અંદાઝે બયાં:સત્તા વિ. કલમ : જુલ્મી શાસક અને કવિ!

સંજય છેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શબ્દ ટકી રહે છે. જો એ બિકાઉ ના હોય અને ખુદ્દારીની લોહિયાળ શાહીથી લખાયેલ હોય તો!

ટાઇટલ્સ સરકારી કલમ જીવે, સાચો કવિ અમર થાય. (છેલવાણી) એક રાજાના દરબારમાં એક શરણાઈવાળો આવ્યો ને વિવિધ રાગ વગાડ્યા. રાજાએ કહ્યું : આ તો પોલું છે એટલે વાગે જ ને? આપણા કવિ દલપતરામની જાણીતી કવિતા છે: ‘પોલું છે તે વાગ્યું એમાં કરી શી તે કારીગરી? સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.’ ગમે કે ના ગમે શાશ્વત સત્ય એ છે દરેક યુગમાં કોઈપણ કલાકારને કોઇ કદરદાન કે આશ્રયદાતા તો જોઈએ જ છે. પહેલાં રાજા-રજવાડા કલાઓને પોષતા ને કલાકારોને આશ્રય આપતા. હજીયે ઘણા કલાકારો રાજ્યના કે હુકુમશાહના આશ્રય પર જીવે છે, વારંવાર પ્રાયોજિત ઝેર ઓકે છે, કદીક એવોર્ડો પણ ખેરવે છે, સરકારી સંસ્થાઓમાં પદ મેળવે છે પણ બીજી બાજુ એ બધી સરકારી લીલાઓની સામે દરેક દોરમાં સાચો કલાકાર પોતાની ખુદ્દારીથી જીવે જ છે ને એના અવાજને દબાવવાની કવાયત સત્તા દ્વારા યુગોથી ચાલે જ રાખે છે! સાદાઈનું પ્રલોભન-કમ-દમન વગેરે તો છોડો પણ ઇતિહાસનાં પાનાં અમુક ખુદ્દાર સર્જકોથી છલકે છે. જેમ કે- ફિરદૌસી નામે ઈરાનમાં એક મહાકવિ થઈ ગયા (જન્મ ઇ.સ 935), જેમનું ‘શાહનામા’ જાણીતું મહાકાવ્ય છે. આ કાવ્ય માટે તેમણે ઈરાનમાં બધે ફરીને માહિતી એકઠી કરી ને ઈરાનના મહાન રાજાઓ-રુસ્તમ-સોહરાબ વગેરેનો કવિતામાં પરિચય કરાવ્યો. હવે આ કવિતાઓ પ્રગટ કરવા માટે તેને મોટા ફંડની જરૂર હતી. તેણે 72 વર્ષની જૈફ ઉંમરે રાજ્યાશ્રય માટે ઝનૂની અને ક્રૂર મહમૂદ ગઝની પાસે જવાનું નક્કી કર્યું. મજબૂરીમાં તેણે ગઝનીના દરબારમાં તેનાં વખાણ કરતી કવિતાઓ રચી, એટલું જ નહીં પણ તેના માનીતા ગુલામ સચિવના વખાણનાં કાવ્યો પણ લખ્યાં. (આપણે અનેકવાર કેટલાય કવિઓ સત્તાધારી પક્ષ કે નેતાઓનાં વખાણ કરતી કૃતિઓ લખી જ છે, વો કહાની ફિર કભી...) પરંતુ ફિરદૌસીના નસીબ અવળાં કે પેલા ગુલામ સચિવને ઘાતકી બાદશાહ ગઝની સાથે કાંઇક વાંધો પડ્યો. બાદશાહે તેની કતલ કરાવી. પછી ફિરદૌસી ઉપર પણ બાદશાહની ખફા નજર ઉતરી ને તેને માત્ર 20,000 દિરહામ જ મોકલાવ્યા ને કવિ ફિરદૌસીનું જાણી કરીને અપમાન કર્યું. ફિરદૌસીએ જ્યારે એ જાણ્યું ત્યારે એ વખતે હમામખાનામાં નહાતો હતો. તેણે આ પૈસામાંથી ખૂબ દારૂ પીધો ને બાકીના પૈસા ત્યાંના સ્ટાફમાં વહેંચી દીધા. પછી બાદશાહના કોપથી બચવા ભાગી છૂટ્યો ને છ મહિના અંડરગ્રાઉન્ડ થઈ ગયો. (લકીલી, ત્યારે એ સમય નહોતો કે ફિરદૌસીના ઘરે દરોડા પડ્યા હોત!) ઇન્ટરવલ મસ્ત આંખો કા જાદુ જો શામિલ હુઆ મેરે ગાના ભી સુનને કે કાબિલ હુઆ (મજરુહ) એ પછી બેહાલ કવિ ફિરદૌસી, અનેક ધનિક શાહ-ઉમરાવોને મળ્યો પણ એને પુસ્તક માટે કોઈ સ્પોન્સરર ના મળ્યા. કવિને ગુસ્સો આવ્યો અને તેણે બાદશાહ પર વેર વાળવા ‘નિંદા કાવ્યો’ લખવા માંડ્યાં. આ નિંદા કાવ્યો ફારસીમાં ‘ઉભત’ તરીકે ઓળખાતાં. એક શાણા ઉમરાવે એક લાખ રૂપિયા આપીને આવાં 101 કાવ્યો ખરીદી લીધાં અને સળગાવી મૂક્યાં ને કહ્યંુ: ‘તને આવો ગુસ્સો ના શોભે ફિરદૌસી! તું મહાકવિ છે!’ અને કવિની જુલ્મી બાદશાહથી જાન બચાવી! આજે તો વૉટ્સએપ, ફેસબુક, ટ્વિટર વગેરે સતત એકમેક પ્રત્યેના નિંદારસથી છલકાય છે. ઘણાં લોકોએ તો ઝેર ફેલાવીને કરિઅર બનાવી છે. ત્યારે આ કાવ્યપ્રકાર ગુજરાતીમાં અજમાવવા જેવો છે. કોઈ પીએચડી પણ કરી શકે- ગુજરાતીમાં ‘ઉભત’ કાવ્યો.’ વેલ, આપણે કવિ ફિરદૌસીની વાત કરીએ. એકવાર અહંકારી મહમૂદ ગઝનીને કોઈકે વીરરસભર્યો શેર કહી સંભળાવ્યો. ગઝનીને ખૂબ ગમ્યો. ‘કોણે લખ્યો છે?’ તેની તપાસ કરી તો ખબર પડી કે લખનાર કવિ ફિરદૌસી છે! ક્રૂર ગઝનીને કદાચ પશ્ચાતાપ થયો! (નવાઈને?). તેણે 60 હજાર સોનામહોરો સાથે સાંઢણી કવિના ગામે મોકલાવી…પરંતુ ફિરદૌસીના ‘તુસ’ નામના શહેરમાં સોનામહોરો લઇને ગઝનીની સાંઢણી આવી ત્યારે એની સામે ફિરદૌસીનો જનાઝો મળ્યો. હા, એ જ દિવસે એ મહાકવિનું અવસાન થયું હતું! કુદરતનું ટાઈમિંગ પણ કમાલનું હોય છે ને? સત્તા સામે કદી ના ઝુકનાર કવિની લાશે જાણે પેલી ઘાતકી ગઝનીની સોનામહોરો ઠુકરાવી દીધી! આખી વાતમાં સંદેશ એ છે કે શાસકો આવે છે જાય છે, શબ્દ ટકી રહે છે. જો એ બિકાઉ ના હોય અને ખુદ્દારીની લોહિયાળ શાહીથી લખાયેલ હોય તો! સરકારી એવોર્ડઝ તો દીવાલોમાં કે કબાટોમાં રહી જાય છે ને સાચો કાલાકાર સદા વસે છે, પ્રજાનાં દિલમાં! એન્ડ ટાઇટલ્સ ઇવ: કવિતા સંભળાવું? આદમ: એના કરતાં મારી આંખમાં જોને! { sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...