મેંદી રંગ લાગ્યો:સરગ ભવનથી રે ઊતર્યાં ગવતરી

નીલેશ પંડ્યા19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સરગ ભવનથી રે ઊતર્યાં ગવતરી આવ્યાં મરતૂક લોકમાં મા’લવા રે. ચરવા ડુંગરડે ને પાણી પીવા ગંગા વાઘ વીરાની નજરે પડ્યા રે. ઊભાં રો’ ગવતરી, પૂછું એક વાત! મોઢે આવ્યું ખાજ નહીં મેલું રે. સાંભળ, વાઘ વીરા! કહું તને વાત! ઘર મેં મેલ્યાં નાનાં વાછરું રે. ચંદર ઊગ્યાની વીરા, અવધું રે આપો! વાછરું ધવરાવી વે’લાં આવશું રે. નો રે આવું તો બાવા નંદજીની આણ્યું, ચાંદો સૂરજ આપું સાખિયા રે. ઊઠો ઊઠો,વાછરું! ધાવો માનાં દૂધ અવધ્યું આવી વીરા વાઘની રે! ઘેલી માતા કામધેનુ, ઘેલડિયાં મ બોલો! કળપેલું દૂધ કડવો લીમડો રે. મોર્ય ચાલ્યાં વાછરું ને વાંસે માતા કામધેનુ કલ્યાણી વનમાં ઊભાં રિયાં રે, ઊઠો ઊઠો વાઘમામા, પેલાં અમને મારો! પછી મારો મારી માતને રે. નાનાં એવાં વાછરું તમને કોણે શિખવિયાં કિયે વેરીડે વાચા આલિયું રે! રામે શિખવિયાં લખમણે ભોળવિયાં અરજણે વાચા આલિયું રે. નાના એવાં વાછરું તમે કરો લીલા લે’ર વસમી વેળાએ સંભારજો રે. લોકગીતો એટલે માનવજીવનની આરસી, સમાજજીવનનો અર્ક તો ખરો જ પણ વેદ-પુરાણો સાથેનું લોકગીતોનું સંધાન પણ ખરું. ધાર્મિક કથાનકોમાંથી ફૂટેલી અસ્ખલિત સરવાણી આપણે ત્યાં લોકગીતોરૂપે વહે છે. એક એક માનવ માટે વેદો-પુરાણોનો અભ્યાસ કરવો શક્ય નથી એટલે કોઠાસૂઝવાળા લોકકવિઓએ આપણા માટે મજાનાં લોકગીતો રચી નાખ્યાં જેના થકી શાસ્ત્રોનો સાર આપણે સહજતાથી જાણી શકીએ. ‘સરગ ભવનથી રે...’ને કથાગીતની શ્રેણીમાં મૂકી શકાય. એમાં વાત એવી છે કે સ્વર્ગલોકની કામધેનુ મૃત્યુલોકમાં આવીને ઘાસચારા-પાણી માટે અહીં તહીં ફરે છે ત્યાં વાઘની નજરે ચડી ગઈ. વાઘે કહ્યું કે તને ખાઈ જાઉં! ગાય વિનંતી કરે છે કે મારું વાછરું ઘેર છે હું તેને ધવરાવીને વહેલાસર પાછી આવું, જો ન આવું તો મને નંદજીની આણ, સૂરજ-ચંદ્ર બેયને સાક્ષી રાખીને ગવતરી ગઈ. વાછરુંને જઈને વાત કરી તો તેણે પેટ ભરવાની સ્પષ્ટ ના પાડી દીધી કે મા, તારું દૂધ કળપેલું થઈ ગયું, વાઘની માલિકીનું થઈ ગયું, અમારા માટે હવે એ કડવા લીમડા સમાન છે. આગળ વાછરું ને પાછળ ગાય-એમ બન્ને વાઘ પાસે ગયાં. વાછરું કહે, પહેલાં મને ખાવ. અંતે માયાવી વાઘે બન્નેને મુક્ત કર્યાં! આ લોકગીતનાં બીજ સંસ્કૃતના મહાકવિ કાલિદાસના મહાકાવ્ય ‘રઘુવંશ’માં પડ્યાં છે! હા, ‘રઘુવંશ’માં ભગવાન શ્રીરામના એક પૂર્વજ દિલીપ રાજાની કથા છે. એ કથા અહીં થોડી ‘લોક’ઢબે રજૂ કરવામાં આવી છે એટલે આ લોકગીતનું અનુસંધાન છેક રામના પૂર્વજ સુધી આપણને દોરી જાય છે. એનો અર્થ એ કે લોકગીતો ઉપરછલ્લી વાતો કે પ્રસંગો વણીને રચી નાખેલાં જોડકણાં નથી, એમાં શાસ્ત્રોક્ત વાતો, પૂજ્યપાત્રો સાથે સંલગ્ન ઘટનાઓનું મેળવણ પણ ઉમેરાયેલું હોય છે. ‘રઘુવંશ’માં દિલીપ રાજાની કથા કંઈક આવી છે : રાણી સુદક્ષિણા અને દિલીપ રાજાનાં જીવનમાં શેરમાટીની ખોટ હતી. તેમણે કુલગુરુ વશિષ્ઠ ઋષિને એનું કારણ અને નિવારણ પૂછતાં ઋષિએ કહ્યું કે એકવાર તમે સ્વર્ગલોકમાં ગયાં હતાં ત્યાં તમને કામધેનુ મળી હતી, તમે કામધેનુને પ્રદક્ષિણા કરવાનું ચૂકી ગયાં ને એમ અજાણતાં જ અનાદર થયો-એની સજા તમે ભોગવો છો. નિવારણ બતાવતાં વશિષ્ઠે કહ્યું કે મારા આશ્રમમાં કામધેનુની દીકરી નંદિની છે, તેની સેવા કરી આશીર્વાદ મેળવો તો તમને સંતાનસુખ પ્રાપ્ત થશે. દિલીપ રાજાએ નંદિનીની સેવા શરૂ કરી. એક દિવસ નંદિની ફરતી ફરતી પહાડોમાં જતી રહી. એક સિંહ આવ્યો ને નંદિની પર વાર કરે એ પૂર્વે દિલીપ રાજાએ સિંહને વિનંતી કરી કે મને ખાઈ જા. દિલીપ રાજા બે હાથ જોડી, નતમસ્તકે સિંહનો પંજો પોતાના પર પડવાની રાહમાં છે ત્યાં જ તેમના પર પુષ્પવર્ષા થઈ અને નંદિનીએ જ સર્જેલો માયાવી સિંહ અલોપ થઈ ગયો ને એમ નંદિની પ્રસન્ન થઈ. આવી પ્રાચીન કથાનો આધાર લઈને આ લોકગીત રચાયું છે.⬛ nilesh_pandya23@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...