તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનદુરસ્તી:2021ના સંકલ્પોની સાયકોલોજી

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેરફારોને કોસવા કરતા એને સ્વીકારીને જીવતા શીખવું જરૂરી છે

- ડૉ. પ્રશાંત ભીમાણી

આમતો આકર્ષ એની જૂની એંગ્ઝાયટીની તકલીફ માટે આવ્યો હતો, પણ સાથે કાઉન્સેલિંગ દરમ્યાન એણે પૂછી જ લીધું, ‘ડોક્ટર આ 2020 જેટલું કાળમુખું અને ભયંકર વર્ષ ફરી ન આવે તે ઇચ્છા બધાની છે, પણ એ બધાને ધ્યાનમાં રાખતા 2021માં કયા નવા સંકલ્પ કે રિઝોલ્યૂશન હોવા જોઈએ?’ વાત તો સાચી છે. લગભગ દરેક વ્યક્તિ દેશ તરીકે ચીનને અને વર્ષ તરીકે 2020ને મનોમન ભાંડે છે, પણ એમ સાવ નકારાત્મકતા કે ગુસ્સો જ માત્ર રાખવાથી બધુ બરાબર નહીં રહે. એમાંથી બહાર નીકળવા ઈમોશનલ નહીં, પણ તર્કબદ્ધ ઉપાયો યોજવા પડશે. કદાચ માનવજાત એવું માને છે કે એ સર્વશક્તિશાળી અને ઉત્ક્રાંતિ દરમ્યાન સૌથી વધુ વિકાસ કરતું પ્રાણી છે. વેક્સિનની શોધ અને તબીબી ઉપાયોથી આપણે સતત પ્રયત્નશીલ છીએ. ઘણા બધાના શરીર બચી ગયા છે, પણ મન ભાંગી પડ્યા છે. આવા સંજોગોમાં બે દિવસ પછી આવનાર નવા વર્ષે કંઈક જુદા બોધપાઠયુક્ત સંકલ્પ લેવા પડશે.

પહેલા તો એ જ સંકલ્પ વિચારવો અગત્યનો છે કે જૂનાં વર્ષે લીધેલા મેન્ટલ, ફિઝિકલ અને ઈમોશનલ ફિટનેસના સંકલ્પ કેટલા અંશે પૂરા કરી શકાયા? કદાચ કોવિડે બાજી બદલી નાખી હોય એમ બને. તેમ છતાં ય જેની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હતી એમને ખાસ તકલીફ પડી નથી. આ માટે માનસિક સ્થિતિએ પણ મોટો ભાગ ભજવ્યો. સૌથી મોટો સાયકોલોજિકલ સંકલ્પ એ છે કે હવે આપણે ફેરફારોને સ્વીકારતા અને અનુકૂળ થતા માત્ર આ વર્ષે જ નહીં, અવનાર વર્ષો માટે શીખવાનું છે. જે વ્યક્તિમાં એડજસ્ટમેન્ટ કરવાની અને પરિસ્થિતિ પ્રમાણે બદલાવાની સ્થિતિસ્થાપક શક્તિ હોય છે તે ચોક્કસ ટકી જાય છે. નવા ફરજિયાત ફેરફારોને કોસવા કરતા એને સ્વીકરીને એની સાથે જીવતા શીખવું જરૂરી છે. માસ્ક, વર્ક ફ્રોમ હોમ, સેનિટાઈઝેશન, સોશિયલ ડિસ્ટન્સ આ બધુ હવે રોજિંદા જીવનનો ભાગ છે.

વજન, વ્યસન અને ખોટા ખર્ચ ઘટાડવાનું કેટલાક જાણે છે, પણ કરી શકતા નથી. આ માટે સતત પ્રયત્નશીલ રહેવું. નાના નાના ગોલ્સ બનાવી એને પૂરા કરવા, ‘મારે રાતોરાત 10 કિલો વજન ઘટાડવું છે’ એવો સંકલ્પ લેવાને બદલે ‘મારે દર મહિને એકથી બે કિલો વજન ઘટાડવું છે’ એ વાત વધુ સફળ નીવડે છે. ભલે કંટાળો આવે તો પણ જાતને ધક્કો મારીને કસરત કરો, ચાલવા જાઓ, પ્રાણાયામ કરો... આ બધુ જ આપણને ખબર હોય છે, પણ કરી શકતા નથી. એ માટે ‘માઈક્રો-ગોલ્સ’ તમને ‘મેજર એક્સેસ’ અપાવશે.

સોશિયલ ફિટનેસની વાત કરીએ તો આ વર્ષે શક્ય એટલા પોતિકા સંબંધ પર વધુ ધ્યાન આપો. જીવનની ફિલસૂફીમાં વહાલાં લોકોને મળીને આનંદ કરવાની વાત વણી લો. જીવનની ક્ષણભંગુરતા કેવી ભયાનક હોઈ શકે એ વિશે કાળમુખા કોરોનાએ બતાવી આપ્યું છે. હેપ્પીનેસ એ કોઈ મેળવી લેવાનો મેડલ કે ઈન્ડેક્ષ નથી. એ સતત પ્રવર્તમાન અને આનુભવિક બાબત બની શકે છે. 2020માં જો મતને કેળવવાની વાત કરીએ તો પર્સનલ અને સ્પિરિચ્યુઅલ લેવલે જાત સાથે રહેવાનો મને-કમને મોકો મળ્યો હતો. આપણે બહુ અગાધ આધ્યાત્મિક ઊંડાણમાં જઈને પરિભાષાઓમાં ગૂંચવાવું નથી, પણ સહજ આનંદ પ્રાપ્ય હોય છે, એ સાદી સમજ કેળવવાની છે. ‘આજ’ને ઉજવવાની વાત બહુ સાંભળી છે, હવે શરૂ પણ કરી દઈએ. આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક સ્થિરતા માટે પ્રયત્નશીલ તો થવું જ પડશે. વાસ્તવિકતાથી ભાગીને માત્ર કલ્પનાઓમાં રાચવાનું છોડી ‘આજ’ને ઉજવવા પર મહેનતથી ફોકસ કરીએ તો કેવું? વાસ્તવિકતાના પાયા પર ઊભેલો ‘આશાવાદ’ મનની સફળ વેક્સિન છે. વિનિંગ સ્ટ્રોક : વાઈરસની વેક્સિન તો બહારથી લેવી પડશે, પણ આંતરમનની સ્વસ્થતાની વેક્સીન આપણા ‘મનોબળ’ના સ્વરૂપે ભીતર જ છે. આ માટે કોઈ સંકલ્પની રાહ જોવાની જરૂર નથી. drprashantbhimani@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો