અગોચર પડછાયા:પ્રેંક

જગદીશ મેકવાન4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એ સ્ત્રીની આંખો સંપૂર્ણપણે સફેદ હતી. વાળ છૂટ્ટા હતા. બે રાક્ષસી દાંત હોઠની બહાર નીકળેલા હતા, જેમાંથી લોહી ટપકી રહ્યું હતું

પ્રેંક કરવાની મજા તો આવે છે, પણ ક્યારેક એ પ્રેંક ભારે પણ પડી જાય છે. રજત અને સુરેશે યૂ ટ્યૂબ પર એક ચેનલ બનાવી હતી. એ લોકો જાતજાતના પ્રેંક કરીને એના વિડીયોઝ બનાવીને એ ચેનલ પર મૂકતા હતા. જો એ ચેનલને સતત ચલાવવી હોય તો દર અઠવાડિયે કમ સે કમ એક વિડીયો બનાવીને અપલોડ કરવો જ પડે એમ હતું. અને આ વખતે એ બંને જણે ભૂતનો પ્રેંક કરવાનું નક્કી કર્યું. બંને જણ રાત્રે બાર વાગ્યે એક સૂમસામ રોડ પર પહોંચી ગયા. સુરેશે એક ખૂણામાં કાર પાર્ક કરી અને કારમાં કેમેરા ગોઠવીને બેસી ગયો. રજત ભૂતનો કોશ્ચ્યૂમ પહેરીને તૈયાર થઈ ગયો. એટલામાં એક ભિખારી ત્યાંથી પસાર થયો. રજતે એને બિવડાવવાની કોશિશ કરી, પણ ભિખારી તો ગાળો બોલીને, છૂટ્ટા પથ્થરો મારીને ભાગી ગયો. ગાળો અને પથ્થરો ખાઈને રજત સુરેશ પાસે ગયો અને બોલ્યો, ‘મને નથી લાગતું કે કંઈ મેળ પડે.’ ‘પડશે. કોશિશ ચાલુ રાખ. જો પેલાં કોઈ બહેન આવે છે. એમને બિવડાવ. આમેય બૈરાંઓ ભૂતોથી વધારે બીતાં હોય છે.’ સુરેશે આંગળી ચીંધીને દૂરથી આવતી એક સ્ત્રી બતાવી અને શૂટિંગ ચાલુ કર્યું. રજત એ સ્ત્રીને બિવડાવવા માટે ધસી ગયો, પણ થયું ઊલટું. એ સ્ત્રીની આંખો સંપૂર્ણપણે સફેદ હતી. વાળ છૂટ્ટા હતા. બે રાક્ષસી દાંત હોઠની બહાર નીકળેલા હતા, જેમાંથી લોહી ટપકી રહ્યું હતું. એને જોતાં જ રજતનાં રુવાડાં ઊભાં થઈ ગયાં. રજતે તરડાયેલા અવાજે ચીસ પાડી. એની છાતીમાં સખત દુખાવો ઉપડ્યો. એને લાગ્યું કે એને હાર્ટએટેક આવી ગયો છે. એ જ સમયે એ સ્ત્રી બોલી, ‘સોરી...સોરી...આ પ્રેંક છે. તમારું શૂટિંગ થઈ રહ્યું છે.’ બોલીને રજતની નજીક આવીને, રજતના ખભે હાથ મૂકીને કેમેરામેન તરફ આંગળી ચીંધી. રજતે કેમેરામેન તરફ જોયું તો એ કેમેરામેન તો સુરેશ નીકળ્યો. સુરેશ રજત સામે જોઈને ખડખડાટ હસી રહ્યો હતો. રજતને ભારે ગુસ્સો ચડ્યો. સુરેશ ત્યાં દોડી આવ્યો અને બોલ્યો, ‘સોરી...સોરી...’ ‘ગો ટૂ હેલ...’ બોલીને રજત ગુસ્સામાં ચાલવા માંડ્યો. એટલે સુરેશ એની પાછળ દોડ્યો અને બોલ્યો, ‘તું વિચાર તો કર. આ વિડીયો કેટલો વાઈરલ થશે? કેટલા બધા વ્યૂઝ મળશે અને આપણી ચેનલને કેટલા બધા સબ્સ્ક્રાઈબર્સ મળશે.’ ‘તું મારો પાર્ટનર થઈને મારી સાથે પ્રેંક કરે છે?’ રજતે ગુસ્સામાં કહ્યું. એટલે સુરેશ બોલ્યો, ‘એક કામ કરીએ. આપણે કાલે જ્યારે એડિટિંગ માટે બેસીશું. ત્યારે તને જો આ પ્રેંક ના ગમે તો આ વિડીયો ડિલીટ કરી દઈશું.’ ‘હં...’ હજીએ રજતના અવાજમાં નારાજગી હતી. સુરેશે રજત સાથે પેલી સ્ત્રીની ઓળખાણ કરાવતા કહ્યું, ‘આ મારી ફ્રેન્ડ સીમા છે. હવે એ પણ આપણા ગ્રૂપમાં છે. હવે તમે બંને ભેગાં મળીને કોઈને બિવડાવો તો રિયલ પ્રેંક બને.’ રજતના ચહેરા પર હજીએ નારાજગી હતી, પણ એ તૈયાર થયો અને બંને જણે ભેગા મળીને ત્યાંથી પસાર થતા બે જણને બિવડાવ્યા. ત્યાર બાદ બીજા દિવસે વિડીયો એડિટિંગ માટે મળવાનું નક્કી કરીને એ લોકો છૂટા પડ્યા.

