તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુધવારની બપોરે:જીભ પર ટેટૂ મુકાવો રે, સાજણ...

3 મહિનો પહેલાલેખક: અશોક દવે
 • કૉપી લિંક
 • સિક્સર: ભારત ઓસ્ટ્રેલિયામાં ફક્ત 36 રનમાં ઓલઆઉટ થઇ ગયું. એમાં દેશમાં કેટલા બધાને ક્રિકેટ આવડી ગઈ. ‘કોહલીને કાઢો’થી માંડીને આજ સુધીની તમામ ‘વાહવાહીઓ’ બસ, એક જ દિવસમાં ભુલાઇ ગઇ! આ તો કિકેટ છે. હવે આ જ ઇન્ડિયન ટીમ બાકીની ત્રણ ટેસ્ટ જીતીને આવે, તો પાછું બધાને ક્રિકેટ આવડી જશે. આ 36 રન ભુલાઇ જવાના ને!

‘ઓહ વાઉ... તમે વળી ક્યારથી મૂછો રાખવા માંડ્યા? પહેલી જ વાર ને?’ ‘અરે બાપા, મૂછો નથી... ટેટૂ કરાવ્યું છે... હરખી ઊગતી નો’તી, તે મેં’કૂ...’ ‘આઇ હોપ, આંખો ઉપરની ભ્રમર તો અસલી જ...’ ‘ઓહ શટ અપ... એ તો અસલી છે... ખેંચી જોવાની જરૂર નથી!’ ‘સોરી, પણ ભ્રમરવાળું ટેટૂ થોડું બ્લ્યૂ રંગનું લાગે છે..!’

એ મારી ગેરસમજ હતી કે, લોકો ખોવાઇ ન જાય એટલા માટે બતૌર નિશાની શરીર પર પસંદગીના એરિયામાં ટેટૂ મૂકાવે છે. મારાં દાદીમાએ એમનાં હાથ ઉપર અમારા બ્રાહ્મણોનો પવિત્ર ‘ઓમ’ છુંદાવ્યો હતો. કારણ પૂછતાં દાદાજીએ હસતા હસતા મને સમજાવ્યો હતો કે, ‘ડોશી ભાગી જાય તો આ છૂંદણું એને ગોતી કાઢવામાં કામ લાગે.’ ‘પણ આવા ‘ઓમ’ તો ઘણી ડોશીઓએ છુંદાવ્યા છે... એમાંથી દાદીને ગોતો કઇ રીતે?’

‘અરે ભ’ઇ, પહેલી ‘ઓમવાળી’ જે દેખાય એને જ લઇ આવવાની..! એનો ડોહોય એને ગોતવા નીકળ્યો હોય ને? આમાં તો વહેલો તે પહેલો જ ચાલે.’ આ ટેટૂ એટલે અસલ તો આપણું છૂંદણું જ, પણ એ જમાનામાં લોકો ટેટૂ કોતરાવીએ તો જ માણસ જેવા લાગીએ એવા કોઇ ખોફમાં નહોતા. એટલે મોટા ભાગે તો કોઇ આવા ચિતરામણો (અને ‘કોતરામણો’માં!) પડે જ નહીં. ગ્રામ્યનારીઓ કોતરાવતી, તો બહુ બહુ તો હાથ ઉપર એકાદું ટપકું અને રિવાજ મુજબ કોતરાવવાનું હોય તો દાઢી ઉપર ત્રિકોણાકારે ત્રણ મીંડા મુકાવી દેતી. હા, ક્યાંક તો રિવાજ વચમાં આવતો એટલે સ્ત્રીઓ બંને હાથ અને ગળું છૂંદણાથી ભરી દેતી. હવે જમાનો બદલાયો છે. પ્રેમિકાની ચિરંજીવી યાદગીરી રહે તે માટે ભ’ઇએ કાનની પાછળવાળી બોચી ઉપર ‘તિતિક્ષા’ કોતરાવ્યું હોય. એ પ્રેમ નિષ્ફળ જાય તોય ચિંતા નહીં... બોચીની બીજી બાજુ તો હોય ને? અરે, બીજીવાળીમાંય અક્કલ આવી જાય તોય ચિંતા નહીં... બોચીની પાછળ જગ્યા ક્યાં ભાડે આપેલી છે! ત્યાં ‘મધુમિતા’ ક્યાં નથી કોતરાવાતું? કબ્બૂલ... કે, ચોથી વારની શોધવાની આવે તો ઉનાળામાંય મફલરો વીંટીને નીકળવું પડે. ગળાની આજુબાજુના જંગલોમાં તો જગ્યા બચી ન હોય, એટલે પાંસળી અને બગલની વચ્ચે જગ્યા ખાલી પડી હોય, ત્યાં મુકાવે. આ તો એક વાત થાય છે! હું અમેરિકા ગયો ત્યારે એક ધોળિયો (ડગ્લસ) દોસ્ત બની ગયેલો. એણે પોતાના ફુલ બરડા ઉપર એકવીસ છોકરીઓના નામોવાળા ટેટૂ બનાવડાવ્યા હતા. મેં પૂછ્યું, ‘છાતી કેમ કોરી રાખી છે?’ તો આંખ મિચકારીને કહે, ‘કોઇ મારી છાતી ઉપર ચડી બેસે, એને ખબર પડવી ન જોઇએ ને!’

