મતદાન, મતગણતરી અને નવી સરકારનું ગઠન: આટલાં રાજકીય વાવાઝોડાં પછી તેની અસર વિશે પણ શાણા ગુજરાતે, તેની સરકારે, મંત્રીઓએ, ધારાસભ્યોએ અને બેશક, રાજકીય પક્ષોએ વિચારવું એ તેની પુખ્ત જાહેરજીવનની ઓળખ છે. એ તો ફરીવાર નક્કી થઈ ગયું કે ગુજરાત તેની પોતાની ગણતરી મુજબ જ વર્તે છે, રાજકીય પક્ષો ગમે તેવો અને ગમે તેટલો પ્રચાર કરે પણ શાણો ગુજરાતી તેનું મન ખોલતો નથી. એ મતપેટી પર જાય ત્યારે જ પોતાના નિર્ણયને મહોર મારે છે. આનું કારણ શું? આ કારણ ગુજરાતીના ડી.એન.એ.માં પડ્યું છે એટલે ઘણું જૂનું છે, પરંપરાનું છે, ઐતિહાસિક છે. ભલભલા તેને સમજવામાં ગોથાં ખાઈ જાય છે એટલે મોટાભાગે બાકી લોકો કાં તો અહીં અાવીને દૂધ-સાકરની જેમ ભળી જાય છે. ગુજરાત સરકારમાં બેઠેલા એવા કેટલાક સચિવો અને અફસરોને હું જાણું છું કે તેઓ ‘સવાયા ગુજરાતી’ની જેમ પ્રજાની અને રાજકારણની નાડ પારખે છે! પણ, ‘ગુજરાત-દ્વેષ’ એટલો જ મજબૂત છે તે ગુજરાતની સરહદની પેલી પાર છે. તેમને મોકો મળવો જોઈએ! સરદાર વલ્લભભાઈ ગાંધી-નેહરુને માટે નિકટવર્તી હતા એ દંતકથાઓને મજબૂત કરવા થોડાંક પ્રમાણો પણ તેઓ શોધી કાઢે છે પણ વાસ્તવિકતા એ હતી કે દિલ્હીને આ લોખંડી પુરુષ જરીકેય પસંદ નહોતા. નેહરુ પણ તેમને સૌજન્યના દેખાડા સાથે મજબૂરીથી સહન કરી લેતા હતા. નેહરુ પછી ઈન્દિરાજીએ પણ એવું કર્યું અને પ્રધાનમંડળમાંથી ‘રીંગણા-બટાકા’ની જેમ ફેંકી દીધા હતા એવું ખુદ મોરારજીભાઈએ નોંધ્યું છે. ગુજરાતમાં નર્મદા, ગેસપાઈપ, દુકાળના સમયે રાહત જેવા ઘણા પ્રશ્નો પર કેન્દ્ર અન્યાય અને પક્ષપાત કરતું તે જાણીતું છે. અરે, નર્મદા ડેમ ના બંધાઈ શકે તે માટે મેધા પાટકર સહિતના એનજીઓએ કેવી લડત ચલાવી હતી, જેમાં બાબા આમટે જેવા પણ ભળ્યા હતા! ચીમનભાઈ પટેલની સામે નવનિર્માણ થયું ત્યારે તેમણે લખેલી પુસ્તિકામાં ‘કેન્દ્ર સરકારે તેલ અને અનાજની પૂરી સહાય ના કરી તેને કારણે પોતાનો વિરોધ થયો’ એમ નોંધ્યું હતું. ચીમનભાઈને હટાવવામાં બીજાં કારણો પણ હતાં, પણ આયે હતું અને વિડંબના તો જુઓ કે કેન્દ્રમાં પણ ગુજરાતની જેમ જ કોંગ્રેસની સરકાર હતી! અત્યારે કેન્દ્ર-રાજ્ય સંબંધોમાં સુસંગતતા (રિલેવન્સી) આવી છે તે સારું છે, પણ 2002માં ગોધરા-કાંડ સમયે ગુજરાત પર ઓછાં માછલાં ધોવાયાં નહોતાં! પ્રતીક રૂપે નરેન્દ્ર મોદી હતા એટલે તેમને તો અમેરિકામાં પ્રવાસ પણ ન કરી શકે એવા ઠરાવો કરવામાં આવેલા! ગુજરાતમાં ભાજપ અને ગુજરાતી મતદાર, બંને આવા અનેક ચડાવ-ઉતાર સહન કરીને આજે એવી સ્થિતિ સર્જી શક્યા છે કે લોકશાહીમાં તેમને માન્ય કરવા પડે. નહીંતર કોંગ્રેસ પ્રમુખ ખડગેએ તો લોકોને એવી ચેતવણી આપી દીધી હતી કે જુઓ, જુઓ, આ મોદી અને ભાજપ સત્તા પર આવશે તો સનાતન ધર્મનો જય જયકાર થઈ જશે! આ જ માનસિકતાના ઉમેરણ તરીકે તેમણે ગુજરાતમાં આવીને મોદીને રાવણ કહીને દલિત કાર્ડ ચલાવવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો! આવા પ્રયાસો અને કરોડોના ખર્ચ પછી મતદાર ગણતરીપૂર્વક (કેલ્ક્યુલેટિવ) રહ્યો તેને લીધે આ ચૂંટણી પરિણામો આવ્યાં. હવે? આ જવાબ એટલો જ જરૂરી છે જેટલું ગુજરાતનું ભવિષ્ય છે. મોદીએ તો તેનો ઈશારો કરી જ દીધો હતો ચૂંટણી સભાઓમાં અને તે પછી પણ- કે આપણે આ ચૂંટણી જીતવાની છે એટલું જ લક્ષ્ય નથી. આગામી 25 વર્ષના ગુજરાતને પ્રચંડ શક્તિશાળી અને પ્રભાવી બનાવવું છે. તેમની નજર નવયુવાનો તરફ છે આમ કહેવાની પાછળ. આને ‘મુખ્ય મંત્ર’ બનાવીને ગુજરાત સરકારે, મંત્રીઓએ, ધારાસભ્યોએ, કાર્યકર્તાઓએ અને નેતાઓએ એક ભાવિ નકશો તૈયાર કરવો પડે. વડાપ્રધાન અને અમિત શાહ તેવા નકશા માટે પ્રેરક બની શકે. માત્ર મોદી-ગુણકીર્તન ગાતા રહેવાથી આ કાર્ય સંપન્ન ના થાય એ તો મોદી સ્વયં માને છે એટલે હવે ઝિન્દાબાદ-ઝિન્દાબાદની વાવંટોળની ધૂળ શાંત કરવી અને પ્રજાકીય પુરુષાર્થમાં લાગી જવું એ અનિવાર્ય છે. આનાં ‘બાય-પ્રોડક્ટ’ પરિણામો પણ આવી રહ્યાં છે. આગામી દિવસોમાં 9 રાજ્યોની ચૂંટણી છે અને 2024માં સામાન્ય ચૂંટણી. આવું ‘વિઝન’ સમજવું એ જ મોટો પડકાર છે, કેમ કે ગુજરાત-પરિણામોનો મોટો પ્રભાવ વિવિધ પ્રાંતોમાં અને દેશ-પરદેશમાં પણ પડ્યો છે. આ ઉજવણીનો અવસર છે એટલું જ પડકારનું પર્વ છે. એવું નથી કે પાછલી સરકારોએ કશું કામ જ નથી કર્યું. આરોપો મૂકવા એ ‘સોશિયલ મીડિયા’ના જમાનામાં તદ્દન સરળ કામ છે. વાયદા-વચનોનું પણ તેવું જ છે. ખરી વાત વિશ્વસનીયતાની છે, ‘આ પક્ષ બધું જ કરશે’ એવું તો કોઈને માટે સાચું નથી પણ ‘આ પક્ષ આટલું તો કરશે જ’ એવું માનીને મતદાર ચાલ્યો છે, હવે તેની પીડા અને મહત્ત્વાકાંક્ષાને સમજીને જો વર્તમાન શાસન ચાલશે તો તેને માટે આગામી પાંચ વર્ષની ટર્મ અઘરી નહીં રહે.{ vpandya149@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.