બ્લેક એન્ડ વ્હાઈટ:સહકર્મચારીને રજાના દિવસે કનડવાની સજા એક લાખ રૂપિયા!

12 દિવસ પહેલાલેખક: આશુ પટેલ
  • કૉપી લિંક
  • રજાના દિવસે સહકર્મચારીઓનું લોહી પી જતા ખેપાની સહકર્મચારીઓ કે સિનિયર્સ સખણા રહે એ માટે કાયદો ઘડાવો જોઈએ (અને એનો અમલ થાય એ પણ જોવું જોઈએ)

શું કરે છે?’

રવિવારની બપોરે એક બોસ તેની ઓફિસની કર્મચારી એવી જુનિયર યુવતીને ફોન પર પૂછી રહ્યો હતો. તે યુવતીએ મનમાં તો બોસને ગાળ દીધી પરંતુ ઓફિસનો બોસ મળી શકે એ ડરને કારણે તેણે જવાબ આપ્યો ‘આજે રવિવાર છે એટલે ઘરે જ છું. અને મારી મમ્મી સાથે ટીવી પર કોઈ ફિલ્મ જોવાનો વિચાર છે.’ ‘એટલે આજે બીજું તારે કંઈ કામ નથી ને?’ બોસે સવાલ કર્યો. તે યુવતી કહેવા તો એવું ઈચ્છતી હતી કે મારી મમ્મી સાથે સમય પસાર કરવો એ મારા માટે કામ જ છે, પણ તેણે એવું કહેવું પડ્યું કે ‘ના, બીજું કંઈ કામ નથી સર.’

‘તો પછી આજે આપણે ફલાણી હોટલમાં ડિનર પર જઈએ.’ બોસે દરખાસ્ત મૂકી. ‘પણ સર...’ ‘અરે છોડ ને! આવતા રવિવારે તારી મમ્મી સાથે ફિલ્મ જોઈ લેજે આજે તારી સાથે થોડી અગત્યની વાતો કરવાની છે…’

તે યુવતીએ કમને હા પાડવી પડી. તેને સમજાતું હતું કે તેના બોસને કામમાં નહીં તેનામાં રસ છે, પણ તે મિડલ ક્લાસની યુવતી નોકરી ગુમાવવાના ડરને કારણે બોસની સાથે ડિનર પર જવા માટે તૈયાર થઈ ગઈ અને જે કલાકો તે પોતાની સિંગલ મધર સાથે વિતાવવા ઈચ્છતી હતી એ કલાકો તેણે રજાના દિવસે તેના બોસ સાથે વિતાવવા પડ્યા. બોસે ડિનર અને ડ્રિન્ક લેતાં-લેતાં તેની સાથે આડાઆવળી વાતો કરી અને એ દરમિયાન નોનવેજ જોક કહીને તે ખડખડાટ હસ્યો. યુવતીએ પણ કમને હસવું પડ્યું. નીકળતી વખતે બોસે યુવતીને આલિંગન સાથે વિદાય આપતા કહ્યું કે ‘તારી સાથે વાતોમાં એટલી મજા આવી કે કામની વાત તો બાજુ પર જ રહી ગઈ. કંઈ નહીં આપણે કાલે ઓફિસ અવર્સ પછી શાંતિથી વાત કરીશું.’ આ એક પરિચિત યુવતીએ કહેલો કિસ્સો છે, પણ સંખ્યાબંધ સ્ત્રીઓને લાગશે કે આ તો મારી જ વાત છે. ક્યારેક કોઈ બોસ રાતના દોઢ વાગે કોલ કરીને તેની જુનિયર યુવતીને કહે કે મને તારી યાદ આવે છે એટલે કોલ કર્યો.

આવા લોકો માફિયાથી કમ નથી હોતા! ગુંડાઓ એક રીતે સારા કે જે હોય છે એ દેખાતા હોય છે, પણ ઘણા સો કોલ્ડ શરીફ લોકો વાસ્તવમાં બદમાશ હોય છે. એમાંના કેટલાક તો તેમના જુનિયર કર્મચારીઓની જિંદગી નરકસમી બનાવી દેતા હોય છે, પરંતુ હમણાં એક સારા સમાચાર આવ્યા છે. મુંબઈની એક સ્પોર્ટ્સ સંબંધિત કંપનીએ આદેશ બહાર પાડ્યો છે કે રજાના દિવસે કોઈએ સહકર્મચારીને (એમાં જોકે જુનિયર-સિનિયર તમામ કર્મચારીઓનો સમાવેશ થાય છે) ખલેલ પહોંચાડવી નહીં. કોઈ કર્મચારી આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને એક લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. રજાના દિવસે કોઈ પોતાના સહકર્મચારીનો ફોનથી પણ કોન્ટેક્ટ કરવાનો પ્રયાસ કરશે તો તેણે દંડ ભરવો પડશે.

