બ્લેક એન્ડ વ્હાઈટ:સોશિયલ મીડિયાનો અવિચારી ઉપયોગ વાંદરાના હાથમાં નિસરણી!

આશુ પટેલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયાને કારણે સમાજમાં અને દુનિયામાં અકલ્પ્ય રીતે નકારાત્મકતા ફેલાઈ રહી છે

સાસોશિયલ મીડિયાનો ઉપયોગ અવિચારી અને બેફામ રીતે થઈ રહ્યો છે. વાંદરાના હાથમાં નિસરણી આવે ત્યારે જે ઘાટ થાય એવો ઘાટ સોશિયલ મીડિયાને કારણે જોવા મળી રહ્યો છે. પત્રકારશિરોમણી હસમુખ ગાંધી અવારનવાર એક સંસ્કૃત શ્લોક ટાંકતા જેનો અર્થ એ હતો કે ‘વાંદરાઓને પહેલાં ભરપૂર દારૂ પીવડાવાય એ પછી તેમને વીંછીનો દંશ અપાવાય ત્યારબાદ તેમનો ભૂતડાંઓ સાથે સમાગમ કરાવાય (એટલે કે તેમને ભૂતોની સોબતમાં મૂકી દેવાય) એ પછી જે ભવિષ્ય સર્જાય તે ભયાવહ હોય છે.’ બસ એવું જ સોશિયલ મીડિયાના કેસમાં બની રહ્યું છે. અવિચારી બેપગાળાં પ્રાણીઓના હાથમાં સોશિયલ મીડિયા નામનું શસ્ત્ર આવી ગયું છે. અને એનો તેઓ મન ફાવે એમ દુરુપયોગ કરતા થઈ ગયાં છે. કેટલાંક લોકો સોશિયલ મીડિયાનો સદુપયોગ પણ કરે છે અને સોશિયલ મીડિયાને કારણે ઘણાં લોકોની જિંદગીમાં સુખદ વળાંક લાવવામાં નિમિત્ત બને છે, પણ ઘણાં લોકો સોશિયલ મીડિયાનો વ્યક્તિગત રીતે દાઝ ઉતારવા માટે, સમાજને નુકસાન પહોંચાડવા માટે કે દેશના હિતને જોખમમાં મૂકવા માટે કે પોતે જે રાજકીય પક્ષની વિરુદ્ધ વિચારસરણી ધરાવતા હોય કે રાજકીય નેતાઓ ધિક્કારતા હોય, નફરત કરતા હોય તેમને ઉતારી પાડવા માટે, તેમનું અપમાન કરવા માટે સોશિયલ મીડિયાનું શસ્ત્ર આડેધડ વીંઝે છે. સોશિયલ મીડિયાને કારણે ઘણા માણસો ડિપ્રેશનમાં પણ સરી રહ્યા છે. મારા કેટલાય સાયકોલોજિસ્ટ અને સાઈકિયાટ્રિસ્ટ મિત્રો પાસેથી મને એવા એવા કિસ્સાઓ જાણવા મળે છે કે જેમાં સોશિયલ મીડિયાને કારણે ડિપ્રેશનનો ભોગ બનેલા દર્દીઓ તેમની પાસે આવતા હોય અને એમાંના કેટલાકે તો આત્મહત્યાની કોશિશ પણ કરી હોય છે! મોટાભાગના માણસો સોશિયલ મીડિયાને બહુ ગંભીરતાથી લેતા થઈ ગયા છે. જેમ દુનિયા ઈસવીસન અને ઈસવીસન પૂર્વે એમ બે ભાગમાં વહેંચાયેલી છે એ રીતે ભવિષ્યમાં એવું કહેવાશે કે સોશિયલ મીડિયાના આગમન પહેલાંની દુનિયા અને સોશિયલ મીડિયાના આગમન પછીની દુનિયા! સોશિયલ મીડિયાના આગમન પહેલાં પણ સમાજમાં નકારાત્મકતા હતી જ, પણ સોશિયલ મીડિયાએ એ નકારાત્મકતાનું, ધિક્કારનું, નફરતનું પ્રમાણ વધારી દીધું છે. સોશિયલ મીડિયાને કારણે ઘણા માણસો જીવન ટૂંકાવવાના અંતિમ સુધી જતા થયા છે. સોશિયલ મીડિયાના દુરુપયોગમાં માત્ર અશિક્ષિત કે અર્ધશિક્ષિત કે જડ લોકો જ સામેલ છે એવું નથી. અત્યંત ઉચ્ચ શિક્ષણ મેળવી ચૂકેલા માણસો