અગોચર પડછાયા:રોઝમિના

જયેશ મેકવાન19 દિવસ પહેલા
  • કૉપી લિંક

‘એને તારી જરૂર છે.’ રોઝમિનાની માતા બોલી. એ સાંભળીને શેન છંછેડાઈને તાડૂકયો, ‘એ મરી ચૂકી છે. તમે આ વાત ક્યારે સ્વીકારશો?’ ‘ના. એ જીવતી છે...’ બોલતાં બોલતાં રોઝમિનાની માતા રડી પડી અને આંસુ લૂછતાં બોલી, ‘તું એના માટે આટલું પણ નહીં કરે?’ ‘શું કરું એના માટે? એ લાયક હતી ખરી કે કોઈ એના માટે કાંઈ કરે?’ ‘એના વિશે આવું શા માટે બોલે છે?’ ‘એ એના બીજા પ્રેમીઓને પૂછો. એ લોકો કહેશે કે અમે બધા એના વિશે આવું શા માટે બોલીએ છીએ?’ ‘તમે બધાએ ભેગા મળીને એનો ગેરલાભ ઊઠાવ્યો.’ ‘ઊલટા ચોર કોટવાલ કો ડાંટે.’ ‘આવું ના બોલ. મને દુખ થાય છે. રોઝમિનાને તારી જરૂર છે. એ સતત તારું જ નામ પોકારે છે. કમ સે કમ એક વાર તો આવીને એને મળ. એને સારું લાગશે.’ ‘કોને મળું?’ શેન ગુસ્સાથી બોલ્યો, ‘રોઝમિના મરી ચૂકી છે. કબરમાં દટાયેલી છે. તમે એ વાત સ્વીકારી લો.’ ‘એ જીવતી છે. મારી વાતની ખાતરી ના થતી હોય તો મારા ઘરે આવીને જોઈ લે.’ રોઝમિનાની માતા દૃઢતાપૂર્વક બોલી. શેન થોડા ગુસ્સાથી અને થોડી કરુણાથી એને તાકી રહ્યો. રોઝમિનાની માતાએ આંસુભરી આંખે આજીજી કરી, ‘પ્લીઝ...’ ‘સારું.’ શેન નરમ પડ્યો અને દયાના ભાવ સાથે બોલ્યો, ‘હું સાંજે આવીશ તમારા ઘરે.’ * * * સાંજે સાત વાગ્યે રોઝમિનાના ઘર તરફ જઈ રહેલા શેનના વિચારોની ગતિ કારની ગતિથી પણ તેજ હતી. એ રોઝમિનાને ખૂબ જ ચાહતો હતો, પણ એક દિવસ એણે રોઝમિનાને કોઈ આધેડ સાથે કારમાં નગ્નાવસ્થામાં જોઈ. એને આઘાત લાગ્યો, પણ એણે એ વાતનો અહેસાસ રોઝમિનાને થવા ના દીધો. એણે છાનામાના તપાસ કરી તો એને જાણવા મળ્યું કે શેન જેવા તો બીજા પચાસ પ્રેમીઓને રોઝમિના ગોળ ગોળ ફેરવે છે અને એની માતા પણ એ બાબતમાં એને પૂરો સહકાર આપે છે. હકીકતમાં તો રોઝમિના અને એની માતાનો બધો ખર્ચ રોઝમિનાના આવા પ્રેમીઓ જ ઉપાડે છે. હકીકતની જાણ થતા જ શેને રોઝમિના સાથે સબંધ તોડી નાખ્યો અને એ વાતની પીડા શેનને જ થઈ. એ બ્રેકઅપે શેનને ભાવનાત્મક રીતે નિચોવી નાખ્યો, પણ રોઝમિના તો મોજથી જીવતી હતી, કેમ કે શેન જેવા તો બીજા પચાસ જણ એની આગળ પાછળ પૂંછડી હલાવતા હતા. એમાંનો એક હતો બીલી. બીલી લાગણીશીલ હતો. સમય પસાર થયો એમ બીલીને પણ ખબર પડી કે રોઝમિના માટે એ એક એ.ટી.