‘તમે આંખો બંધ કરી દો… શરીરને ઢીલું મૂકી દો… હવે માત્ર હું કહું એટલું જ કરો… તમે હવે આકાશમાં ઊડી રહ્યા છો… ચારે તરફ ઘોર અંધારું છે… તમે…’ લગભગ પાંસઠ-છાંસઠ વર્ષના ડો. ત્રિવેદી સાહેબ આજથી ત્રણેક દાયકા પૂર્વે હિપ્નોટિઝમનો અખતરો કરવા માટે તૈયાર થયા હતા. એમની ઈચ્છા પોતાના પૂર્વજન્મમાં જવાની હતી. કિડની ઈન્સ્ટિટ્યૂટના એમના અંતરંગ ડોક્ટરો ત્યાં હાજર હતા. એમના વિશ્વાસુ અંગત મદદનીશ નલિનીબહેન પણ ઉપસ્થિત હતાં. મને આ પ્રયોગ વિશે જાણ ન હતી, એટલે હું ત્યાં રહી શક્યો ન હતો. પછીથી ડો. ત્રિવેદી સાહેબે વિગતવાર વાત જણાવી હતી.
પૂર્વજન્મ અને પુનર્જન્મ એ સદીઓથી મતભેદનો વિષય રહ્યો છે, પણ એમાં અપાર રહસ્ય છુપાયેલું હોવાથી એ રસપ્રદ પણ એટલો જ રહ્યો છે. જિનશાસન અને સનાતન ધર્મ આ વિષયમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે. અન્ય ધર્મોમાં ભિન્ન-ભિન્ન મત પ્રવર્તે છે. ચોક્કસ સમયાંતરે ભારતમાં તેમજ વિદેશોમાં પૂર્વજન્મની યાદદાસ્તની ઘટનાઓ સમાચાર-માધ્યમોમાં ચમકતી રહે છે. પશ્ચિમ બંગાળના કોઈ ગામડામાં જન્મેલું ત્રણ વર્ષનું બાળક જીદ કરીને એનાં માતા-પિતાને ઉત્તર પ્રદેશના કોઈ ગામડામાં લઈ જાય અને ત્યાં પોતે જ એક ડહેલીબંધ મકાન પાસે જઈને કહે, ‘આ મારું ઘર છે. ગયા જન્મમાં હું અહીં રહેતો હતો. મારું મોત સાપ કરડવાથી થયું હતું. ઘરમાં મારાં માતા-પિતા, પત્ની, નાનો ભાઈ, કાકા-કાકી રહે છે.’ ઘરમાં દાખલ થયા પછી એ પોતાના બધાં જ પરિવારજનોને ઓળખી બતાવે છે. એકાંતમાં વિધવાને મળીને બેડરૂમની એવી અંગત વાતો જણાવી દે છે જે સાંભળીને એ સ્ત્રી પણ સ્વીકારી લે છે કે આ બાળક એનો પતિ હતો. એક પાંચ વર્ષનો છોકરો પૂર્વજન્મમાં વિમાની પાઈલટ હોવાનો દાવો કરે છે અને વિમાનના કોકપિટની અંદરની એક-એક નાની-મોટી જાણકારી જાહેર કરે છે જે સાંભળીને મોટા પાઈલટ્સ પણ આશ્ચર્યમાં સરી જાય છે. એક જુવાનને જન્મથી જ પીઠમાં તીવ્ર વેદના રહ્યા કરે છે. મોટા નિષ્ણાતો નિદાન કરી શકતા નથી. એક્સ-રે, સોનોગ્રાફીમાં કશુંય પકડાતું નથી. એ યુવાન જાહેર કરે છે, ‘પૂર્વજન્મમાં હું ફલાણા ગામમાં હતો. મારા કાકાના દીકરાએ અંગત અદાવતમાં મારી પીઠ પર હુમલો કરીને મને ભાલો માર્યો હતો. એ ભાલો જ્યાં વાગ્યો હતો એ જગ્યાએ જ મને દુ:ખે છે.’ તપાસ કરતા એની વાતમાં તથ્ય જાણવા મળે છે.
