ખૂબ યાદ કરવાની કોશિશ કરી, પણ મને કંઇ યાદ આવ્યું નહીં. કંકોતરીમાં છપાયેલી નાની નાની વિગત પણ હું ઝીણવટપૂર્વક વાંચી ગયો. વર-કન્યાનાં નામ તો સાવ અપરિચિત લાગતાં જ હતાં, વર-કન્યાનાં માતા-પિતાનાં નામ પણ ક્યારેય પરિચયમાં આવ્યાં હોય એવું યાદ આવતું ન હતું. કન્યાનું નામ મિલી વાઘમારે હતું અને મુરતિયાનું નામ પાર્થ પાટીલ. મોટા ભાગની કંકોતરીઓમાં આવું જ બનતું હોય છે. એક તો નામ યાદ રાખવાની મારી અશક્તિ અને બીજું, પરિચયમાં આવી ગયેલા હજારો માણસો. કોઇ પણ કંકોતરી વાંચીને મારું દિમાગ ડિટેક્ટિવની જેમ કામે લાગી જાય. પરિચયના, સંબંધોના અને સંપર્કોના બંધ પટારાઓ ફંફોસવા લાગે. કોઇ જ્ઞાતિબંધુ હશે? મિત્રવર્તુળમાંથી કોઇ હશે? વાચકવર્ગમાંથી પણ અનેકવાર કંકોતરીઓ આવતી રહે છે. ઘણીવાર તો એવું પણ બન્યું છે કે હું ક્યાંક વક્તવ્ય આપવા ગયો હોઉં અને ઓડિયન્સમાં બેઠેલા કોઇ શ્રોતાએ કાર્યક્રમ પૂરો થયા પછી મારી સાથે ફોટો પડાવ્યો હોય એ પણ પ્રેમથી યાદ કરીને કંકોતરી મોકલી આપે છે. કમ્યુનિકેશનની ક્રાંતિના યુગમાં મારા ઘરનું સરનામું શોધવું એ જરા પણ અઘરું નથી રહ્યું. અઘરું તો મારા માટે એ વ્યક્તિને યાદ કરવાનું બની જાય છે. મિલી નામની યુવતી અને પાર્થ નામનો યુવાન મને યાદ ન આવે એ સમજી શકાય, પણ એ બંનેનાં મમ્મી-પપ્પાઓનાં નામ પણ અજાણ્યાં લાગતાં હતા. દીપક વાઘમારે અને વર્ષા વાઘમારે કે પ્રદીપ પાટીલ અને પંકજા પાટીલને હું પાછલા સાત જન્મોમાં ક્યારેય મળ્યો હોઉં એવું મારી સ્મૃતિમાં ઝબકતું હતું. પંદરેક મિનિટ દિમાગી કસરત કર્યા પછી મેં કંકોતરી બાજુ પર મૂકી દીધી. નક્કી કરી લીધું કે આ લગ્નમાં જવું નથી. આવો નિર્ણય લેવા પાછળ મારા મનમાં કોઇના આમંત્રણ માટેનો અનાદર નથી હોતો; સમયની તંગી અને બધે પહોંચી ન શકવાની અશક્તિ આવા નિર્ણય માટે જવાબદાર હોય છે. આ નિર્ણય સાથે જ હું આખીય વાત ભૂલી ગયો. પણ જે દિવસે પ્રસંગ હતો એ દિવસે સવારે મારા પર ફોન આવ્યો. અજાણ્યા નંબર પરથી અજાણ્યો અવાજ બોલી રહ્યો હતોઃ ‘સર, આજે આવો છો ને? અમે તમારી રાહ જોઇશું. મિલી જીદ લઇને બેઠી છે કે તમે આવશો એ પછી જ તે માંડવામાં પધારશે.’ હું સમજી ગયો કે ફોન કરનાર મિલીના પપ્પા હોવા જોઇએ. એટલું તો સ્પષ્ટ થઇ ગયું કે મને મળેલી કંકોતરી કન્યા પક્ષ તરફથી મોકલવામાં આવી હતી. હજુ પણ દિમાગના આસમાનમાં અમાસી અંધકાર જ વ્યાપ્ત હતો. ઓળખાણનો ઝબકારો થયો ન હતો. દીપક વાઘમારે નામના એક અપરિચિત પુરુષે આગ્રહભર્યો ફોન કરીને વાઘ મારવા જેટલું અઘરું કામ પાર પાડી દીધું. હું મિલીના લગ્નમાં હાજરી આપવા માટે સંમત થઇ ગયો. નિર્ધારિત શુભ દિવસે હું સપત્ની નીકળી પડ્યો. સાંજના સમયે