એમ. મશીન જ છે, પણ બીલી શેનની જેમ રોઝમિનાથી અલગ ના થઈ શક્યો. એને એ હદે આઘાત લાગ્યો કે એણે રોઝમિનાને મારી નાખી અને પોતે પણ આત્મહત્યા કરી લીધી. રોઝમિનાના મોત પછી એની માતાએ પણ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું. કેટલાયે દિવસથી કોઈએ એને જોઈ ન હતી. અમુક જણ એમ પણ કહેતા હતા કે રોઝમિનાના મોત પછી આવક સંપૂર્ણપણે બંધ થઈ જવાથી એની માતાએ પણ આત્મહત્યા કરી લીધી છે. પણ એ જ્યારે સામેથી શેનને મળી ત્યારે જ શેનને ખબર પડી કે એ તો હજી જીવે છે. શેન રોઝમિનાના ઘરે પહોંચ્યો. બહાર અગિયાર કાર આમ તેમ પાર્ક થયેલી હતી. શેનને થયું કે એના સિવાય પણ બીજા લોકોને રોઝમિનાની માતાએ બોલાવ્યા લાગે છે. રોઝમિનાની માતાએ એને આવકાર્યો. રોઝમિનાની માતાને જોઈને શેનને ચીડ તો ચડી, પણ એણે પોતાની જાત પર કાબૂ રાખીને સ્મિત આપ્યું અને ઘરમાં ગયો. ઘરમાં ઘૂસતાં જ એ ભડક્યો. ડ્રોઈંગ રૂમની વચ્ચોવચ કોફિન પડ્યું હતું અને એમાં રોઝમિનાની સડી ગયેલી લાશ હતી. શેન અકળાઈને બોલી ઊઠયો, ‘તમે કબ્રસ્તાનમાંથી લાશ ખોદી લાવ્યા? હું હમણા જ પોલીસને ફોન કરું છું.’ ‘એ લાશ નથી. મારી દીકરી છે. તારી પ્રેમિકા છે. એ તારી સાથે વાત કરવા માંગે છે.’ ‘એક લાશ મારી સાથે શું વાત કરવાની.’ ‘આઈ લવ યુ શેન.’ કોફિનમાંથી ઊભી થઈને રોઝમિના બોલી. સડી ગયેલી, બદબૂદાર, ભયાનક દેખાવવાળી રોઝમિનાની લાશને બોલતી જોઈને શેનના હોશ ઊડી ગયા. એ જીવ બચાવવા નાઠો, પણ ઘરના તમામ દરવાજા જડબેસલાક બંધ હતા. એટલે એ દોડીને એક રૂમમાં ઘૂસ્યો, પણ એ રૂમમાં તો પંખા પર રોઝમિનાની માતાની સડી ગયેલી લાશ લટકતી હતી. એ ચીસ પાડીને રૂમમાંથી બહાર નાઠો, તો સામે જ રોઝમિના અને એની માતા ઊભાં હતાં. બંને જણ શેન પર તૂટી પડ્યાં અને જોતજોતામાં તો શેનને કાચો ને કાચો ખાઈ ગયાં. પછી રોઝમિનાની માતા બોલી, ‘આ તારા બારમા પ્રેમીને આપણે ખાઈ ગયાં. હવે બે-ચાર દિવસમાં તારા બીજા કોઈ પ્રેમીને તારા નામે ફસાવીને લઈ આવીશ. એમને ખબર છે કે તું મરી ગઈ છે. એટલે તું જાતે એમની પાસે જાય તો એ લોકો કોઈ સંજોગોમાં તારી નજીક પણ ના આવે, પણ એ લોકોને મારા મૃત્યુની જાણકારી નથી. એટલે હું જાઉં તો લાગણીશીલ થઈને એ લોકો આપણા ઘરે ખેંચાઈ આવે. તારા પ્રેમીઓ પણ કમાલ છે. તું જીવતી હતી ત્યારે પણ આપણને કામ લાગતા હતા અને હવે તારા મર્યાં પછી પણ આપણને કામ લાગે છે.’ * * * ‘એને તારી જરૂર છે.’ કોફી શોપમાં બેઠેલી રોઝમિનાની માતા બોલી અને એની સામે બેઠેલો રોઝમિનાનો બીજો એક ભૂતપૂર્વ પ્રેમી લુકાસ આશ્ચર્યથી એને તાકી રહ્યો.

અન્ય સમાચારો પણ છે...