એ કંપનીમાં જેને પણ આ આઈડિયા આવ્યો હોય અને જેણે પણ આ આઈડિયા અમલમાં મૂક્યો હોય તેને સલામ કરવી જોઈએ. આજના સમયમાં મોટાભાગની કંપનીઓના મોટાભાગના કર્મચારીઓ માનસિક તણાવ હેઠળ કામ કરતા હોય છે. તેમને અઠવાડિયામાં એક દિવસ રજા મળતી હોય છે, (કેટલીક કંપનીઓમાં હવે ઘણા પશ્ચિમી દેશોની જેમ બે દિવસ રજા મળતી હોય છે), પરંતુ વીકલી ઓફના દિવસે અચાનક સિનિયર કોઈ જુનિયરને કોલ કરીને કહે કે અરજન્ટ કામ છે એટલે તારે ઓફિસમાં આવવું જ પડશે (અથવા તો ઘરે બેઠાબેઠા આટલું કામ કરવું પડશે). ઘણા કિસ્સાઓમાં કોઈ કર્મચારીએ નાનકડું વેકેશન લીધું હોય એ વખતે તેની રજા કેન્સલ કરીને તેને ફરજિયાત ઓફિસે બોલાવાય છે. ક્યારેક કોઈ કર્મચારીએ ઓફિસમાંથી રજા લઈને વેકેશનનો પ્લાન બનાવ્યો હોય ત્યારે તેને અચાનક બોસ તરફથી ઓર્ડર મળે છે કે તારી રજા કેન્સલ કરીએ છીએ કારણ કે ઓફિસમાં ખૂબ તાકીદનું કામ છે. ઘણા કિસ્સાઓમાં કર્મચારીઓ સિનિયરનો આદેશ માનવાની ના પાડે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકાય છે અથવા તો રાજીનામું આપવાની ફરજ પડાય છે. આપણા દેશમાં આવા પિશાચી પ્રકૃતિના સિનિયર્સ લાખોની સંખ્યામાં છે. મુંબઈની જે કંપનીએ આદેશ જારી કર્યો છે કે રજાના દિવસે કોઈએ સહકર્મચારીને ડિસ્ટર્બ નહીં કરવાનો અથવા તો ફોનથી પણ કોન્ટેક્ટ નહીં કરવાનો એ આદેશની અસર તે કંપનીમાં દેખાવા લાગી છે અને એ કંપનીના કર્મચારીઓ વીકલી ઓફના દિવસે સહકર્મચારીનો સંપર્ક કરતા બંધ થઈ ગયા છે. ખરેખર તો સરકારે આ વિશે કાયદો ઘડવો જોઈએ. રજાના દિવસે અનિવાર્ય સંજોગો સિવાય કોઈ પણ કર્મચારીને ઓફિસમાં બોલાવવાની ફરજ પાડનારા કે કારણ વિના કોલ કરનારા સિનિયર્સ સામે કાનૂની પગલાં લેવાય એવી જોગવાઈ કરવી જોઈએ (મીડિયા, પોલીસ કે બીજી ઇમર્જન્સી સર્વિસીસમાં હોય એવા કર્મચારીઓને સ્વાભાવિક રીતે અપવાદરૂપ ઘટનાઓમાં દોડવું પડે, પણ એમાંય તેમને ટાર્ગેટ ન બનાવાય એની તકેદારી લેવાવી જોઈએ). સરકારી અને ખાનગી કંપનીઓમાં વીકલી ઓફના દિવસે કર્મચારીને કોઈ પણ પ્રકારનો ત્રાસ ન અપાય એ દિશામાં સરકારે વિચારવું જોઈએ અને અનિવાર્ય કામ હોય તો પણ ઈમેલથી કે વોટ્સએપથી કે એસએમએસથી લેખિતમાં એ કારણ આપીને કર્મચારીને ઓફિસમાં બોલાવાય કે ઓફિસનું કામ સોંપાય એવો નિયમ પણ ઘડવો જોઈએ. સરકાર આવો કાયદો ઘડે તો સરકારને દેશના કરોડો પીડિત કર્મચારીઓની દુઆ મળશે. અઠવાડિયામાં એક દિવસ વીકલી ઓફ મળે એ ફ્રેશ થવા માટે મળતો હોય છે નહીં કે આવા હરામખોરનો જુલમ સહન કરવા માટે. આવા વ્હાઈટ કોલર ક્રિમિનલ્સને પાઠ ભણાવવા માટે પણ આવો કાનૂન અમલી બનાવવો જોઇએ.

જોકે, આવા કાનૂનનો દુરુપયોગ થવાની પણ શક્યતા આપણા દેશમાં રહે એટલે સિનિયર અને જુનિયર વચ્ચે રજાના દિવસે જે પણ કોમ્યુનિકેશન થાય એ વોટ્સએપ કે ઈમેલથી જ થાય અને પછી એના સંદર્ભમાં ફોન પર જરૂર પડે તો વાત કરી શકાય એવી જોગવાઈ કરવી જોઈએ. આવો કાયદો બને તો ખાસ તો કરોડો વર્કિંગ વુમનની દુઆ સરકારને મળશે.{

અન્ય સમાચારો પણ છે...