ફ્રેન્કલી કહું તો દવાખાનામાં બીજા કોઇને ઇન્જેક્શન અપાતું હોય, એ પણ હું જોઇ ન શકું, એટલો પોચીયો છું. સોય નામથી જ આપણો ફફડાટ ચાલુ. ત્યારે ચોંકી તો એ મર્દોને જોઇને જવાય છે, જે શરીરના સોલિડથી માંડીને નાજુક ભાગો ઉપરેય ટેટૂ મુકાવતા ડરતા નથી. ન હોય ત્યાંથી પીડા ઊભી કરવી, તે આનું નામ! કેટલી બધી ફેશનો આવી ગઇ છે, જે હાસ્યાસ્પદ તો લાગે, પણ એનું કોઇ લોજિક પણ ન મળે! ફેશનને લોજિક સાથે કોઇ લેવાદેવા ન હોય... મંજૂર, પણ એ લોકોની ફેશન એ લોકોને પોતાને જોવી પડતી નથી, આપણે જોવી પડે છે, એનો ધોખો છે. યુવતીઓના વાળ ખભેથી નીચે ઊતરતા નથી અને યુવાનો માથે અંબોડા વાળે છે. એમાંય ધગધગતું તેલ રેડ્યું હોય. બંને લમણા છોલાવી નાખે અને માથાના ટેકરા ઉપર જેલ લગાડેલા ચીકણા વાળ ‘બાંધ્યા’ હોય! આવું ચીકણું-ચીકણું માથે ઢોળીને આ લોકો માર્કેટમાં બહાર પડે છે, એ દૃશ્યો આપણે જોવા પડે છે, એમને પોતાને નહીં!

ધેટ્સ ફાઇન, એક વખત મુકાવતા તો મુકાવી દીધું, પણ અઠવાડિયા કે બે વર્ષ પછી ના ગમ્યું તો શું કરવાનું? એ લોકો કહે છે કે, એ તો કાઢવું હોય તો કાઢી નંખાય! પણ કઢાવી કોઇ શકતું નથી. એ કોતરાવતા પહેલાં પહેલી શર્ત એ હોય છે કે, ‘કઢાવવું હોય તો નીકળી તો શકે અને તે પણ પૂરેપૂરું નીકળે એની ગેરન્ટી નહીં, પણ એ ઓપરેશન કરીને કઢાવતા કેટલી સખત પીડા થાય છે કે એનાથી ઇન્ફેક્શન અને એલર્જીના રીએક્શન્સ પણ કેવા આવે છે, એ તો સહન કરનાર જ જાણે! લેસર ટ્રીટમેન્ટથી પૂરું કે થોડું કઢાવી તો શકાય છે, પણ નિષ્ણાતો કહે છે કે, એ કઢાવતી વખતે જે દુખાવો થાય છે, એ સહન કરવો ભારે કષ્ટદાયક હોય છે. વાત તો સીધી છે ને કે, લગાવતી વખતે મનમોહક અને જોનારાઓને ‘ઇમ્પ્રેસિવ’ લાગે એ ટેટૂનો ચાર્મ મહિને-બે મહિને ખલાસ થવા માંડે છે. એને જોઇને દોસ્તો ઇમ્પ્રેસ થતા જોયા નથી. આજકાલ તો તમે ‘બુગાટી’ કે ‘મસ્ટાંગ’ લઇ આવો તોય કોઇ ઇમ્પ્રેસ થતાં નથી. ત્યાં કોણી ઊંચી કરીને ટેટૂ બતાવ્યા પછીય ક્યાં કોઇ ઇમ્પ્રેસ થાય છે! પણ જાણીજોઇને એ કઢાવવાનો દુખાવો વહોરી લેવો, એ તો સાચા અર્થમાં મર્દનું જ કામ છે. નવું-નવું નવ દહાડા સારું લાગે, પછી લગાવનારો પોતે જ બોર થવા માંડે અને જાહેર જીવનના પ્રદર્શન માટે શરીરના જે અંગ ઉપર મુકાવ્યું હોય તે ખુલ્લું રાખવાને બદલે સંતાડવાના દહાડા આવે છે.

એ તો આ ધોળિયા-કાળિયાઓ માટે નવું નવું હોય એટલે આખી દુનિયા મંડી છે, બાકી આપણા ભારત દેશમાં આવા ટેટા-ફેટાને બદલે નામનીય નુકસાની નહીં, એવી મહેંદી પ્રસંગોપાત સદીઓથી લગાવવામાં આવે છે. કાયમનો વળગાડેય નહીં અને ના ગમી તો એની મેળે અઠવાડિયામાં નીકળીય જાય. હું મારા ગ્રાન્ડ-ચિલ્ડ્રનને બોલ-પેન વડે એમને ગમે એવી ડિઝાઇનોના ટેટૂ ચીતરી આપું છું. સાંજ સુધીમાં તો નીકળીય જાય. બાકી દુલ્હને લગ્નના દિવસે મુકાવેલી મહેંદી બારે માસ રહેવાની હોય તો પહેલો ધક્કો તો એનો તાજોતાજો ગોરધન... મારે રોજેરોજ એકનું એક જોવાનું ને? જગતમાં એકમાત્ર ડાહ્યો માણસ નીકળ્યો વર્લ્ડ ફેમસ ડાન્સર સિંગર ‘માઇકલ જેક્સન’. એને પોતાની કાળી સ્કિનથી નફરત હતી અને આખા શરીરે ધોળી ચામડીનું ફ્લેટ ટેટૂ મુકા્વી દીધું. એ કાળામાંથી ગોરો થઇ ગયો, પણ કહે છે, મૃત્યુ સુધી એને એની બીમારીના રોગોથી ભરપૂર ફળો ભોગવવા પડ્યા હતા. કહે છે કે, એની પત્ની પોતાનો પાસવર્ડ ભૂલી જતી હતી, એને માટે એના ગોરધનના બોડી ઉપર પાસવર્ડ કોતરાવ્યો... આજે ગોરધનના બોડી ઉપર બધું મળીને 3,677 પાસવર્ડો કોતરાવેલા છે. ashokdave52@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો