તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂલદાની:રાધા-શ્યામ

ડૉ. અશોક ચાવડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાધા-શ્યામ આ યુગ્મ નામ જેટલી વાર લઈએ એટલી વાર વ્હાલું લાગે. રાધાને સમજવા શ્યામદૃષ્ટિ વહારે આવે અને શ્યામને સમજવા રાધાનું હૃદય. રાધાનું ગોરું હોવું અને શ્યામનું શ્યામ, પરંતુ એ બંનેનું સાથે હોવું એક એવા રંગનો સમન્વય છે, જે રંગના છાંટણાં સૌ કોઈ ઇચ્છે છે, પણ સૌ કોઈને એ સુલભ નથી હોતા. જેના નસીબમાં સ્વયં શ્યામનો સાથ હોય એને કોઈને હથેળી બતાવવાની જરૂરિયાત જ ન હોય, પણ શ્યામ નામ સાથે સ-રસ રીતે આ રંગ-સમન્વયને એકરૂપ કરીને ધૂની માંડલિયા અદ્્ભુત વાત કરે છે- હથેળી જોઈ રાધાની કહ્યું તું એક જોષીએ, ભલે તું હોય ગોરી, શ્યામ છે તારી હથેળીમાં. હથેળીમાં પ્રીતરંગની મહેંદી મુકાવવી અને આમરણ સાચવવી એ કપરું કામ છે. આમ પણ રાધા-કૃષ્ણને જે જેમ સમજે એને એમ સમજાય. રાધા-કૃષ્ણનો સાથ એવો કે એકની ગેરહાજરી સમજવા બીજાની હાજરી સમજવી પડે. અલબત્ત, એમ કહો એકની હાજરી જ બંનેની હાજરી. આમ, બંને સાથે ગેરહાજર કદાપિ નથી રહ્યાં. મુકેશ જોશી કૃષ્ણને સમજવાની ચાવી આપે છે- કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો, સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. શ્યામ સમજમાં ન આવે તો રાધાને પૂછવું પડે એ હદે રાધા કૃષ્ણમય. પ્રેમલક્ષણા ભક્તિમાં ઓતપ્રોત રાધાની પ્રીત સદીઓથી કવિઓને ગીત પૂરાં પાડે છે. નાથાલાલ દવે લખે છે- પ્રીત શું કહેવાય, રાધાને પૂછો, દિલ કેમ દેવાય, રાધાને પૂછો, ધીરા સમીરે યમુનાને તીરે પ્રણય કેમ ઝીલાય, રાધાને પૂછો. રાધા-કૃષ્ણની સાથે જ રાસલીલાનું સ્મરણ અચૂક થાય. મનગમતાં પાત્ર સાથેની રાસલીલા શ્વાસલીલાનો પર્યાય બની જાય છે. સહવાસ શ્વાસ બની જાય પછી એકમેકની અલગતા વર્તાતી નથી. અમૃત ઘાયલ રાસલીલાનાં દૃશ્યો સાથે રાધા અને શ્યામને બખૂબી સાંકળે છે- તુજ નયનમાં નિહાળું છું સઘળી રાસલીલા હું, જો કીકી રાધા થઈ જાય તો કાજળ શ્યામ થઈ જાય. કણ-કણમાં ઘનશ્યામ બિરાજે એમ જોઈએ તો ક્યાંક ને ક્યાંક શ્યામનો ભેટો થયો હોવો જોઈએ. અલબત્ત, આપણે એને ન ઓળખી શક્યાં હોઈએ એ વાત જુદી છે. શ્યામનો ભેટો થયાનો આભાસ થાય તો પણ મન-હૃદય પુલકિત થઈ જાય. જોકે, એ વાત કોઈ માને જ નહીં કે શ્યામને પારખ્યા, હળ્યા-મળ્યા. આવી અસમંજસ હરીન્દ્ર દવે આમ રજૂ કરે છે- મને મારગે મળ્યા’તા શ્યામ કોણ માનશે? એક મીટમાં કળ્યા’તા શ્યામ કોણ માનશે? શ્યામનું મળવું એટલે રાધાની જેમ ઝળહળવું. એ રાધાનું જ વહાલ જે શ્યામને ઝળહળાં કરી દે છે. રાધાને પણ શ્યામની વાંસળીવાદન-મુદ્રા બહુ પ્રિય. શ્યામને રાધાનું સ્મરણ થાય એટલે વાંસળી વગાડે અને પછી વાંસળીના સૂરોમાં સ્વયં એવા ગુમ થઈ જાય કે રાધાનું આસપાસ હોવું પણ વિસારી દે. જોકે આમાં પણ રાધાનો હાથ અને સાથ જ કારણભૂત. સુરેશ દલાલ એથી જ રાધાને આઘે રહીને વહાલ કરવાનું સૂચન કરે છે- આટલું તે વ્હાલ નહીં વેરીએ, ઓ રાધિકા, શ્યામને તે આમ નહીં ઘેરીએ… બંસીના સૂર જેમ વેરે છે શ્યામ એમ, આઘે રહીને એને હેરીએ… કૃષ્ણ નામ લેતાની સાથે જ વાંસળીના સૂરો મનમાં ગૂંજે છે. કૃષ્ણનું વાંસળીવાદન રાધા પૂરતું, પરંતુ એની સૂરાવલિ સમગ્ર વાતવરણને કૃષ્ણમય બનાવી દે છે. આદિલ મન્સૂરી કહે છે- વાંસળી પડઘાય આખા ગામમાં, કૃષ્ણ એવું શું છે તારા નામમાં? શ્યામ અને રાધા ક્યાં નથી. વાસ્તવમાં રાધા અને શ્યામ પ્રત્યેક સ્થળે છે જો જોઈ શકાય તો. પ્રિયકાન્ત મણિયાર કાન અને રાધાને વિવિધ પ્રાકૃતિક પ્રતીકો દ્વારા ઓળખાવે છે- આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે. આ સરવર જલ તે કાનજી ને પોયણી તે રાધા રે. ⬛ ગુલાબદાની દિલ એની શ્યામ શ્યામ લટોને દઈ દીધું, બળતું’તું ઘર એ કૃષ્ણને અર્પણ કરી દીધું. - મરીઝ a.chavda@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...