તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યંગવિશ્વ:પોઠિયો મારો પરમેશ્વર

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શંકર ભગવાનના કાર્યાલયમાં પણ પોઠિયાનો પાવર વધુ હતો

- ડૉ. જગદીશ ત્રિવેદી

એમનું નામ શ્રીમાન મોડર્નકુમાર છે. આ મોડર્નકુમાર એકવીસમી સદીનું ઉત્પાદન છે. મોડર્નકુમારના ઘરમંદિરમાં નાનામોટા ઘણાં ભગવાન પધરાવવામાં આવ્યા છે. ભગવાન કરે એને પધરામણી કહેવાય અને ભગવાનના એજન્ટ કરે એને ઉઘરાણી કહેવાય. આઝાદી પછીની પ્રથમ પચીસીમાં આપણી મૈત્રી વ્યભિચારી થવા લાગી હતી, બીજી પચીસીમાં માણસનો પ્રેમ પણ ચરિત્રહીન થયો અને નવી સદીમાં વિકાસ એવો ગાંડો થયો કે માણસની ભક્તિ પણ વ્યભિચારિણી થઇ ગઇ. આજનો માણસ ઘરમંદિરમાં એકથી વધુ ભગવાન રાખે છે, કારણ ક્યારે કયા ભગવાન સાથે ભક્તને વાંકુ પડે અને ભક્તિનું બ્રેકઅપ થઇ જાય એનું નક્કી નથી. જે છાશવારે ભગવાન બદલી શકે એ ગુરુને મૂકે? ભક્તના ગુરૂરે ગુરુની કિંમત કોડીની કરી નાખી છે.

મોડર્નકુમારે બધા ભગવાનની મધ્યમાં પોઠિયાની પ્રતિમા પધરાવી છે અને પોઠિયાને પોતાનો ઇષ્ટદેવ માને છે. કોઇકે કારણ પૂછ્યું તો મોડર્નકુમારનો ખુલાસો આ પ્રમાણે હતો. મોડર્નકુમારે બાળપણમાં એક કાલ્પનિક વાર્તા સાંભળી હતી. એ વાર્તામાં વર્ષો પહેલાં થોડા જિજ્ઞાસુ માણસોનું ટોળું કૈલાસ પર્વત ઉપર જાય છે. એ લોકો દેવોનાં પણ દેવ એવા મહાદેવ પાસેથી જાણવા માંગતા હોય છે કે અમારે એક દિવસમાં કેટલી વાર ખાવું જોઇએ અને કેટલી વાર નહાવું જોઇએ? અત્યારે ઘણી વાર મંત્રી કરતાં એમનો પી.એસ., જજ કરતાં વકીલ, ડોક્ટર કરતાં કમ્પાઉન્ડર, હેડમાસ્ટર કરતાં માસ્ટર અને પતિ કરતાં પત્નીનો રોફ વધુ હોય છે. આ પ્રકારના લોકો માટે એક જાણીતી કહેવત છે કે, ચા કરતાં કીટલી વધુ ગરમ છે.

શંકર ભગવાનના કાર્યાલયની હાલત પણ એવી જ હતી. પિનાકપાણી કરતાં પોઠિયાનો પાવર વધુ હતો. વૃષભકુમારે માણસોને પ્રતીક્ષાખંડમાં બેસાડીને કહ્યું કે માણસોના સ્વાર્થનું સંક્રમણ ન થાય એટલા માટે મહાદેવ તમારાથી સોશિયલ ડિસ્ટન્સ (સાચો શબ્દ ફિઝિકલ ડિસ્ટન્સ છે.) રાખવા માંગે છે. એ કારણે એ યુગોથી સેલ્ફ ક્વોરન્ટિન છે. હું આપના સવાલનો જવાબ લઇને આવું છું. ત્યાર બાદ નંદી મહારાજ ભગવાન સદાશિવ પાસે ગયા અને જિજ્ઞાસુઓનો પ્રશ્ન પૂછ્યો ત્યારે ભોળાનાથે ક્ષણાર્ધમાં જવાબ આપ્યો કે એમને કહો કે દરેક મનુષ્યે એક દિવસમાં ત્રણ વાર નહાવું અને એક વાર ખાવું જોઇએ. નંદી ગૌવંશ હોવા છતાં બુદ્ધિની બાબતમાં માતાને બદલે પિતા ઉપર ગયો હોવાથી બાફી માર્યું. એણે માણસો પાસે આવીને કહ્યું કે ભગવાને તમને દરરોજ ત્રણ વાર ખાવાની અને એક વાર નહાવાની આજ્ઞા કરી છે.

ત્યાર બાદ મોડર્નકુમાર બોલ્યા કે, મારા મંદિરમાં પોઠિયાને પ્રમુખ દેવ તરીકે પૂજવાનું કારણ એ છે કે એણે જો ભૂલ ન કરી હોત તો આ કડકડતી ઠંડીમાં માણસની કેવી અવદશા થઇ હોત એ વિચારમાત્રથી મને ટાઢનું લખલખું આવી જાય છે. બીજું, આજના માણસને જેટલો ખાવામાં રસ છે એટલો નહાવામાં નથી અને જેટલો બીજાને નવડાવવામાં રસ છે એટલો બીજાને ખવડાવવામાં નથી. જે લોકો ત્રણ વખત ભરપેટ ખાધાં પછી પણ ગાયનો ઘાસચારો, લોખંડ અને સિમેન્ટ જેવા અખાદ્ય પદાર્થો ખાય છે એવા ખાઉધરાને ભગવાન મહાદેવની સાચી આજ્ઞાને અનુસરવાનું હોય તો ભૂખ્યા મરી જાય. આજનો માણસ જો મહાદેવની આજ્ઞા માને તો ભૂખ્યો મરી જાય અથવા નાહી-નાહીને ઠરી જાય. એના કરતાં પોઠિયો મારો પરમેશ્વર અને હું પોઠિયાનો દાસ. બોલો, પોઠિયામહારાજની જય!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો