લાઈટ હાઉસ:પરિસ્થિતિ સામે પ્રતિક્રિયા કે પ્રતિસાદ?

રાજુ અંધારિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રતિક્રિયા કે પ્રતિસાદ આપવાની પસંદગી સંપૂર્ણપણે તમારા નિયંત્રણમાં છે

જાણીતા રશિયન મનોવિજ્ઞાની પાવલોવે કૂતરાં પર એક પ્રયોગ કર્યો. જ્યારે કૂતરાંને ખાવાનું આપે ત્યારે અચૂક ઘંટડી વગાડે. સમય જતાં ઘંટડી વાગે એટલે ખાવાનો સમય થયો છે એમ માની કૂતરો હાજર થઈ જાય અને સામે ખોરાક જોઈને મોંઢામાંથી લાળ ટપકાવવા લાગે. આગળ જતાં એવું થયું કે સામે ખોરાક ન હોય છતાં ઘંટડી વાગતાં જ કૂતરાંના મોંઢામાંથી લાળ પડવા લાગે. ટિમોથી ગેલવે એટલે જગતનો વિખ્યાત અને અતિ સફળ ટેનિસ કોચ. એની પાસે આવતા ખેલાડીઓને ટેનિસની રમત કુશળતાપૂર્વક રમવા માટે ટ્રેનિંગની શરૂઆતથી જ એક મંત્ર આપે: ‘પોઝ ફોર એ મોમેન્ટ.’ એનો આવું કહેવાનો અર્થ એ કે જ્યારે પ્રતિસ્પર્ધી ખેલાડી ટેનિસના બૉલને રેકેટ વડે તમારા તરફ મોકલે ત્યારે બૉલને સામો ફટકારવાની લાલચ રોકીને એક ક્ષણ માટે રોકાઈને સામે આવતા બૉલની ગતિ અને દિશાને ઓળખી લો અને એ પછી એ ગતિ ને દિશાને અનુરૂપ એ બૉલને રેકેટ વડે રમો. આ બે દૃષ્ટાંતને મમળાવતાં મમળાવતાં એક કલ્પના કરો કે તમે શોપિંગ મોલ અથવા કોઈ ખૂબ ભીડવાળી જગ્યામાં છો ને તમારાથી ભીડમાં કોઈને તમારો ધક્કો લાગી જાય છે. તમે હજી સૉરી કહો એ પહેલાં તો એ વ્યક્તિ તમને ગુસ્સામાં આવીને સામો ધક્કો મારે છે. એ વ્યક્તિએ આમ શા માટે કર્યું હશે? વેલ, એને કદાચ એવું લાગ્યું કે તમે જાણીજોઈને એની સાથે અથડાયા છો ને તમારો ઇરાદો તકરાર કરવાનો છે. એની એ એક તત્કાલ પ્રતિક્રિયા હતી. એણે કારણ જાણવા માટે એક ક્ષણનો પણ વિરામ ન લીધો એ એનું સ્વયંસ્ફુરિત અને વણવિચાર્યું પગલું હતું. હવે કલ્પના કરો કે એ વ્યક્તિ તમને સામો ધક્કો મારતાં પહેલાં એકાદ ક્ષણ માટે થોભી જાય છે. એમણે કદાચ તમે દર્શાવેલી દિલગીરી સાંભળી હશે ને એનું વર્તન વધુ સૌહાદપૂર્ણ હશે. આવી રીતે કોઈ પગલું ભરતા પહેલાં એક-બે ક્ષણ થંભી જવું એટલે પ્રતિસાદ (response) આપવો, જ્યારે એક ક્ષણની પણ ધીરજ રાખ્યા વિના ને વગર વિચાર્યે સામું પગલું લેવું એટલે પ્રતિક્રિયા આપવી (react). હવે લેખની શરૂઆતમાં દર્શાવેલા બંને દૃષ્ટાંત જુઓ. પાવલોવના પ્રયોગમાં કૂતરો પ્રતિક્રિયા આપે છે ને ટિમોથી ગેલવે પ્રતિસાદ આપવાનું શીખવે છે. ‘તેં મને માર્યું એટલે હું તને મારીશ,’, ‘તેં મને છેતર્યો એટલે હું પણ તને છેતરીશ,’, ‘તેં મારા ગુસ્સાને લલકાર્યો છે એટલે હું તને હવે જોઈ લઇશ,’ અને ‘તેં મારી સાથે ઘાંટાઘાંટ કરી છે તો હું પણ તને એવી જ રીતે સંભળાવી દઇશ.’ આ બધાં ઉદાહરણો દર્શાવે છે કે પ્રતિક્રિયા એક સામુ ને તત્કાલ વલણ કે હિલચાલ છે. પ્રતિક્રિયામાં આવેગ હોય છે, એમાં વધુ વિચાર કર્યા વગર અથવા અંતિમ પરિણામ શું હોઈ શકે છે એ ધ્યાનમાં લીધા વગર લેવાં આવતું પગલું છે. પ્રતિસાદ એટલે કોઈના વર્તન કે વિધાનના પ્રત્યુત્તર માટે લેવામાં આવતું પગલું છે, વિચારશીલ રીતે અને તર્ક સાથે લેવામાં આવતું પગલું એટલે પ્રતિભાવ. પ્રતિસાદ આપવો એ ઊભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે, કારણ કે જ્યારે વ્યક્તિ તર્ક તરફનું વલણ ધરાવે છે ત્યારે એ સામે આવેલી પરિસ્થિતિને એમના વિરોધીના દૃષ્ટિકોણથી પણ જોવાનું શરૂ કરી ડે છે. હવે કહો કે તમને પ્રતિક્રિયા આપવી ગમશે કે પ્રતિસાદ આપવાનું પસંદ કરશો? પ્રતિક્રિયા શબ્દનું લેટિન મૂળ છે ‘back, to do, perform’ (પાછું વળવું, કંઈ કરવું, અમલમાં મૂકવું). અહીં ચાવીરૂપ સમજ એ છે કે કોઈ વ્યક્તિ કે કોઈ બાબત પ્રત્યે તમે વળતાં પગલાં લઈ રહ્યા છો. એની સામે પ્રતિસાદનું લેટિન મૂળ છે ‘back, answer’ (પાછું વળવું, પ્રત્યુત્તર આપવો). અહીં ચાવીરૂપ સમજ એ છે કે સામેની વ્યક્તિ કે ઘટનાને સમજપૂર્વક જવાબ આપો છો. પ્રતિક્રિયા કે પ્રતિસાદ આપવાની પસંદગી સંપૂર્ણપણે તમારા નિયંત્રણમાં છે. તમે લીધેલું વળતું પગલું કે થોડીવાર થંભીને આપેલો પ્રતિસાદ એ પછીની પ્રતિકૂળ કે અનુકૂળ સ્થિતિનું નિર્માણ કરવામાં ભાગ ભજવી શકે છે.⬛ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...