મુંબઈથી ભાવનગર આવી રહેલો. બોર્ડિંગ શરૂ થવામાં લગભગ એકાદ કલાકની વાર હતી. સિક્યોરિટી ચેક પતાવીને હું એરપોર્ટ પર આવેલી મારી પ્રિય જગ્યાએ પહોંચી ગયો. સ્ટારબક્સ. ‘આટલી મોંઘી કોફી કોણ પીવે?’ જેવા અંતરમાંથી ઉદ્્ભવતા અને ગિલ્ટ અપાવતા સવાલો જન્મ લે એ પહેલાં જ મારી રેશનલિસ્ટ જાત અનેકવાર તેમની ભ્રૂણ હત્યા કરી ચૂકી છે. એમ સમજી લો કે સ્ટારબક્સની કોફી મારી ‘ગિલ્ટી પ્લેઝર’ છે. કોફીના કપ પર મારું નામ વાંચીને હરખાતો હું મારી કોફી માણી રહ્યો હતો ત્યારે અચાનક મારી નજર એક બુક-સ્ટોર પર પડી. ‘નવું શું આવ્યું હશે?’ જેવા કુતૂહલથી પ્રેરાઈને હું બુક-સ્ટોરમાં ગયો.
એમાંથી એક બહુ જ રસપ્રદ લાગતું પુસ્તક હાથમાં લીધું. અમુક પાનાં વાંચ્યાં. લખાણની ભાષા એટલી સહજ, સરળ અને પ્રામાણિક હતી કે એવું લાગવા માંડ્યું જાણે લેખિકા મારી સામે બેસીને વાત કરી રહ્યાં હોય. એ પુસ્તકમાં હું એટલો બધો ખોવાઈ ગયો કે ફ્લાઈટ બોર્ડ કરવામાં હું છેલ્લો પેસેન્જર હતો. એ પુસ્તક એટલે અભિનેત્રી દીપ્તિ નવલની સ્મરણકથા ‘A Country Called Childhood’. આ પહેલાં મેં એમની કેટલીક કવિતાઓ વાંચેલી. ‘જબ બહોત કુછ કહને કો જી ચાહતા હૈ, તબ કુછ ભી કહને કો જી નહીં ચાહતા હૈ’ અને ‘અજનબી રાસ્તોં પર પૈદલ ચલેં, કુછ ન કહે’ જેવી કવિતા કોને ન ગમી હોય? અભિનેત્રીની સાથે એમની અંદર એક કવયિત્રી પણ જીવતી, એ તો ખબર હતી, પણ એમની અંદર રહેલા લેખકના દર્શન પહેલીવાર થયા.
આ પુસ્તકમાં તેમણે પોતાનાં બાળપણ અને ટીનેજ વર્ષોની વાત કરી છે, પણ જે રીતે આ પુસ્તક લખાયું છે, એ સ્ટાઈલ બહુ જ અલગ છે. આ પુસ્તક તેમણે કોઈ સ્ક્રીનપ્લેની જેમ લખ્યું છે. વર્ણન એટલું સ્પષ્ટ અને વિસ્તૃત છે કે જાણે આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યાં હોઈએ. મને તો એવું લાગ્યું કે જાણે મુંબઈ એરપોર્ટ પર દીપ્તિ નવલ મળી ગયાં અને મારી સામે બેસીને તેમણે પોતાનાં સંસ્મરણો શેર કર્યાં.
એમાંનું એક પ્રકરણ ખાસ ધ્યાન આકર્ષે તેવું છે. તેર વર્ષની વયે, તેઓ ઘરેથી ભાગી ગયેલાં. તેમણે લખ્યું છે, ‘મને પહાડો જોવાની બહુ જ ઈચ્છા હતી. એ સમયની ઘણી બધી ફિલ્મ્સ કાશ્મીરમાં શૂટ થતી. ફિલ્મી પડદા પર કાશ્મીર જોઈને મને કાયમ થતું કે મારે આ જગ્યા જોવી છે. હું ક્યારેય અમૃતસરની બહાર જ નીકળી નહોતી.’ અને એક દિવસ કોઈને કહ્યા વગર તેઓ ચૂપચાપ ઘરેથી ભાગી નીકળ્યાં. તેમણે માહિતી મેળવી લીધેલી કે અમૃતસરથી પઠાનકોટની ટ્રેન પકડવાની. પઠાનકોટ ઉતરીને જમ્મુ સુધીની બસ લેવાની. જમ્મુથી શ્રીનગર જવા માટે બીજી એક બસમાં જવાનું. કોઈને કહ્યા વગર આ આખો પ્લાન તેમણે ખાનગીમાં ઘડેલો, તેર વર્ષની વયે, પણ બન્યું એવું કે પઠાનકોટ રેલવે સ્ટેશન પર જ એક પોલીસ ઓફિસરે તેમને અટકાવ્યા. કેટલાક સવાલો પૂછ્યા અને પછી એક તમાચો મારીને ઘરભેગાં કરી દીધાં. અમૃતસરમાં એમના પપ્પાએ દીપ્તિ ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવેલી.
