અગોચર પડછાયા:રવજી સત્ય જણાવવા માગતો હતો, પણ...

જગદીશ મેકવાનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મફતમાં મળેલો મોબાઈલ રવજીને મોંઘો પડ્યો. રવજી મામૂલી મજૂર હતો. કોરોનાને કારણે જોઈએ એવી મજૂરી પણ મળતી ન હતી અને સ્કૂલવાળાઓએ ઓનલાઈન ભણાવવાનું ચાલુ કર્યું હતું. અહીં ખાવાનાં ઠેકાણાં ના હોય ત્યાં મોબાઈલ કઈ રીતે લાવવો? ઘરમાં રોજ રમખાણ મચતું. મોબાઈલના મામલે પૂરો પરિવાર રવજીની વિરોધી છાવણીમાં હતો. એવા સંજોગોમાં એક દિવસ રવજી પોતાના ગરીબ નસીબને કોસતો ચાલતો જઈ રહ્યો હતો અને એની નજર સામે જ એક જણની બાઈક સ્લીપ થઈ ગઈ. એ વ્યક્તિ ચાલુ બાઈકે ડોકી વાંકી કરીને એમાં મોબાઈલ ભેરવીને કોઈની સાથે વાતો કરી રહ્યો હતો. એ પટકાયો. માથામાં વાગ્યું. એનો મોબાઈલ એક તરફ પડ્યો. એના પર કોલ ચાલુ હતો. રવજીએ ધાર્યું હોત તો એ કોલ પર જે પણ સામેની તરફ હતું, એને એ એક્સિડન્ટની જાણ કરી શકત. પણ એણે એમ ના કર્યું. એના બદલે એણે એ મોબાઈલ ઊઠાવી લીધો. બાઈકવાળો લાચાર નજરે રવજી સામે જોઈ રહ્યો હતો. એની આશાભરી ઢળી રહેલી આંખોમાં મદદ માટેની યાચના હતી, પણ રવજી તો કોલ કટ કરીને, મોબાઈલ સ્વીચ ઓફ કરીને, એ મોબાઈલ લઈને ત્યાંથી રવાના થઈ ગયો અને એ જ પળે પેલા વ્યક્તિની આંખો મીંચાઈ ગઈ. રવજી મોબાઈલ લઈને ઘરે ગયો. એણે કુટુંબીજનોને સાચેસાચું જણાવી દીધું, પણ કુટુંબીજનોને લાલચ જાગી અને એ લોકોએ પણ એ મોબાઈલ રાખી લેવાનો જ આગ્રહ કર્યો. શરૂઆતના ત્રણ-ચાર દિવસ તો બધું બરાબર ચાલ્યું, પણ એક સવારે રવજીનો છોકરો જાગ્યો અને જાગતાની સાથે જ એણે મોબાઈલ શોધ્યો. પણ એને મોબાઈલ ના મળ્યો. પડોશીના મોબાઈલ પરથી રિંગ મારી તો રસોડાના માળિયા પર રિંગ વાગી. મોબાઈલ છેક રસોડાના માળિયા પર કઈ રીતે પહોંચી ગયો? કેમ કે રવજીને શંકા ગઈ હતી કે જેનો એ મોબાઈલ છે, એ ભૂત થયો છે અને મોબાઈલની સાથે સાથે એ ઘરમાં પણ આવી ચૂક્યો છે, પણ મોબાઈલ પાછળ ગાંડા બનેલા કુટુંબને આ વાત સમજાવવી કઈ રીતે? એટલે એ રાત્રે છાનોમાનો મોબાઈલ લીધો અને બે કિલોમીટર દૂર આવેલા વરસાદી કાંસમાં નાખી આવ્યો. સવાર પડી. તો રવજીને પોતાનો છોકરો એ મોબાઈલ પર ગેમ રમતો જોવા મળ્યો. રવજી ફાટી આંખે એને જોઈ રહ્યો, પણ એણે પોતાના દીકરાને કંઈ ના પૂછ્યું. એ સમજી ગયો કે હવે એ ગમે એ કરે પણ એ મોબાઈલ ત્યાંથી નહીં જાય અને એ સાંજે એનો છોકરો સાઈકલ લઈને એ વરસાદી કાંસ પાસેથી પસાર થતો હતો, ત્યારે એને કોઈએ ટક્કર મારી અને એ કાંસમાં પડી ગયો. લોકો એને બહાર કાઢે એ પહેલાં તો એના શ્વાસ અટકી ગયા. કાંસમાંથી એની લાશ જ બહાર આવી. રવજી દુ:ખથી ભાંગી પડ્યો. એ મોબાઈલ હજી ઘરમાં જ હતો. રવજીએ પોતાની રીતે તપાસ કરી તો એને જાણવા મળ્યું કે ભૂત-પ્રેત ક્યારેય કોઈ નિર્જીવ વસ્તુમાં વસવાટ કરી નથી શકતા. એ ફક્ત અને ફક્ત જીવિત લોકોમાં જ વસવાટ કરી શકે છે. રવજીને પોલીસે બોલાવ્યો અને વરસાદી કાંસની સામેની દુકાનના સીસીટીવી ફૂટેજ જોવા બેસાડ્યો કે જેથી એના દીકરાના મરણનું કારણ જાણી શકાય. એ સીસીટીવી કેમેરો ઘણો જૂનો હતો અને એના ફૂટેજ પ્રમાણમાં ધૂંધળા હતાં. તેમ છતાંયે રવજી પોતાના દીકરાને ધક્કો મારનારને ઓળખી ગયો. એ વ્યક્તિને જોતા જ એના પગ તળેથી ધરતી સરકી ગઈ. એને ભારે આઘાત લાગ્યો. કેમ કે રવજીના દીકરાને ધક્કો મારનાર રવજી પોતે જ હતો! એ પોલીસને આ સત્ય જણાવવા માગતો હતો, પણ જણાવી ના શક્યો. કેમ કે હવે એને પોતાની પત્ની અને દીકરીની ચિંતા હતી. હવે એ બંનેને બચાવવાનાં હતાં. રાત પડી. એક વાગ્યો. રવજીને તરસ લાગી એટલે એ પાણી પીવા ઊઠ્યો. રસોડા તરફ જતા વચ્ચે આવતી દીવાલ પર લટકતા આયના તરફ એનું ધ્યાન ખેંચાયું. એણે અનાયાસે જ આયનામાં પોતાનું પ્રતિબિંબ જોવા નજર નાખી, પણ પોતાનું પ્રતિબિંબ જોતા જ એના હાંજા ગગડી ગયાં. કેમ કે આયનામાં રવજીના બદલે પેલો માણસ હતો, જે એક્સિડન્ટમાં મરી ગયો હતો. એની પાછળ રવજીનો દીકરો ઊભો ઊભો રડતો હતો. એ રડતો રડતો બોલ્યો, ‘પપ્પા...ભૂત તમારા શરીરમાં જ છે અને એ મમ્મી અને બહેનને પણ મારી નાખશે. એ બંનેને બચાવી લો...’ * * * રવજી એ જ સ્થળે ઊભો હતો, જ્યાંથી રવજીએ પેલા મરી રહેલા માણસનો મોબાઈલ ઊઠાવ્યો હતો. રવજીના હાથમાં એ મોબાઈલ હતો. રવજીએ રોડ પર દૂરથી આવી રહેલી ટ્રક જોઈ અને મન મક્કમ કર્યું. જેવી એ ટ્રક નજીક આવી કે રવજીએ ટ્રક સામે પડતું મૂક્યું. ટ્રકની જોરદાર ટક્કરથી ફંગોળાઈને એ મરણ પામ્યો, પણ ટ્રકના ટાયર નીચે આવવા છતાંયે એ મોબાઈલને એક ઘસરકો સુદ્ધાં ન પડ્યો. * * * પંદર દિવસ પછી રાત્રે બે વાગ્યે રવજીની દુ:ખી પત્નીની આંખ ખૂલી. એ પાણી પીવા ઊઠી અને એની નજર આયનામાં પડી. તો રવજીની પત્નીને પોતાના બદલે પેલા મોબાઈલવાળા માણસનું પ્રતિબિંબ નજરે ચડ્યું. એ ફફડી ગઈ. એ માણસની પાછળ એને પોતાનો પતિ રવજી અને દીકરો રડતા નજરે પડ્યા. રવજી બોલ્યો, ‘મોબાઈલ મોંઘો પડ્યો.’ * * * બીજે દિવસે એ ઘર છેક સાંજ સુધી ના ખૂલ્યું. એટલે પડોશીઓએ દરવાજો તોડીને તપાસ કરી તો મા-દીકરીની લાશ એક સાથે પંખે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી. મોબાઈલ ગાયબ હતો. કેમ કે એ મોબાઈલ તો હવે એનો માલિક જ્યાં એક્સિડન્ટમાં મરણ પામેલો ત્યાં પડ્યો હતો. ⬛makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...