તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજવાળાનો ઓટોગ્રાફ:પ્રકૃતિનું પ્રિસ્ક્રિપ્શન અને ‘20-5-3’નો ડોઝ

ડૉ. નિમિત્ત ઓઝા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રકૃતિના સાંનિધ્ય અને સ્પર્શનો અભાવ આપણાં ચિત્તને બીમાર કરી દે છે

રૂમમાં એ.સી., હાથમાં મોબાઈલ, સામે ટીવી અને આંગળીના ઈશારે ડિલિવરી એપ દ્વારા મળી જતાં મનગમતાં ફૂડ છતાં પણ તમે કંઈક મિસ કરો છો? એવું લાગે છે કે જીવનમાં બધું હોવા છતાં પણ કંઈક ખૂટે છે? સંપૂર્ણ આરામદાયક અને સગવડયુક્ત જીવન હોવા છતાં પણ કામ કરવાની આળસ આવવી, ક્યાંય મન ન લાગવું કે કારણ વગરનો થાક લાગવો. એવું લાગે કે સક્શન પંપની મદદથી કોઈએ આપણી બધી એનર્જી ખેંચી લીધી છે! મોનોટોનસ જીવતર સાથે સમાધાન કરીને બેઠેલાં મનને, એ સમજાતું જ નથી કે ‘વોટ ઈઝ રોંગ?’. દોડાદોડ કરતી ખિસકોલી જેવા જીવતરથી છલોછલ ભરેલાં આપણે, ક્યારેક એવા ઊર્જાવિહીન થઈને ફરતાં હોઈએ છીએ કે જાણે આપણાં જ મૃત્યુનો એડવાન્સમાં શોક પાળતા હોઈએ. બધી જ સગવડો હોવા છતાં પણ જો મન ઉદાસ અને શરીર થાકેલું રહેતું હોય, તો એનો અર્થ એ છે કે આપણી અંદર એક અત્યંત જરૂરી વિટામિનની ભયંકર ઊણપ છે. એ છે વિટામિન ‘N’ એટલે કે નેચર. પુસ્તક ‘ધ કમ્ફર્ટ ક્રાઈસીસ’માં લેખક માઈકલ ઈસ્ટર લખે છે કે આદિકાળથી આપણું મન સંઘર્ષો માટે ટેવાયેલું છે. વધુ પડતી સુખ-સગવડો આપણાં માટે ઉદાસી, કંટાળો અને આળસ નોતરે છે. માઈકલ જેને ‘ઈવોલ્યુશનરી ડિસકમ્ફર્ટ’ કહે છે એવા કેટલાંક નાનાં-નાનાં સંઘર્ષો કે અગવડો આપણને સ્વસ્થ, તંદુરસ્ત અને ખુશ રાખે છે. મૂળભૂત રીતે આપણે પ્રકૃતિના જીવો છીએ. આપણી ઉત્ક્રાંતિ જંગલોમાં જ થયેલી છે. ગાઢ જંગલો, પર્વતો, નદીઓ, જંગલી પ્રાણીઓ, વન્યજીવો અને ખુલ્લાં મેદાનો. એ જ આપણું વતન છે. જ્યારે-જ્યારે આપણે લાંબા સમય સુધી પ્રકૃતિથી દૂર રહીએ છીએ, ત્યારે-ત્યારે ઉત્ક્રાંતિની યાદો સાચવીને બેઠેલું આપણું સબ-કોન્શિયસ માઈન્ડ ‘હોમ-સીક’ ફીલ કરે છે. પ્રકૃતિનાં સાંનિધ્ય અને સ્પર્શનો અભાવ આપણાં ચિત્તને બીમાર કરી દે છે. ડાયેટિશિયનની માફક હવે ફોરેસ્ટિશિયન હોય છે, જેઓ આપણાં સ્વાસ્થ્ય માટે જરૂરી પ્રકૃતિનો ડોઝ નક્કી કરે છે. સમતોલ આહારની જેમ પ્રકૃતિનું કેટલું સેવન કરવું જોઈએ? એની એક ચોક્કસ માત્રા નક્કી કરવામાં આવી છે. આ વિષયમાં પારંગત થયેલા ન્યુરો-સાયન્ટિસ્ટ રાશેલ હોપમેન આપણાં દરેક માટે પ્રકૃતિનું એક ચોક્કસ પ્રિસ્ક્રિપ્શન સૂચવે છે. આપણાં માટે અત્યંત જરૂરી એવા પ્રકૃતિના આ ડોઝને તેઓ ‘20-5-3’ના નિયમથી ઓળખે છે. 