એક સંપૂર્ણ ઇન્ટ્રોવર્ટ વ્યક્તિ શું શું કરી શકે છે? દીપ્તિ નવલ એનું જીવતુંજાગતું ઉદાહરણ છે. અભિનય, કવિતા, લેખન, ચિત્રકલા, પર્વતારોહણ, ફોટોગ્રાફી. તેઓ વટથી કહે છે, ‘I was always an introvert’ અને તેમ છતાં જાતને અભિવ્યક્ત કરવામાં એમણે કશું જ બાકી નથી રાખ્યું. જાહેરમાં કે મિત્રોની હાજરીમાં બોલી ન શકનાર વ્યક્તિ જાતને બીજી કેટલીય રીતે અભિવ્યક્ત કરી શકે છે, એ કલા તેમની પાસેથી શીખવા જેવી છે, પણ જે વાત તેમણે પુસ્તકમાં નથી લખી, એ પણ એટલી જ મહત્ત્વની છે. એ છે એમનો સંઘર્ષ.
1984માં તેમની એક ફિલ્મ આવેલી ‘અનકહી.’ આ ફિલ્મમાં તેમણે એક મનોરોગીનું પાત્ર ભજવવાનું હતું. અમોલ પાલેકરના ‘ના’ પાડવા છતાં દીપ્તિ નવલે નક્કી કર્યું કે પાત્રને ન્યાય આપવા માટે હું થોડા દિવસ ‘મેન્ટલ હોસ્પિટલ’માં વીતાવીશ. રિસર્ચ કરવા માટે તેઓ 23 દિવસ સુધી હોસ્પિટલની અંદર રહ્યાં. ડિપ્રેશન, સ્કીઝોફ્રેનિયા અને અન્ય માનસિક બીમારીથી પીડાતા દર્દીઓ કેવા હોય એ જાણવા માટે. ફિલ્મ તો સુપરહિટ થઈ ગઈ, પણ એ પછી દીપ્તિ નવલનું અંગત જીવન સુપર ફ્લોપ થતું ગયું.
1985માં તેમણે ડિરેક્ટર પ્રકાશ જ્હા સાથે લગ્ન કર્યાં અને એ સાથે જ તેમનું કરિઅર પડી ભાંગ્યું. ફિલ્મ્સ મળતી બંધ થઈ ગઈ. કામ ન મળવાને કારણે થોડા જ સમયમાં તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યાં. લગ્નજીવન પણ તૂટતું ગયું. એક એવો સમય હતો જ્યારે ન તો તેમને કામ મળતું, ન તો પ્રેમ. તેઓ એ હદે ડિપ્રેશનનો શિકાર બનેલાં કે તેમને આત્મહત્યાના વિચારો આવતા. એ સમયની મનોસ્થિતિ દર્શાવતી એમની ‘Black Wind’ નામની કવિતામાં તેઓ જાતને કોઈ ઊંચી ઈમારત પરથી કૂદી જવા કહે છે. ડિપ્રેશનથી પીડાતી દરેક વ્યક્તિએ આ કવિતા વાંચવી જોઈએ, કારણકે એમાં એક વ્યક્તિની અંદર રહેલી નિરાશાવાદી અને આશાવાદી જાત વચ્ચેનું દ્વંદ્વ છે. પીડિત જાત તેમને આત્મહત્યા કરવા પ્રેરે છે અને તેમની સ્વસ્થ બાજુ જીવતા રહેવાનાં કારણો આપે છે. અને એ કવિતાનો અંત છે ‘I will survive, I will fight.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.