તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૉક્ટરની ડાયરી:રમેશ, હોય છે સાપેક્ષ સર્વ ઘટનાઓ તમારી પીડા બીજાની ખુશાલી હોઈ શકે

ડૉ. શરદ ઠાકર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાર મહિનામાં આવાં કેટલાં પેશન્ટ નીકળ્યાં હશે? માંડ પંદરેક જેટલાં. કેતકીબહેન આવી જનેતાઓની માતા બની રહ્યાં. સેવા કરવા માટે કરોડપતિ હોવું જરૂરી નથી. આવી નાની-નાની સેવા પણ થઇ શકે છે. પાસે કલદાર ન હોય તો ચાલશે પણ દિલદાર તો બની શકાય ને?

એક મધ્ય વયસ્ક, પીઢ દેખાતાં બહેન કન્સલ્ટિંગ રૂમનું બારણું ખોલીને અંદર દાખલ થયાં. એમને જોઇને ડો. મહેતા સહેજ અકળાઇ ગયા. એમના કન્સલ્ટિંગ રૂમમાં કોઇ આવી રીતે સીધું પ્રેવશી જાય એ તેમને પસંદ ન હતું, ‘ક્યાં મરી ગઇ રિસેપ્શનિસ્ટ?’ આવા ભાવ સાથે તેમણે ઘંટડી મારી. આવનાર મહિલાએ મીઠું હસીને એમને શાંત પાડ્યા. ‘ડોક્ટર, હું પોતે જ સીધી અંદર આવી ગઇ છું. સ્ટાફને ધમકાવશો નહીં, પ્લીઝ. એ છોકરી વોશરૂમમાં ગઇ છે. મારી પાસે રાહ જોવા જેટલો સમય ન હતો એટલે...’ એ મહિલાના ચહેરા પરની સંસ્કારિતા, શિષ્ટતા, સૌમ્યતા અને એની વાણીનું શુદ્ધ ઉચ્ચારણ જોઇ-સાંભળીને ડો. મહેતા પોતાનો ગુસ્સો ગળી ગયા, ‘નો પ્રોબ્લેમ! બેસો. શું થાય છે, બોલો?’ મહિલા ફરી પાછી હસી પડી, મને કંઇ થતું નથી. બસ, ખાલી બેન્કમાં જવામાં મોડું થાય છે. હું ત્રણ-ચાર મિનિટમાં જ મારી વાત પૂરી કરી અને ચાલી જઇશ. મારું નામ કેતકી કિરીટભાઇ ખંભાતા. હું અને મારા હસબન્ડ બંને એક જ બેન્કની એક જ શાખામાં જોબ કરીએ છીએ. તમારા મેટરનિટીહોમથી ત્રણ સોસાયટી દૂર આવેલા સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહીએ છીએ.’ ‘એ બધું બરાબર પણ કામ શું છે એ તો જણાવો.’ ડો. મહેતા ધીરજ ગુમાવી રહ્યા હતા. ‘હું તમારી પાસે એક રિક્વેસ્ટ લઇને આવી છું. તમારા મેટરનિટીહોમમાં દર મહિને 25-30 ડિલિવરીઝ તો થતી જ હશે. તેમાંથી મોટાભાગની બહેનોની સાથે મિનિમમ ચાર-પાંચ જેટલાં સગાંવહાલાંઓ આવતાં હશે. મારે એ જાણવું છે કે એમાંથી કોઇ સ્ત્રી એવી હશે કે જેની સાથે તેના પતિ સિવાય બીજું કોઇ આવ્યું ન હોય?’ ડો. મહેતા વિચારમાં પડી ગયા. પછી યાદ કરીને બોલ્યા, ‘તમે કહો છો એવું તો ભાગ્યે જ થતું હશે. મોટાભાગની બહેનો પિયરમાંથી આવતી હોય છે. એટલે એની સાથે એની મમ્મી, ભાભી કે બહેન રહેતી જ હોય છે. જો ડિલિવરી બીજી કે ત્રીજી વારની હોય તો તેની સાથે સાસુ, નણંદ કે દેરાણી-જેઠાણી આમાંનું કોઇ જોવા મળે છે. તમે કહ્યું તેવા ફક્ત હુતો અને હુતી બે જણા હોય તેવું કપલ તો જવલ્લે જ જોવા મળે છે.’ ‘જવલ્લેનો પણ કોઇ દર તો હશે ને?’ ‘હા, કેમ નહીં? મહિનામાં એકાદ પેશન્ટ. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીમાં ડિલિવરીની સંખ્યા સૌથી વધારે જોવા મળે છે. ત્યારે તમે કહો છો તેવા એકલપંડા કપલ્સ મહિનામાં બે-ત્રણ મળી આવે.’ આટલું કહ્યાં પછી ડો. મહેતાએ સામો પ્રશ્ન પૂછ્યો. ‘પણ આ બધી પૂછપરછ તમે શા માટે કરો છો? બેન્ક દ્વારા તમને કોઇ સર્વેની જવાબદારી સોંપવામાં આવી છે કે શું? સોલિટરી કપલ્સ માટે કોઇ આર્થિક લોનની યોજના બહાર પાડવાના છો કે શું?’ કેતકીબહેન હસ્યાં, ‘ડોક્ટર, હું તમારો કટાક્ષ સમજી શકું છું, પણ એ બધું સમજાવા જેટલો સમય નથી. અત્યારે હું ઉતાવળમાં છું. હું તમારી પાસે મારા દસેક જેટલાં વિઝિટિંગ કાર્ડ્સ મૂકતી જાઉં છું. મેં કહ્યું તેવું કોઇ કપલ જ્યારે ડિલિવરી માટે આવે ત્યારે તેને મારું કાર્ડ આપજો અને કહેજો કે મારો કોન્ટેક્ટ કરે. મારો અને મારા હસબન્ડનો મોબાઇલ નંબર અંદર લખેલો છે. હું જાઉં.’ આટલું કહીને બે હાથ જોડીને કેતકીબહેન ચાલ્યાં ગયાં. કેતકીબહેન ગયાં એની સાથે જ એની વાત પણ વિસરાઇ ગઇ. ડો. મહેતાએ વિઝિટિંગ કાર્ડ્સ એમની રિસેપ્શનિસ્ટ મીનાના હાથમાં મૂકી દીધાં અને ટૂંકમાં બધી વાત જણાવી દીધી. પછી બબડતા હોય તેવા અવાજમાં ઉમેર્યું પણ ખરું, ‘હું તો ભૂલી જઇશ પણ તું યાદ રાખજે. કોઇ એકલદોકલ પેશન્ટ આવે તો એને આ બહેનનો નંબર આપી દેજે. મને ખબર નથી કે આ બહેન શું કરવા માગે છે પણ એ દેખાવમાં તો સંસ્કારી લાગતાં હતાં. એટલે એવું લાગે છે કે કંઇક સારું જ કરશે. મને આમાં વચ્ચે ક્યાંય ઇન્વોલ્વ ના કરતી.’ પંદરેક દિવસ પસાર થઇ ગયા. મધરાતના બાર વાગે એક સાઉથ ઇન્ડિયન સ્ત્રી પ્રસૂતિની પીડા સાથે આવી પહોંચી. સાથે એનો પતિ હતો. ત્રીજું કોઇ ન હતું. ડો. મહેતાએ તપાસ કરીને તે સ્ત્રીને એડમિટ કરી દીધી. ત્રણેક કલાક રાહ જોયા પછી ડોક્ટરને લાગ્યું કે બાળકના હૃદયના ધબકારા અચાનક ઓછા થઈ ગયા છે. ગર્ભાશયનું મુખ ખૂલવાને તો હજુ ઘણી બધી વાર હતી. ત્યાં સુધી રાહ જોવાથી ગર્ભસ્થ બાળક જીવતું રહે તેવી શક્યતા નહિવત્ હતી. ડોક્ટરે પેશન્ટના પતિને બોલાવીને સમજાવ્યું. પેલો માથું હલાવીને સાંભળતો રહ્યો. ડો. મહેતાએ પૂછ્યું, ‘મૈંને જો કહા વો તુમ્હારી સમજ મેં આયા?’ પેલાએ બાઘાઇપૂર્વક જવાબ આપ્યો, ‘સબ કુછ તો નહીં, લેકિન તોડા તોડા આયા.’ એ પછી ડો. મહેતાએ એને માંડ-માંડ સમજાવ્યું કે નોર્મલ ડિલિવરી થવાની શક્યતા શૂન્ય છે. સિઝેરિયન કરીને બાળક લઇ લેવું પડશે. પેલો થોડું-થોડું સમજ્યો, એણે થોડું-થોડું માથું હલાવ્યું અને ડોક્ટરે કહ્યું ત્યાં સહી કરી આપી. એનેસ્થેટિસ્ટને બોલાવતા અને ઓપરેશન શરૂ થતાં લગભગ ચાર વાગી ગયા. પાંચ વાગે તો પ્રસૂતા અને તેનું બાળક જનરલ વોર્ડની પથારીમાં શિફ્ટ થઇ ગયાં હતાં. પણ ખરી તકલીફ તો હવે શરૂ થઇ. ફરજ પરની નર્સે જોયું કે કેરાલિયન પતિ સાડા છ વાગે એની પત્નીને અને બાળકને સ્ટાફના ભરોસે સોંપીને ઘરે જવાની તૈયારી કરતો હતો. સિસ્ટરે પૂછ્યું તો જવાબ મળ્યો, ‘જીઆઇડીસી મેં હમ જોબ કરતા. આઠ બજે હમારી ડ્યૂટી સ્ટાર્ટ હોતી. હમકો છુટ્ટી નહીં મિલતી. હમ નહીં જાયેગા તો હમારી જોબ ચલી જાયેગી.’ અને ખરેખર એ તો રવાના થઇ ગયો. આઠ વાગ્યા. રિસેપ્શનિસ્ટ મીના ડ્યૂટી પર હાજર થઇ. સિસ્ટરે એને આ વાતની જાણ કરી. સાથે કહ્યું પણ ખરું, ‘આવું તે ચાલતું હશે? મેજર ઓપરેશન થયેલો કેસ હોય અને સાથે કોઇ પણ ન હોય એવું તો કેમ ચાલે?’ મીનાના દિમાગમાં ઝબકારો થયો. પંદર દિવસ પહેલાંની ઘટના એને યાદ આવી ગઇ. એણે ડ્રોઅરમાંથી કાર્ડ ખોળી કાઢ્યું. એમાં લખેલો મોબાઇલ નંબર લગાડ્યો. ‘કેતકીબહેન ખંભાતા બોલો છો? હું રિસેપ્શનિસ્ટ મીના મહેતા મેટરનિટીહોમમાંથી બોલું છું. યાદ આવ્યું?’ કેતકીબહેનનો અવાજ તાજગીભર્યો હતો. તેમનો પ્રતિસાદ ખૂબ જ હૂંફાળો હતો. મીના પાસેથી બધી વિગત જાણી લીધી. પછી કહ્યું, તે સ્ત્રીનું સિઝેરિયન થયું છે એટલે ઓછામાં ઓછા ત્રણ-ચાર દિવસ તો ત્યાં રાખશો જ ને? એનાં ચા-પાણી નાસ્તા અને ભોજનની જવાબદારી હું સ્વીકારું છું. એનાં નવજાત શિશુ માટે પણ જે કંઇ લાવવાનું હોય તે મને જણાવી દો. હું બેન્કમાં જતાં પહેલાં તેને જોવા માટે આવી જઇશ.’ કેતકીબહેન ખરેખર આવી ગયાં. બાળક માટે સરસ મજાની ગોદડી, ઝબલું, લંગોટ, સ્વચ્છ કપડાંના કટકા અને મિક્સ કરેલું ઉકાળેલું દૂધ-પાણી પણ લઇ આવ્યાં હતાં. પ્રસૂતા માટે બે નવાંનકોર ગાઉન લાવ્યાં હતાં. સાંજ સુધી પ્રસૂતાને કંઇ આપવાનું ન હતું. સાંજે એના માટે ચા હાજર થઇ ગઇ. એ પછીના ત્રણ દિવસ સુધી ડોક્ટરની સૂચના અનુસાર ખાવા-પીવાનું કેતકીબહેન જ આપતાં રહ્યાં. બાર મહિનામાં આવાં કેટલાં પેશન્ટ નીકળ્યાં હશે? માંડ પંદરેક જેટલાં. કેતકીબહેન આવી જનેતાઓની માતા બની રહ્યાં. સેવા કરવા માટે કરોડપતિ હોવું જરૂરી નથી. આવી નાની-નાની સેવા પણ થઇ શકે છે. પાસે કલદાર ન હોય તો ચાલશે પણ દિલદાર તો બની શકાય ને?⬛ શીર્ષકપંક્તિ : રમેશ પારેખ drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...