તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંદાઝે બયાં:વરસાદી સાંજે, એક ગરમાગરમ કબૂલાત!

10 દિવસ પહેલાલેખક: સંજય છેલ
  • કૉપી લિંક

ટાઇટલ્સ મન માટે ‘ભજન’ ને તન માટે ‘વજન’ પર ધ્યાન રાખવું! (છેલવાણી) આખી દુનિયા અફઘાનિસ્તાન કે તાલિબાનની ફિકરમાં છે ત્યારે વરસાદી સાંજે અમારું તો મન લાગ્યું છે, ફરી એકવાર કેવળ ભજિયાંમાં! કહેવાય છે, 16મી સદીમાં એક અંગ્રેજ ઓફિસરે પહેલીવાર ભજિયાં હાથમાં લીધાં ત્યારે સમજાયું નહીં કે ચણાના લોટના પડમાં બટેટું અંદર ઘૂસ્યું કઇ રીતે? વિચારતાં-વિચારતાં હાથમાંનું ભજિયું ઠંડુ થઇ ગયું, પણ રહસ્ય ના તે ના જ સમજાયું. પછી એ રહસ્યને પામવા અંગ્રેજો ભારતમાં વસી ગયા! દુનિયા પર રાજ કરનારા અંગ્રેજો, ભજિયાં સામે હારી ગયેલા! ભજિયાં, રહસ્યમય ગરમાગરમ અનુભૂતિ છે. પૃથ્વીની ઉત્પત્તિ કઇ રીતે થઇ એ કોઇ નથી જાણતું એમ ભજિયાંને મોઢામાં મૂકતાં જ મોંમાથી ‘હાય-હાય’, ‘આહ’ નીકળે તોયે લોકો ધગધગતાં ખાઇને કયો આનંદ મેળવે છે? એ પણ હજુ કોઇનેય સમજાયું નથી! ગાંઠિયા ભલે ગુજજુઓની તાકાત હોય, પણ ભજિયાં કમજોરી છે. કહે છે ‘ભજન’ની જેમ भज् ધાતુ પરથી ભજિયાં શબ્દ બન્યો છે! નોટબંધી વખતે એક સુરતી ભજિયાંવાળા ભાઇ પાસે કરોડોની કેશ મળી આવેલી! તો હે પોથીપંડિતો, બુદ્ધિજીવીઓ, પ્રોફેસરો, વૈજ્ઞાનિકો કે લેખકો તમારી દુકાનો–ઓફિસો-કોમ્યૂટરો બંધ કરો, હરો ફરો ને ભજિયાંની લારી કરો! હે ભણેલાઓ, ચર્ચા મૂકો ને મરચાં તળો. કવિઓ છંદ છોડીને કંદ તળો. પ્રોફેશનલો પ્રેક્ટિસ છોડો અને પપૈયાં કાપો. ઇન્ટરવલ સીને મેં જલન આંખોં મેં તૂફાન-સા ક્યૂં હૈ? (ગરમ તીખાં ભજિયાં ખાતી વેળાએ) અમારા મુંબઇના વડાપાંઉ વિથ લાલ લસણની ચટણી, મહારાષ્ટ્રની અસ્મિતા છે. સાંતાક્રૂઝમાં એક હોસ્પિટલ બહાર મગ-દાળનાં ભજિયાં વેચી-વેચીને લારીવાળાએ જુહૂના પોશ એરિયામાં કરોડોના ફ્લેટસ ખરીદ્યા છે. બપોરે છેક 3 વાગ્યા પછી જ દર્શન દેતાં એ ભજિયાંબંધુઓ રાત્રે 8 વાગ્યે તો લારી વધાવીને પોતાના મહેલમાં પ્રસ્થાન કરી નાખે! એની સરખામણીએ ટ્રેનમાં લટકીને રોટલો રળતાં લાખો મુંબઈગરાઓ ઢંગનો ઓટલો પણ નથી પામી શક્યાં. ધૂળ પડી એવા ઢસરડામાં, શું પૈસા છે ભજિયાં અને દાળવડામાં! એ જ રીતે બાંદ્રા કે પાર્લા-વેસ્ટમાં કોલેજોની બહારના વડાપાંઉવાળાઓનાં સંતાનો દેશની બહાર