પણ સોશિયલ મીડિયાનો અવિચારી અને વિકૃત રીતે ઉપયોગ કરે છે. હું એવી ઘણી વ્યક્તિઓને ઓળખું છું કે જે વ્યક્તિગત રીતે ઉમદા છે, પણ જેવી કોઈ રાજકીય વિચારધારાની વાત આવે અથવા પાકિસ્તાન કે ચીન જેવા દુશ્મન દેશો સાથે આપણા દેશનાં હિતો ટકરાય એ વખતે આઘાતજનક વલણ અપનાવે અથવા તો સોશિયલ મીડિયા પર દેશવિરોધી પોસ્ટ્સ મૂકે ત્યારે આશ્ચર્યાઘાતની લાગણી થાય છે. સરકારનો વિરોધ અને દેશનો વિરોધ જુદી વાત છે એ પણ તેઓ ભૂલી જાય છે અને એમાંય કેટલાક બૌદ્ધિકો યાદ કરીને પૂછે કે મારી ફલાણી પોસ્ટમાં તમારી લાઈક નહોતી કે કમેન્ટ નહોતી ત્યારે તેમના પ્રત્યે લાગણી તો ઓછી નથી થતી, પણ તેમના પ્રત્યેનું માન ઘટી જાય છે. એમ થાય છે કે આ વ્યક્તિમાં કોઈએ પરકાયા પ્રવેશ કર્યો લાગે છે! નરેન્દ્ર મોદી કે ભાજપને અથવા તો કોંગ્રેસને કે જવાહરલાલ નેહરુને ગાળો દેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે અને પછી એમાં એ પોસ્ટ કદાચ આપણા ધ્યાનમાં ન આવે અથવા તો આપણે લાઈક ન કરી હોય અથવા તો એ પોસ્ટ મૂકનારની તરફેણમાં કમેન્ટ ન કરી હોય અને તો એ પોસ્ટ કરનારી વ્યક્તિ કમેન્ટમાં આપણું નામ મૂકે, બીજી વ્યક્તિઓનાં નામ મૂકે કે ‘આ બધાં કેમ ચૂપ છે?’ અથવા તો ‘આ બધાં અત્યારે ક્યાં મરી ગયાં છે?’ ત્યારે એમ થાય છે કે આપણે જેને ઓળખતા હતા એ માણસ મરી ગયો છે અને એની કાયામાં બીજા કોઈ જીવે પ્રવેશ કર્યો છે! આ કોલમમાં સપ્તાહમાં એક લેખ હું લખું છું અથવા તો બીજા કોઈ લેખકો અઠવાડિયે એક લેખ લખતા હોય છે ત્યારે તેઓ વિષયની પસંદગી પોતાની રીતે કરતા હોય છે અથવા તો તંત્રી કે સંપાદક દ્વારા વિષય આપવામાં આવતો હોય છે. આ લેખ એક સપ્તાહ પહેલાં લખાતો હોય પરંતુ એ દરમિયાન કોઈ ઘટના બની હોય ત્યારે સોશિયલ મીડિયા પર એ લેખ મૂકીને બેપગાળાં પ્રાણીઓ એ લેખ સાથે પોસ્ટ મૂકે અને કહે એવું લખે કે ‘આટલો મોટો ઈશ્યૂ છે ત્યારે આ લેખકને આ વિષય સૂઝ્યો?’ એ વખતે હસવું આવે છે અને ક્યારેક દયા આવે છે કે આ સો કોલ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ્સ વાસ્તવમાં રમકડાં માટે ઝઘડતાં બાળકોથી વધુ માનસિક સ્તર નથી ધરાવતાં! થોડાં વર્ષો અગાઉ એક સો કોલ્ડ સેક્યુલર જંતુએ, સોરી, બેપગાળા પ્રાણીએ, સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે ‘મને આતંકવાદી અજમલ કસાબ માટે લાગણી હોય તો એ મારું વ્યક્તિગત સ્વાતંત્ર્ય છે!’ અને એ પોસ્ટ અનેક વ્યક્તિઓએ લાઈક કરી હતી! ફેક કે અતિ ઉત્સાહી ‘દેશપ્રેમીઓ’ માટે ખાસ ચોખવટ: એ પોસ્ટ જે સેક્યુલર જંતુએ મૂકી હતી એ એક હિન્દુ યુવાન હતો!{

અન્ય સમાચારો પણ છે...