* * નક્કી કરેલા સમયે પણ રજત એડિટિંગ માટે ના આવ્યો એટલે સુરેશે રજતને ફોન કર્યો, પણ ફોન રજતના ભાઈએ ઊઠાવ્યો. રજતનો ભાઈ ફોન પર સતત ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો. એ કંઈ બોલી ના શક્યો. સુરેશને એના અવાજ પરથી જ ખ્યાલ આવી ગયો કે ચોક્કસ કંઈક નવાજૂની થઈ છે. એ રજતના ઘરે ધસી ગયો. ત્યાં રજતનો ભાઈ અને મિત્રો રડતા હતા અને રજતની લાશ પંખા પર લટકતી હતી. એ દૃશ્ય જોતા જ સુરેશને આઘાતના માર્યા ચક્કર આવી ગયા. એ ઢળી પડ્યો. તરત જ એના ચહેરા પર પાણી છાંટવામાં આવ્યું. એટલે એ ભાનમાં આવ્યો. એણે જોયું તો રજત તો જીવતો હતો અને સુરેશ સામે જોઈને હસતો હતો. રજતનો ભાઈ પણ સુરેશ સામે જોઈને હસી રહ્યો હતો. ખૂણામાં સંતાયેલો એક જણ કેમેરાથી આ ઘટનાનો વિડીયો બનાવી રહ્યો હતો. એ તરફ આંગળી ચીંધીને સુરેશની મશ્કરી કરતા રજત બોલ્યો, ‘ કેવો લાગ્યો આત્મહત્યાનો પ્રેંક?’ ‘ગાંડો છે તું?’ સુરેશ ક્રોધથી ચિલ્લાયો. ‘સોરી યાર.’ રજતે કહ્યું, ‘પણ તું વિચાર તો કર. આ વિડીયો કેટલો વાઈરલ થશે? કેટલા બધા વ્યૂઝ મળશે અને આપણી ચેનલને કેટલા બધા સબ્સ્ક્રાઈબર્સ મળશે.’ ‘તું મારા શબ્દો મને જ સંભળાવી રહ્યો છે? મૂર્ખ તારી આ હરકતને લીધે હું ખરેખર મરી ગયો છું.’ બોલીને સુરેશ ઢળી પડ્યો. ત્યાં હાજર તમામ લોકો ગભરાઈ ગયાં, પણ રજત એકદમ શાંત હતો. એ બોલ્યો, ‘તું એકલો થોડો મરી ગયો છે? હું પણ મરેલો જ છું ને! ગઈ કાલે રાત્રે જ્યારે તેં મારી સાથે પ્રેંક કરેલો, ત્યારે જ મને હાર્ટએટેક આવી ગયો હતો અને એ જ ઘડીએ ઓન ધ સ્પોટ હું પણ મરી ગયો હતો.’ બસ...આટલું બોલીને રજતનું શરીર પણ ઢળી પડ્યું. * * * હવે પેલા રોડ પર રાત્રે બાર વાગ્યા પછી ઘણાં લોકોને બિહામણા દેખાવવાળા સુરેશ અને રજત દેખાય છે, પણ સુરેશ અને રજત એ લોકોને એમ કહીને શાંત પાડે છે કે ગભરાશો નહીં. અમે તો પ્રેંક કરીને વિડીયો બનાવી રહ્યા છીએ.⬛ makwanjagdish@yahoo.com

અન્ય સમાચારો પણ છે...