ઓફબીટ:ધર્મ : લેખકનો અને વાચકનો...

અંકિત ત્રિવેદી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પહેલાં કોણ લેખક કે વાચક? આ પ્રશ્નનો જવાબ પહેલાં મરઘી કે ઈંડું? – જેવો અસમંજસ નથી. લેખક લખે છે ત્યારે વાચક વાંચે છે. લેખક પોતાને માટે લખે છે. વાચક પોતાને માટે વાંચે છે. લખવું એ લેખક માટે ધર્મ ચોક્કસ છે પરંતુ કેટલીકવાર ‘ક્રિયાકાંડ’ બની જાય છે. ‘સપ્રમાણ’ શબ્દનું આત્મભાન પ્રત્યેક શબ્દના પ્રત્યેક અક્ષર પાસે અનિવાર્ય છે. એટલે જ પોતાનું લખવું ‘ઢસરડો’ બની જાય એ પહેલાં ચેતી જવું એ લેખક ધર્મ છે. લેખકે જાતને બાળીને વાચકને અજવાળવાનો હોય છે. ‘લખવું’ ઘણાબધા પ્રકારોમાંથી જન્મે છે. એના ઘણા પ્રકારો પણ હોય છે. પણ, આ બહુ અંગત બાબત છે. સામાન્ય જીવન જીવતો કોઈ માણસ સદીઓથી બનતી ઘટનાને પળવારમાં ઉકેલવા સમર્થ બને ત્યારે ‘લખવું’ સાર્થક થાય છે. લખવાનો ધર્મ ચુસ્ત છે. આગના દરિયામાં ડૂબકી લગાવવાનું કામ છે. એક અંગ્રેજ કવિએ કહ્યું હતું કે વૃક્ષ આપણને કેટલું બધું આપે છે! તડકો, છાંયો, પાંદડાં, ફળો, ફૂલો, વરસાદ અને કંઈકેટલુંયે... અને જ્યારે એમાંથી કાગળ બને છે અને એ કાગળ ઉપર કંઈક લખવાનું બને છે ત્યારે લખનારની જવાબદારી વધી જાય છે. આવી સાર્થકતા સાથે સર્જન થાય છે ત્યારે કદાચ વૃક્ષની પણ સદ્્ગતિ થાય છે અને નથી થતું ત્યારે પોતાની દુર્ગતિની જાણ વૃક્ષ સિવાય બહુ ઓછાને થતી હોય છે! લખતી વખતે લેખકને પોતાને મઝા પડવી જોઈએ. તો જ એ એની મઝાને વાચકો સુધી પહોંચાડી શકશે. વાચકોને ધ્યાનમાં રાખીને લખતી વખતે સલાહ પુરાણનો નવો અધ્યાય શરૂ થઈ જતો હોય છે. અને સલાહ કાગળ પર અવતરતી હોય છે ત્યારે સક્રિય નિષ્ફળતાઓનું વર્ણન થતું હોય એવું લાગ્યા કરે છે. વાચકને ધ્યાનમાં રાખીને લખતી વખતે ઉઠાંતરીનો અવકાશ રહે છે. પોતાને લખવામાં મઝા પડી હોય તો વાચકની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. મઝાને એનો પોતાનો રસ્તો શોધતાં આપણા કરતાં વધારે સારી રીતે આવડે છે. લેખકનો ધર્મ છે ‘લખવું.’ પરિસ્થિતિને બે આંગળીઓ વચ્ચે પકડીને કાગળ ઉપર કંડારવી. લેખકની એક આંખમાં કાલ હોય છે, બીજી આંખમાં આવતીકાલ હોય છે અને એની સમગ્ર ચેતના વર્તમાન સામે બથ ભીડાવે છે. આવું બને છે ત્યારે લેખકની સચ્ચાઈની સુગંધ વાચક સુધી પહોંચવામાં વાર નથી લગાડતી. લખવું એ જાત સંવાદ છે. લખવું એ લેખકના અસ્તિત્વમાં ઘેરાય છે, બંધાય છે અને કાગળ ઉપર વરસે છે ત્યારે વાચક ભીંજાય છે. આ વરસાદ લેખકની મરજી મુજબનો છે અને એમાં ભીંજાવવું એ વાચકની મરજીનું હોય છે. વાચક સભાન હોય છે. વાચક લેખકનું બધું જ વાંચે છે એવા ખયાલમાં માત્ર લેખક જ હોય છે! વાચક પોતાની વાતને લેખકના શબ્દોમાં શોધે છે. વાચકનો ધર્મ પામવાનો છે. લેખ લખ્યા પછીની લેખકની તૃપ્તિ વાચકે લેખ વાંચી લીધા પછી સંતૃપ્તિમાં પરિણમે છે. વાચક વાંચતી વખતે એવા સર્જકને શોધે છે જેના સર્જનને તે પોતાની સગ્ગી આંખોથી જોઈ શકે છે. લેખકની પીડાનો અને પ્રેમનો બંનેનો ભાગીદાર થાય છે. વાચક પાસે ‘ચોઈસ’ છે. લેખક પાસે વાચક સિવાય બીજું કશું જ નથી. વાચક વાંચીને લેખક બની શકે છે. લેખક વાચકોની સંખ્યાને આધારે બનવું મુશ્કેલ છે. વાચક એકનો એક હોઈ શકે છે. લેખકે એક રહીને બદલાવવાનું હોય છે. લેખક લેખ લખીને છૂટી જાય છે. વાચક લેખ વાંચીને બંધાય છે. લેખક અને વાચકનો સંબંધ એક એવું આકાશ છે જ્યાં સૂરજ અને ચાંદો એક સાથે ઊગે છે.⬛ ઑન ધ બીટ્સ શેરડીનો લઈ ખટારો શ્હેર બાજુ જાય છે, ત્યાં તો ધમધોકાર કેવળ સેકરિન વેચાય છે. આંખમાંથી પંખી ખંખેર્યા પછી કરજે પ્રવેશ, એક ટહુકાથી નગર આખું પ્રદુષિત થાય છે. - રમેશ પારેખ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...