એક સમય એવો હતો (ને કેટલેક અંશે આજે પણ) કે કોઇ પણ કવિ-સંમેલન મનોજ ખંડેરિયાની આ કાવ્યપંક્તિઓથી જ શરૂ કરવામાં આવતું! : ‘રસમ અહીંની જુદી ને નિયમ સાવ નોખા, અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા…’ મૃદુ સ્વભાવના આ કવિની કાવ્યબાનીનું રેશમી પોત આજેય ભાવકને ભીંજવે છે. કવિ-સંમેલનોમાં મનોજની બીજી બે ગઝલોના શેર આજે પણ અચૂક બોલવામાં-કહેવામાં આવે છે : 1. ‘મને સદ્્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે!’ 2. ‘પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને!’ મનોજની સંવેદનામાં ઊંડાણ અને આલેખનમાં અધ્યાત્મ કે દર્શન હોય છે. અનેક સંદર્ભોથી સભર એમની કવિતામાં વ્યંજના પ્રગટતી રહે છે – ને છતાં એમાં સહજતા છે, સરળતા છે. મનોજ, રમેશ પારેખની પેઢીના, આપણા ઉત્તમ ગઝલકારોમાંના એક કવિ છે! એમની કવિતા અભિધાથી ઉપર, હંમેશાં લક્ષ્યાર્થો-વ્યંજનાર્થોમાં વિહરતી જોવા મળે છે. 1960નાં વર્ષોમાં કાવ્યાલેખન આરંભનાર મનોજને બહાઉદ્દીન કોલેજમાં ભણાવતા ગુરુજી – પ્રો. તખ્તસિંહ પરમારે કહેલું કે, ‘કવિતા છપાવવાની ઉતાવળ નહીં કરતો.’ ને મનોજે છેક 1965માં મણિલાલ દેસાઇ જેવા મિત્રોના આગ્રહથી બે ગઝલો પ્રકાશિત કરવા ‘કુમાર’માં મોકલેલી. વળી, કાવ્યસંચય તો એથીય મોડા 1970માં ‘અચાનક’ નામે પ્રગટ કરેલો. આ જ વર્ષોમાં રાજેન્દ્ર શુક્લનો ‘કદાચ’ અને રમેશ પારેખનો ‘ક્યાં?’ કાવ્યસંચય પ્રગટ થયેલા. રાવજીનો ‘અંગત’ પણ (મરણોત્તર) આ જ વર્ષોમાં આવેલો! કવિતાની વસંત બેઠી હતી જાણે! મનોજ ખંડેરિયાનો જન્મ તા. 6-7-1943માં વતન જૂનાગઢ ખાતે થયો હતો. માતા વિજ્યાબહેન. પિતા વ્રજલાલભાઇ મહેસૂલી અધિકારી હોવાથી બદલીઓ થતી રહેતી. આથી મનોજનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ધોરાજી, વેરાવળ, મોરબી, રાજકોટ, જામનગર ખાતે થયેલું. 1965માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી બી.એસસી. થઇને વકીલાત આરંભી. થોડો સમય વકીલાત, સાથે કોમર્સ કોલેજમાં ‘વાણિજ્ય કાયદો’ ભણાવતા. 1984થી વળી પથ્થરની ખાણ-ક્ષેત્રમાં દાખલ થયા અને ઉદ્યોગ ક્ષેત્રે પણ નામ કમાયા. પૂર્ણિમાબહેન સાથે લગ્ન કરેલું – વાણી અને રુચા તથા અભિજિત : ત્રણ સંતાનો! ‘અચાનક’ સંચય પછી ‘અટકળ’, ‘અંજનીકાવ્યો’, ‘હસ્તપ્રત’ અને ‘ક્યાંય પણ ગયો નથી’ – કાવ્યસંચયો પ્રકાશિત થયા હતા. 