મેનેજમેન્ટની abcd:રિવેન્જ બેડટાઈમ પ્રોકાસ્ટિનેશન

બી.એન. દસ્તૂર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બગડેલા બોસ અને કતરાયેલા કસ્ટમર જોડે લમણાં લઈ તમે કામ ઉપરથી ઘરે પહોંચો છો. ડિનર લઈ તમે ‘રિલેક્સ’ થવા અને ભંગાર દિવસ ઉપર વેર લેવા ટી.વી. જુઓ છો, લેપટોપ ઉપર યોગનાં આસનો જુઓ છો, મનગમતી કિતાબ વાંચો છો કે પછી સેલફોનને વહાલ કરો છો. સમય તમારી સાડાબારી રાખતો નથી અને જોતજોતામાં રાત્રિના સાડા બાર થઈ જાય છે. તંદુરસ્તી માટે અનિવાર્ય એવી ઊંઘને પાછી ઠેલવાની પ્રોકાસ્ટિનેટ કરવાની આ આદતનું નામ છે ‘રિવેન્જ બેડટાઈમ પ્રોકાસ્ટિનેશન.’ આજનું વર્કપ્લેસ તમારી પાસે હદ વિનાની અપેક્ષાઓ રાખે છે. તમારી કારકિર્દીની સડક ઉપર ફેરારી ચલાવવાની જીદની મહોંકાણમાં તમે દિવસ દરમિયાન એટલા વ્યસ્ત રહો છો કે રિલેક્સ થવાતું નથી. રોજ ઓવરટાઈમ થઈ જાય છે. આ બધાંની સામે વેર લેવા તમે મોડી રાત સુધી મનગમતી પ્રવૃત્તિ કર્યે રાખો છો. ઘર અને નોકરી વચ્ચે સમતુલન સાચવતી સ્ત્રીઓમાં આ આદત વધારે જણાય છે. પૂરતી ઊંઘ ન લેવાના ગેરફાયદાઓ ઉપર કિતાબો લખવી ફેશનમાં છે. ‘વ્હાય વી સ્લીપ’ નામની, ડો. મેથ્યુ વોકરની કિતાબમાં 360 પાનાં છે. ડિજિટલ કરફ્યૂનો આશરો લો. સ્ક્રીન ટાઈમને હદની બહાર જવા ન દો. નિષ્ણાતો કહે છે કે, બેડટાઈમ પહેલાં સ્ક્રીન ટાઈમને જાકારો આપો. દિમાગ, માહિતી, વિડીયો, ચમકતા ફોટાઓની અસર નીચે રિલેક્સ થઈ શકાતું નથી. બેડરૂમમાં પ્રકાશનો અહેસાસ થતાં શરીરમાં ઊંઘ માટેના હોર્મોન ‘મિલેટોનિન’ની માત્રા ઘટે છે. રિલેક્સ થવા વહેલું ડિનર લઈ, ઊંઘવાના સમયની એકાદ કલાક પહેલાં ગરમ પાણીથી સ્નાન કરો. દિવસ દરમિયાન જે કંઈ બન્યું, ન બન્યું તે એક ડાયરીમાં, જર્નલમાં ટપકાવવાની આદત પાડો. મેડિટેશન, હળવી કસરતો દિવસે કરતા રહો. ઊંઘવાનો અને જાગવાનો સમય નક્કી કરો. મિલેટોનિની માત્રા વધારવા, શીંગ, બદામ, અખરોટ ખાતા રહો. પૂરતું પાણી પી‌વો. વિટામિન-ડી અને મેગ્નેશિયમ સપ્લિમેન્ટ, દાક્તર પ્રીસ્ક્રાઈબ કરે એટલી માત્રામાં લો. રિવેન્જ બેડટાઈમ પ્રોકાસ્ટિનેશનથી થતા નુકસાનોની યાદી લાંબી છે અને એને ન્યૂટ્રલાઈઝ કરવા શું કરવું, શું ન કરવું એની યાદી વધારે લાંબી છે. થોરામાં ઘનું ફરી એક વાર : ઊંઘ, અડપલાં અને પ્રેમ સિવાયની કોઈ પણ અન્ય પ્રવૃત્તિને બેડરૂમમાં નો એન્ટ્રી.⬛baheramgor@yahoo.com

અન્ય સમાચારો પણ છે...