ગુજરાતમાં વધુ એક લઠ્ઠાકાંડ થયો એટલે ફરીથી દારૂબંધીની યોગ્યતા-અયોગ્યતા અને જડતા વિશેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં ઝેરી લઠ્ઠાને કારણે થતાં સામૂહિક મૃત્યુના બનાવો દરેક સરકાર વખતે થતા રહ્યા છે. દુનિયાના શ્રેષ્ઠ પોલીસ અધિકારીઓ ગુજરાતમાં મૂકવામાં આવે તો પણ કાળક્રમે થતા લઠ્ઠાકાંડ અટકવાના નથી. ફક્ત ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશનાં બીજાં રાજ્યોમાં પણ ઝેરી દારૂને કારણે ગરીબોનાં મૃત્યુ થતાં રહે છે. ગરીબોને શુદ્ધ, સારી ક્વોલિટીનો દારૂ પોસાતો નથી. અહીં આપણે નશાખોરીની ચર્ચા કરવી નથી. મોરલ પોલીસ બનવું નથી. અતિ શ્રીમંત કરતાં અતિ ગરીબને હળવા થવા માટે નશાની વધુ જરૂર હોય છે. લોકડાઉન વખતે લાખો અસ્થાયી મજૂરો પોતાનાં વતન ફરેલાં એનું કારણ એ હતું કે, દિવસની સખત મહેનત પછી તેમાંથી ઘણા ખરા તંબાકુ, બીડી કે દારૂના વ્યસની હતા. લોકડાઉનને કારણે નશાની વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ હોવાથી તેઓ ભારે અકળાયા હતા. બે ટંકનું ખાવાનું તો સરકાર અને સામાજીક સંસ્થાઓ એમને પૂરું પાડતા હતા, પરંતુ હળવો નશો કરવા માટે બીડી, તંબાકુ કે દારૂ ક્યાંથી મેળવવાં? ગુજરાતમાં તો કેટલાંકને દારૂના નશા કરતાં દારૂબંધીનો નશો વધુ માદક લાગે છે! લઠ્ઠાકાંડ થાય એ પછીના દિવસોમાં ગુજરાતની પોલીસ બધાં કામ પડતાં મૂકીને દારૂ વેચનારાઓ અને દારૂ પીનારાઓને પકડવાના કામમાં લાગી જાય છે. જોકે, સમાજની ત્રણ બદી ઐતિહાસિક સમયથી ચાલી આવી છે અને દુનિયાનો કોઈ કાયદો એને રોકી શકે એમ નથી. દારૂ માટે સોમરસ, મદિરા, વારુણી, શૂરા, આસવ, મધુ, મધુમાધવી, કાદંબરી... જેવાં અતિ સુંદર નામો આપણા સંસ્કૃત વેદ સાહિત્યમાં છે. આબુ, દિવ, દમણ, સેલવાસ અને ગોવા જેવાં દારૂની છૂટવાળાં સ્થળો ગુજરાતના પીવાના શોખીનોથી ઊભરાતાં રહે છે. 31મી ડિસેમ્બરની ઉજવણી વખતે ગુજરાતમાં દારૂની પરમિટ ધરાવનારાઓની ‘ડિમાન્ડ’ અને ઇર્ષ્યા વધી જાય છે. જોકે, પરમિટની દારૂ વેચતી લિકરશોપમાંથી મળતી મદિરા પર એટલો મોટો ટેક્સ લગાડવામાં આવ્યો છે કે, બોટલનો ભાવ જોઇને જ પીનારાનો નશો ઊતરી જાય! ભારતનાં બે-ત્રણ રાજ્યો ઉપરાંત કેટલાક ઇસ્લામિક દેશો સિવાય વિશ્વમાં ક્યાંય દારૂબંધી નથી. અમેરિકાએ પણ ધાર્મિક સંપ્રદાયોના દબાણને કારણે 1919ના વર્ષથી દારૂબંધીનો કાયદો અમલમાં મૂક્યો હતો. જોકે, આ કાયદો સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયો અને કાયદાને કારણે મળેલાં દુષ્ટ પરિણામોને લીધે અમેરિકાએ દારૂબંધી ઊઠાવી લેવી પડી હતી. અલ કેપોન જેવો ખતરનાક માફિયા સરદાર દારૂબંધીનું જ પરિણામ હતું એની કબૂલાત અમેરિકન સરકારે પણ કરી હતી. ગુજરાતમાં પણ અબ્દુલ લતિફ જેવા ગુંડાને દારૂબંધી ‘માફક’ આવી હતી અને વર્ષો સુધી એણે આતંક મચાવ્યો હતો. દારૂબંધીનાં 13 વર્ષ દરમિયાન અમેરિકામાં દારૂ પીવાનું પ્રમાણ ઘટવાને બદલે ભારે માત્રામાં વધી ગયું હતું. એ સમયગાળા દરમિયાન અમેરિકાના ઇતિહાસમાં ક્રાઇમ રેટ સૌથી વધુ વધ્યો હતો. 13 વર્ષની દારૂબંધીનાં દુષ્ટ પરિણામો અમેરિકાએ ત્યાર પછીનાં ઘણાં વર્ષો સુધી ભોગવ્યાં. અમેરિકાના કેટલાક નિષ્ણાતો અને બૌદ્ધિકો, દારૂબંધીના નિર્ણયને અમેરિકાની એક સૌથી મોટી બેવકૂફી ગણાવે છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે ચુસ્ત ઇસ્લામિક દેશોમાં દારૂબંધીના કાયદા ખૂબ કડક હોય છે. આ એક અર્ધસત્ય છે. તાલિબાન જેવાં કટ્ટરવાદીઓનાં શાસન જ્યાં નહીં હોય ત્યાં કેટલાક નિયમોને આધીન દારૂ મળી શકે છે. ખોમૈનીના શાસન પહેલાં ઇરાનના કેટલાક વિસ્તારોમાં વાઇન શોપ અને બાર હતાં. ઇરાનમાં શ્રીમંતો અને યુવાનો દારૂ પીવે એને ઘણાં છોછ માનતાં નથી. ઇરાકનાં યુવક-યુવતીઓ પણ કૂર્દની સરહદે આવેલા પબ અને ડિસ્કોથેકમાં જઈ મનોરંજન કરે છે. પેલેસ્ટાઇનમાં પણ મુસ્લિમ વિસ્તારના કેટલાક શોખીનો વિકેન્ડ દરમિયાન કે ચાલુ દિવસે પણ થોડું જોખમ લઈ ખ્રિસ્તી વિસ્તારમાં જઈને છાંટોપાણી કરી આવે છે. હિન્દુ પુરાણોમાં પણ ફક્ત પુરુષો જ નહીં, મહિલાઓ પણ મદિરાપાન કરતી હોવાના ઉલ્લેખ છે. ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે જ કાયદો–વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં હોવાના દાવા થાય છે. જોકે ગોવામાં માથાદીઠ હત્યાના બનાવો ગુજરાત કરતાં દસમા ભાગના પણ નથી. પોંડિચેરીમાં દેશનો સૌથી સસ્તો દારૂ વેચાય છે. આમ છતાં બિહાર કરતાં પોંડિચેરી હજાર ગણું વધારે સેઇફ છે! એમ તો મુંબઈમાં પણ રાત્રે 2 વાગે છેલ્લી ટ્રેન પકડીને ઘરે જતી સેંકડો સ્ત્રીઓ હોય જ છે ને!⬛vikramvakil rediffmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.