભરામાનાં દામ્પત્યજીવનમાં તિરાડ માટે કારણભૂત દર્શાવી આ પરંપરાને સર્જકે નવલકથાની આ ઘટનામાં સાંકળી છે. ગુજરાતી સાહિત્યમાં કોઈ સાગરખેડુએ સાગરકથા સાહિત્યનું સર્જન કર્યું હોય એવા આ પ્રથમ સર્જક ગણી શકાય. સાહિત્યકૃતિ તરીકેના માપદંડો અનુસાર વિવેચકોનાં મૂલ્યાંકન અને દૃષ્ટિ ભિન્ન હોઈ શકે, પણ એક ઉદાહરણરૂપ સાગરકથા તરીકે સ્વીકારવામાં હિચકિચાટ નહીં હોય. નૂતન કલેવરમાં આ નવલકથા ગુજરાતી પ્રજાને મળે એવું ઈચ્છીએ.{ njcanjar201@gmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.