તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવાન-એ-ખાસ:આર. કે. લક્ષ્મણ ઝેર વગરના કાર્ટૂનિસ્ટ

એક મહિનો પહેલાલેખક: વિક્રમ વકીલ
  • કૉપી લિંક
  • સત્તાધીશો-રાજકારણીઓની તીક્ષ્ણ મજાક તેઓ કાર્ટૂનમાં ઉડાવતા, પરંતુ કદી એમના કાર્ટૂનોમાં દ્વેષ કે ખુન્નસ દેખાતું નહીં. આ જ કારણ હતું કે દેશભરના રાજકારણીઓ લક્ષ્મણને દિલથી પ્રેમ કરતા

આજ કાલ સ્ટેન્ડઅપ કોમેડિયનો જ નહીં, કેટલાક કાર્ટૂનિસ્ટો પણ વિવાદમાં આવી રહ્યા છે. થોડા સમય પહેલાં હિન્દુ ધર્મના ભગવાનની બીભત્સ મજાક ઉડાવવા માટે ઇન્દોર પોલીસે કેટલાક સ્ટેન્ડઅપ કોમેડિયનોની ધરપકડ કરી હતી. આ તો ચોર છીંડે ચઢ્યો એટલે પકડાયો. દેશના મોટાભાગના સ્ટેન્ડઅપ કોમેડિયનો પોતાને નહીં ગમતી વિચારધારાની વ્યક્તિઓ અને ધર્મ માટે વિકૃત મજાક કરતા રહે છે અને વાણી સ્વતંત્રતાના નામે એમને છાવરવામાં પણ આવે છે. આજકાલના મોટાભાગના કાર્ટૂનિસ્ટોનું પણ આવું જ છે. કેટલાક રાષ્ટ્રીય કક્ષાના ગણાતા કાર્ટૂનિસ્ટો પણ જોકર જેવું વર્તન કરીને પોતાનાં મનનું ઝેર કાર્ટૂનમાં ઊતારે છે. આવા કહેવાતા કાર્ટૂનિસ્ટોના કાર્ટૂન જોઇએ ત્યારે ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ આર. કે. લક્ષ્મણની યાદ આવી જાય. લાંબી બીમારી પછી 2015ની 26મી જાન્યુઆરીએ રાશીપુરમ કૃષ્ણાસ્વામી લક્ષ્મણનું અવસાન થયું. એ સાથે જ મહાન કાર્ટૂનિસ્ટના યુગનો અંત આવ્યો. લક્ષ્મણ ફક્ત કાર્ટૂનિસ્ટ નહોતા, પરંતુ ઇલસ્ટ્રેટર અને હ્યુમરીસ્ટ પણ હતા. એક અંગ્રેજી અખબારના પહેલા પાને 1951થી તેઓ નિયમિત કાર્ટૂન દોરતા હતા. ‘યુ સેઇડ ઇટ’ના મથાળા હેઠળ છપાતાં લક્ષ્મણના કાર્ટૂનનું મુખ્ય પાત્ર ‘ધ કોમન મેન’ એટલે કે એક સામાન્ય માણસ હતું. આર. કે. લક્ષ્મણે કારકિર્દીની શરૂઆત પાર્ટટાઇમ કાર્ટૂનિસ્ટ તરીકે કરી હતી. તેઓ જ્યારે કોલેજમાં ભણતા હતા ત્યારે મોટાભાઈ આર. કે. નારાયણની વાર્તાઓ સાથેના ચિત્રો તેઓ દોરતા હતા. આર. કે. લક્ષ્મણ અને બાલાસાહેબ ઠાકરે એ ‘ધ ફ્રી પ્રેસ જરનલ’ અખબારમાં સાથે કામ કર્યું હતું. લક્ષ્મણ જ્યારે નાના હતા ત્યારથી જ ઘરની દીવાલો અને ફર્શ પર તેઓ જાતભાતનાં ચિત્રો દોરતા હતા. સ્કૂલના એમના શિક્ષકે ચિત્રો દોરવા માટે ઉત્સાહિત કર્યા અને દેશને એક અદ્્ભુત કાર્ટૂનિસ્ટ મળ્યા. લક્ષ્મણે રાજકીય ઠઠ્ઠા ચિત્રો બનાવવાની શરૂઆત ‘સ્વતંત્ર’ અખબારથી કરી હતી. લક્ષ્મણે હાસ્યનું એક માસિક પણ શરૂ કર્યું હતું, જેમાં હાસ્ય લેખો અને કાર્ટૂનોનો સમાવેશ થતો હતો. ધોતિયુ અને બંધ ગળાનું જેકેટ પહેરીને છત્રી સાથે દરેક ઠેકાણે ફરતો રહેતો સામાન્ય માણસ એમનું સિમ્બોલ હતો. લક્ષ્મણ ફક્ત કાર્ટૂનિસ્ટ જ નહોતા, એમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં હતાં. ‘ધ હોટેલ રિવેરા’ નામની એમની નવલકથા ખૂબ જાણીતી થઈ હતી. કેટલીક હિન્દી અને તામિલ ફિલ્મો માટે પણ એમણે કાર્ટૂન બનાવ્યાં હતાં. દૂરદર્શન પર અતિ લોકપ્રિય થયેલી સિરિયલ ‘માલગુડ્ડી ડેઈઝ’ માટે એમણે દોરેલાં રેખાચિત્રોનાં ખૂબ વખાણ થયાં હતાં. આ સિરિયલ લક્ષ્મણના મોટાભાઈ આર. કે. નારાયણે જ લખી હતી. ‘વાગલે કી દુનિયા’ જેવી સિરિયલ માટે પણ લક્ષ્મણે ચિત્રો દોર્યાં હતાં. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, જગજીવન રામ, સોનિયા ગાંધી, વાજપેયી અને અડવાણી જેવા નેતાઓના પણ કાર્ટૂનો લક્ષ્મણે બનાવ્યાં હતાં. સત્તાધીશો અને રાજકારણીઓની તીક્ષ્ણ મજાક તેઓ કાર્ટૂનમાં ઉડાવતા, પરંતુ કદી એમનાં કાર્ટૂનોમાં દ્વેષ કે ખુન્નસ દેખાતું નહીં. આ જ કારણ હતું કે દેશભરના રાજકારણીઓ લક્ષ્મણને દિલથી પ્રેમ કરતા હતા. લક્ષ્મણને પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને મેગ્સેસે જેવા એવોર્ડો પણ મળ્યા હતા. લક્ષ્મણ મૃત્યુ પામ્યા એ પહેલાં હોસ્પિટલના બિછાનેથી પણ તેઓ કાર્ટૂન દોરતા હતા. લક્ષ્મણની ખ્યાતિ ફક્ત આપણા દેશમાં જ નહીં, વિદેશમાં પણ હતી. દક્ષિણ ભારતના એક સામાન્ય પરિવારમાંથી આવેલા આર. કે. લક્ષ્મણે આપબળે જે રીતે લોકપ્રિયતા મેળવી એવી લોકપ્રિયતાની નજીક પણ નહીં ફરકી શકેલા કેટલાક કાર્ટૂનિસ્ટોએ લક્ષ્મણ પાસેથી નિરાભિમાનીપણું અને સજ્જનતા શીખવા જેવી છે! ⬛ vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...