નીલે ગગન કે તલે:રમા, રમણ ને રણજિતરામ

મધુ રાય3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જલ્પા નામની ગુજરાતી યુવતી ફેસબુક ફોટો બદલે છે, ને તેનો તેલુગુ ચાહક કોમેન્ટ કરે છે કે ‘ગુડ ઇનફ ટુ ઈટ.’ જલ્પા તેનો કાંઈ જવાબ આપી શકે તેમ નથી કેમકે ‘તે બી મેરિડ છે ને મૈંય બી મેરિડ!’ દરેક લેખક/લેખિકાને એમ હોય છે કે ‘જાને વો કૈસે લોગ થે જિનકે પ્યાર કો પ્યાર મિલા!’ મતલબ કે તેના ‘અંતર’ની વાત તેની આસપાસની કોઈ વ્યક્તિ સમજતી નથી હોતી. અને ફેસબુક/ઇન્ટરનેટના આગમન પછી લગભગ એકેએક વપરાશકર્તાનો કોઈને કોઈ અનજાન ચાહક કે ચહેતી ગુપ્ત રીતે ફેસબુક–બેસબુક ઉપર મળી રહે છે, જે અહો, તેના અંતરની લાગણીને ‘સમજતો/સમજતી’ હોય છે. (માય ફુટ!) એટલે પોતાના અંતરની આગ ઠારવા ને ઘણા લોકો પોતાના જૂના લેખોમાંથી હજી વધુ માઇલેજ મેળવવા પોતાના જૂના લેખો ફરીફરી ફેસબુક ઉપર મૂકતા હોય છે, તે આશાએ કે ગયા વખતે તો ‘તેણે’ કે ‘તેણીએ’ લાઇક નહોતી આપી, પણ આ વખતે આપે છે? ને પ્લસ, આ વખતે તેને ‘સમજનાર’ કોઈ નવી ‘તે કે તેણી’ વ્યક્તિ દેખા દે છે? ગગનવાલાને ભાષાનું ઘેલું છે, ને બીજા લોકોની જોડણી બાબત ઓવરવાઇઝલી ચાબાઈ કરે છે, ને ગુજરાત સરકારને કાગળો લખે છે, ને બીજા લેખકોને ટોકે છે, ને હરે હરે, તેથી રોજ નવા દુસમન બનાવે છે. તે ક્રમે હમોએ ભસ્મીભૂત ભાષા શીર્ષક હેઠળ એક જૂનો લેખ ફરીથી ફેસબુક ઉપર મૂકેલો, જેમાં રમણભઈ ને રમાબેન કેરી પ્રણય કેલિની લવલી અંતકડી મૂકેલી. તેમાં ગુજરાતીઓની સાહિત્ય કે ભાષા પ્રત્યેની ઘોર ઉદાસીનતા દર્શાવવા કોઈએક ગુજરાતી છાપાના સમાચારમાં ‘ચપ્પાના ઘા’ને બદલે ‘ચંપાના ઘા’ છપાયેલું તે બદલ, અને ગુજરાતી સાહિત્ય પરિષદના તે સમયના પ્રમુખનું નામ સિતાંશુને બદલે સિતાંષુ તથા ગઈ સદીમાં મધુ રાય નામના લેખકને રણજિતરામ સુવર્ણચન્દ્રક લાધ્યાના સમાચાર ‘મધુ–રામને રણજિત–રામ’ મલેલ છે એમ છપાયા બદલ ધોખો કીધેલો. રેરેરે ગુજરાતી લેક્સિકોન નામક અદ્્ભુત વેબસાઇટ ઉપર પણ પંચાગ ખોલીને જુઓ તો ‘ગુરુવાર’ને બદલે ‘ગુરૂવાર’ વંચાય છે ને મન ખાટું થઈ જાય છે. શુદ્ધ ભાષા એટલે પ્રાત:સ્મરણીય કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી રચિત વ્યાકરણ અને સાર્થ જોડણીકોશ મુજબ લખાતી, બોલાતી, વપરાતી આપણી ભાષા. અલબત્ત તેમાં હર મિનિટે, હર બોલનારે ને હર વાંચનારે માઇક્રોસ્કોપિક ફરક થતો રહેવાનો કેમકે હર પળે પૃથ્વી તેની ત્રિજ્યા ઉપર સૂર્યની આસપાસ મયૂરનાચ કરે છે ને તે સૂર્ય કોઈ અતિસૂર્યની પ્રદક્ષિણા કરે છે ને તે અતિસૂર્ય કોઈ પરમાદિત્યની આસપાસ ચકરાવા મારે છે ને લાઇક ધેટ, લાઇક ધેટ! કહેવાય છે કે ડિક્શનેરીઓ છપાતાંની સાથે જ આઉટ ઓફ ડેટ થઈ જાય છે, બિકાજ ભાષા ઇઝ એ વહેતી નદી, યસ, યસ, યસ. પણ છતાંયે જેમ મોટરકાર ચલાવવાના અમુક નિયમ સૌએ પાળવાના હોય તેમ ભાષા બોલવાના ને લખવાના અમુક માન્ય નિયમ સૌએ પાળવા ઘટે જેથી મોટરકારો ટકરાયા ન કરે, યસ? અને નાટ્યકારો ને વાર્તાકારો જાણે છે કે જે પાત્ર જે ‘શબ્દ’ બોલે તે શબ્દથી, તે ભાષાથી તે પાત્રનો બાંધો બંધાય છે. રમાબેન અને રમણભઈની તકરાર ચાલતી હોય ત્યારે સામસામે ‘તું કોકિલા જોડે મારી અંતકડી રમવાની વાત કરે છે? તો તું પેલા મોહનલાલની જોડે જોર્જેટની શાડી પહેરીને શિનેમા જોવા હેંડતી થયેલી એનું કૈં નૈં?’ બોલે તેથી કલ્પનાશીલ વાચકની આંખ સામે રમણભાઈ ને રમાબેનના ચહેરા ને પોશાક જ નહીં કદાચ તેમના દીવાનખાનાના સોફાનો કલર બી તાદૃશ થઈ જાય! અને સામે રમાબહેન સણસણતો જવાબ આલે કે ‘જાવ, જાવ, એ મોહનભઈ તો મારા સગ્ગા ભઈ જેવા છે, મારી જોડે રાખડી બંધાવે છે. તમે તો કોકિલા તૂ મેરા ચાંદ મૈં તેરી ચાંદની ગાતી હતી ત્યારે કેવા જાંઘે થાપા મારી મારીને તાલ આપતા હતા, એનું કૈં નૈં?’ ત્યારે વાચકના કાનમાં કોઈ જાણે રેશમનો દોરો નાખીને ગલી કરતું હોય એવો આનંદ થાય છે. એટલા માટે નહીં કે વાચકને તેમની તકરારમાં રસ પડે છે, (રસ તો પડે છે જ, પણ ઉપરાંત) એટલા માટે કે તેઓ કેવા ઉત્સાહથી તકરાર કરે છે ને કેવી જાદુઈ બોલીથી સામસામે આક્ષેપોની પિચકારી ફેંકે છે. સાહેબ, વાચક જો અતિ સંવેદનશીલ હોય તો કદાચ રમાબેનની સાડીની કિનારી ઉપર રમણલાલ રમણલાલ લખેલું છે કે મોહનલાલ મોહનલાલ તે બી વાંચી શકે. ને બસ, બાકીની વાર્તા પોતપોતાના રમણલાલ/મોહનલાલ કે રમાબેન/કોકિલાબેનની સ્મૃતિથી પૂરી કરી શકે. આહ, સોચો સોચો, સરકાર, કલ્પના કરો કે ગુજરાતીના પ્રાધ્યાપકશ્રી મોહનલાલ ઘરમાં પ્રવેશે ને માથેથી ખાદીની ટોપી ઉતારી ખીંટી ઉપર ભેરવે ત્યારે કોને ખબર કેમ કોકિલાબેન સહેજ મલકાય! અને મોહનલાલ તેની પાસે જઈને તેના ગાલે તર્જનીનો નખ ફેરવતાં પૂછે કે ‘કેમ હસૂ છૂ?’ ત્યારે તેમણે જાણીજોઈને ગુજરાતીના ગાલે નખ ફેરવી તેની અખિલાઈના ગાલ છંછેડે છે, તે અશુદ્ધિ નહીં પણ અલંકાર બની જાય છે કે નહીં? અરેરેરે, વાત કરવાની હતી જલ્પાના ફેસબુક ઉપરના ગુપ્ત પ્રેમિકની ને તેમાં ઘૂસી આવ્યા મોહનલાલા ને કોકિલાબેન. પણ આજે નહીં તો હવે આવતી કાલે પણ સામાજિક રીતે પતિ, પત્ની ઉપરાંત ઇન્ટરનેટ લવર તરીકે કોઈ ત્રીજું હોય તેને સામાજિક સ્વીકૃતિ મળશે મળશે ને મળશે. રેરેરે, તે આવતી કાલની રાહ જોતાં જોતાં ગઈ સદીના મધુ–રામ એકલા એકલા ભજન કરશે, શ્રીરોમ જય રોમ રણજિતરોમ!⬛ madhu.thaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...