1994માં ‘કોઇ કહેતું નથી’ નામે એમની ગઝલોનું સંપાદન (નીતિન વડગામા) અને 2004માં ‘એમ પણ બને’ નામે એમનાં સવાસો કાવ્યોનું સંપાદન પણ આવ્યું હતું! ‘અંજની’ છંદનો પ્રયોગ કવિ કાન્તે કરેલો. એ પછી મનોજે એક આખો કાવ્યસંચય ‘અંજનીકાવ્યો’ નામે 1991માં પ્રગટ કરેલો. એમનાં થોડાંક પણ પાણીદાર ગીતો જાણીતાં છે. દા.ત. ‘આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ/ગયું મારામાં કોઇ જરા જોઇને! ‘શાહમૃગો’ એમનું દીર્ઘકાવ્ય પણ અભ્યાસીઓ સામે પડકાર બની રહેલું! મનોજ સૌમ્ય, વિવેકી, લાગણીશીલ, ઓછાબોલા માણસ! પરંતુ એમની સમજસૂઝ તરત વર્તાઇ આવે. અનેકોના પ્રિયજન એવા મનોજનું ઉત્તમ સર્જન તો એમની ગઝલો જ છે! જીવાતા જીવનને અને પ્રકૃત્તિ સાથેના તાદાત્મ્યને વણી લેતી એમની ગઝલો ઘણી વાર ‘મરીઝ’ની કક્ષાએ પહોંચતી પમાશે!! ‘પીંછું’ અને ‘રેતી’ જેવી સ્થૂળ વસ્તુઓ વિશેની મનોજની, પ્રારંભિક કાળમાં લખાયેલી (મુસલસલ) ગઝલોએ, એમાંની કલ્પનસૃષ્ટિ, સહજ પ્રવાહિતા અને અર્થસમૃદ્ધિને લઇને ધ્યાન ખેંચ્યું હતું! પંખીની પાંખથી ખરતું પીંછું હવામાં કેવું શિલ્પ કોરી જાય છે! – એની વાત કરી હતી. બપોરે ‘તરસી થયેલી રેતી ખજૂરીના પડછાયા પી જાય છે’ – એવો કવિને જ સૂઝતો વિચાર ધ્યાન ખેંચે છે. કવિ કહે છે : ‘પગો તો પગરખાં પહેરી ફરે/પણ પગલાંનું શું જ્યારે તપી જાય રેતી?!’ અહીં વ્યંજિત થતો માનવભાવ આસ્વાદ્ય છે. ‘આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કૈં નથી : પગલાં વસંતનાં!’ પ્રકૃતિનું જીવંત ચિત્રણ મનોજની કલમને સહજ ઉપલબ્ધ છે : ‘કોક સમયના પરવાળામાં/ફૂલો બેઠાં ગરમાળામાં!’ ગઝલ બીજાને મન મનોરંજન હોઇ શકે– મનોજ તો એને શ્વાસ-પ્રાણ સમાણી અનુભવે છે ને એ રીતે આરાધે છે. જીવન રહસ્યમય છે. તત્ત્વ દર્શન વડે એને સમજવાની કવિ મથામણ કરે છે. એક બાજુ પહાડ ને બીજી બાજુ ખીણ! માલિક આપણને ધારોધાર રાખે છે ને કારોબાર એના હાથમાં રાખી અને માણસને બારોબાર રાખે છે! આવી કસોટીમાં જીવનારા જ સારું જીવે છે – બાકી ‘શતાયુ’ તો ઘણા થતા હોય છે. કવિની આ સમજ એમની ઉત્કૃષ્ટ ગઝલોમાં પમાય છે. પીડા અને પડકારને ઉપાડીને જીવતો કવિજીવ માર્મિક ગઝલો રચે છે! ટહુકતો મોર અને ખીલેલો ગુલમોર પણ કાયમ નથી રહેતા. કવિ એ પ્રમાણે છે ને એટલે તો કહે છે કે : ‘આ સીધી વાટ છોડીને ચાલ્યો જવાનો સાવ/શબ્દો સપાટ છોડીને ચાલ્યો જવાનો સાવ/સમૃદ્ધિ આ અખંડ દીવાની તને દઇ -/ઘર ઝળહળાટ છોડીને ચાલ્યો જવાનો સાવ…’ ને આ ઋજુ હૃદયનો અને મુલાયમ સ્વભાવનો કવિ મનોજ ખંડેરિયા તા. 27-10-2003ના રોજ કેન્સરની માંદગીમાંથી સદાને માટે જીવનમુક્ત થઇ ગયો!!⬛ manilalpatel911@yahoo.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.