તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
- ડૉ. નિમિત્ત ઓઝા
એક ઘરમાં બે બિલાડીઓ રહેતી. એક લાલ અને બીજી ભૂરી. એક જ ઘરમાં રહેવા છતાં બંને બિલાડીઓ વચ્ચે અણબનાવ રહેતો. એનું મુખ્ય કારણ હતું ઈર્ષા. ભૂરી બિલાડીને લાલ બિલાડી જેટલા ચપળ અને ઝડપી બનવું’તું, જ્યારે લાલને ભૂરી જેટલા સમજદાર અને બુદ્ધિશાળી. એકબીજી જેવા બનવા માટે તેમણે અથાક પ્રયત્નો કર્યા. ફાઈનલી જ્યારે તેમને પરકાયા પ્રવેશનું વરદાન મળ્યું, ત્યારે તેમને સમજાયું કે ‘અન્ય’ જેવા બન્યા પછી પણ તેઓ સુખી નથી. હકીકતમાં, એમ કરવાથી તેમની તકલીફો વધી ગઈ. બંને બિલાડીઓને રીયલાઈઝ થયું કે એના કરતાં પોતે જે છે, એનું ‘બેસ્ટ વર્ઝન’ બનવામાં એકબીજીને મદદ કરવી. ત્યાર બાદ ઈર્ષા છોડીને બંને સુખેથી રહેવા લાગી.
લેખિકા જેની ડેસ્મંડ દ્વારા લખાયેલી આ બાળવાર્તા પુસ્તક ‘રેડ કેટ, બ્લુ કેટ’માં પ્રકાશિત થયેલી. પોતાની જાત સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ બનવાની આપણી ઘેલછા કેટલી નિરર્થક હોય છે, એ આ વાર્તાનો સાર છે. આપણા દરેકમાં આ લાલ અને ભૂરી બિલાડી વસે છે. આપણે સતત કોઈના જેવા બનવાની કે કોઈના જેટલું પામવાની ઝંખના, કોશિશ કે પ્રાર્થના કરતાં રહીએ છીએ. આપણા દરેક સુખના અકાળ મૃત્યુ પાછળનું મુખ્ય કારણ સરખામણી છે. આપણી મોટા ભાગની ઉદાસીનો ઉદય ઈર્ષા કે અદેખાઈમાંથી થાય છે. ઈર્ષાની માનસિકતામાંથી બહાર નીકળવાનો અને સુખ સુધી પહોંચવાનો ટૂંકામાં ટૂંકો રસ્તો એટલે મુદિતા. ઈર્ષાનો એન્ટિ-ડોટ એટલે મુદિતા. આ શબ્દ બુદ્ધિઝમનો છે. મુદિતા એટલે નિ:સ્વાર્થ આનંદ. સહિયારું સુખ. અન્યની સફળતા કે સુખ જાણીને આપણને થનારી પ્રસન્નતા. બીજાને ખુશ જોઈને, આપણા ચહેરા પર આવી જતું સ્મિત. અન્યના સુખે સુખી થવાની કળા.
બાળકને સફળતા મળે તો મા-બાપ રાજી થાય. પ્રગતિ કરે વિદ્યાર્થી અને છાતી શિક્ષકની પહોળી થાય. મેચ જીતે ખેલાડી અને પાર્ટી એનો કોચ આપે. ફક્ત અગિયાર જણા વર્લ્ડકપ જીતે, તો આખું ભારત કેક કાપે. આપણી આસપાસ દરેક જગ્યાએ મુદિતા છે. અન્ય લોકોની ઉજવણીમાં ભાગીદાર થતી વખતે આપણી અંદરથી નીકળી જતો ડાન્સ મુદિતા છે. નોકરી મળી હોય મિત્રને અને પેંડા આપણે વહેંચીએ. કોવિડનો એક દર્દી સાજો થઈને ઘરે જાય, તો તાળીઓ આખી હોસ્પિટલ પાડે. વિંગ કમાન્ડર અભિનંદન ભારત પાછા આવે, તો આખો દેશ દિવાળી ઊજવે. આપણો સ્વભાવ જ સહિયારું સુખ છે. દલાઈ લામાએ કહેલું કે આ વિશ્વ પર રહેલા સાત અબજ લોકો, આપણા માટે સુખી થવાના સાત અબજ કારણો છે. અન્યની સુખાકારી અને સફળતાના ભાગીદાર કે સાક્ષી બનીને આપણે જાતને સુખી કરવાની તક આપીએ છીએ. એ તો જ શક્ય બને જો ઈર્ષાના સ્થાને મુદિતા હોય. અન્યની પ્રગતિથી ખુશ થવું કે દુઃખી, એનો આધાર આપણા અભિગમ પર છે. આપણે દરેક ઈશ્વરનું એક એવું ઓરીજિનલ વર્ઝન છીએ, જેની ફર્સ્ટ કોપી ક્યારેય નહીં બને. આપણને કોઈ અન્ય જેવા બનાવવા માટે સતત પ્રયત્નશીલ જગતમાં આપણા જેવું બની શકવું એ જ સૌથી મોટી સિદ્ધિ છે. vrushtiurologyclinic@yahoo.com
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.