બુધવારની બપોરે:રેડ કાર્પેટ

અશોક દવે4 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાના મેનહટનના 102 માળ ઊંચા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગની સ્વચ્છ ફૂટપાથો ઉપર હું ચાલતો જતો હતો. હાથમાં સિગારેટ હતી, તે પડી ગઈ. ચાલવામાં સ્પીડ હોવાથી બે-ચાર પગલાં આગળ નીકળી ગયો, એ દરમિયાન મારી પાછળ આવતા ધોળીયા અમેરિકને સહેજ પણ મોઢું બગાડ્યા વિના આસ્તે રહીને મારી પડી ગયેલી સિગારેટ હળવેથી ઉપાડી લીધી. મને એમ કે, ગરીબ બિચારો મારી પડી ગયેલી વધી-ઘટી સિગારેટ લઈને ફૂંકવા માંડશે. એને બદલે એ બાજુમાં કચરાપેટી તરફ જવા માંડ્યો. શરમથી મારું માથું ઝૂકી ગયું અને મેં એની ક્ષમા માંગતા એ ઠૂંઠું પાછું માંગ્યું. (પીવા માટે નહીં, કચરાપેટીમાં નાંખવા માટે!) એણે થોડુંય મોઢું બગાડ્યા વિના ઉપરથી કટાક્ષ વિનાના સ્માઈલ સાથે, ‘It’s all right’ કહીને જાતે એ ઠૂંઠું નાંખી દીધું. મને ખૂબ શરમ લાગી છે, એનો લાભ લેવાને બદલે ધોળીયો પ્યારથી હસતો મારે ખભે હાથ મૂકીને ચાલ્યો ગયો. (… ને તોય, અમદાવાદી હોવાને કારણે મને ડાઉટ તો પડ્યો કે, સિગારેટની રાખવાળો હાથ લૂછવા તો મારે ખભે હાથ નહીં મૂક્યો હોય ને? ગુજરાતીઓને બીજા ઉપર ઉપકાર કરવાની પ્રેક્ટિસ નહીં, એટલે બીજા કરી જાય, એય માનવામાં ન આવે!) એના ઉપરથી યાદ આવ્યું કે, થાઈલેન્ડમાં બોટમાં હું ‘જેમ્સ બોન્ડ આઈલેન્ડ’ જતો હતો, ત્યારે બોટમાં સિગારેટ પીવાની તો પરવાનગી હતી, પણ ‘એશ’ નાંખવાની નહીં! હું પહેલો ‘પફ’ મારીને એશ દરિયામાં પધરાવવા ગયો, ત્યાં એ બોટનો હટ્ટોકટ્ટો ધોળીયો ગાઈડ ભારે નમ્રતાપૂર્વક પોતાની હથેળીની એશ-ટ્રે બનાવીને મને કહે, ‘સર, આમાં નાંખો!’ કેવા શરમાઈ જઈએ આપણે? ચાયના અને દુબઈનાય કોઈ ખૂણે મેં નામનોય કચરો જોયો નથી ને હમણાં પાકિસ્તાનની એક ખૂબ લાડકી સિરિયલ ‘પરિઝાદ’ જોઈ રહ્યો છું (આ સિરિયલ અદ્્ભુત છે. આપણે હરકોઈએ જોવા જેવી છે- યૂ ટ્યૂબ પર) એમાં પાકિસ્તાનનું જે નાનકડું શહેર પણ બતાવ્યું છે, (કરાચી પણ બતાવ્યું છે.) એ પૂરા શહેરમાં રસ્તા ઉપર કે કોઈના ઘરમાં એક નાનકડું તણખલુંય જોવા મળતું નથી. તો અમારો હરેશ રાજસ્થાનના ડુંગરપુરનો છે. એ કેટલા વિશ્વાસથી કહેતો હોય છે કે, ‘સાહેબ, મારા પૂરા ડુંગરપુરનું ચક્કર મારી આવો… રસ્તા કે ગલીઓમાં ગુટખાની એક નાનકડી છપતરી કે કોઈએ થૂંકેલું જોવા મળશે, તો હું આખો મહિનો તમારે ત્યાં મફત કામ કરવા તૈયાર છું!’ … અને બીજી બાજુ આમ આવો સાહેબો અમારા અમદાવાદના સીજી રોડ ઉપર! સીજી જ શું કામ, આ શહેરના નહીં, ગુજરાતના કોઈ પણ ગામ કે શહેરમાં આવો સર-જી… હખણા નહીં ચાલો તો કોઈ તમારા બ્રાન્ડેડ શૂઝ ઉપરેય પાનના મસાલાની પિચકારી મારી જશે કે વાઈફ સાથે શહેરના કોઈ સમૃદ્ધ રસ્તા ઉપર જતા હશો ત્યાં બાજુની ફૂટપાથ ઉપર (તમારી કોઈ પરવાહ કર્યા વિના) બેધડક જલાભિષેક કરતો હશે! ચાલુ કારમાંથી પાન-મસાલાની પિચકારી તો આમ વાત છે, પણ નાસ્તો કરી લીધા પછીનાં પડીકાંય કારમાંથી ફેંકાતા જોવા મળશે. (અલબત્ત, હમણાં કોઈ ગુજરાતી ન્યૂઝચેનલ પર જોયું હતું, ગુજરાતનું જ એક નાનકડું ગામ રસ્તા ઉપર એક તણખલાભારેય કચરો જવા દેતું નથી! કહેવાય અભણ પ્રજા… પણ મારા-તમારા કરતાં તો તે કેવા સ્વચ્છ અને શિક્ષિત કહેવાય!) રહી વાત આપણા શહેરીજનોની! તો ભ’ઈ… અમે તો આવું બધું ફેંકીએ જ ને? કોઈ અમને રોકનાર છે? હરીફરીને વાત મ્યુનિ. તંત્ર કે રાજ્ય સરકાર ઉપર આવે છે. કોઈને પડી જ નથી સ્વચ્છતા રાખવાની, એવો આઘાત તો લાગે પણ આ બેમાંથી એકેય ઓફિસોમાં ‘આઘાત ડિપાર્ટમેન્ટ’ હોતો નથી. સરકાર હાલમાં માસ્ક વગરનાઓને પકડીને હજાર-હજાર રૂપિયા એંઠવામાં પડી છે, એટલે બાકીના ગુન્હાઓની કરે જાઓ શહેનશાહ… કોઈ પૂછનાર નથી. આજ સુધી તમારા શહેરની એકેય પોલીસે રસ્તો ગંદો કરનાર એકેય રાહદારીને પકડ્યો હોય, એવું સાંભળ્યું? આ ફકરા પછી તરત સામી દલીલ આવવાની કે, એકલી પોલીસ શું કરે? નાગરિકોનીય એટલી ફરજ છે ને?... બુલશીટ! નાગરિકો નોકરી-ધંધે જવા નીકળ્યા હોય પ્લસ, એમની પાસે ગુન્હેગારોને ઠમઠોરવાની કોઈ સત્તા નથી. ગુન્હેગાર સામો વાર કરે તો નાગરિકને બચાવવા તો જાવા દિયો, જરૂર પડે એની તરફદારીમાં સાક્ષી બનવાય કોઈ તૈયાર ન થાય ને એમાં એમનો વાંકેય નથી. ગુન્હેગારો કે પોલીસોને તો કોર્ટ-કચેરીના ધક્કા રોજનું થયું, સામાન્ય માણસ કઈ કમાણી ઉપર આવી બબાલમાં પડે? કોમિક એ વાતનું છે કે, એકવાર ગુંડા સાથે આમ નાગરિક ભીડાઈ પણ ગયો, તો વર્ષો પછીય એ ગુંડાને જોઈ લેવાનો વિચાર સુદ્ધાં ન આવે, જ્યારે ગુંડો આને જોઈ લે પછી છૂટે એટલી જ વાર છે… નાગરિકે બારે માસ ફફડતા રહેવાનું! અલબત્ત, જાહેર સ્થળે થૂંકનાર મોટા ભાગે તો કોઈ ગુંડો-મવાલી હોતો નથી, પણ ચાર રસ્તે ભેગી થયેલી ભીડ એને ફટકારવાને બદલે એણે બગાડેલું એની જ જીભથી બધાંની વચ્ચે સાફ કરાવે તો દૃશ્ય જોનારાઓનીય ફફડી જશે અને આ એક બનાવને પગલે બીજા કોઈ ભાગ્યે જ આવી હિંમત કરશે! થૂંકનારને જાહેરમાં આવી સજા પ્રજા ફટકારે તો આમાં કાંઈ પોલીસ-લફરૂં આવતું નથી. ગાડીની બારીમાંથી ભચ્ચ કરતી પિચકારી મારનારને બહાર ખેંચી કાઢી પ્રજા જ એની પાસે એના શર્ટથી એ પિચકારી સાફ કરાવે તો એ પોતે તો ઠીક છે, આ દૃશ્ય જોનારા સેંકડો રાહદારીઓ ફફડી જશે કે, આવી ભૂલ આપણે ક્યારેય નહીં કરવાની! તો હજી શું કરી શકાય? (1) સ્કૂલનાં બાળકોને રસ્તે પડેલા ડૂચાં ભેગા કરીને કમાણી કરવાની તક આપો. (2) હેલમેટ કે માસ્ક વગરનાને પકડવાની કસરતોમાંથી થોડી રાહત આપીને પોલીસને, રસ્તે થૂંકનારને સ્થળ ઉપર જ ભારે દંડ કરવાની સત્તા આપો. (3) જે સોસાયટી પૂરો મહિનો ચોખ્ખી રહેશે, તેના ચેરમેનનું મ્યુનિ. કોર્પોરેશન જાહેર સન્માન કરે, એમના ફોટા છાપાંઓમાં આવે. (4) નાસ્તો કરીને પાઉચ રસ્તા ઉપર ફેંકી દેનાર પાસે એવાં 500 પાઉચો ખરીદાવી એ પાઉચો ગરીબોમાં વહેંચવા જોઈએ. (5) આપણે ત્યાં જેમને ખુશ કરવાના હોય, જેનાં ખિસ્સાં ભરી આપવાનાં હોય તે 20-24 અમલદારોને સરકારના ખર્ચે અમેરિકા-ઈંગ્લેન્ડ મોકલીને, આપણા દેશમાં સ્વચ્છતા લાવવાના ઉપાયો ‘ઈમ્પોર્ટ’ કરી શકાય! { ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...