લગ્ન રાખવામાં આવ્યાં હતાં. સૂરજ હજુ આથમ્યો ન હતો. સમયના સિંહાસન પર હજુ તડકો બિરાજમાન હતો. અમે પહોંચ્યાં ત્યારે ગણેશપૂજાની વિધિ ચાલતી હતી. મેં ચોતરફ નજર ઘુમાવી. આશરે 1500 જેટલા માણસોમાંથી એક પણ ચહેરાને હું ઓળખતો ન હતો. આવું થાય ત્યારે વિચિત્ર પરિસ્થિતિ સર્જાય છે. સાવ અજાણ્યા લોકોની વચ્ચે જઇને, ચાંદલાનું કવર આપીને, બૂફે ઝાપટીને ઘરભેગાં થઇ જવાનું એ મારે મન મારા કિંમતી સમયનો બગાડ જ હોય છે. મારી પત્ની ધીમેથી ગણગણી પણ ખરી, ‘આ વિશાળ જગતમાં આપણી વિસાત કેટલી? તમે જુઓ છો ને? અહીં ઉપસ્થિત દોઢેક હજાર જેટલા માણસોમાંથી આપણને ઓળખતું હોય એવું કોઇ જ નથી.’ મેં એની વાતમાં સાથ પુરાવ્યો, ‘તારું કહેવું સાચું છે; માણસો ખાલીઅમથા સેલિબ્રિટી હોવાનું અભિમાન લઇને ફરે છે. આ જગતમાં આપણને ઓળખે છે એના કરતાં ન ઓળખતા લોકોની સંખ્યા ખૂબ મોટી છે.’ બરાબર તે ક્ષણે અવાજ સંભળાયો, ‘આવી ગયા! ડોક્ટરસાહેબ આવી ગયા!’ બોલનાર પુરુષ મધ્યમ કદકાઠીનો, સહેજ શ્યામ વર્ણનો, મોટી આંખો પર જાડા કાચનાં ચશ્માં પહેરેલો અને પાતળી મૂછવાળા ભરાવદાર ચહેરાવાળો કન્યાના પિતા જેવો વયસ્ક આધેડ આદમી હતો. એના અવાજ અને સત્કારભાવ પરથી હું સમજી ગયો કે એ મિલીના પપ્પા હોવા જોઇએ. દીપક વાઘમારેની પાછળ એમના પત્ની વર્ષાબહેન પણ દોડી આવ્યાં. મારા માટે બંનેના ચહેરાઓ નવા હતા, પણ પ્રસંગનું માન જાળવીને હું કંઇ બોલ્યો નહીં. દીપકભાઇનો ઉત્સાહ હૈયામાં સમાતો ન હતો. એમણે પત્નીને હુકમ કર્યો, ‘અરે, તું જોઇ શું રહી છે? જલદી જા અને મિલીને લઇને પાછી આવ. એને કહેજે કે તારા જીવનદાતા આવી ગયા છે.’ દીપકભાઇ હરખઘેલા બની ગયા હતા, પણ હું હોશમાં હતો. મેં વર્ષાબહેનને અટકાવ્યાં, ‘તમે એવું ન કરશો. પાનેતર ચડેલી કન્યાને આવી રીતે બહાર ન બોલાવાય. અમને જ મિલી પાસે લઇ ચાલો.’ મારા મનમાં સહેજ-સહેજ અજવાળું થવા લાગ્યું હતું. મિલીનો જન્મ મારા હાથે થયો હોવો જોઇએ. નક્કી એના જન્મ સમયે ગંભીર કટોકટી સર્જાઇ હશે. ઇશ્વરકૃપાથી હું એ પરિસ્થિતિને હેન્ડલ કરવામાં સફળ રહ્યો હોઇશ. સ્વાભાવિક છે કે આટલાં વર્ષો પહેલાંની એ ઘટના હું ભૂલી જ ગયો હોઉં. દીપકભાઇ ખરેખર કૃતજ્ઞ માણસ કહેવાય કે જેમણે એ વાત મનમાં સાચવી રાખી. એક ઓરડામાં સરખી ઉંમરની સહેલીઓથી ઘેરાયેલી પાનેતરમાં શોભતી મિલી બેઠી હતી. દીપકભાઇએ મારી ઓળખાણ કરાવી, એટલે એ મારાં ચરણોમાં ઝૂકી પડી. આવા દરેક પ્રસંગે હું જે આશીર્વાદ આપતો હોઉં છું તે માર હોઠ પરથી નહીં પરંતુ હૈયામાંથી આપતો હોઉં છું. આશીર્વાદ આપી દીધા પછી મને લાગ્યું કે મારે ફોડ પાડીને પૂછી જ લેવું જ જોઇએ, ‘દીપકભાઇ, સાચું કહું તો મને મિલીનો કેસ યાદ આવતો નથી. તમે સહેજ યાદ કરાવો તો...’ જવાબમાં જે અવાજ સંભળાયો તે દીપકભાઇનો ન હતો પણ મિલીનો હતો, ‘અંકલ, હું તમને યાદ નથી?’ આટલું બોલીને એણે પાનેતરના પાલવના એક છેડા પર મારેલી ગાંઠ છોડી નાખી. એમાંથી એક બચુકડી મેલી થઇ ગયેલી સફેદ દોરીની વર્તુળાકાર બંગડી જેવી ચીજ મારા હાથમાં મૂકી દીધી. એ જાડી દોરીની ગોળ બંગડીના મધ્ય ભાગમાં કપડાંની કાપલી સીવેલી હતી. એમાં ઝાંખા અક્ષરોમાં વંચાતું હતું: તારીખ: 22 ઓક્ટોબર. સમય: રાત્રિના દસ. વજનઃ 1 કિલો 900 ગ્રામ. બાળકીનું નામઃ દીપાવલી. ‘દીપાવલી’ શબ્દ વાંચતા જ મારા દિમાગમાં ગગનભેદી કડાકો થયો. આવું નામ કોઇનું હોઇ નહીં. આ નામ તો મેં જ પાડેલું હતું. લગભગ અઢી દાયકા પહેલાં એક અભાગી દીકરી આ પૃથ્વી પર અવતરી હતી. બીજા દિવસે હું વોર્ડમાં રાઉન્ડ પર ગયો હતો ત્યારે નર્સ જયાબહેને કહ્યું હતું, ‘સર, એક ખરાબ ન્યૂઝ છે. અડધા કલાક પહેલાં અમે આ બેબીને બાથ આપવા માટે પેન્ટ્રીમાં લઇ ગયાં, એ તકનો લાભ લઇને એની જનેતા ગૂપચૂપ હોસ્પિટલમાંથી ચાલી ગઇ. સાથે એનાં મા-બાપ હતાં એ પણ ફરાર થઇ ગયાં. મને લાગે છે કે આ બેબીની મા કુંવારી હોવી જોઇએ.’ હોસ્પિટલના પટાવાળાઓ ચોમેર ઘૂમી વળ્યા. પત્તો ન લાગ્યો. નિયમ અનુસાર મારે પોલીસમાં જાણ કરવી પડી. પીએસઆઇ આવીને સ્ટેટમેન્ટ નોંધી ગયા. આવા કિસ્સામાં નામ, સરનામું ખોટું જ લખાવ્યું હોય. એ દીકરીને જીવતી રાખવાની જવાબદારી અમારી ઉપર આવી પડી. પૂરા એક મહિના સુધી અમે એને ખૂબ પ્રેમપૂર્વક સાચવી. કોઇ બીજી બાળકી સાથે એ બદલાઇ ન જાય એટલા માટે મેં એના જમણા પગમાં કપડાંની કાપલીવાળી દોરી બાંધી દીધી હતી. એ દિવાળીની રાતે જન્મી હતી એટલે મેં લાડથી એનું નામ રાખી દીધું હતું: દીપાવલી. આખી હોસ્પિટલમાં આ રમૂજી નામ મશહૂર થઇ ગયું હતું. લગભગ સવા મહિના પછી પોલીસ આવીને અમારી દીપાવલીને કોઇ સંસ્થામાં મૂકવા માટે લઇ ગઇ હતી. એ પછી દીપાવલીનું શું થયું એ વિશે હું અજાણ હતો. દીપાવલી કોઇ મહારાષ્ટ્રીયન નિઃસંતાન દંપતીના જીવનમાં દત્તક પુત્રી તરીકે અજવાળું પાથરવા ચાલી ગઇ હશે, એવી માહિતી મને કોણ આપે? પણ એ સંસ્કારી દંપતીએ એ અજવાળાની ઉત્પત્તિ કથા જાણી લીધી હશે અને જતનપૂર્વક સાચવી પણ રાખી હશે. આ વાતનો બોલતો પુરાવો પેલી મેલીઘેલી કાપલીમાં મારી સામે હાજર હતો. અમારી ચારેયની આંખો ભીની હતી અને મિલી હસી રહી હતી. મેં પૂછ્યું, ‘બેટા મિલી, તને આશીર્વાદમાં શું આપું?’ મિલીએ મને વચનથી બાંધી લીધો, ‘જો પાળી શકવાના હો, તો એક વચન આપો. મને ભૂલ્યા વગર દિવાળીના દિવસે ફોન કરીને આટલું કહેજો: હેપ્પી દીપાવલી!’⬛ drsharadthaker10@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.