ક્રાઈમ ઝોન:રંગા-બિલ્લાએ કરેલી ગીતા-સંજયની હત્યાના કેસમાં રાષ્ટ્રપતિ-વડાપ્રધાને ખાતરી આપવી પડેલી

પ્રફુલ શાહ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવી ચેનલ્સ, મોબાઈલફોન અને ઈન્ટરનેટના આગમન અગાઉ દેશમાં સૌથી વધુ હાહાકાર મચાવનારો અપરાધ એટલે ગીતા-સંજય હત્યા કેસ. મોરારજીભાઈ દેસાઈની આગેવાની હેઠળની જનતા પક્ષની સરકારના સમયમાં આ કેસ દેશભરનાં અખબારોમાં પહેલે પાને ચમક્યો હતો. 1978ની 29મી ઓગસ્ટની બપોરે દિલ્હીના અપર રીજ રોડ પર પોતાના ખોવાયેલા જાનવરોને શોધતા ભરવાડના પગ એકાએક થાંભલો થઈ ગયા. સામે અત્યંત ક્રૂરતાથી હત્યા કરાયેલી બે લાશ પડી હતી. છોકરાના શરીર ઉપર પચ્ચીસેક ઘાનાં નિશાન, છોકરીના ગળા અને હાથ પર પાંચેક ઊંડા ઘા. તેણે દૂર દેખાતા હવાલદાર રોહતાસ સિંહને માહિતી આપી. બીજા દિવસના અખબારમાં બે માસૂમનાં અપહરણ અને હત્યાના સમાચારે સૌની સવારની ચાની મજા બગાડી દીધી. દેશમાં પહેલીવાર સત્તા ગુમાવનારા કોંગ્રેસ પક્ષને મોકો મળ્યો લોકસભામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર ઘેરવાનો. રાબેતા મુજબ સરકારે વચન આપ્યું કે દોષિતોને પકડવામાં કોઈ કચાશ નહીં રખાય. 17 વર્ષની ગીતા અને 15 વર્ષનો સંજય ધૌલકુઆ પાસેની આર્મી કોલોનીમાં રહેતા નૌકાદળના કેપ્ટન એમ.એ. ચોપરાનાં સંતાનો હતાં. આકાશવાણીમાં કાર્યક્રમના રેકોર્ડિંગ માટે બંને ઘરેથી નીકળ્યાં હતાં. વ્યવસ્થા મુજબ સાંજે પપ્પા આકાશવાણી પહોંચ્યા ત્યારે ખબર પડી કે બંને રેકોર્ડિંગ માટે આવ્યાં જ નહોતાં. ચિંતિત પિતાએ પોલીસમાં ફરિયાદ કરી. પ્રાથમિક જાણકારીમાં હરિયાણાની નંબરપ્લેટ ધરાવતી ફિયાટ કારમાં ગીતા-સંજય દેખાયાં હતાં. બહુ જલદી પાણીપત પાસે એ કાર ત્યજી દેવાયેલી હાલતમાં મળી. આગલે દિવસે જ બંનેની ક્રૂરપણે હત્યા કરાયેલી લાશ મળી. ગીતાનાં વસ્ત્રો ફાટેલાં હતાં. ઘાસ પર લોહીના ડાઘા હતા. એક તરફ ખાડામાં ગીતાની લાશ હતી તો થોડે દૂર ઝાડીઓમાં સંજયનો મૃતદેહ. ત્યાં ટાયરનાં નિશાન પણ દેખાયાં. અમુક રાહદારીઓએ માહિતી આપી કે આગલે દિવસે સાંજે સાડા છ વાગ્યે ભાઈ-બહેનને બસસ્ટોપ પર અંગૂઠો બતાવીને લિફ્ટ માગતાં જોયાં હતાં. અન્ય એક રંગ અને અલગ નંબરની કારમાં બંનેને બેઠેલાં જોનારાય મળ્યાં, પણ એ વાતમાં દમ ન હોવાનું પુરવાર થયું. પોલીસને સમજાતું નહોતું કે બંનેની હત્યા કયા કારણોસર થઈ? તર્ક એવો લડાવાયો કે લિફ્ટ આપ્યા બાદ ગીતાની છેડતીનો સંજયે વિરોધ કર્યો હોઈ શકે. માત્ર 15 વર્ષની ઉંમરે પાંચ ફૂટ અને દસ ઈંચની હાઈટ ધરાવતો સંજય સારો મુક્કાબાજ હતો એટલે એને કદાચ ડરાવી-ધમકાવીને શાંત પાડવાનું શક્ય નહીં બન્યું હોય એટલે કાસળ કાઢી નખાયું હોઈ શકે. પ્રજામાં આક્રોશ સતત વધતો ગયો. સંજયની મોડર્ન સ્કૂલના છસો વિદ્યાર્થીઓએ રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડીને આવેદનપત્ર આપ્યું. વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈએ તપાસનું વચન આપ્યું. આ હત્યા પાછળ મુંબઈની મોટી ગેંગનું કામ હોવાની શંકાય વ્યક્ત થઈ. આ દિશામાં વિચાર કરતા હત્યાની પદ્ધતિ મુંબઈના કુખ્યાત ગુનેગાર જસવીર સિંહ ઉર્ફે બિલ્લાને મળતી હોવાનું લાગ્યું. પાંચ હત્યા, બે અપહરણ અને અનેક બળાત્કારના કેસનો સામનો કરતો બિલ્લા ઓછા સમયગાળામાં બે વાર જેલમાંથી ભાગી ચૂક્યો હતો. છેલ્લે એની કાર અને સાથી સુરતથી પકડાયા પણ એ હાથ લાગ્યો નહોતો. દિલ્હીમાં બંને હત્યા કરીને બિલ્લા મુંબઈ ભાગી ગયો હોય એવી શક્યતાને આધારે મુંબઈ પોલીસને માહિતગાર કરાઈ. એ સિવાય બિલ્લાના બસ્સો ફોટા દેશભરમાં મોકલી દેવાયા. 31મી ઓગસ્ટે આઝાદપુર પાસે એક પીળા-લીલા રંગની ફિયાટ ગાડી મળી. કાળા પેન્ટ અને સફેદ બુશર્ટ પહેરેલો એક લાંબો-ઊંચો માણસ કાળી બેગ લઈને કારમાંથી નીકળતા દેખાયો હતો. પોલીસના નિષ્ણાતોએ તરત શોધી કાઢ્યું કે કારમાંથી લોહીના ડાઘા અને ફિંગરપ્રિન્ટ્સ, કારની ચાર નંબર પ્લેટ, ચેક્સવાળું શર્ટ, કૂતરા બાંધવાની ચેઈન, બ્લેડ્સ અને વાળનો ગુચ્છો મળ્યાં. ધ્યાનથી જોતાં કાર ધોવાઈ હોવાનુંય લાગ્યું. કારની ડાબી બાજુની લાઈટ તૂટી ગઈ હતી. તપાસમાં ભાળ મળી કે આ કાર 23મી ઓગસ્ટે અશોક હોટલમાંથી ચોરાઈ હતી. આ તરફ મુંબઈ પોલીસ સાથેની ચર્ચા બાદ દિલ્હી પોલીસને ખાતરી થઈ કે આ કરતૂત બિલ્લાની જ છે. એની સાથે રંગા નામનો ગુનેગાર પણ છે. બિલ્લાએ ચાંદની ચોકમાંથી તલવાર અને ગુપ્તી ખરીદી હોવાનુંય જાણવા મળ્યું. ખબરીઓએ ઉમેરો કર્યો કે બિલ્લા પાસે બે રિવોલ્વર પણ છે. પોલીસને લાગ્યું કે બાળકોનાં અપહરણ બાદ બંનેએ મોટી રકમ પડાવવી હશે પણ બાળકોએ પ્રતિકાર કરતા હત્યા કરી હશે. સશસ્ત્ર સેનાના અમલદારોની પત્નીઓએ વડાપ્રધાનને મળીને પોતાનાં સંતાનોની પૂરતી સલામતી માટે માગણી કરી. બિલ્લાએ વાળ કપાવીને સાવ નાના કરાવી નાખ્યા, ને પોતાની મૂછ પણ મુંડાવી નાખ્યાની માહિતી મળી. મુંબઈ, દિલ્હી અને અનેક સામાજિક સંસ્થાઓએ હત્યારાને પકડાવનારા માટે ઈનામો જાહેર કર્યાં. અખબારમાં બિલ્લાના ફોટા છપાઈ ગયા, પરંતુ અમુક આગેવાનો અને પત્રકારો ખુલ્લેઆમ માનતા હતા કે પોલીસે એક સામાન્ય ગુનેગારને ભયંકર અપરાધી ગણાવીને બંને હત્યા એના માથે થોપી દીધી છે. કારણોય અપાવા માંડ્યાં: બિલ્લા ચાકુના એક ઘાથી જીવ કાઢી નાખે, પણ સંજય પર અનેક ઘા થયા, બિલ્લા બળાત્કાર કરે છે, પણ ગીતા સાથે એવું કંઈ થયું નથી. બિલ્લા વિશેય જાતજાતની અફવાઓ ઉડવા માંડી. દેખાવે મળતા આવતા બે જણને પકડ્યા, પણ પછી છોડી દેવાયા. નવમી સપ્ટેમ્બરે જૂની દિલ્હી સ્ટેશન પર કાલકા મેલમાં અમુક સૈનિકોને બે જણા સાથે મોટો ઝઘડો થયો. બંનેએ પોતે લશ્કરવાળા હોવાનો દાવો કર્યો, પણ ઓળખપત્ર ધરાર ન બતાવ્યાં. અંતે જવાનોએ બંનેને પકડીને પોલીસને હવાલે કરી દીધા. રેલવે પોલીસને શંકા ગઈ કે બંને બિલ્લા-રંગા તો નથી ને! ક્રાઈમ બ્રાન્ચે આવીને તપાસ કરતા એમના સામાનમાંથી લોહીવાળી કિરપાણ મળી. આકરી પૂછતાછમાં બંને બિલ્લા-રંગા હોવાનું બહાર આવ્યું. લિફ્ટ આપ્યા બાદ કારને આકાશવાણીને બદલે બીજા માર્ગે લઈ જવાતા બંને બાળકોએ વિરોધ કર્યો. મારામારી થવાથી કાર ફૂટપાથ સાથે ભટકાઈ. ગુસ્સામાં બિલ્લા ગીતા-સંજય પર કિરપાણથી ઘા કરવા માંડ્યો. ગીતાનો જીવ તરત નીકળી ગયો, પણ સંજય અંતિમ શ્વાસ સુધી લડ્યો. દિલ્હી કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે જસબીર સિંહ ઉર્ફે બિલ્લા અને કુલજીત સિંહ ઉર્ફે રંગાને મૃત્યુદંડ ફરમાવ્યો, જેનો અમલ 1982ની 31 જાન્યુઆરીએ થયો, પણ કોઈ કુટુંબીજન મૃતદેહ લેવા સુદ્ધાં ન આવ્યાં.

અન્ય સમાચારો પણ છે...