ફોરેન યુનિવર્સિટીઓમાં ભણે છે અને એ વડાપાંઉની લારી સામેની જ કોલેજમાં 25-30 વર્ષ સુધી લેક્ચરો આપતા પ્રોફેસરો પગાર-પેન્શન ગણતાં-ગણતાં ગુજરી જાય છે. મુંબઇના ભાઇદાસ નાટ્યગૃહમાં ઇન્ટરવલમાં બટાટાવડાં ખાવા માટે પ્રેક્ષકો અડધેથી જ નાટક છોડીને એ રીતે જતા રહેતાં જેમ નળરાજા દમયંતીને છોડીને જતા રહેલા! ગુજરાતી રંગભૂમિમાં કોઇ પણ નિર્માતા કરતાં એ બટાટાવડાંવાળાંએ વધુ કમાણી કરી હશે. જોકે, એ બટાટાવડાં, ઘણાં ખરાં નાટકો કરતાં વધુ ફ્રેશ હોય છે એમાંયે બેમત નથી! 70-80ના દાયકામાં, મુંબઇમાં દાદરની છબીલદાસ સ્કૂલના નાનકડા હોલમાં અમરીશ પુરી, ઓમ પુરી, અમોલ પાલેકર વગેરે કલાકારો મામૂલી ટિકિટે પ્રાયોગિક નાટકો કરતા. એ નાટ્ય-પ્રવૃત્તિ તો ક્યારનીયે બંધ થઇ ગઇ, પણ એ જ છબીલદાસ શાળા સામે બટેટાવડાંવાળા સામે હજીયે વરસોથી સેંકડો ભજિયાં કે વડાપ્રેમીઓની લાઇનો લાગેલી હોય છે. બે બટેટાવડાં-લીલાં મરચાં ખાવા લોકોનાં ટોળેટોળાં આંખો ફાડીને એ રીતે રાહ જોતાં હોય છે જેમ કરવા-ચોથમાં ગૃહિણી ચાંદના પ્રગટ થવા માટે ટળવળતી હોય! આજે કોરોના કાળ પછી મંદીના સમયમાં સૌ કાગારોળ મચાવી રહ્યાં છે ત્યારે કોઈ ભજિયાંવાળો રડતો દેખાણો? વાંકદેખા લોકો કહેતાં કે નોટબંધી વખતે બેંકોની લાઇનમાં કરોડપતિઓ કે નેતાઓ દેખાયેલા? તો અમે પૂછીએ છીએ કે ત્યારે કોઈ ભજિયાંવાળો, બેંકની લાઇનમાં દેખાયેલો કે એટીએમની શોધમાં નીકળેલો? શા માટે નીકળે? જેમ સુંદર સ્ત્રી સ્વયં જ એક કવિતા હોય છે એમ ભજિયાંવાળા તો સ્વયં જ એટીએમ કે હાલતી-ચાલતી બેંક હોય છે! સરકારો આવશે-જશે, પણ શાશ્વત સત્ય છે ભજિયાં, બાકી બધું મિથ્યા! ઇનશોર્ટ, આજની અસ્થિર ઇકોનોમીમાં ને અમારી અસ્થિર માનસિક હાલતમાં, કરોડો કમાઇને ખિસ્સાં ભરવાનો એક જ ઉપાય દેખાય છે: ભજિયાંની લારી કરવી! ઘણાં હેલ્થ ચિંતિત લોકો ટિશ્યૂ પેપરમાં ભજિયાં દબાવીને તેલ કાઢી નાખે છે એમ અમારી અંદરથી પણ હવે બધી હોશિયારીની હેકડી નીકળી ગઇ છે. લખવાનું, વિચારવાનું, ફિલ્મો લખવાનું-બનાવવાનું, રાજકારણ ચર્ચાવાનું- એ બધાં ભૂત હવે ઉતરી ગયાં છે! હવે તો ચૂપચાપ ભજિયાં ખાવા કે ઉતારવા એ જ અંતિમ સત્ય લાગે છે! એન્ડ ટાઇટલ્સ આદમ: ભજિયામાં બટેટું ગયું કઇ રીતે? ઇવ: જેમ મારામાં તારું દિલ! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...