પોર્નોગ્રાફી એટલે કે બિભત્સ ફિલ્મો બનાવવા માટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની ધરપકડ થઈ, ત્યારથી પોર્નોગ્રાફી ઇન્ડસ્ટ્રી વિશેની ચર્ચાએ જોર પકડ્યું છે. ઘણાંને કદાચ ખબર નહીં હોય કે અમેરિકા અને યુરોપના કેટલાક દેશો સહિત દુનિયાના ઘણા દેશોમાં પોર્નોગ્રાફિક ફિલ્મો બનાવવાનું કાયદેસર છે. જોકે પોર્નોગ્રાફિક ફિલ્મમાં બાળકોનો ઉપયોગ કરવો કે એવી ફિલ્મો જોવી એને કોઈપણ દેશમાં ગંભીર ગુનો ગણવામાં આવે છે. રાજ કુંદ્રાએ બનાવેલી સેક્સ ફિલ્મો કયાં પ્રકારની છે એ આપણને ખબર નથી. જો રાજ કુંદ્રા અમેરિકામાં આવી ફિલ્મો બનાવતો હોત તો કદાચ એની ધરપકડ પણ ન થઈ હોત અને અબજો રૂપિયા કમાયો હોત. અમેરિકામાં અનેક ફિલ્મ સ્ટુડિયો અને ફિલ્મના વિતરકો સેક્સ ફિલ્મો નિયમિત બનાવે છે અને કોરોડો ડોલરનો નફો પણ કરે છે. આપણે ત્યાં ક્રિકેટ કે ટેનિસ જેવી રમતો પર ગેરકાયદેસર રીતે સટ્ટો રમાય છે, પરંતુ વિદેશમાં ક્રિકેટ કે બીજી રમતો પર સટ્ટો રમવું ગેરકાયદેસર ગણાતું નથી. કદાચ ભાગ્યે જ કોઈને ખબર હશે કે ક્રિકેટ કે ફૂટબોલની મેચ દરમિયાન વધુ રકમની આપ-લે સેક્સ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. સોશિયલ મીડિયા અને ઓ. ટી. ટી. પ્લેટફોર્મ્સ પર દરરોજ જેટલાં વિઝિટર્સ આવે છે એના કરતાં લાખો ગણાં વધારે વિઝિટર્સ પોર્ન સાઇટોની મુલાકાત લે છે. એક પોર્ન સાઇટના દર્શકોની સંખ્યા તો બીબીસી કે સીએનએનની વેબસાઇટ કરતાં વધારે છે. વિશ્વ આખામાં રોજે-રોજ પોર્ન ઇન્ડસ્ટ્રીઝ વધુ ને વધુ ફૂલીફાલી રહી છે. એક સર્વે પ્રમાણે કિશોર–કિશોરીઓ અને યુવાન–યુવતીઓમાંથી 66 ટકા જેટલાંએ કયારેક ને ક્યારેક પોર્નોગ્રાફીની વેબસાઇટ જોઈ હોય છે. અમેરિકા અને યુરોપમાં થયેલા સર્વે પ્રમાણે મોટી ઉંમરની મહિલાઓ કરતાં ટીનેજ યુવતીઓમાં પોર્ન જોવાનું પ્રમાણ વધારે છે. સ્વિડનમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે 18 વર્ષની ઉંમરના જે યુવાનો પોર્નોગ્રાફીની વેબસાઇટ પર વધુ સમય પસાર કરે છે તેઓ સેક્સ માટે વધુ પૈસા ખર્ચે છે, અને પોતાનું શરીર પણ સેક્સ માટે વધુ પ્રમાણમાં વેચે છે. વારંવાર પોર્નોગ્રાફી જોનારાઓમાં શારીરિક આક્રમકતાનું પ્રમાણ વધુ હોય છે. તેઓ સેક્સને લગતા ગુનાઓ પણ વધુ પ્રમાણમાં કરે છે. ઈંગ્લેન્ડમાં થયેલા સર્વે પ્રમાણે 11થી 16 વર્ષની ઉંમરના કિશોરોમાંથી જેઓ પોર્નોગ્રાફી જોતા હતા એમાંથી 46 ટકાને વિકૃત સેક્સ માણવાના વિચારો આવ્યા હતા. વેબસાઇટ પરથી કન્ટેન્ટ ડાઉનલોડ કરનારાઓમાંથી 35 ટકા જેટલાં પોર્ન વેબસાઇટ્સ પરથી વિડીયો ડાઉનલોડ કરે છે. 34 ટકા જેટલાં ઇન્ટરનેટ વાપરનારાઓ અજાણતાં જ જાહેરખબર કે પોપ-અપ દ્વારા પોર્નોગ્રાફી જુએ છે. એક સંશોધન પ્રમાણે છેલ્લાં છ વર્ષ દરમિયાન યુવાન અને યુવતીઓનો સમાવેશ કરતી પોર્ન વેબસાઇટો સર્ચ કરવાનું પ્રમાણ 43 ગણું વધી ગયું છે. ઇન્ટરનેટ પર આપ-લે થતા ડેટાઓમાંથી 30 ટકા જેટલા ડેટા પોર્નને લગતા હોય છે. ભારતમાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કેટલાં લોકો કામ કરે છે એનો આંકડો મળતો નથી, પરંતુ અમેરિકામાં 10 લાખથી વધુ સ્ત્રી-પુરુષો પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છે. આજે 10માંથી 8 વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન હોય છે અને આ દરેક સ્માર્ટ ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય, એટલે પોર્નોગ્રાફી જોવાનું અઘરું નથી. વિશ્વ આખામાં બાળકોની પોર્નોગ્રાફીનો વ્યવસાય ઓનલાઇન બિઝનેસમાં ટોચ પર છે. અમેરિકન સરકારે 6,24,000 જેટલાં બાળકોની પોર્નોગ્રાફીનો ઓનલાઇન વ્યવસાય કરનારાઓને ઓળખી કાઢ્યાં છે. વિશ્વ આખામાં દર વર્ષે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં 97 બિલિયન અમેરિકન ડોલરનો વ્યવસાય થાય છે. રાજ કુંદ્રા જેવા તો છિંડે ચઢ્યા એટલે ચોર તરીકે ઓળખાઈ ગયા. બીજી તરફ કાયદામાં પોર્નોગ્રાફિક ફિલ્મ અને ઉત્તેજક ફિલ્મની વ્યાખ્યા પણ અટપટી હોવાથી રાજ કુંદ્રા સામેનો કેસ કેટલો ટકશે એ તો સમય જ કહેશે. ⬛ vikramvakil@rediffmail.com
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.