આવી તો અસંખ્ય ઘટનાઓ છે. દરેક મનુષ્યને પોતાનો પૂર્વજન્મ જાણવામાં રસ હોય છે. મને પણ હતો. ડો. એચ. એલ. ત્રિવેદી સાહેબના નાના ભાઈ (અમેરિકા સ્થિત) કાર્તિકભાઈ ત્રિવેદીએ કંઈકેટલીય અગમ્ય સાબિતીઓ સાથે મને મારા પૂર્વજન્મ વિશે અવગત કરાવ્યો હતો. ડો. ત્રિવેદી સાહેબે એમની જિજ્ઞાસા સંતોષવા માટે બીજો જ રસ્તો અપનાવ્યો. એક સાઈકોલોજિસ્ટ (સાઈકિયાટ્રીસ્ટ નહીં)ની મદદથી એમણે હિપ્નોટાઈઝ થઈને ભૂતકાળની યાત્રાએ જવાનો નિર્ણય કર્યો. હિપ્નોટિઝમ મારા માટે હંમેશાં વિસ્મયનો વિષય રહ્યું છે. જો અંગત વાત કરું તો અત્યાર સુધીમાં છએક ઉત્તમ હિપ્નોટિસ્ટ્સ મને હિપ્નોટાઈઝ કરવામાં નિષ્ફળ રહ્યા છે. મેં પ્રામાણિકપણે મારા શરીરને અને મગજને શિથિલ બનાવી દેવાનો અને હિપ્નોટિસ્ટની આગળ ‘સરેન્ડર’ કરી દેવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, તો પણ એ લોકોને સફળતા મળી ન હતી. બધાંએ એવું કહીને પ્રયોગ પડતો મૂકી દીધો હતો કે ‘તમે સ્ટ્રોંગ માઈન્ડેડ વ્યક્તિ છો.’ જોકે, હું આ વિધાન સાથે સંમત ત્યારે પણ ન હતો, આજે પણ નથી. આપણે ડો. ત્રિવેદી સાહેબની વાત પર પાછા આવીએ. ડો. ત્રિવેદીને હિપ્નોટિઝમના પ્રભાવમાં લાવી દેવામાં આવ્યા. પછી શરૂ થઈ એમની ‘રીટ્રો’ સફર.
ડો. ત્રિવેદી સાહેબને ક્રમશ: સૂચનો અપાતાં ગયાં. પાંચ વર્ષ, દસ વર્ષ, પંદર વર્ષ એમ ધીમે ધીમે એમને પાછલા સમયમાં દોરી જવામાં આવ્યા. પાંસઠ વર્ષના ત્રિવેદી સાહેબ કેનેડાની સેન્ટ જોસેફ હોસ્પિટલના ડાયાલિસિસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા યુવાન ડોક્ટર બની ગયા. એનાથી પાછળનો પ્રવાસ એમને બી. જે. મેડિકલ કોલેજની વિદ્યાર્થી અવસ્થામાં લઈ ગયો. જે ત્રિવેદી સાહેબને વર્તમાન સમયમાં પગના સાંધાનો દુ:ખાવો રહેતો હતો એ અચાનક ટીનેજર બની ગયા અને ક્રિકેટ રમવા લાગ્યા. ધીમે ધીમે ડો. ત્રિવેદી સાહેબ એક વર્ષથી નીચેનું બાળક બની ગયા. જમીન પર ચત્તા પડીને હાથ-પગ ઊછાળવા લાગ્યા, અંગૂઠો ચૂસવા માંડ્યા અને ‘ઊંવા-ઊંવા’ કરીને રડવા લાગ્યા. અતીતની યાત્રા ચાલુ જ રહી. છ મહિના, ત્રણ મહિના, નવજાત શિશુ… અને પછી માતાના પેટમાં પહોંચી ગયા. મેં ક્યારેય જોયું નથી, પણ સાંભળ્યું છે કે હિપ્નોટાઈઝ થયેલી વ્યક્તિ જે ઉંમર, જે ભૂમિકા તેમજ જે સ્થાન પર હોય તેને છાજે એવું જ વર્તન કરવા માંડે છે. ભરઉનાળે જો હિપ્નોટાઈઝ્ડ વ્યક્તિને એવું કહેવામાં આવે કે, ‘તમે હાલમાં કાશ્મીરમાં છો’, તો એ ઠંડીથી થરથરવા લાગશે. ડો. ત્રિવેદી સાહેબ પણ માતાના ગર્ભાશયમાં જે પોઝિશનમાં હોઈ શકે તેવી મુદ્રામાં પોઢી ગયા. અતીતની યાત્રા આખરે એમને ઝીરો મોમેન્ટ સુધી પાછળ લઈ ગઈ, એ પછી શરૂ થતો હતો એમનો પૂર્વજન્મ. અચાનક કંઈક એવું બન્યું જે જોઈ, સાંભળીને ત્યાં ઉપસ્થિત સહુ અવાચક થઈ ગયા. ડો. ત્રિવેદી સાહેબ હવે ત્રિવેદી સાહેબ ન હતા, તેઓ હવે ઓગણીસમી સદીના મહારાષ્ટ્ર-કર્ણાટક બોર્ડર પાસે જન્મેલા, વિકસેલા, મશહૂર શાસ્ત્રીય સંગીતના પંડિતજી હતા. એમને પૂછવામાં આવ્યું તો એમણે પોતાનું પૂરું નામ પણ બતાવ્યું. એમણે જણાવ્યું કે, ‘હું ધારવાડ પાસેના સ્થળે જન્મ્યો છું. મહારાષ્ટ્રમાં મારા નામના સિક્કા પડે છે. હિન્દુસ્તાની કર્ણાટકી સંગીતમાં મારી તોલે આવે એવો કોઈ ગાયક હાલમાં પૂરા દેશમાં નથી. મને સાંભળવા માટે હજારો લોકો ઊમટી પડે છે.’
