ક્રાઈમ ઝોન:બેંગ્લુરુ પાસે ખુલ્લેઆમ ધોળે દિવસે થઈ પોલીસવાળાની હત્યા

પ્રફુલ શાહ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ મિનિટમાં મોતની ચીલઝડપ
  • એ જ ઘડીએ હરીશબાબુએ પાછા વળીને જોયું. મોકાનો લાભ લઈને ભાગી છૂટવાને બદલે સાવ ઊંધું જ કર્યું એ ફૂટેલી ખોપડીએ

ખચ્ચાક… ખચ્ચાક… ખચ્ચાક ગણવાનું શક્ય નહોતું પણ અવાજ સંભળાયો તેર વાર. ખાખી વસ્ત્રો પરના પરસેવા ઉપર લોહીએ લાલચોળ બહુમતી મેળવી. દૃશ્ય એટલું ભયાનક કે વિદાય લેતા વરસાદને વળાવવા ઘેરાયેલાં વાદળો પાછળ સૂરજ સંતાઈ ગયો. કર્ણાટકના બેંગ્લુરુ પાસેના દોડાબલ્લાપુરમાં સબ-ઈન્સ્પેક્ટર એસ. જગદીશના નામ આગળ 34 વર્ષની ઉંમરે ‘સ્વર્ગસ્થ’ ઉમેરાયું. દૂર કોન્સ્ટેબલ વેંકટેશમૂર્તિ મોત સામે બાખડતા દેખાયા. 2015ની 16 ઓક્ટોબરે સવારે 11.45 કલાકની આ હૃદયદ્રાવક ઘટના. રિટાયર્ડ પોલીસ અફસરના દીકરા જગદીશને ટીપ મળી હતી કે નામીચા ગુંડા આવવામાં છે. જગદીશની આંખો ચોમેર ચહેરા વાંચે. એક વ્યક્તિ પર નજર ચોંટી ગઈ. સાથીને ઈશારો કરીને જગદીશ દોડવા માંડ્યા. એમની ઝડપે શકમંદોને ચેતવી દીધા. મુઠ્ઠી વાળીને ભાગનારા હરીશબાબુ અને મધુ કૃષ્ણા એટલે અઠંગ વોન્ટેડ ક્રિમિનલ. ઉંદર-બિલાડીની જીવસટોસટની દોડમાં ચારેયના શ્વાસ ફૂલવા માંડ્યા. અચાનક ખુલ્લી ગટરમાં પગ પડી જવાથી જગદીશ ધડામ કરતા પડી ગયા. એ જ ઘડીએ હરીશબાબુએ પાછા વળીને જોયું. મોકાનો લાભ લઈને ભાગી છૂટવાને બદલે સાવ ઊંધું જ કર્યું એ ફૂટેલી ખોપડીએ. એ જગદીશ તરફ દોડ્યો, એની પાછળ મધુ. હરીશે તરાપ મારીને જગદીશને ગટરમાંથી ખેંચી કાઢ્યા. મધુએ ઝડપભેર ઈન્સ્પેક્ટરની રિવોલ્વર ખેંચી લીધી. હરીશ જગદીશની છાતી પર ચડી બેઠો અને આડેધડ કટાર ઝીંકવા માંડ્યો. બચાવ માટે દોડેલા વેંકટેશમૂર્તિને છરી હુલાવી દેવાઈ. જગદીશ ઓન ધ સ્પોટ ડેડ. વેંકટેશમૂર્તિને હોસ્પિટલમાં ખસેડાયા. ટીવી ચેનલ્સને ગોળનું ભીલું મળી ગયું. મૃતકના ફોટો અને કુટુંબીજનોના વિલાપના રીતસરના ઓવરડોઝ શરૂ થયા. સિદ્ધારામૈયાની કોંગ્રેસી સરકારને માથે મગરમચ્છ મરાવા માંડ્યા. કાયદાના રક્ષકો સલામત નથી, તો આમ આદમીનું કોણ? પોલીસ પર પ્રેશર અને ગુસ્સો. પાંચ વિશેષ ટુકડી બનાવાઈ. જગદીશને મળેલી ટીપ પરથી હરીશ અને મધુનાં નામ સામે આવ્યાં. ધડાધડ માહિતી પટકવા માંડી. હુમલાખોર સગા બાપ-બેટા હતા, લૂંટના 50થી વધુ કેસમાં સંડોવણી. અગાઉ પણ પોલીસવાળા પર હુમલામાંય વોન્ટેડ. વાહનચોરી અને ચેઈન સ્નેચિંગની ગેંગમાં આરોપીઓ સક્રિય પણ ગેંગની બોસ હતી થીમ્મક્કા. હરીશની પત્ની અને મધુની માતાજી. છતાં આ રંગીલો છોકરીઓનો દીવાનો, તો પત્ની પાસે એક પ્રેમી પ્લસ એનાથી દીકરો. થીમ્મક્કા ખૂબ ક્રૂર અને આકરી. લૂંટનો માલ સામે ધરી દેવાનો, મેડમ મનમરજીથી જેટલું આપે એ લેવાનું. મોટા ભાગનાના ફેમિલાવાળાય ગેંગમાં સામેલ. ગેંગનું આધારકાર્ડવાળું પરમેનન્ટ સરનામું કર્ણાટકનું દેવાનગરી, પણ વેપાર, વિસ્તાર મહારાષ્ટ્ર-આંધ્રમાં. ગેંગના સભ્ય લૂંટના સ્થળની આસપાસની લોજમાં રહે. દરેક લૂંટ બાદ હરીશબાબુ માથું મુંડાવી નાખે. માહિતી હોવા છતાં બંને વિલન લાપતા. પહેલીવાર મર્ડર ને પાછું પોલીસનું. સેક્શન લાલચોળ થઈ ગયું. ગભરાટમાં બંને ક્યાંય પલાંઠી વાળીને બેસે નહીં. જગ્યા બદલે ને સિમકાર્ડ પણ. મર્ડર બાદ ઘરે જઈને થીમ્મક્કા પાસેથી રોકડા લઈને ગયા ચિત્રદુર્ગ. નવટાંક આરામ બાદ બસમાં આંધ્રના કુર્નુલ, ત્યાંથી મહેબુબનગર. પાછા ગજવાં ખાલી. જોકે, પોલીસે થીમ્મક્કાને દેવાનગરીથી ઊંચકી લીધી. અમુક સંબંધીય બન્યા છે પોલીસના પરોણા. ગભરાટમાં રાતોરાત સિકંદરાબાદ પહોંચ્યા. નિર્ણય લીધો કે ભારત છોડીને નેપાળ જઈએ. મુસાફરી-ટિકિટ માટે વધુ પૈસાની જરૂર પડી. ફરી કુર્નુલ પહોંચ્યા. પ્લાન એવો કે વાયા નાગપુર ટ્રેનમાં દિલ્હી, ત્યાંથી સીધા નેપાળ. પછી કોણ પકડવાનું? પોલીસને અંધારામાં દીવો દેખાયો. હરીશ ભીડમાં ભળી જવા ટ્રેનમાં મુસાફરી કરે છે. કર્ણાટક, આંધ્ર અને મહારાષ્ટ્રના રેલવે સ્ટેશનો પર બાજનજર મંડાઈ. પ્રવાસીઓ પાસેથી ખબરીનું કામ લેવાનું શરૂ થયું. ફોટા બતાવીને અણસાર અને સગડ મેળવ્યા. આગળની દિશાનો કયાશ મળ્યો. હરીશને નેપાળી લલના દેખાવા માંડી તો મધુનું મન ઈલુ ઈલુ કરવા માંડ્યું. દેશ છોડતાં પહેલાં મધુ કોલેજિયન ગર્લફ્રેન્ડને મળવા અધીરો થયો. બંને હૈદરાબાદથી દિલ્હી જતી આંધ્રપ્રદેશ એક્સપ્રેસમાં બેઠાં. આ ડામીસો ગમે ત્યાં ઉતરીને ઓગળી ન જાય એટલે દિલ્હી ઉપરાંત નાગપુર પોલીસને સતર્ક કરાવ્યાથી બંને અજાણ. ટીમ નાગપુર બમણા જોશમાં, કારણ કે અણગમતા મહેમાનો શહેરમાં ઘૂસતા રોકવાની મક્કમતા. સ્થાનિક પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ સ્ટેશને તૈનાત. અંતે હરીશ-મધુની ગુનાખોરીની મુસાફરીને નાગપુરમાં બ્રેક લાગી. પકડાયા બાદ પસ્તાવા વગર હરીશે ડંફાશ હાંકી. ‘જગદીશની પિસ્તોલ લઈને હું ભાગી શક્યો હોત, પણ પોલીસને સતર્ક કરાવાથી અમે પકાડાયા હોત. પછી જેલમાં પાશવી મારપીટ. માટે વર્દીવાળા પર વેર વાળવું હતું, ને મોકો મળી ગયો જગદીશના પડવાથી.’ મર્ડરના સમયે માદક પદાર્થ લીધા હતા. નશા, ડર અને રંજીશે મિનિટોમાં ઘણી જિંદગી બદલી નાખી. જગદીશના વયોવૃદ્ધ માતા-પિતા, પત્ની અને ત્રણ વર્ષની દીકરીને વગર વાંકે સજા મળી. મીડિયા શરૂમાં ‘હત્યારે બાપ-બેટે’ના બ્રેકિંગ ન્યૂઝ બાદ મધુ તો હરીશનો ચેલો હોવાની હકીકતને ગળી ગઈ. એક સવાલ આજેય અનુત્તર છે કે જગદીશની રિવોલ્વરમાં એકેય બુલેટ કેમ નહોતી? {

અન્ય સમાચારો પણ છે...