‘રાજિયા, સાંભળ! પેપર લીક થઈ ગયું છે! તારું વોટ્સએપ ખોલીને જોઈ લે!’ રાતના સાડા અગિયાર વાગે બુક્સોમાં માથું ખોસીને વાંચી રહેલા રાજુ ઉપર એના ભાઈબંધ રસિયો ઉર્ફે રસિકડાનો ફોન આવ્યો. પેપર જોઈને તો રાજિયો રાજી-રાજી થઈ ગયો! સાલી, હવે તો આખેઆખું ટેક્સ-‘બુકડું’ વાંચવાની જફા જ ગઈ! ડાયરેક્ટ ગાઈડમાંથી ગોખી મારવાનું રહ્યું ને? પેપરમાં બધું જ હતું. મોટા સવાલો, નાના સવાલો, ખાલી જગ્યા, જોડકાં, ટૂંકનોંધ, વિકલ્પમાંથી પસંદગી કરો… યાર, હવે વિકલ્પની જરૂર જ ક્યાં હતી? રાજુ ગાઈડમાંથી ગાઈડન્સ શોધવા મચી પડ્યો… પછી થયું, સાલું, આખું પેપર આમ વોટ્સએપમાં ફરે છે, તો કાલે સવારે સાલી, આખી એક્ઝામ જ કેન્સલ થઈ તો? મારી પાસે પેપર આવ્યું એમ શિક્ષણમંત્રી જોડે બી આયું જ હોય ને? આમાં તો લોચા થઈ જાય! ગોખું કે ના ગોખું? ‘એમ કરતાં કરતાં એક વાગી ગયો. ત્યાં તો રસિયાનો ફરીથી ફોન આવ્યો, ‘રાજિયા, પેલું પેપર ભૂલી જા. એ બોગ્ગસ છે. કોઈકે આપણા જેવાઓ ઊંધે પાટે ચડાવવા ફરતું કર્યું છે! હવે સાંભળ, અસલી પેપર મારી જોડે આવવાનું છે. એ માણસ ત્રણ હજાર માગે છે. બોલ, ફિફ્ટી ફિફ્ટી ભાગીદારીમાં લઈ લેવું છે? યસ કરતો હોય તો ઓનલાઈન પંદરસો સેન્ડ કર…’
આ બાજુ રાજિયો ગૂંચવાયો. ‘અલ્યા રસિયા, આ પેપર ઓરિજિનલ છે એની કોઈ ગેરંટી ખરી? સાલું, આખી રાત ગોખીએ ને એ આવે જ નહીં તો?’ સામે છેડે રસિયાને ગલ્લાં તલ્લાંમાં રસ જ નહોતો. એણે ચોપડાવી, ‘રાજિયા, ભઈબંધી ખાતર આટલું કરું છું, બાકી તૈણ હજાર આલીને બાર હજારની નોકરી મલતી હોય તો હું એકલો ના લઈ લઉં?’ રાજિયાને વાતમાં દમ તો લાગ્યો. એણે પંદરસોનું ઓનલાઈન જવા દીધું. પાંચ જ મિનિટમાં PDF આવી ગઈ. ખોલવા માટેનો પાસવર્ડ પણ ખરો! રાજિયાને થયું, હવે બેડો પાર! રસિયો કંઈ એવો ગોખણિયો નહોતો. એ બેટો બનાવશે કાપલીઓ! પણ આ ફેરી એક્ઝામનો બંદોબસ્ત એટલો કડક છે કે રસિયો ભરાઈ પડવાનો!
મુઓ રસિયો, એનું જે થવાનું હોય તે થાય, આપણે આપણું કરો ને… એમ વિચારી રાજિયો ફરી મચી પડ્યો. એક એક સવાલનો જવાબ મોટે મોટેથી દસ દસ વાર બોલવા માંડ્યો. એના અવાજથી કૂતરાં જાગી ગયાં. ભસાભસ કરવા લાગ્યાં. ભસાભસમાં રાજિયાને ભૂલો પડવા લાગી, ગોખણપટ્ટીમાં ગોથાં ખવાવા લાગ્યાં. માંડ માંડ કૂતરાં રાજિયા જોડે જુગલબંદી કરવામાં થાક્યાં અને જંપી ગયાં ત્યારે રાતના સાડા ત્રણ વાગવા આવ્યા હતા. રાજિયાનું મગજ ગોખણપટ્ટીથી ઓવરલોડ થઈ ચૂક્યું હતું. આંખો બળી રહી હતી ત્યાં એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો: ‘બોસ, તમારી જોડે જે પેપર આવ્યું છે એ બોગસ છે. ખરેખર અસલી પેપર જોઈતું હોય તો પંદર હજારમાં મળશે. ઓન્લી ફિફ્ટીન થાઉઝન્ડ!’ રાજિયો કહે, ‘આ ઓરિજિનલ છે એની ગેરંટી શું?’ પેલો કહે, ‘ડાયરેક્ટ શિક્ષણ ખાતામાં કામ કરું છું. ઈન્ટ્રેસ્ટ હોય તો બોલો, નહીંતર બીજા બારસો ઘરાક બેઠા છે. ફોનમાં સિક્રેટ ફાઈલ આવશે. પેમેન્ટ કરશો પછી જ OTP જનરેટ થશે. એ નાંખશો તો જ પેપર ખુલશે! તમે એને આગળ ફોરવર્ડ પણ નહીં કરી શકો.’
રાજિયાને થયું, યાર, પંદર હજારમાં લોટરી લાગી! એણે પેપર લઈ લીધું! બસ, હવે તો સવાર સુધી ગોખણપટ્ટી જ કરવાની હતી ને! બીજા દિવસે એક્ઝામ હોલમાં જોરદાર વ્યવસ્થા હતી. દરેક રૂમમાં એર-કુલર હતું. પંખા ફરતા હતા. પીવા માટે બરફનું મસ્ત ઠંડું પાણી હતું… બસ, એક જ લોચો થયો. આખી રાતના ઉજાગરાને લીધે રાજિયાને ‘મસ્ત’ ઊંઘ આવી ગઈ… બેઠાં બેઠાં જ! mannu41955@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.