‘અમને કોઈ ચીજ સંભળાવશો?’ આવી વિનંતીના પ્રતિસાદરૂપે ડો. ત્રિવેદી સાહેબે કંઠ્ય સંગીત શરૂ કર્યું. ના, ડો. ત્રિવેદીએ નહીં, પણ વીતેલા સૈકાના એક મંજાયેલા, મહાન પંડિતજી એ સમયે ગાઈ રહ્યા હતા. ત્યાં કોઈ શાસ્ત્રીય સંગીતના જાણકાર હાજર ન હતા. જેમને કાચી-પાકી સમજણ હતી એમના કહેવા પ્રમાણે પંડિતજી ‘ખયાલ’ ગાઈ રહ્યા હતા. અદ્્ભુત અવાજ! અકલ્પ્ય મહારતવાળા તાન-પલટા! મંત્રમુગ્ધ કરી દે તેવી મુરકીઓ! ક્યાંય સૂરની ચૂક નહીં, ક્યાંય તાલની ભૂલ નહીં. થોડી વાર આ ચાલતું રહ્યું. ધીમે ધીમે ડો. ત્રિવેદી સાહેબને સજેશન્સ આપીને ફરીથી ફોરવર્ડ જર્નીમાં લાવવામાં આવ્યા. એ જન્મ પૂરો થયો. બીજો જન્મ શરૂ થયો. પૂનરપિ જનનં પૂનરપિ મરણં, પૂનરપિ જનની જઠરે શયનમ્|| ફરીથી ગર્ભાવસ્થા, ફરી પાછો જન્મ, ફરીથી ચરાડવાથી અમેરિકા, કેનેડા થઈને અમદાવાદ સુધીની યાત્રા. સાહેબને હિપ્નોટિઝમની અસરમાંથી મુક્ત કરવામાં આવ્યા. સાહેબને કશી જ ખબર ન હતી કે પોતે ભૂતકાળની એક-દોઢ સદીમાં લટાર મારી આવ્યા હતા. બીજા લોકોએ કહ્યું ત્યારે સાહેબ આશ્ચર્ય પામ્યા. એમને તો શાસ્ત્રીય અથવા સુગમ તથા ફિલ્મી સંગીતનો ‘સા’ પણ આવડતો ન હતો. ઓગણીસમી સદીમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના અનેક ધૂરંધરો કોલ્હાપુર, સાંગલી, પૂણે, મુંબઈ, ગોવા અને અત્યારના કર્ણાટક રાજ્યના ધારવાડ, બેલગાંવ, હુબલી વગેરે સ્થાનોમાંથી આવતા હતા. સવાઈ ગાંધર્વ, પં. રામભાઈ, પં. ભાસ્કર બુવા, વિદુષી મોગુબાઈ, વિદુષી કેસરબાઈ કેરકર, જોષી બંધુઓ- પં. અતુ બુવા અને પં. ગજાજન બુવા, પ્રો. દેવધર, વિ. ગંગુબાઈ હંગલ વગેરે. યાદી લાંબી છે. આવા સ્વનામધન્ય પૂર્વસૂરિઓમાંથી જ વીસમી સદીમાં ઊભરી આવેલું એક નામ એટલે ભારતરત્ન પં. ભીમસેન જોષી. થોડાક અરસા પછી ડો. ત્રિવેદી સાહેબને મુંબઈ જવાનું બન્યું, ત્યારે એમણે ત્યાંના એક વયોવૃદ્ધ શાસ્ત્રીય સંગીતના જ્ઞાતાને પૂછ્યું, ‘આપ આ નામના કોઈ ગાયકને જાણો છો?’ એમણે હિપ્નોટીઝમની અવસ્થામાં પોતાના હોઠ પરથી સરેલું નામ જણાવ્યું. પેલા વૃદ્ધે બે હાથ કાનની બૂટ પર મૂકી દીધા, ‘દેવા રે દેવા! આ નામથી મહારાષ્ટ્રમાં કોણ અજાણ્યું છે? તેઓ તો…’ ત્યારે તાળો મળ્યો, ડો. ત્રિવેદી સાહેબ પૂર્વજન્મમાં મહારાષ્ટ્રના અત્યંત જાણીતા ક્લાસિકલ માસ્ટ્રો હતા, જેવી રીતે આ જન્મમાં મહાન મેડિકલ માસ્ટ્રો બન્યા. મહાન માણસોના કર્મો સારાં હોય તો દરેક જન્મમાં તેઓ મહાન જ સિદ્ધ થાય છે. drsharadthaker10@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.