20 એટલે 20 મિનિટ. આ એ સમય છે જે આપણે અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ, પ્રકૃતિમાં ગાળવાનો છે માત્ર વીસ મિનિટ. એ માટે તમે કોઈ નજીકના ગાર્ડન કે પાર્કમાં ચાલ્યા જાવ. વૃક્ષોથી સમૃદ્ધ હોય એવા કોઈ વિસ્તારમાં સમય વિતાવો. કોઈ તળાવની પાળે કે ખુલ્લા ઘાસના મેદાનમાં બેસો, પણ શરત માત્ર એટલી જ છે કે પ્રકૃતિ સાથેના સહવાસ દરમિયાન મોબાઈલફોન અલાઉડ નથી. પ્રકૃતિ સાથેના માત્ર વીસ મિનિટના સંપર્ક અને સંસર્ગથી આપણા સ્ટ્રેસ હોર્મોન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. 5 એટલે 5 કલાક. આ એ સમય છે જે દર મહિને એક વાર આપણે ‘સેમી-વાઈલ્ડ નેચર’માં ગાળવાનો છે. વાડીઓ, ખેતરો, જંગલો, નદી, નાળાં કે પર્વતો. પ્રકૃતિ સાથેની આ પાંચ કલાકની મિટિંગ, આપણને ડિપ્રેશન આવતાં અટકાવે છે. ન્યુરો-સાયન્ટિસ્ટના મત પ્રમાણે આપણી આસપાસ કુદરતી અવ્યવસ્થા જેટલી વધારે, માનસિક સ્વાસ્થ્યને થતો ફાયદો એટલો જ વધારે. 3 એટલે 3 દિવસ. આ એ સમય છે, જે દર વર્ષે એક વાર આપણે ગાઢ જંગલ વિસ્તારમાં ગાળવાનો છે. એવો વિસ્તાર જ્યાં મોબાઈલ નેટવર્ક પણ ન આવતું હોય. દૂર-દૂર સુધી ક્યાંય સિવિલાઈઝેશનનું નામો-નિશાન ન હોય. જીવતરની ભાગદોડથી દૂર આવેલું એવું કોઈ સ્થળ જ્યાં આસપાસ વનસ્પતિઓ, વૃક્ષો અને વન્યજીવો હોય. કુદરતના ખોળામાં વિતાવેલા સમય દરમિયાન આપણાં મગજમાં આલ્ફા અને થીટા વેવ્ઝનું નિર્માણ થાય છે, જે શાંતિ અને સુખની અનુભૂતિ કરાવે છે. જંગલ કે પ્રકૃતિની મનુષ્ય મન પર થતી આ અસરો ‘ફ્રેક્ટલ્સ’ને કારણે છે. ફ્રેક્ટલ્સ એટલે એવી પેટર્ન્સ જે કોઈ ચોક્કસ આકારમાં બંધાવાને બદલે, ભિન્ન-ભિન્ન કદ અને અનિશ્ચિત આકારમાં અનંત સુધી રિપીટ થયા કરે. જેમ કે, વૃક્ષો-ડાળીઓ-પર્ણો, ઝરણાં કે નદીના વળાંકો, પર્વતમાળા, વાદળો કે આકાશના તારા. કુદરતે કરેલાં સર્જનોમાં ક્યાંય કાટખૂણા નથી. પૃથ્વીનાં વિશાળ ફલક પર પથરાયેલો પ્રકૃતિનો આ ‘ઓર્ગેનાઈઝ્ડ કેઓસ’ જ આપણાં મનને શાંતિ આપે છે, કારણ કે આપણે પણ નેચરનો જ એક ભાગ છીએ. પ્રકૃતિથી રિસાઈને છૂટો પડી ગયેલો, પ્રકૃતિનો જ એક નાનકડો એવો અંશ. પ્રકૃતિનાં સાંનિધ્યમાં માનસિક સ્વાસ્થ્ય પર થનારી સકારાત્મક અસરોનાં અનેક કારણો છે. સૂર્યપ્રકાશ, મોકળાશ, ભીની માટીની સુગંધ, પક્ષીના અવાજો, કોઈની દરકાર વગર ખીલી ઊઠેલાં જંગલી ફૂલો, તાજી ઊગેલી કૂંપળો, પગ નીચે કચડાતાં સુકાં પાંદડાંના અવાજો, ખળખળ વહેતાં ઝરણાંનું સંગીત, અનંત સુધી પથરાયેલું ખુલ્લું મેદાન, આપણાં ટચૂકડા અહંકાર કરતાં અનેકગણા ઊંચા પહાડો અને આપણને સતત નિહાળતું ઉપર ગગન વિશાળ. આપણે આ જ તત્ત્વોનાં બનેલાં છીએ અને એમાં જ ભળી જવાનાં છીએ. તો એના તરફનો લગાવ, ખેંચાવ અને આકર્ષણ થાય એ સ્વાભાવિક છે. ⬛ vrushtiurologyclinic@yahoo.com

અન્ય સમાચારો પણ છે...