આવતી કાલે નારી દિવસ છે તે નિમિત્તે વિશ્વની સર્વ નારીઓને નતનયન નમસ્કાર. અમે ક્યાંક વાંચેલું છે કે બાયબલમાં જણાવ્યા મુજબ નર કરતાં નારીના મસ્તિષ્કમાં પૃથક અને પ્રખર ચાલનશક્તિ હોય છે. નારીની યાદદાશ્ત નર કરતાં ચડિયાતી તથા નારીની આંખો નર ન જોઈ શકે એવા રંગો દેખી શકે છે! નારીની ઘ્રાણેન્દ્રિય યાને નાક તથા સ્વાદેન્દ્રિય યાને જીભ પ્રચંડ શક્તિશાળી હોય છે, ભાષાજ્ઞાન નર કરતાં વધુ નમણું તેમ જ ચહેરા ઓળખી કાઢવાનો હુનર નારીમાં અનેરો હોય છે. આવું બાયબલ કહે છે, યાને એક રીતે જુઓ તો દ્વારકાનો નાથ કહે છે.
જેમ્સ ઓવેન નામના નેશનલ જિયોગ્રાફિક ન્યૂઝવાળા લખવૈયા એક અંગ્રેજી મુહાવરાને આંટી મારીને કહે છે કે એક અભ્યાસ મુજબ, Men and women really don’t see eye to eye, યાને પુરુષો અને સ્ત્રીઓની આંખો બાઝે છે! મતલબ ખરેખર દુશ્મની નથી, આ તો ચક્ષુઓની વાત છે, યાને કે પુરુષોને એક જ રંગને જોવા માટે સ્ત્રીઓ કરતાં થોડી લાંબી તરંગલંબાઇની જરૂર પડે છે, ઉદાહરણ તરીકે, નારંગી સ્ત્રીને નારંગી રંગની લાગે પણ પુરુષને તે સહેજ વધુ લાલ દેખાઈ શકે છે. તેવી જ રીતે, પુરુષો કરતાં સ્ત્રીઓ માટે ઘાસ હંમેશાં લીલું હોય છે, જેમને લીલોતરી વસ્તુઓ થોડી પીળી દેખાય છે. ઉપર ટાંકેલી પંક્તિઓ નયનાભિરામ કવિ વેણીભાઈએ રચી છે, જેમાં આગળ ઉપર કવિ કહે છે ‘સાત રે સમંદર એના પેટમાં, છાની વડવાનલની આગ, અને પોતે છીછરાં અતાગ, સપનાં આળેટે એમાં છોરુ થઈને ચાગલાં, ઊનાં રે પાણીના અદ્્ભુત માછલાં.’
વિલિયમ શેક્સપિયરે આંખને ‘આત્માની બારી’ કહી છે અને હેનરી ડેવિડ થોરો તેને કહે છે માનવ શરીરનું રત્ન! માનવ આંખ એક ઈશ્વરદત્ત અજાયબી છે, કેમકે આપણી આંખ દસ લાખ રંગોની સૂક્ષ્મ ઝાંયોને ગ્રહી શકે છે! દસ લાખ રંગકિરણ, યુ ફોલો! તે માટે આપણી આંખો લાખો પ્રકાશગ્રાહી સળિયા આકાર અને શંકુ આકારથી સામે શું દેખાય છે તે કેવા રંગનું છે ને શું છે તેની વાસ્તવિકતાનું અર્થઘટન કરે છે - આપણાં બંને પોપચાંની આસપાસ સમકેન્દ્રી બેન્ડમાં ગોઠવાયેલ સ્ફિન્ક્ટર સ્નાયુ, આપણી આંખોને પટપટાવવાની ક્રિયા નિયંત્રિત કરે છે, અને આપણા આંસુનો પ્રવાહ ક્રમશ: અનુનાસિક પોલાણ તરફ વહાવે છે. આ બહુમુખી સ્નાયુ વિના, આપણા કોર્નિયા ફૂલી જાય, આપણી આંખો સુકાઈ જાય અને છેવટે અંધાપો આવે. ઊનાં રે પાણીનાં માછલાં…
માનવ આંખ આપણે ધારીએ તે કરતાં ઘણે દૂર સુધી જોઈ શકે છે. આપણે જે જોવા ચાહતા હોઈએ તે પદાર્થને ઓળખવાની આપણી ક્ષમતા માત્ર તેના કદ અને નિકટતા પર જ નહીં, સ્ત્રોતની તેજસ્વિતા પર પણ આધારિત છે. આમ જુઓ તો પૃથ્વીના ગોળાની ચક્રાકાર વક્રતા જેવી વસ્તુઓ દ્વારા આપણી દૃષ્ટિ અવરોધાય છે, જે માત્ર 3 માઈલ દૂર ક્ષિતિજનું ‘વિલીનબિન્દુ’ સર્જે છે. પરંતુ સ્વચ્છ આકાશવાળી રજની હોય તો આપણી આંખ લગભગ 26 લાખ પ્રકાશ-વર્ષના ધૂંધળા ઝાકળને લાંઘીને એન્ડ્રોમેડા ગેલેક્સીના એન્ડ્રોમેડનને જય રામજી કી કહી શકે છે!
મોટાભાગના લોકો લાલ, લીલો અને વાદળી રંગોને પારખી શકનારા યાને ટ્રાઇક્રોમેટિક યાને ત્રિરંજિત હોય છે, દ્રિરંજિત મીન્સ કે ડાઇક્રોમેટિક લોકો ખામીયુક્ત શંકુ કોષો ધરાવતા હોય છે; આનો અર્થ એ કે તેમને બે રંગો વચ્ચે તફાવત કરવામાં મુશ્કેલી પડે છે. અને એક્રોમેટોપ્સિયાથી પીડિત લોકો રંગો જ જોઈ શક્તા નથી, એમને ફક્ત સફેદ અને કાળો રંગ જ દેખાય છે.
યુનિવર્સિટી ઓફ કોપનહેગનના સંશોધન મુજબ, 6,000થી 10,000 વર્ષ પહેલાં પહેલી વાદળી આંખોવાળી વ્યક્તિનો જન્મ થયો તે પહેલાં તમામ માનવીઓની આંખો બજરિયા રંગની હતી. આજકાલ, વિશ્વના 79% લોકોની આંખો તપકીરી, 10% આસમાની છે, અને માત્ર 2% નરનારીની કીકી લીલા રંગની છે. માનો યા ન માનો, 1% જેટલા લોકોને બે અલગ અલગ રંગની આંખો હોય છે; જેને હેટેરોક્રોમિયા યાને રંગરંગ વાદળિયા કહી શકાય, કે નહીં? ઊનાં રે પાણીનાં અદ્્ભુત માછલાં. કેટલીકવાર થાય કે કવિને દેખાય કાંઈ અદ્્ભુત ને નર જુવે લાલ નારંગી ને નારી દેખે નારંગી નારંગી. કોઈને ભિન્ન ભિન્ન દસ લાખ રંગ દેખાય ને કોઈને ફક્ત કાળો! રે, રે, દુવારકાવાળા, હાચેહાચ કાંઈ હોય છે? કે બધું માયા જ માયા? જય વેણીભાઈ!
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.